Opinion Magazine
Number of visits: 10,221,692
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

કિરણ કાપુરે|Gandhiana|30 November 2025

સંપાદકીય

સરદાર-નેહરુને આમનેસામને મૂકવાનો વાયરો એટલો ચાલ્યો છે કે આ બંનેની જોડીએ લાંબા સમય સુધી ખભેખભા મિલાવીને કરેલાં કાર્યોને અવગણી દેવાય છે. આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન રહેનારા આ બંને આગેવાનો વચ્ચે મતભેદ હતા; પરંતુ તેમના માટે સર્વોપરીતા દેશની હતી. સરદાર-નેહરુના સંબંધો વિશે લખાયેલા ઇતિહાસમાં થોડા ઊંડા જઈએ તો તેમની વહીવટી જુગલબંદીના અજોડ દાખલા મળે છે. એકસાથે આ પ્રકારના દાખલા જોવા હોય તો તેમના વચ્ચેનો પત્રવ્યવહાર સહજ-સરળ માર્ગ છે. સરદાર-નેહરુના સંબંધોમાં સૌથી કટોકટીનો સમય દેશની આઝાદી કાળનો હતો; જેમાં દેશનું વિભાજન થયું, ઠેરઠેર રમખાણો થયાં, દેશ-નિર્માણની જવાબદારી આવી અને તે દરમિયાન ગાંધીજીની હત્યાથી વાત ઓર વણસી હતી. આ બંને આગેવાનોનો રાજકીય કાળ સાથે-સાથે આરંભાયો અને ચાલ્યો. એક પાક્કા કર્મવીર બન્યા અને બીજા સ્વપ્નદૃષ્ટા. બંને અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. બંનેની વિચારવાની ઢબ જુદી હતી. વિવિધ મુદ્દા વિશે તેમનો દૃષ્ટિકોણ વેગળો હતો. આ કારણે તેમના ભેદ વિશે ખૂબ ચર્ચાઓ તે વખતે પણ થઈ અને આજે પણ તે દોર અટક્યો નથી.

સરદાર-નેહરુના વ્યક્તિત્વને સામસામે જોઈએ તેમ છતાં આ બંને તે સમયના દેશવ્યાપી જનસમર્થન ધરાવનારા કૉંગ્રેસ પક્ષના અગ્રહરોળના આગેવાન હતા. અનેક ચૂંટણીઓમાં તેમણે સાથે રહીને રણનીતિ ઘડી હતી. અંગ્રેજોને જાકારો દેવા એકસાથે લડત ચલાવી હતી. ગાંધીજીના નિષ્ઠાવંત શિષ્યો બનીને રહ્યા. આવી અસંખ્ય ઘટનાઓ તેમનાં જીવનની આસપાસ ઘટી હતી. પરંતુ તેમના મતભેદોની વાત આવે છે ત્યારે તેમનાં સઘળાં કાર્યોને સમેટીને જોવાય છે. જો કે સ્વતંત્ર રીતે સરદાર-નેહરુના દેશ પ્રત્યેના યોગદાનનો ક્યાસ કાઢીએ તો તેમાં તેમના વચ્ચેના મતભેદો સાવ નગણ્ય ઘટના છે. આ મતભેદોનું અસ્તિત્વ તેમના જીવનમાં કેટલું હતું તે જોવું હોય તો ય તેમના પત્રવ્યવહારમાં જોઈ શકાય.

સરદાર-નેહરુ વિશેના મતભેદ અંગે આટલું ઠોસ રીતે કહી શકાય તેનું એક કારણ વી. શંકર દ્વારા સંપાદિત ‘સરદાર પટેલ : પસંદ કરેલો પત્રવ્યવહાર, ૧૯૪૫-૧૯૫૦’ના બે ગ્રંથ છે. આ બે ગ્રંથ ખરેખર તો દુર્ગાદાસ સંપાદિત ‘Sardar Patel Correspondence’ના દસ ભાગમાંથી પસંદ કરેલા પત્રોનો અનુવાદ છે. આ પત્રવ્યવહારમાં દેશ અંગેના અગત્યના મુદ્દાની ચર્ચા સરદાર-નેહરુ વચ્ચે કેવી રીતે થઈ હતી તે વાંચી શકાય છે. આ પત્રવ્યવહારમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે સરદાર-નેહરુ પાસે કેટકેટલી બાબતોનું સમાધાન કરવાનું આવ્યું હતું. પ્રધાનમંડળના મતભેદ હોય, જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ જેવાં દેશી રાજ્યોના વિલીનીકરણની પ્રક્રિયા હોય, કેન્દ્રીય સરકારની સમસ્યાઓ, આઝાદ હિંદ ફોજ અને કોમી હુલ્લડો … આવા અગણિત વિષયો હતા જે અંગે આ બંને આગેવાનો વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. આ પત્રવ્યવહારમાં સરદાર-નેહરુએ પોતાના મુદ્દા મક્કમ રીતે મૂક્યા છે. એકબીજા સાથેના મતભેદ દર્શાવવાનું ખુલ્લાપણું પણ તે પત્રોમાં દેખાય છે. આ મતભેદમાં પરસ્પર એકબીજા પ્રત્યેનું વલણ ગાંધીજીની હત્યા બાદ સાવ બદલાયું હતું.

સરદાર-નેહરુનો સ્નેહ તેમના પત્રોમાં સતત ઝળકે છે. ૩ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ જવાહરલાલ નેહરુ સરદારને લખેલા પત્રમાં એક ઠેકાણે લખે છે કે, ‘… આપણે પચીસ વર્ષ કરતાંયે વધુ સમયથી એકબીજા સાથે સંકળાયેલા છીએ અને ઘણાંયે તોફાનો અને જોખમોનો આપણે સાથે મળીને સામનો કર્યો છે. મારે પૂરેપૂરી પ્રામાણિકતાપૂર્વક કહેવું જોઈએ કે આ સમય દરમિયાન તમારે માટેનાં મારાં સ્નેહ અને માનમાં વધારો થયો છે, અને એને ઘટાડે એવું કંઈ પણ બની શકે એમ હું માનતો નથી …’ 

આ પત્રનો ઉત્તર સરદાર પટેલે એટલા જ ઉમળકાથી આપતાં લખ્યું હતું  : ‘ …આપણે બંને એક સહિયારા ધ્યેય માટે જીવનભરના સાથીદારો રહ્યા છીએ. આપણા દેશનાં સર્વોપરી હિતો અને પરસ્પરનાં પ્રેમ અને માન જે કોઈ વિચારભેદ અને સ્વભાવભેદ હતા તેનાથી પર જઈ આપણને ભેગા રાખી શક્યા છે. આપણે બંને પોતપોતાનાં દૃષ્ટિબિંદુઓને અને કામ કરવાની પદ્ધતિઓને ચુસ્તપણે વળગી રહ્યા છીએ; છતાં આપણે હંમેશાં હૃદયની એકતા જાળવી શક્યા છીએ, અને એ એકતા ઘણા બોજાઓ અને પ્રહારો સામે ટકી રહી છે અને કૉંગ્રેસ તથા સરકારની અંદર સંયુક્ત રીતે કામ કરવા આપણને શક્તિમાન બનાવ્યા છે. …’

સરદાર-નેહરુએ અરસપરસ એકબીજા પ્રત્યેનો પ્રેમ વરસાવે રાખ્યો છે. મતભેદ-સ્નેહ સિવાય પણ તેમના પત્રોમાં દેશના આઝાદી કાળ, તે વખતની કટોકટી અને તેમાંથી દેશને ઉગારવાની પ્રક્રિયા દરમિયાન થયેલો પત્રવ્યવહાર આજે આપણો અમૂલ્ય દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાંથી જૂજ પત્રો આ અંકમાં સમાવ્યા છે. આ દિગ્ગજ આગેવાનો વચ્ચેના સંબંધોનો બોધપાઠ આજે ય લેવા જેવો છે. તેમને સામસામે દર્શાવવાની જે રમત થઈ રહી છે તેના પર પૂર્ણવિરામ મુકાવવું જોઈએ. સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના પ્રસંગે કમસે કમ આટલું થાય તો ય તેમના પ્રત્યેની આપણી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે.

સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”; ઑક્ટોબર – નવેમ્બર 2025
 e.mail : kirankapure@gmail.com 

Loading

ગઝલ 

પરેશ દવે 'નિર્મન'|Opinion - Opinion, Poetry|30 November 2025

કોઈ પણ વાતે ગુજારો ના થયો,
ખિન્ન છું કે હું ય મારો ના થયો.

ઢગ વળી ચાલ્યો હતો અંધારનો,
એ બુલંદી પર સિતારો ના થયો.

શ્વાસ ધીમેથી સતત ઠરતા ગયાં,
જિન્દગીમાં કૈં તિખારો ના થયો.

કૈંક કલ્પોથી સતત ચાલ્યા કર્યું,
ક્યાં ય અમથો આવકારો ના થયો.

ભૂલ સિજદામાં હતી કોને ખબર,
ઓ ખુદા તું પણ અમારો ના થયો.

30.11.25
વૃન્દાવન બંગલોઝ, 15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ, તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

નવી શ્રમ સંહિતામાં કેટલાક આવકારદાયી બદલાવ સાથે કામદારોને ચિંતા કરાવે એવી જોગવાઇ પણ છે …

નેહા શાહ|Opinion - Opinion|30 November 2025

નેહા શાહ

૨૧ નવેમ્બરે સરકાર તરફથી નવી શ્રમ સંહિતાની જાહેરાત થઇ. પહેલા ૨૯ જેટલા અલગ અલગ શ્રમ કાયદા હતા. આટલા બધા કાયદા હોવાને કારણે કાનૂની પ્રક્રિયા જટિલ બનતી હતી. કાયદાને સરળ બનાવા માટે જૂના કાયદાઓને અલગ રીતે ગોઠવીને નવા કાયદામાં ચાર સંહિતા(કોડ)માં ગોઠવવામાં આવ્યા છે. ૨૦૧૯થી શ્રમ કાયદામાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઈ હતી. વેતન સંહિતા (2019), ઔદ્યોગિક સંબંધ સંહિતા (2020), સામાજિક સુરક્ષા સંહિતા (2020) અને વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કામ કરવાની શરતો સંહિતા (2020)ને પાંચ વર્ષ પહેલા સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેને ૨૧મી નવેમ્બરે ઔપચારિક રીતે અમલમાં મૂકવામાં આવી. ઘણા કાયદા અંગ્રેજોના સમયથી ચાલી આવતા હતા એને બદલી આધુનિક કામનાં સ્થળને અનુરૂપ બનવાની જરૂર હતી જ. સરકારે પણ વ્યવસાય કરવાની સરળતા ઊભી કરવા માટે કાયદાને આધુનિક અને સરળ બનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. 

શ્રમ કાયદાની શરૂઆત ઐતિહાસિક રીતે શ્રમિકોના કલ્યાણ માટે થઇ હતી. વૈશ્વિક સ્તરે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિની સાથે ૧૯મી સદીમાં કામના કલાકને નિશ્ચિત કરવાથી પહેલ થઇ અને એક શ્રમિકનું ગુલામમાંથી કામદાર તરફનું પ્રયાણ સરળ બન્યું. વીસમી સદીમાં કામના કલાક ઘટતા ગયા સાથે લઘુતમ વેતન મળતા થયા, સામાજિક સુરક્ષાનો પ્રબંધ શરૂ થયો, ટ્રેડ યુનિયનને માન્યતા મળી અને વાટાઘાટોની શક્યતા વધી. ઉત્તરોત્તર કાયદા પ્રગતિશીલ બનતા ગયા અને શ્રમિકોની માનવીય જરૂરિયાતોને સમજતા ગયા. દોઢ થી બે દાયકા દરમ્યાન થયેલી આ પ્રગતિ લોકશાહીના વધતા પ્રભાવને કારણે શક્ય બની જેણે કામદારો અને તેમના યુનિયનોને મેનેજમેન્ટ સાથે વાટાઘાટ કરવા માટેનું મંચ ઊભું કર્યું. કાયદામાં શ્રમિક તરફી થયેલા લગભગ દરેક સુધારા પાછળ નાની -મોટી લડત રહી જ છે, શ્રમિકોને રોજગાર સંદર્ભે સુરક્ષા મળવી એ એમનો હક કહેવાય, કોઈ ધર્માદાનો વિષય નહિ એ સમજણ પણ સમાજમાં ઊભી કરવામાં લાંબો સમય ગયો. એ પ્રમાણે કાયદા ધીમે ધીમે બદલાતા ગયા. 

સમયની જરૂરિયાત પ્રમાણે કાયદા ઘડાવા તેમ જ બદલાવા જોઈએ. પણ, જરૂરિયાત કોની એ સવાલ અગત્યનો છે. શ્રમ કાયદાના હાર્દમાં અત્યાર સુધી શ્રમિકોનું કલ્યાણ હતું, હવે ધીમે ધીમે વ્યવસાય કરવાની સરળતાને હવે પ્રાધાન્ય મળતું દેખાય છે. નવી શ્રમ સંહિતામાં કેટલાક આવકારદાયી બદલાવની સાથે કામદારો માટે ચિંતા કરાવે એવી જોગવાઈ પણ છે, એટલે જ દેશભરના મુખ્ય દસ મજૂર સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. નવા કાયદા પ્રમાણે કામના કલાકોમાં વધારો કરી શકાશે, મહિલા કામદારોને રાત પાળી માટે બોલાવી શકાશે, ૩૦૦ કામદારો સુધી છટણી કરવા માટે પૂર્વમંજૂરી લેવાની જરૂર રહેશે નહિ, પહેલા આ મર્યાદા ૧૦૦ કામદારોની હતી. કામદાર કલ્યાણ માટે સામાજિક સુરક્ષા, લઘુતમ વેતન, અને ૪૦ વર્ષથી વધુ ઉંમર વાળા કામદારો માટે વાર્ષિક આરોગ્ય તપાસ જેવી સુવિધાની વાત પણ કરી છે. પણ, સામાજિક સુરક્ષાના કાયદા વર્ષોથી આપણે ત્યાં છે અને જેનો મોટા ભાગે એક યા બીજા કારણોસર ભંગ જ થતો આવ્યો છે, અને જે અંગે લેબર કમિશનરની કચેરી આંખ આડા કાન જ ધરતી આવી છે. તો હવે નવા કાયદા આધીન આ સુવિધાઓનો લાભ કઈ રીતે સુનિશ્ચિત થશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. તો શ્રમિકોનાં જીવનમાં આ કાયદાથી સુધારો થશે એવું માની લવાને કોઈ કારણ નથી. સરકાર ભલે કહે કે ગીગ વર્કર્સ (ઝોમેટો-સ્વીગી કે બ્લીન્કીટ જેવા પ્લેટફોર્મ પર છુટું કામ સ્વીકારતા લોકો) માટે પણ સામાજિક સુરક્ષાની વ્યવસ્થા કરવા પ્લેટફોર્મ ચલાવનાર પાસેથી યોગદાન લેવાશે. કાગળ પાર આ વાત જેટલી સરળ લાગે છે એટલો જ એનો અમલ મુશ્કેલ છે. ૨૦૦૮માં આવેલો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સામાજિક સુરક્ષાના કાયદાનો અમલ આજ સુધી અસરકારક બની શક્યો નથી. બાંધકામ મજૂરો માટેના ભંડોળમાં ઘણાં બિલ્ડીંગ કોન્ટ્રાકટર પૈસા જમા કરાવતા જ નથી છતાં ય એમની સામે કોઈ પગલાં લેવાયાનું સાંભળ્યું નથી. વળી, ગીગ વર્કર્સ માટે વ્યવસાયિક સુરક્ષા અને કામ કરવાની શરતોની કોઈ જોગવાઈ નથી. એટલે દસ મિનિટમાં ઘરે ડિલીવરી પહોંચાડવાની દોડમાં રોડ અકસ્માતમાં જોખમ સામે કોઈ સુરક્ષા નથી. ઉપરાંત ટ્રેડ યુનિયનની માન્યતા માટેની શરતો પણ વધારે આકરી બનાવી છે, એટલે જો વાટાઘાટ દ્વારા પ્રશ્નના નિરાકરણ માટે અવકાશ મર્યાદિત બની જશે એ આશંકા અસ્થાને નથી.  

શ્રમજીવી દેશનો નાગરિક પણ છે અને ઉત્પાદનનું સાધન પણ. નાગરિક તરીકે એના અધિકારનો દાયરો મત આપવા પૂરતો માર્યાદિત થઇ જાય છે. પાછલા ત્રણ દાયકામાં ઔપચારિક રોજગારનું પ્રમાણ સતત ઘટીને લગભગ સાત ટકા પૂરતું મર્યાદિત થઇ ગયું છે. શ્રમ કાયદાથી બચવા ઉદ્યોગો અનૌપચારિક કામદારો તરફ વધુ ને વધુ વળ્યા છે. ઔદ્યોગિક ઉત્પાદનનાં આંકડા જોઈએ તો સ્પષ્ટ દેખાય કે શ્રમિકોની ઉત્પાદકતા ઉત્તરોત્તર વધી છે પણ ઉત્પાદનની વહેંચણીમાં તેમનો હિસ્સો ઘટી રહ્યો છે. આ વધતી અસમાનતાની નિશાની છે જે સમાજની તંદુરસ્તી માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...198199200201...210220230...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved