Opinion Magazine
Number of visits: 10,221,649
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇથોપિયાને છીંક આવી, ભારતને શરદી થઇ ગઈ : હેલી ગુબ્બી જ્વાળામુખી રાખ સંકટ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 November 2025

12,000 વર્ષ જૂના જ્વાળામુખીએ કેવી રીતે ભારત–યુરોપ હવાઈ માર્ગોને ખલેલ પહોંચાડી અને ઉડ્ડયનની નાજુકતા ઉજાગર કરી

ચિરંતના ભટ્ટ

છેક ઇથોપિયાનામાં 12,000 વર્ષ પછી અચાનક એક જ્વાળામુખી સક્રિય થયો અને એ વિસ્ફોટે ભારતના હવાઈ ક્ષેત્રના હિસ્સાઓને હંફાવી દીધો. યુરોપ-ભારત ફ્લાઇટ માર્ગો પ્રભાવિત થયા અને આપણા આધુનિક પરિવહન નેટવર્કને બાંધતા નાજુક તંતુઓ જાહેર થઇ ગયા.

હેલી ગુબ્બી જ્વાળામુખી, જે હિમયુગના અંતથી નિષ્ક્રિય હતો, નવેમ્બર 23, રવિવારે સવારે 8:30 વાગ્યે UTC પર ફરી જીવંત થયો. ત્યાર બાદ એક કાસ્કેડિંગ સંકટ આવ્યું જે કોઈપણ એરલાઇન પ્રતિક્રિયા આપી શકે તેના કરતાં વધુ ઝડપથી ખંડોમાં ફેલાયું.

ઇથોપિયાના અફાર પ્રદેશમાં સ્થિત, અદીસ અબાબાથી લગભગ 800 કિલોમીટર ઉત્તરપૂર્વમાં, હેલી ગુબ્બી – અરેબિયન, નુબિયન અને સોમાલી ટેક્ટોનિક પ્લેટ્સ પર છે. જ્વાળામુખી ફાટ્યો અને તેના વિસ્ફોટથી સલ્ફર ડાયોક્સાઇડના વાદળ (પ્લુમ) પંદર કિલોમીટરની ઊંચાઈ (45 હજાર ફૂટ) સુધી પહોંચી રાતો સમુદ્ર પાર કરી યમન અને ઓમાન સુધી પ્રસર્યા. અત્યાર સુધીના માનવ ઇતિહાસ દરમિયાન જીવનના કોઈ ચિહ્નો દર્શાવ્યા ન હતા. મંગળવારે આખો દિવસ ઈથોપિયાથી ૪,૩૦૦ કિ.મી. દૂર ગુજરાતથી રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ સુધી પશ્ચિમ ભારતના આકાશમાં જ્વાળામુખીની રાખનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું હતું અને મંગળવારે રાતે ચીન તરફ આગળ વધી ગઈ.

ફ્રાન્સમાં ટુલાઉસ વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટર (VAAC), જે વૈશ્વિક સ્તરે જ્વાળામુખીની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરે છે, તેણે કલાકોમાં પ્લુમ શોધી કાઢ્યું અને તાત્કાલિક સલાહ જારી કરી. તે જ દિવસે સાંજે 8:00 વાગ્યે UTC સુધીમાં વિસ્ફોટનો તબક્કો પૂરો તો થયો પણ ત્યાં સુધીમાં નુકસાન પૂરતું થઇ ગયું હતું.

100-120 કિ.મી./કલાકની ગતિએ ફરતા શક્તિશાળી ઉપઉષ્ણકટિબંધીય જેટ સ્ટ્રીમ પવનો થકી, રાખના વાદળે અસાધારણ યાત્રા શરૂ કરી. તે રાતા સમુદ્ર પર થઇ તે યમન અને ઓમાનના ભાગોને ઢાંકી અરબી સમુદ્ર પાર કરી તે સોમવારે સાંજે ગુજરાતની પશ્ચિમી સરહદમાંથી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું.

ઇન્ડિયામેટસ્કાય વેધરના જણાવ્યા અનુસાર, પ્લુમ સોમવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે ગુજરાતમાં પ્રવેશી તે જલદી જ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ફેલાયું. અડધી રાત સુધીમાં, દિલ્હી ધુમ્મસભર્યું થઈ ગયું પણ ત્યાં લોકોને લાગ્યું કે આ કાયમી પ્રદૂષણ છે. જો કે બાદમાં ખ્યાલ આવ્યો કે આ બીજી જ ઘટનાને કારણે થયેલી સ્થિતિ હતી. 

ભારતીય હવામાન વિભાગ(IMD)એ સેટેલાઇટ ઈમેજરી દ્વારા પુષ્ટિ કરી કે રાખનું વાદળ 15,000 થી 45,000 ફૂટની ઊંચાઈ પ્રોફેશનલ વિમાનો જ્યાં ક્રૂઝ કરે છે ત્યાં ફેલાયું.  હવાની ગૂણવત્તા પર તેની અસર નહીંવત્ હોય છે પણ ઉડ્ડયન માટે આ મોટું જોખમ હતું. આઇ.એમ.ડી.ના ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મોહાપાત્રાએ મંગળવારે વિધાન કર્યું હતું કે, “આ જ્વાળામુખીની રાખની અસર માત્ર ઉપરી ટ્રોપોસ્ફિયરમાં જોવા મળી રહી છે અને તે ફ્લાઇટ કામગીરીને અસર કરી રહી છે. એક અંદાજ અનુસાર તે સાંજ સુધીમાં ચીન તરફ જશે.” 

ભારતીય વિમાન ઉદ્યોગે આ આફતનો પ્રતિસાદ ઝડપી આપ્યો. જ્વાળામુખીની રાખ વિમાનો માટે મોટું જોખમ છે કારણ કે તેમાં રહેલા સૂક્ષ્મ કણો વિન્ડસ્ક્રીન પર ઘસાય તો ભારે નુકસાન થઇ શકે છે, ફ્યુઅલ સિસ્ટમ પર તેની અસર થઇ શકે છે, એટલું જ નહીં પણ 1000 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન ધરાવતું જેટ એન્જિનમાં આ કણો પીગળે એટલે તે ટર્બાઈન બ્લેડ્ઝ પર જમા થઇને એન્જિન ફેલ્યોરની શક્યતાઓ ખડી કરી શકે છે. 

ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને સોમવારે જાહેર કરેલી એડવાઇઝરીમાં એરલાઇન્સને પ્રભાવિત હવાઈ માર્ગો ટાળવા સૂચના આપી અને ફ્લાઇટ પ્લાનમાં ફેરફાર અને લાંબા અવરોધો માટે તૈયાર રહેવા કર્યું. આ એડવાઇઝરી અનુસાર વૉલ્કેનિક ઍશ પ્રોટોકલને અમલમાં મૂકાયો અને તમામ ઓપરેટર્સને ચેતવણી આપવા માટે વિશેષ ASHTAM (વોલ્કેનિક ઍશ NOTAM) પણ જાહેર કરાયો.

સોમવાર-મંગળવારે એર ઇન્ડિયાએ મધ્યપૂર્વ અને યુરોપ માર્ગોની 11 ફ્લાઈટ રદ્દ કરી. ઈન્ડિગોએ કન્નુર–અબુધાબીની ફ્લાઈટ અમદાવાદ તરફ ફેરવી અને અનેક ગલ્ફ સેવાઓ રદ્દ કરી. અકાસા એરએ સૌથી કડક પગલું લઈ 24 અને 25 નવેમ્બરના જેડ્ડા, કુવૈત અને અબુધાબીની તમામ ઉડાનો રદ્દ કરી દીધી.

આંતરરાષ્ટ્રીય સ્તરે KLMએ એમ્સ્ટર્ડમ–દિલ્હી રોટેશન (KL 871 / 872) બે દિવસ સ્થગિત કર્યા—જે ઉત્તર યુરોપ અને દક્ષિણ એશિયાને જોડતી મહત્ત્વની કડી ગણાય છે. એર અરેબિયાએ પણ શારજાહથી કુવૈત, દમાસ્કસ, કાબુલ, દોહા સહિતના અનેક શહરો માટેની ઉડાનો રદ્દ કરી. મંગળવાર બપોર સુધી સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ્દ થઈ અને બાર જેટલી ફ્લાઇટ્સ મોડી ઊપડી હતી.  

લોકો જે આંતરરાષ્ટ્રીય નોકરીના માટે ઇન્ટરવ્યૂ વિદેશ પ્રવાસ કરવાના હતા તેમણે પણ પોતાના કરિયરના સપનાંઓ પર આ રાખનો ફેલાવો વેઠ્યો. દિલ્હી-એન.સી.આર.નું ધૂંધળું આકાશ, પંજાબ હરિયાણામાં વાતાવરણમાં ફેરફાર અને મુંબઈ મહારાષ્ટ્રમાં ફ્લાઇટ્સ મોડી ઉપડીની ઘટનાઓ ઘટી. 

મધ્યપૂર્વ-આફ્રિકા હવાઈ માર્ગોની અસ્થિરતાની ભારત પર સીધી અસર થાય છે. રાખથી પ્રભાવિત માર્ગો બંધ થાય પછી એરલાઇન્સ પાસે સુરક્ષિત વિકલ્પો ઓછા જ બચે છે. ઇથોપિયામાં જે થયું તેની ચેતવણી પહેલેથી ન મળી શકી કારણ કે વૈજ્ઞાનિક પહોંચ મર્યાદિત છે. 

આ ઘટના આપણી હવાઈ નીતિઓની નાજુકાઈ પણ નજર સામે ધરે છે. ભારતના મોટાભાગના આંતરરાષ્ટ્રીય માર્ગો મધ્યપૂર્વ અથવા આફ્રિકા ઉપરથી જ જાય છે — એટલે કોઈપણ ભૌગોલિક કે પ્રાકૃતિક આંચકો સીધી અસર કરે છે. બીજી તરફ, ભારતીય એવિએશન હજુ પણ વૈશ્વિક મોનિટરિંગ એજન્સીઓ (VAAC, EUMETSAT) પર મોટે પાયે નિર્ભર છે, જ્યારે સેટેલાઇટ એશ ડિટેક્શન જેવી ક્ષમતાઓમાં સ્વાવલંબન મર્યાદિત છે. એન્જિન ફેલ્યોર, ઈમરજન્સી ડાયવર્ઝન જેવા જોખમ ઊભા થવાની શક્યતા વધુ હતી. આ ઘટનાએ સ્પષ્ટ કર્યું કે ભારતીય એવિએશનને “પ્રતિક્રિયાત્મક” નહીં પરંતુ “પૂર્વાનુમાનાત્મક” અભિગમની તાત્કાલિક જરૂર છે. 

બાય ધી વેઃ 

આ ઘટના એક એવો ચોંટિયો છે જે માણસને યાદ કરાવે છે કે દુનિયા વૈજ્ઞાનિક રીતે આગળ વધી ગઈ હોવા છતાં પ્રકૃતિ સામે કોઈનું ચાલતું નથી. હજાર વર્ષથી સુષુપ્ત જ્વાળામુખીએ ત્રણ ખંડોના હવાઈ તંત્રને હચમચાવી દીધું. ભવિષ્યમાં ક્યારે ય પણ કોઈ નિષ્ક્રિય જ્વાળામુખી ફરી સક્રિય થાય તો ભારત, યુરોપ સહિત આખી દુનિયાનું આકાશ ફરી એકવાર આકરી કસોટીમાંથી પસાર થશે તે નક્કી છે. ટૂંકમાં આપણે નહીં ધારેલા અને નહીં જોયેલા તંત્રનો હિસ્સો છીએ અને આ માટે જ આપણે આપણી કોર સાચવવી અને બીજાઓને દખલગીરી કર્યા વિના આપણી તાકાત ખડી કરવી જોઈએ નહીંતર અચાનક આવેલી આફતો અવાચક કરી દે. રસ્તો તાત્કાલિક ન મળે તો નુકસાન વેઠવું પડે તેવું થઇ જ શકે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30  નવેમ્બર 2025

Loading

જે મહાન હિંદુ આ જમીનમાં પેદા થયા છે એ જવાબદારી સમજનારા મહાન માણસ હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|30 November 2025

રમેશ ઓઝા

આ લેખ હું ૨૬મી નવેમ્બરે લખી રહ્યો છું, જ્યારે ૧૯૪૯માં આ જ દિવસે ભારતનાં બંધારણને મંજૂર રાખવામાં આવ્યું હતું અને આજે તેને ૭૫ વરસ પૂરાં થઈ રહ્યાં છે. દેશનું દુર્ભાગ્ય છે કે આજે ૭૫ વરસે દેશ જ્યારે બંધારણની અર્થાત્ પ્રજાસત્તાક ભારતની અમૃતજયંતી ઉજવી રહ્યો છે, ત્યારે એ બંધારણનું અસ્તિત્વ જ ખતરામાં છે. કારણ બહુ સ્પષ્ટ છે. માત્ર ભારતમાં નહીં, જગત આખામાં તાનાશાહો ઇચ્છતા નથી કે પ્રજા સત્તા ધરાવે એટલે તેઓ સૌથી પહેલાં પ્રજાકીય સત્તાની રખેવાળી કરતી લોકશાહી સંસ્થાઓનું ગળું ઘોંટે છે. મોટાભાગના તાનાશાહોને બંધારણ બદલવાની જરૂર પડતી નથી, પ્રાણ હરી લીધા પછી શરીર ભલે પડ્યું રહ્યું, પણ જો તાનાશાહો ચોક્કસ વિચારધારા ધરાવતા હોય તો તેઓ બંધારણ પણ બદલે છે. આપણા વર્તમાન શાસકો હિન્દુત્વવાદી વિચારધારા ધરાવે છે, તેઓ ભારતીય રાષ્ટ્રને હિંદુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માગે છે એટલે તેઓ વખત આવ્યે બંધારણ પણ બદલશે. 

તાનાશાહી બે પ્રકારની હોય છે; એક વ્યક્તિગત કે કોઈ એક જૂથની (જેમ કે લશ્કર) અને બીજી વિચારધારાની આસપાસ સંગઠિત થયેલી કોઈ ખાસ જમાતની. આ બીજા પ્રકારની તાનાશાહીના વળી બે પ્રકાર છે. એક બહુમતી પ્રજાનાં ધર્મની, હિતોની અને સંસ્કૃતિની રક્ષા કરવાનો દાવો કરનાર ચોક્કસ જમાતની અને બીજી પ્રજાકીય ભેદભાવ કર્યા વિના ગરીબોનાં આર્થિક હિતોની રક્ષા કરવાનો દાવો કરનારી વિચારધારા આધારિત જમાતની. તેઓ પ્રજાકીય વિભાજન માત્ર આર્થિક ધોરણે (સહિતો અને રહીતો) કરે છે. વિચારધારા આધારિત પહેલા પ્રકારની તાનાશાહીને ફાસીવાદ તરીકે ઓળખાવવામાં આવે છે જે વિશ્વને ૧૯૨૫થી ૧૯૪૫નાં વર્ષોમાં જર્મની અને ઇટલીમાં જોવા મળી હતી અને અત્યારે કેટલાક મુસ્લિમ દેશોમાં જોવા મળે છે અને વિચારધારા આધારિત બીજા પ્રકારની તાનાશાહી સામ્યવાદી તાનાશાહી તરીકે ઓળખાવામાં આવે છે જે રશિયા જેવા દેશોમાં જોવા મળી હતી અને આજે પણ ઉત્તર કોરિયા અને ચીનમાં જોવા મળે છે. ફાસીવાદ અને સામ્યવાદનાં બીજ ૧૯મી સદીમાં યુરોપમાં રોપાયાં હતાં અને ૨૦મી સદીમાં તે ફૂલાફાલ્યાં હતાં. ૨૦મી સદીમાં માનવીય ક્રૂરતાની ચરમસીમા આ બન્ને પ્રકારની તાનાશાહી ધરાવતા દેશોમાં જોવા મળી હતી. એમાં પણ સામ્યવાદી તાનાશાહી કરતાં ફાસીવાદી તાનાશાહી વધારે ખતરનાક સાબિત થઈ છે. સામ્યવાદમાં હજુ પણ છેવટે ન્યાય અને સમાનતાનું તત્ત્વ રહેલું છે. જે સમસ્યા છે એ ન્યાય અને સમાનતા અપાવનારા ઠેકેદારોની છે. તેઓ રાજ્ય પર કબજો કરીને વિરોધીઓનું કાસળ કાઢે છે. રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ક્યુબા અને પૂર્વ યુરોપના દેશોમાં આ જોવા મળ્યું હતું અને જોવા મળે છે.

પણ આનાથી બચવું કેમ? ભારતમાં એક એવી પ્રજા છે જેને ફાસીવાદ સામે વાંધો નથી. મિથ્યાભિમાન અને મુસ્લિમ દ્વેષ એટલી હદે છે કે તેઓ દૂરનું વિચારવા જ તૈયાર નથી. તેમને ખબર નથી કે તેઓ પોતાનાં સંતાનની કબર ખોદી રહ્યા છે જે રીતે ૧૯મી સદીમાં જર્મનો અને ઇટાલિયનોએ આવી ભૂલ કરી હતી. કેટલાક લોકોને એમ લાગે છે કે બહુ ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી, આ ભારત દેશ છે જેમાં હિંદુ બહુમતીમાં છે. આવું જર્મની અને ઇટલીમાં જ્યારે અનુક્રમે હિટલર અને મુસ્સોલિનીનો ઉદય થયો ત્યારે જર્મનો અને ઇટાલિયનો પણ કહેતા હતા. ગૂગલ પર સર્ચ કરશો તો હિટલર અને મુસ્સોલિનીથી ભરમાયેલા અને છેતરાયેલાઓની દાસ્તાન વાંચવા મળશે. એક સમયના હિટલર સમર્થક માર્ટિન નિમોલ્લેરની ‘ફર્સ્ટ ધે કેમ’ કવિતા તો જાણીતી છે. 

કવિતાનો સાર આવો છે : 

પહેલાં એ લોકો સામ્યવાદીઓનો વારો કાઢવા આવ્યા અને હું ચૂપ રહ્યો કારણ કે હું સામ્યવાદી નહોતો. 

પછી એ લોકો સમાજવાદીઓનો વારો કાઢવા આવ્યા અને હું ચૂપ રહ્યો, કારણ કે હું સમાજવાદી નહોતો. 

પછી એ લોકોએ કામદાર ચળવળ ચલાવવાનારાઓનો વારો કાઢ્યો અને ત્યારે પણ હું ચૂપ રહ્યો, કારણ કે હું મજૂર ચળવળવાળો નહોતો. 

પછી એ લોકો યહૂદીઓનું કાસળ કાઢવા આવ્યા અને ત્યારે પણ હું ચૂપ રહ્યો, કારણ કે હું યહૂદી નહોતો. 

પછી એ લોકો મારું કાસળ કાઢવા આવ્યા અને ત્યારે મારા માટે બોલનાર કોઈ બચ્યું નહોતું. 

આ કવિતા તો બહુ જાણીતી છે, પણ આવી સેંકડો કવિતાઓ અને હજારો કબૂલાતો તમને ઈન્ટરનેટ પર વાંચવા મળશે. નાટકો અને ફિલ્મો બની છે. ધરતી પર થયેલાં ક્રૂરતમ અપરાધમાં સમર્થન આપીને કે મૂંગા રહીને ભાગીદાર થવાની ગ્લાનિ વલોવી નાખનારી હતી. તેમને પણ એમ જ લાગતું હતું કે આપણે મહાન પ્રજા છીએ અને આપણે અધમ કક્ષાની બર્બરતા આચરીએ એ શક્ય જ નથી. આપણે મહાન છીએ એની પ્રતીતિ જર્મનોને મહાકવિ ગોથેએ કે ઇટાલિયનોને તેના મહાકવિ દાંતેએ નહોતી કરાવી એટલી હિટલર અને મુસ્સોલિનીએ કરાવી હતી. જેને સંસ્કાર અને સંસ્કૃતિ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો એ લોકો અસ્મિતાના પુરસ્કર્તા બની ગયા હતા અને લોકો તેમની વાતમાં આવી ગયા હતા. તેમને જ્યારે છેતરાયા હોવાનું ભાન થયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને કેટલાક અભાગીઓનું એક સંતાન કબરમાં સૂતું હતું!

માટે આપણે મહાન છીએ એવા ભ્રમમાં ન રહેતા સાબદા રહેવું જોઈએ. જો પ્રજા લોહીથી, ધર્મથી, વિશેષ ભૌગોલિક પ્રદેશથી, ભાષાથી કે સંસ્કૃતિથી મહાન હોત અને હંમેશ માટે મહાન રહેવાની હોત તો બંધારણની જરૂર જ ન પડત. ધર્મઝનૂની મુસલમાનો સાથે આ જ સમસ્યા છે. તેઓ બંધારણ આધારિત આધુનિક રાજ્યનો સ્વીકાર જ કરવા તૈયાર નથી, કારણ કે ઇસ્લામ સંપૂર્ણ ધર્મ છે, કુરાન અને હદીસ મુસલમાનો માટે સર્વાંગસંપૂર્ણ છે અને તેના આદેશ અંતિમ આદેશ છે. તેની બહારના આદેશો બીદ્દ્ત છે, કુફ્ર છે. મુસ્લિમ દેશોમાં જે ખુવારી થઈ રહી છે એનું કારણ બંધારણ આધારીત ન્યાયલક્ષી આધુનિક રાજ્યનો અસ્વીકાર છે. કોઈ પ્રજા ક્યારે ય સંપૂર્ણપણે મહાન હોતી નથી અને કોઈ પણ પ્રજા ક્યારે ય સંપૂર્ણપણે અધમ હોતી નથી. માનવમાં અને માનવસમાજમાં દરેક પ્રકારના રંગો છે. એક જ લોહીથી બનેલા એક જ પરિવારના સભ્યોમાં પણ અનેક રંગ હોય છે. અનુભવ કરતા હશો. 

બંધારણ આ અર્થમાં ઉપયોગી છે. બંધારણ ઘડનારાઓ બેવકૂફ નહોતા. તેમને ખબર હતી કે ક્યારેક પ્રજા પોતાનો રંગ બતાવે અને ક્યારેક શાસક. શાસકમાં પસાયતાથી લઈને રાષ્ટ્રપતિ સુધી દરેકનો સમાવેશ થાય છે. એક કાયદાથી બચીને કોઈક લાભ લેવા માગે છે અને બીજો કાયદાનો દુરુપયોગ કરીને લાભ લેવા માગે છે. કાયદો (રુલ ઓફ લો) કેન્દ્રમાં છે. પણ આ બેમાં વધારે જોખમ શેમાં છે? કોઈ વ્યક્તિ કાયદો તોડે એમાં કે શાસક કાયદાનો દુરુપયોગ કરે એમાં? થોડુક ઊંડું વિચારશો તો ધ્યાનમાં આવશે કે કાયદાનો દુરુપયોગ કરનારા શાસકો લાભની ધરી રચે છે. રાજ્ય (રાષ્ટ્ર) જ્યારે વિશાળ સ્તરે મેનેજ થવા લાગે ત્યારે લોકશાહીનો અંત આવે છે. અત્યારે ન્યાયતંત્ર, ચૂંટણીપંચ, પ્રતિનિધિગૃહો, તેનાં સ્પીકર, અધિકારીઓ, મીડિયા, રિઝર્વેબેંક, શિક્ષણસંસ્થાઓ વગેરે મેનેજ કરવામાં આવી રહ્યાં છે. ધરી રચાઈ ગઈ છે.

હા, આ બધું ભારતમાં બની રહ્યું છે જ્યાં હિંદુઓ બહુમતીમાં છે અને વેદો અને ઉપનિષદોની ગ્રન્થસંપદા તેમની પાસે છે.

તો પછી કરવું શું? મહાન હિંદુ બનવાની જગ્યાએ જવાબદાર માણસ બનો અને જવાબદાર નાગરિક બનો. જો આ બન્ને બનશો તો મહાન હિંદુ આપોઆપ બનશો. જે મહાન હિંદુ આ જમીનમાં પેદા થયા છે એ બધા જવાબદારી સમજનારા મહાન માણસ હતા. રહી વાત બંધારણની તો એ બે કામ કરે છે. એક તમને નીચ કૃત્ય આચરતા રોકે છે (ભલે ડરથી) અને એ રીતે તમારી અંદરની માણસાઈ જાળવી રાખે છે અને બીજું નીચ કૃત્ય આચરનારાઓથી તમારા સંતાનની હિફાજત કરે છે. 

હવે જો બુદ્ધિ હોય તો આગળ વિચારવાની અને સાવધાન રહેવાની જવાબદારી તમારી છે. અન્યથા એ લોકો (First they came) તો આવવાના જ છે.

 પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 નવેમ્બર 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—317 

દીપક મહેતા|Opinion - Opinion|30 November 2025

ફરી ફરીને ખંતથી યત્ન કર્યો નહિ હોત, 

મુંબઈનું આ મકાન તો, બંધાયું નહિ હોત!        

ચોક્કસ તારીખ નથી મળતી, તો શું થયું? પણ મુંબઈમાં વસતા અંગ્રેજોની સમિતિએ ૧૮૨૧માં ટાઉન હોલનું મકાન બાંધવાનું કામ તો શરૂ કરી દીધું. અને લગભગ દોઢેક વરસ કામ ધમધોકાર ચાલ્યું. પણ પછી? પછી સમિતિ હાંફી ગઈ. કારણ? કારણ ભેગાં થયેલાં બધાં ફદિયાં ખતમ! અને ફરીથી ફંડફાળો ઉઘરાવવાની એ સમિતિની ત્રેવડ નહોતી, કે તૈયારી નહોતી. એટલે બાલાશંકર કંથારિયાની બહુ જાણીતી ગઝલનો શેર યાદ કર્યો:

પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે 

સમિતિએ સરકાર માબાપને અરજ ગુજારી કે આ ટાઉન હોલ બાંધવાના કામને સરકારના નામનાં પુષ્પ માનીને અમે આપની પ્યારી ગ્રીવામાં પ્રીતે પહેરાવી દઈએ છીએ. સમિતિએ તો હાથ ઊંચા કરી દીધા. ટાઉન હોલ બાંધવાનું કામ અટકાવી દીધું. પણ મુંબઈ સરકારને માથે પેલા લંડનવાળા બેઠા હતા. ૧૮૨૪ના નવેમ્બરની પહેલી તારીખે મુંબઈએ લંડનનાં બારણાં ખખડાવ્યાં. ટાઉન હોલનું ભવ્ય મકાન બંધાય તેમાં મુંબઈને ઘણો લાભ હતો. એક ભવ્ય મકાન બાંધવાની શરૂઆત પણ એ માટેની સમિતિએ કરી દીધી. દોઢેક વરસ તો કામ સારી રીતે ચાલ્યું. પણ હવે સમિતિ પાસે એકઠા થયેલા બધા પૈસા વપરાઈ ગયા છે. અત્યાર સુધીમાં આ મકાનના બાંધકામ પાછળ લગભગ બે લાખ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. અને હજી લગભગ અદધોઅદધ કામ બાકી છે. પણ એ માટે જરૂરી પૈસા એકઠા કરવાનું સમિતિનું ગજું નથી. એટલે તેમણે આ ટાઉન હોલનું મકાન મુંબઈ સરકારને સોંપી દેવાની દરખાસ્ત રજૂ કરી છે. મકાનના બાંધકામ માટે જે સામગ્રી ખરીદાઈ છે, અને મુંબઈ આવી ચૂકી છે તે બધી પણ તેઓ સરકારને સોંપી દેશે. આ મકાન બંધાઈ રહ્યા પછી સરકાર તેનો ઉપયોગ પોતાને યોગ્ય લાગે તે રીતે કરી શકશે. 

ક્યારેક આવી હાલત પણ થઇ હતી ટાઉન હોલનાં મકાનની

આ દરખાસ્ત મળ્યા પછી અમે એક સમિતિની નિમણૂક કરી હતી. મૂળ યોજનામાંથી મકાનનો ઘણો ભાગ પડતો મૂકીએ તો પણ મકાન પૂરું કરતાં સરકારે બીજા ૧,૬૦,૦૦૦ રૂપિયા ખરચવા પડે તેવો અંદાજ છે. મકાન બંધાયા પછી જો તેના ભાગો જુદી જુદી સરકારી ઓફિસોને ભાડે આપીએ તો વરસે દહાડે ૧૫,૭૮૦ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. એટલે કે સરકાર જે ૧,૬૦,૦૦૦ રૂપિયા ખર્ચે તે રકમ સાડા ચૌદ વરસમાં સરકારને પાછી મળી જાય. પણ જો મૂળ યોજના પ્રમાણે મકાન બાંધીએ તો બીજા ૨,૫૦,૦૦૦ રૂપિયા જેટલો ખરચ થાય. આ રકમ પાછી મળતાં સવા બત્રીસ વરસ લાગે. જો કે મુંબઈ સરકારે અલગથી અંદાજ કઢાવ્યો તો તે પ્રમાણે મૂળ યોજના પ્રમાણેનું મકાન બાંધતાં બીજા ૨,૮૫,૨૨૭ રૂપિયાનું ખરચ થાય તેમ છે. વળી જો લાંબા સમય સુધી મકાનનું બાંધકામ અટકી જશે તો પછીથી તે ફરી શરૂ કરતી વખતે વધારે ખરચ કરવો પડશે. 

આ મકાન જો મૂળ યોજના પ્રમાણે બાંધી શકાય તો તે માત્ર મુંબઈ શહેર કે મુંબઈ ઈલાકાનું જ નહિ, હિન્દુસ્તાનના બ્રિટિશ સામ્રાજ્યનું એક મોંઘુ આભૂષણ બની રહેશે એમ જાણકારોનું કહેવું છે. મૂળ યોજના પ્રમાણે પણ પચાસ વરસને અંતે જમીનના લીઝની મુદ્દત પૂરી થતાં તો આ મકાન સરકારની માલિકીનું બનવાનું જ હતું. તો અત્યારે થોડો ખરચ કરીને સરકાર તેનું બાંધકામ પૂરું કરે તો તે મકાન અત્યારથી જ સરકારની માલિકીનું બની જશે. આ અંગે આપનો નિર્ણય વહેલી તકે અમને જણાવવા વિનંતી. 

પણ તરત હા કે ના પાડે તો એ શેઠ શાના? મુંબઈ અને લંડન વચ્ચે લખાપટ્ટી ચાલી. સવાલો પૂછાયા, જવાબો અપાયા. છેવટે ૧૮૨૬ના જાન્યુઆરીની ૨૫મી તારીખે લખાયેલા રુક્કામાં કંપની સરકારના બડેખાંઓએ મુંબઈ સરકારની દરખાસ્તને મંજૂરી આપી. અલબત્ત, શરતો સાથે. મકાન બાંધવામાં બને તેટલી કરકસર કરવી. મકાન બંધાઈ રહે પછી હાલમાં ભાડાની જગ્યામાં કામ કરતી હોય તેવી સરકારી ઓફિસોને ત્યાં ખસેડવી જેથી ભાડાની રકમ બચે. અથવા એડમિરાલ્ટી હાઉસમાં અત્યારે સુપ્રીમ કોર્ટ ભાડાની જગ્યામાં કામ કરે છે તેને ત્યાંથી આ નવા મકાનમાં ખસેડવી. જેથી ભાડાની રકમની બચત થાય. પછી વળી મુંબઈના સાહેબોને બીજો એક તુક્કો આવ્યો. તેમણે લંડનના હાકેમોને લખ્યું કે સુપ્રીમ કોર્ટ ખસેડવાની દરખાસ્ત અંગે અમને હજી સુધી તે કોર્ટ તરફથી કશો જવાબ મળ્યો નથી. એટલે અમે બીજો વિકલ્પ એ વિચાર્યો છે કે ગવર્નર્સ હાઉસને પરળથી ખસેડીને આ નવા મકાનમાં લાવી શકાય. લંડનથી ફરી નનૈયો. હારી-થાકીને મુંબઈ સરકારે લખ્યું કે અમને લાગે છે કે સૌથી સારો રસ્તો એ છે કે એક વાર મકાન પૂરેપૂરું તૈયાર થઈ જાય પછી નક્કી કરવું કે એ કોને માટે અથવા શાને માટે વાપરવું. પછી વળી એક વિચિત્ર દરખાસ્ત પણ રજૂ થઈ. ટાઉન હોલનું મકાન બાંધવા પાછળ જે ખરચ થયો છે તે વહેલી તકે પાછો મેળવવો હોય તો એ મકાનનો ભોંયતળિયાનો અને ભંડકિયાનો ભાગ અફીણ અને કોટનના વેપારીઓને ગોદામ તરીકે ભાડે આપવો!  

૧૫ ઓગસ્ટ ૧૮૩૩. ટાઉન હોલના મકાનના બાંધકામ પર દેખરેખ રાખતા લેફ્ટનન્ટ કર્નલ ડિકીન્સને મુંબઈ સરકારને લખી જણાવ્યું કે ટાઉન હોલના મકાનનું બાંધકામ પૂરું થઈ ગયું છે. માત્ર મકાનમાં બે જગ્યાએ આરસની તકતી મૂકવાની બાકી છે. અલબત્ત, એ મૂકવા માટેના દીવાલમાંના ખાંચા પણ તૈયાર છે. મુંબઈના અને લંડનના સાહેબોને શીરાના કોળિયાની જેમ ગળે ઊતરી જાય એવી એક-બે વાત પણ એ પત્રમાં હતી. એક : આ મકાન બાંધવા પાછળ ખરચવા માટે સરકારે જે રકમ મંજૂર કરી હતી તેમાંથી રૂપિયા ૧૨,૯૬૭ની બચત અમે કરી છે. વળી બાંધકામમાં ઈમારતની મજબૂતીને આંચ ન આવે એવી રીતે અમે કેટલીક જગ્યાએ કરકસર કરીને ૨૨,૧૮૫ રૂપિયા અને ત્રણ આના જેટલી રકમ બચાવી છે. ટાઉન હોલનું આ મકાન બાંધવા પાછળ કુ ૬,૫૬,૬૬૯ રૂપિયાનો ખરચ થયો. તેમાંથી ૧,૭૩,૨૦૦ રૂપિયા સરકારે બાંધકામ પોતાના હાથમાં લીધું તે પહેલાં ખરાચાયા હતા. આ ઈમારત માટે કાસ્ટ આયર્નના ૧૬ થાંભલા વિદેશથી મગાવવામાં આવ્યા તેના કુલ ૧૩,૫૩૯ રૂપિયા થયેલા જે ખરચ સરકારને માથે આવ્યો નથી. એટલે કે આ ટાઉન હોલ બાંધવા પાછળ સરકારના ફક્ત ૪,૬૯,૯૩૦ રૂપિયા જ વપરાયા છે. જવાબમાં મુંબઈ સરકારે લેફ્ટનન્ટ કર્નલ ડિકીન્સનો આભાર માન્યો અને તકતી પર લખવાનું લખાણ પણ મોકલી આપ્યું. એ લખાણ સાથેની તકતી પછીથી ટાઉન હોલના મકાનમાં જોવા મળે છે.

એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈનો લોગો

હવે થોડી વાત જે સોસાયટી આ મકાનનો મોટો ભાગ વાપરે છે તેને વિષે. ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મી તારીખે લિટરરી સોસાયટી ઓફ બોમ્બેની સ્થાપના સર મેકિનટોશે કરેલી તે આપણે અગાઉ જોયું હતું. પછી જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ પુસ્તકો, હસ્તપ્રતો, નકશા, વગેરેનો તેનો ખજાનો વધુ ને વધુ સમૃદ્ધ થતો ગયો. હવે જઈએ લંડન. ત્યાંની સેન્ટ જેમ્સ સ્ટ્રીટ પર આવેલું એક કાચું-પાકું મકાન. એનું છાપરું ઘાસનું. ૧૮૨૩ના માર્ચની ૧૫મી તારીખે એ મકાનમાં હેન્રી થોમસ કોલબ્રૂકના પ્રમુખપદે એક સભા મળી. તેમાં નક્કી થયું એક સોસાયટીની સ્થાપના કરવાનું. એ સોસાયટીનું નામ રાખ્યું ‘એશિયાટિક સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ’. એ પછી ૧૮૩૦માં લિટરરી સોસાયટી ઓફ બોમ્બે લંડનની રોયલ એશિયાટિક સોસાયટીની બ્રાંચ બની અને ‘બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી’ તરીકે ઓળખાઈ. આઝાદી પછી ૧૯૫૪માં મુંબઈની સંસ્થા લંડનની સંસ્થાથી છૂટી પડી અને ‘એશિયાટિક સોસાયટી ઓફ બોમ્બે’ બની. ૨૦૦૨૨માં ફરી એક વાર તેનું નામ બદલાયું. નવું, હાલનું નામ, ‘એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ’. એક વાત ધ્યાનમાં આવી? માતૃસંસ્થા અને તેની શાખા વચ્ચેનો સંબંધ એક રીતે મા-દીકરી જેવો કહેવાય. અને સાધારણ રીતે દીકરી કરતાં મા ઉંમરમાં મોટી હોય. પણ આ કિસ્સામાં મા — એશિયાટિક સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડ — કરતાં દીકરી — ‘બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી’ મોટી ઉંમરની હતી. દીકરીનો જન્મ ૧૮૦૪માં, માનો જન્મ ૧૮૨૩માં. 

ટાઉન હોલનાં પગથિયાં પર રાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

અઢારમી સદીમાં પ્રચલિત બનેલી નિઓક્લાસિકલ શૈલીમાં બંધાયેલું ટાઉન હોલનું મકાન ૧૦૦ ફૂટ ઊંચું અને ૨૦૦ ફૂટ પહોળું છે. મુંબઈનાં સૌથી વધુ જાણીતાં એવાં ત્રીસ પગથિયાં ચડીને મકાનમાં દાખલ થવાય છે. મકાનની જમણી બાજુએ અલબત્ત, સ્પાઈરલ પગથિયા છે અને હવે તો લિફ્ટ પણ મૂકવામાં આવી છે. પ્રવેશદ્વાર આગળ તોતિંગ કદના આઠ થાંભલા છે. અહીં આવેલા ‘દરબાર હોલ’માં સોસાયટી તરફથી અવારનવાર પ્રવચનો, પરિસંવાદ, વગેરે યોજાય છે. એ હોલમાં તેમ જ મકાનમાં બીજે સ્થળે પણ આ સોસાયટીના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવનાર અંગ્રેજ તેમ જ હિન્દી મહાનુભાવોનાં પૂતળાં કે તૈલચિત્રો મૂકેલાં છે. પણ હા, વીસ હજાર પાઉન્ડને ખર્ચે તૈયાર થયેલાં કોર્નવોલિસ, મિસ્ટર પિટ, અને વેલેસ્લીનાં પૂતળાં ટાઉન હોલમાં ક્યાં ય જોવા મળશે નહિ, કારણ એ ક્યારે ય ત્યાં મૂકાયાં જ નહોતાં! શરૂઆતમાં અલબત્ત, ટાઉન હોલમાં મૂકાયેલાં બધાં પૂતળાં અને તૈલચિત્રો અંગ્રેજોનાં જ હતાં. પણ પછી વખત જતાં ‘દેશી’ વિદ્વાનોને પણ અહીં સ્થાન મળ્યું. તેમાં ડો. ભાઉ દાજી લાડ, પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી, જસ્ટિસ કાશીનાથ તેલંગ, ડો. સર જીવણજી મોદી, ડો. રામકૃષ્ણ ભાંડારકર, વગેરેનો સમાવેશ થાય છે. મકાનની જમણી બાજુએ આવેલ સ્પાઈરલ સ્ટેરકેસ પાસેની જગ્યામાં જગન્નાથ શંકરશેઠનું સફેદ આરસનું ભવ્ય પૂતળું પણ મૂકેલું છે. 

જગન્નાથ શંકરશેઠનું આરસનું પૂતળું

આ ટાઉન હોલ પારાયણની શરૂઆત આપણે ગયે શનિવારે કવિ દલપતરામના એક પદ્યની શરૂઆતની પંક્તિઓથી કરી હતી. આજે જ્યારે મુંબઈની એક આગવી ઈમારત પાસેથી પસાર  થઈએ, અને તેમાં ય સાંજ પછી મોડી રાત સુધી સંખ્યાબંધ વિદ્યાર્થીઓને ટાઉન હોલનાં પગથિયાં પર બેસીને પરીક્ષાની તૈયારી કરતા જોઈએ ત્યારે દલપતરામના પેલા પદ્યની બાકીની પંક્તિઓ યાદ આવે:

હિંમત રાખી હોંશથી, ભીડ્યો છઠ્ઠી વાર,

ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર.

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત

ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત.

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત

આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત. 

આપણા આ મુંબઈ શહેરના અનંત લાભોમાંથી બીજા કોઈ લાભની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 29 નવેમ્બર 2025 

Loading

...102030...199200201202...210220230...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved