Opinion Magazine
Number of visits: 10080926
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ના, એ સવાર આ તો નથી : સંવિધાન, તું ક્યાં  છો, ભલા?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 November 2025

બંધારણ દિવસ

દેશનું વાસ્તવિક ચિત્ર શું છે?

બેલ એ નિયમ ને જેલ એ અપવાદ, એ સોનેરી સુવાક્ય અભરાઈએ અંગડાઇ લેતું હોય તો ભલે, અહીં લોક સારુ ઊભવું ને બોલવું એ સ્વતઃ સિદ્ધ અપરાધ હોઈ શકે છે 

પ્રકાશ ન. શાહ

સંવિધાન દિવસનાં સત્તાવાર ઉજવણાં વચ્ચે દેશનું વાસ્તવચિત્ર શું છે? 1977ના માર્ચમાં જ્યારે કથિત ‘બીજા સ્વરાજ’નો આનંદ મનાવાતો હતો, ત્યારે કેટલીક બાબતોમાં આમૂલ તપાસ અને ફેરવિચારની એક પ્રક્રિયા શરૂ થઈ હતી તે આ ક્ષણે સાંભરે છે. આપણી જેલોમાં અંડર ટ્રાયલ કેટલા છે, અને કેટલા સમયથી તે જેલબંધ છે. તપાસનો નતીજો જાડી છાપની રીતે કહેતાં સીધોસાદો એ હતો કે જે પ્રકારના ‘ગુના’ સબબ હજારો લોકોને જેલમાં ગોંધી રખાયા છે, હજુ જેમના પર કામ ચલાવી નિકાલ નથી અણાયો તે પૈકી અધઝાઝેરા કે કદાચ એથીયે વધુ તો એટલા લાંબા ગાળાથી છે કે જો સજા થઈ હોત તો ક્યારનાયે છૂટી ગયા હોત. આવી તપાસ આજે, સને 2025માં હાથ ધરાય તો તત્ત્વતઃ કદાચ જુદું કંઈ કહેવાનું રહે જ નહીં. માનો કે થોડો સુધારો થયો હોય તો તે દરિયામાં ખસખસ જેટલો એટલે કે નામ કે વાસ્તે હોય તો હોય. 

નાગરિકશાસ્ત્રના વિદ્યાર્થીઓમાં વળી હર પાઠ્યપુસ્તકપ્રિય રહ્યો છે. દાખલો દાયકાઓ સુધી અપાતો રહ્યો છે. માનવસમાજ એ કેવી મોટી, મૂળભૂત મહત્ત્વની ને જરૂરતની બાબત છે એના નાટ્યાત્મક ગૌરવ જેવો આ દાખલો એક સામુન નામના બાળકનો છે. ન જાણે કેટલી પેઢીઓ એ ભણી ઊતરી હશે. જંગલમાં કુટુંબથી, બચાડું બચ્યું ને જાણે કેટલા મહિનાનું કે બહુ બહુ તો વરસ બે વરસનું, તે છુટુંપડી ગયું. દસબાર વરસથી વયે એને વસ્તીમાં લવાયો ત્યારે એ વાતચીત નહોતો કરી શકતો. માત્ર પશુની પેઠે અવાજ કાઢી વાત કરવાનો કોશિશ કરતો હતો. દેખીતી રીતે જ, સહજ સામાજિક સંપર્કના અભાવનું આ સીધું પરિણામ હતું. અમે અધ્યાપકો આ દાખલાને વળગી પડતા અને મોટે સાદે સમાજના મહિમાનો, મનુષ્યના વિકાસમાં માનવ-માનવ વચ્ચેના સંપર્કનો આરડી આરડીને ઉદ્ઘોષ કરતા …. આગલીપાછલી પેઢીઓની એ જુગલબંદી! કોણ કહે છે, આપણે ત્યાં પરંપરાનું ગૌરવ નથી ?

1977-79ના ગાળામાં જે બધી જેલતપાસ તરેહની કોશિશ ને કારવાઈ થઈ એનો અશ્વિની સરીન જેવા પત્રકારોએ ખુદ અંડરટ્રાયલ બનીને આછો હેવાલ આપ્યો હતો. આ બધા હેવાલોમાં કવચિત કવચિત એવી વિગતો આવતી જે આપણે કઈ હદે હજુ સ્વરાજ ખરેપાત હાંસલ નથી કર્યું એની શરમજનક સાહેદી આવતી. બેજીવાતી ઓરત, ન જાણે ક્યા ને કેવા ‘ગુના’ સબબ જેલમાં ગોંધાઈ હોય. જેલમાં જ બાળકનો પ્રસવ થયો. એ દસબાર વરસનો થયો ત્યાં સુધી આ અંડરટ્રાયલ ઓલાદને બહારની દુનિયા કે સમાજ શું એની કશીયે ખબર ક્યાંથી હોય. વરુબાળ શમુનો દાખલો પેઢાનપેઢી એની એ જ નોટબુકે ઊતરી ઊતરી મુલ્કમશહૂર થઈ ગયો હશે, પણ અંડરટ્રાયલ બેજીવાતીની ઓલાદને એટલાયે ઉલ્લેખનું માન ક્યાંથી? ભલે ને પ્રજાસત્તાક સ્વરાજ હોઈએ, અમારા વર્ગખંડોને વળી આવી તેવી વાતોથી શા વાસ્તે અભડાવીએ. 

કટોકટીરાજ સામે આપણે લડ્યા કેહવાઈએ છીએ અને સંવિધાન હત્યા દિવસને નામે ખાસ ઉજવણાં કરીએ છીએ ત્યારે ‘મિસા’ હેઠળની ‘અધર ધેન એન્ટિસોશ્યલ’ અટકાયતોનો દોર હતો. આજે, નમૂના દાખલ, ભીમા કોરેગાંવ કેસના અટકાયતીઓથી માંડી સોનમ વાંગચૂક સરખા લોકશાહી લડવૈયા ને વિરલ પ્રતિભાને હિસ્સે જેલ છે. રાજદ્રોહથી માંડી નક્સલ પ્રકારનાં ખરાખોટા મુદ્દા ઉછાળતા તંત્રને ન્યાયતંત્રની મુદતિયા શૈલી પણ ખાસી માફક આવી ગયેલ છે. માણસ ખાક થઈ જાય ત્યાં સુધી એને ગોંધી રાખી ‘પુરાવા’ઓ શોધ્યા કરો! ઘણું ખરું તો એ નહીં જન્મેલા બાળકની ભાળનો મામલો હોય તો હોય. ‘જેલ’ નહીં પણ ‘બેલ’, એ અલબત્ત સોનેરી સુવાક્ય! દીવાલે ટિંગાડો, છાપે ચડાવો … બાકી. અભરાઈ માતાની જય હોય.

એક સિનિકની પેઠે લખાયું લાગે, પણ છેવટે એ છે તો એક નાગરિકની નાભિમાંથી નીકળેલી હાય ને હૈયાવરાળ. જે સવાર માટે ગાંધીનેહરુપટેલ કે ભગતસિંહથી માંડી આંબેડકર લગીના લડ્યા હતા, તે આ તો નથી … સંવિધાન, તું ક્યાં છો.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 26 નવેમ્બર 2025

Loading

સંવિધાન દિવસ : ઇતિહાસ, વિરાસત અને વર્તમાન પડકારો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 November 2025

આપણે બંધારણના સિદ્ધાંતો અને આંબેડકરના વિચારોને ખરેખર ઊજવીએ છીએ? કે ખરા અર્થમાં સમજીએ છીએ ખરા?

પ્રકાશ ન. શાહ

બરાબર દસ વરસ થયાં આજે ન.મો. સરકારે હર 26મી નવેમ્બરે સંવિધાન દિવસ મનાવવાનો ચાલ શરૂ કર્યાને. 2015નું વરસ આંબેડકરનું એકસો પચીસમું વરસ હતું એ નિમિત્ત પકડીને ત્યારે સરકારે આ ગેઝેટબદ્ધ જાહેરાત કરી હતી.

સંવિધાન કહેતાં બંધારણ વિશે, એની આણ-આમન્યા-અવકાશ વિશે શાસનકર્તાઓમાં તેમ નાગરિકોમાં પરસ્પર સમજ ને સમાદર રહે તેમ જ યથાપ્રસંગ ભિન્નમત અને વિરોધ સારુ મોકળાશ રહે એ વાસ્તે આ પ્રકારનાં આયોજનોની અવશ્ય એક ભૂમિકા છે. સ્વરાજ લડત સાથે સીધા સંબંધ વગરનાં બળો આજે સત્તારૂઢ છે ત્યારે પશ્ચાદવર્તી ધોરણે તેઓ સુડતાલીસ પૂર્વ સંધાનની કોશિશમાં હોય પણ સ્વાભાવિક જ છે.

જેના ઘડતરમાં આંબોડકરનો અગ્રફાળો હતો તે સંવિધાન અમલમાં આવ્યું 1950ના જાન્યુઆરીની છવ્વીસમીએ. પસાર તો થઈ ગયું હતું આશરે ત્રણેક વરસ જેટલી કવાયત પછી 1949ના નવેમ્બરની 26મીએ. પ્રજાસત્તાક તરીકે વિધિવત અમલમાં આવવાનું થયું તે 1950ના જાન્યુઆરીની 26મીએ, કેમ કે 1929માં જવાહરલાલ નેહરુના પ્રમુખપદે, ત્યારે તો રાષ્ટ્રીય ચળવળવત કાઁગ્રેસે મુકમ્મલ આઝાદીનો ઠરાવ કર્યો એને પગલે 1930થી હર 26મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવાનું શરૂ થયું હતું. હાલ શાસનમાં બેસેલ વિચાર પરિવાર, આ બધા છૂટી ગયેલા તાંતણા સાથે જોડાય એથી રૂડું શું.

આંબેડકર 125નું ઓઠું લેવાઈ જ રહ્યું છે ત્યારે એ સંભારવું રસપ્રદ એટલું જ દિશાપ્રદ પણ બની રહેશે કે 26મી નવેમ્બરના પૂર્વ દિવસે, 25મી નવેમ્બરે, એમણે ગૃહમાં શું કહ્યું હતું. એમણે કહ્યું હતું કે રાજકીય સમાનતા, એક માથું – એક મત, અમલમાં આવે છે, પણ આર્થિક સામાજિકતા વિષમતા બરકરાર હોય એનું શું. દેખીતી રીતે જ, બંધારણે બક્ષેલ મૂળભૂત અધિકારો તેમ જ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉજાસમાં સમતા ને ન્યાયની બાકી અગર ચાલુ લડાઈનો ઊહાપોહભેર એક સંકેત એમાં પડેલો હતો.

હાલનો સત્તા પરિવાર એટલે કે એના તત્કાલીન પુરોગામીઓ સંવિધાન નિર્માણની પ્રક્રિયા પરત્વે શું વિચારતા હશે? સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’ની ફાઈલો જોઈએ તો હાય રામ, આ બંધારણમાં મનુસ્મૃતિનો ન તો મહિમા છે, ન તો તેને કોઈ સ્થાનમાન સુદ્ધાં છે. સાવરકર સમગ્રમાં તેમ બીજા સરસંઘચાલક ગોળવલકરના ‘બન્ચ ઓફ થોટ્સ’માં આ વાત ઊના ઊના નિસાસા કરતાં વધુ તો આક્રોશી ઢબે ઇતિહાસદર્જ છે.

1946-49ના ગાળામાં બંધારણ સભાની જે કામગીરી ચાલી એને અંગે દિશાસૂચક સામગ્રી પણ સ્વરાજ લડતમાં પડેલી હતી. કાઁગ્રેસે સોંપેલ કામગીરી સર મોતીલાલ નેહરુએ ઘડેલ બંધારણ મુસદ્દો 1928માં બહાર આવ્યો એમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, સ્વતંત્રતા ને સમાનતા તેમ લઘુમતીઓના અધિકારી વગેરે વાનાં કાનૂની પરિપાટીમાં અક્ષર રૂપ પામ્યાં હતાં. 1930માં મીઠાની લડત સાથે નાત-જાત-કોમ-લિંગ એકે ભેદ વગરનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો. 1931માં ભગતસિંહની શહાદત સાથે ક્રાંતિની વ્યાખ્યા નકરા બોમ્બવાદમાં નહીં અટવાતા આર્થિક-સામાજિક ન્યાયમાં ઠરી. એ જ વરસે વલ્લભભાઈના પ્રમુખપદે કરાચી કાઁગ્રેસે મૂળભૂત અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1931માં પુના કરાર સાથે સર્વસમાવેશી રાજકીય પ્રથાપૂર્વક સામાજિક બદલાવની દિશામાં કદમ ભરાયું. 1946-1949ની ચર્ચાઓની પૂંઠે પડેલી આ ઇતિહાસ સામગ્રી વિશે, મોડે મોડે એની સાથે સંધાન શોધનારને કશીક તો ખબર હોવી જોઈશે.

ગાંધીની સલાહ સાથે જેમાં મુખર્જી ને આંબેડકર જેવા કાઁગ્રેસ વિરોધીઓ પણ હોઈ શકે એવા સમાવેશી અભિગમપૂર્વક નેહરુ પ્રધાનમંડળે સ્વરાજ કૂચ આદરી તેમાંથી કાળક્રમે આંબેડકર છૂટા થયા, કેમ કે અબઘડી હિંદુ કોડમાં સુધારાની એમની તીવ્રતા અને તાલાવેલી અંગે સત્તામાં કેટલાંક તત્ત્વો ને પરિબળો સંમત નહોતા. બહારનાં બળોમાં રામલીલા મેદાનમાં મોટી વિરોધ રેલી યોજનારાઓમાં સંઘ પરિવારની પહેલ ભાગીદારી હતી.

આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે હિંદુ સમાજમાં વર્ણ અને લિંગ ગત ઊંચનીચ તેમ જ ભેદભાવ લગભગ પ્રાણરૂપ મહત્ત્વ ધરાવે છે. એની નાબૂદી વગર અમથા અમથા કાયદા ઘડ્યે કશો શક્કરવાર વળવાનો નથી. નેહરુ અલબત્ત પ્રગતિશીલો સાથે હતા અને એમણે કટકે કટકે કોડ બિલ પસાર કરાવી જાણ્યું.

વર્તમાન શાસન એના પૂર્વસૂરિઓની પેઠે સત્તાવારપણે મનુસ્મૃતિની હિમાયતમાં જણાતું નથી એ સાચું, પણ બંધારણ દિવસના ગર્જનતર્જન સાથે પોતે ક્યારેક ક્યાં હતા ને કેવી ખોટી લાઈન પકડી હતી એવી કોઈ આત્મનિરીક્ષણની ઈન્દ્રિય એની કને છે કે કેમ તે તો આપણે જાણતાં જાણીશું.

હમણે હમણે સંઘ વર્તુળોએ ફેરઉછાળેલો મુદ્દો બંધારણના આમુખમાંથી સેક્યુલર ને સોશ્યલિસ્ટ એ સંજ્ઞાઓ પડતી મૂકવાનો છે. એક વાત સાચી કે આમુખમાં આ બે શબ્દો કટોકટીકાળે ઉમેરાયા હતા તે વાતે કંઈક અસુખને અવકાશ હોઈ શકે છે. પણ આ પક્ષ પરિવારના વિચારબંધુઓએ સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં ત્યારે તત્કાલીન વડા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના વડપણ હેઠળની ખંડપીઠે સ્પષ્ટ કર્યું જ હતું કે બંધારણીય સુધારાની જોગવાઈ હેઠળ આમુખમાં ઉમેરો વૈધ છે. ઉપરાંત, આપણને અભિમત અર્થ સેક્યુલર કહેતાં સર્વ ધર્મ માટે સમાદરનો અને સોશ્યલિસ્ટ કહેતાં આર્થિક-સામાજિક શોષણમાંથી મુક્તિનો છે. એ રીતે આ બંને સંજ્ઞાઓ સંવિધાનના બુનિયાદી માળખાનું અભિન્ન અંગ છે.

આ બધું સમજીને આત્મનિરીક્ષણપૂર્વક આગળ ચાલવું તે ખરો પડકાર છે. સંવિધાન હત્યા દિવસ જેવાં ઉજવણાં દાખલ કરીને કટોકટીવિરોધ જેવા સાચા મુદ્દાને પક્ષીય ઓજાર તરીકે વાપરવાનું રાજકારણ આ સંદર્ભમાં પુનર્વિચાર માગે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 નવેમ્બર  2025

Loading

બંધારણનું અદ્વિતીય આમુખ અને અમે ભારતના લોકો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 November 2025

ચંદુ મહેરિયા

‘અમે ભારતના લોકો’ શબ્દોથી શરૂ થતું ભારતના બંધારણનું કાવ્યાત્મક આમુખ અદ્વિતીય છે. બંધારણનું આમુખ, પ્રસ્તાવના, ઉદ્દેશિકા કે Preamble બંધારણનું અભિન્ન અંગ છે. તેમાં બંધારણનાં મૂલ્યો, ઉદ્દેશ, આદર્શ, ધ્યેય અને દર્શન સામેલ છે. નાનકડા આમુખમાં સમગ્ર બંધારણનો સાર સંગૃહિત છે. તે અદાલતોને કાયદા અને બંધારણની જોગવાઈઓની વ્યાખ્યા કરવામાં મદદ કરે છે.

ભારતના લોકોએ ઘડેલું અને પોતાને સમર્પિત આમુખ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણસભાએ સ્વીકાર્યું હતું તથા ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના પ્રજાસત્તાક દિવસથી બંધારણ અમલી બન્યું છે. 

આમુખનું સંવિધાનના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. બંધારણસભાની પ્રથમ બેઠકમાં જવાહરલાલ નહેરુએ બંધારણના ઉદ્દેશોનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે જ પછીથી આમુખમાં સમાવવામાં આવ્યા છે. ભારતના લોકતંત્રના આધારસમા આઝાદી આંદોલનનાં જે મૂલ્યોથી તે પ્રેરિત થયું છે અને માર્ગદર્શક નીવડ્યાં છે તેને જ આમુખમાં સામેલ કર્યા છે. બંધારણના વિવિધ અનુચ્છેદ અને જોગવાઈઓ આમુખને અનુરૂપ છે. આમુખમાં એ તમામ અધિકારો અને સ્વતંત્રતાની ઘોષણા કરી છે જે ભારતના લોકોએ બંધારણસભા મારફત તેના તમામ નાગરિકો માટે સુનિશ્ચિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 

ભારતનું બંધારણ લેખિત અને દીર્ઘ છે. જો કે લેખિત બંધારણનો આરંભ સત્તરમી સદીમાં થયો હતો. યુરોપિયન દેશ સ્વીડને ઈ.સ. ૧૬૩૪માં સૌ પ્રથમ લેખિત બંધારણ તૈયાર કર્યું હતું. દુનિયાના અનેક દેશોના બંધારણોની પ્રસ્તાવના કે આમુખ અમેરિકી બંધારણની પ્રસ્તાવનાથી પ્રેરિત છે. ભારતીય બંધારણનું આમુખ પણ તેમાંથી બાકાત નથી. ઈ.સ. ૧૭૭૬ના ‘અમેરિકન ડેકલેરેશન ઓફ ઇન્ડીપેન્ડન્સ’ સાથે ભારતના બંધારણનું આમુખ ઘણું સામ્ય ધરાવે છે.

આમુખનો આરંભ ભવિષ્યનું ભારત કેવું હશે તેનાથી થાય છે. ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીપ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાની  આમુખમાં ઘોષણા કરે છે. અહીં જે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક ભારતનો ઉલ્લેખ છે તે મૂળ આમુખમાં નહોતો. ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન અનેક બંધારણ સુધારા થયા હતા. ૧૯૭૬ના બેતાળીસમા બંધારણ સુધારાથી આમુખમાં આ શબ્દો (સમાજ્વાદી અને બિનસાંપ્રદાયિક) ઉમેરાયા હતા. ભારતને સાર્વભૌમ રાષ્ટ્ર ઘોષિત કરીને આપણે સ્પષ્ટ કર્યું છે કે તે એક સ્વતંત્ર દેશ છે અને કોઈપણ બાહ્યશક્તિને અધીન નથી. સમાજવાદીનો અર્થ સમાજવાદી અર્થવ્યવસ્થાને બદલે કલ્યાણ રાજ્ય હોવાનું જણાવાયું છે. ૧૯૪૭માં અંગ્રેજોની ગુલામી ફગાવી તે સાથે જ ભારત લોકશાહી દેશ બન્યો હતો અને ૧૯૫૦માં બંધારણના અમલ સાથે તે પ્રજાસત્તાક છે. એટલે અહીં કોઈ રાજાનું રાજ્ય નથી પણ લોકશાહી ઢબે ચૂંટણીઓ દ્બારા ચૂંટાયેલી સરકાર છે. 

ભારતના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો પણ આમુખમાં સંકલ્પ વ્યક્ત થયો છે. આમુખની આ ભાવના કોઈ કોરી કલ્પના નથી. પરંતુ બંધારણના મૂળભૂત અધિકારોમાં આ અધિકારો સામેલ કરવામાં આવ્યા છે. ભારતના લોકોએ વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વકનો સંકલ્પ પણ આમુખમાં અંતે વ્યક્ત કર્યો છે. 

બાબાસાહેબ આંબેડકરે બંધારણસભા સમક્ષના તેમના અંતિમ ભાષણમાં ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે, “માત્ર રાજકીય લોકતંત્ર પર આપણે મન મનાવી લેવાનું નથી. આપણા રાજકીય લોકતંત્રનું આપણે સામાજિક લોકતંત્રમાં પરિવર્તન કરવું જોઈએ. સામાજિક લોકતંત્ર એક જીવન માર્ગ છે. જે સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતાને જીવન તત્ત્વના રૂપમાં માન્યતા આપે છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, આ ત્રણેયનો અલગ અલગ વિચાર કરી શકાય નહીં. સમાનતાથી સ્વતંત્રતા અલગ નથી. સમાનતા વિના સ્વતંત્રતા સંભવ નથી. બંધુતા વગર સ્વતંત્રતા અને સમાનતા સ્વાભાવિક રીતે જ અસ્તિત્વમાં હોતી નથી”. આમુખમાં ઉલ્લેખાયેલા સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાને ડો. આંબેકરના આ શબ્દો સાથે મૂલવીને તેનો અમલ કરવાનો છે.

આંતરિક કટોકટી પછી સત્તામાં આવેલી જનતા પક્ષની સરકારે ઇન્દિરા ગાંધીના અનેક બંધારણ સુધારા ફગાવ્યા હતા. પરંતુ આમુખમાં ઉમેરાયેલા સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા  શબ્દોમાં સુધારા કર્યા નહોતા. સર્વોચ્ચ અદાલતે પણ આમુખને બંધારણનો હિસ્સો માન્યો છે, તેમાં ઉમેરાયેલા શબ્દોને બંધારણીય ઠેરવ્યા છે અને આમુખ પણ બંધારણનું બેઝિક સ્ટ્રકચર છે તેમ સ્પષ્ટ કર્યું છે. 

આમુખમાં થયેલા ઉમેરાને રાજકીય ગણવામાં આવે છે અને અવારનવાર તેને દૂર કરવા કે સુધારવાની માંગણી સંસદમાં અને સડકો પર થાય છે. ૨૦૨૧-૨૨માં ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સાંસદ કે.જે. અલ્ફાંસે સમાજવાદી સહિતના કેટલાક શબ્દોના સ્થાને બીજા શબ્દો મૂકવાનો બંધારણ સુધારો બિનસરકારી વિધેયક મારફતે રાજ્યસભામાં મૂક્યો હતો. ઓડિશાના બીજુ જનતાદળના એક સાંસદે આમુખમાં અહિંસા શબ્દ ઉમેરવા બિનસરકારી બિલ રજૂ કર્યું હતું. 

જુલાઈ ૨૦૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોને આમુખમાંથી દૂર કરવા રાષ્ટ્રીય ચર્ચાની માંગ કરી હતી. તત્કાલીન રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ આ માંગણીનું સંસદ બહાર સમર્થન કર્યું હતું. આ સંદર્ભમાં સમાજવાદી પક્ષના સાંસદ રામજીલાલ સુમને લોકસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. તેના લેખિત જવાબમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો અંગે પુનર્વિચારનો સરકારનો ન તો કોઈ ઈરાદો છે કે ન તો કોઈ યોજના છે. તેમ છતાં આમુખમાં સુધારા-વધારા અંગેની ચર્ચા અવારનવાર ઉઠતી રહેવાની છે. 

જસ્ટિસ એચ.આર. ખન્નાના મતે આમુખ બંધારણની વ્યાખ્યા માટે એક માર્ગદર્શકનું કામ કરે છે. પંડિત નહેરુ આમુખને બંધારણનો આત્મા ગણાવે છે. બંધારણસભાના સભ્ય અલ્લાદી કૃષ્ણ સ્વામી આયંગર આમુખને આપણા દીર્ઘકાલીન સપનાંઓનો વિચાર કહે છે. અન્ય સભ્ય પુનિત ઠાકુર દાસ આમુખને બંધારણનો સૌથી કિંમતી હિસ્સો, આત્મા અને ચાવી કહે છે. આમુખ ભારતીય લોકશાહીમાં નાગરિકોના અધિકારો, કર્તવ્યો અને સંકલ્પોની મૌલિક રૂપરેખા છે. નવેમ્બર ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે બંધારણ સુધારાથી ઉમેરાયેલા શબ્દો સહિતના આમુખને બંધારણનો હિસ્સો ગણ્યું છે. એટલે તે અંગેનો વિવાદ પૂર્ણ થવો જોઈએ. 

બંધારણનું આમુખ માત્ર ભારતના લોકતંત્રનાં મૂલ્યોનું પ્રતિબિંબ જ નથી, તે ભારતીય સમાજનો સમાનતા અને ન્યાય પ્રત્યેનો સંકલ્પ પણ છે. બંધારણ શું હાંસલ કરવા માંગે છે અને તેનું લક્ષ્ય શું છે તે આમુખમાં દર્શાવ્યું છે. બંધારણના અંતે ઘડાયેલું અને જબલપુરના બ્યોહર રામમનોહર સિન્હાએ ડિઝાઈન કરેલ બંધારણના આમુખનો ઉદ્દેશ એક એવા દેશના નિર્માણનો છે જ્યાં દરેક નાગરિકને લાગે કે અહીં બધાં સમાન છે અને શાંતિ, એકતા તથા ભાઈચારાથી રહે છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...172173174175...180190200...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved