Opinion Magazine
Number of visits: 10080933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આરંભે ડો. આંબેડકર અલગ મતાધિકારના વિરોધી હતા!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 November 2025

ચંદુ મહેરિયા

બાબાસાહેબ ડો. આંબેડકર જીવનના ઉત્તરાર્ધમાં ‘અલગ વસાહતો’ અને ‘અલગ મતાધિકાર’ને દલિતોની મૂળભૂત જરૂરિયાત ગણાવતા હતા, પરંતુ ઇતિહાસ ગવાહ છે કે ૧૯૨૮માં સાયમન કમિશન સમક્ષ આંબેડકરે માત્ર રાજકીય અનામતની માગણી કરી હતી. એટલું જ નહીં, અલગ મતાધિકારનો વિરોધ પણ કર્યો હતો! 

કાઁગ્રેસે આઝાદ ભારતના રાજ્ય બંધારણનું માળખું ઘડી કાઢવા ઈ.સ. ૧૯૨૮માં મોતીલાલ નહેરુના વડપણ હેઠળ ‘નહેરુ સમિતિ’ની રચના કરી હતી. આ સમિતિએ સર્વપક્ષીય બેઠક બોલાવીને તેમાં મુસ્લિમ, શીખ, ઈસાઈ, એંગ્લો ઇન્ડિયન, બ્રાહ્મણેતર સંસ્થાઓ અને દ્રવિડ મહાજનોને ચર્ચા માટે નોતર્યા હતા, પરંતુ તેમાં દલિતોનો કે આંબેડકરનો પક્ષ જાણવો સમિતિને જરૂરી લાગ્યો નહોતો. નહેરુ સમિતિએ તેના અહેવાલમાં દલિતોના રાજકીય પ્રતિનિધિત્વની વાતને સાવ તડકે મૂકી દીધી હતી.

એ સંજોગોમાં સાયમન કમિશન સમક્ષ દલિતોની જે અઢાર સંસ્થાઓએ રજૂઆતો કરી, તેમાં સોળ સંસ્થાઓએ દલિતો માટેના સ્વતંત્ર (એટલે કે અલગ) મતદાર સંઘ (મંડળ)ની માગણી કરી હતી. માત્ર બે જ સંસ્થાઓએ સંયુક્ત મતદાર મંડળ અને રાજકીય અનામતોની માંગણી કરી હરી. આ બે સંસ્થાઓમાંની એક હતી આંબેડકરની ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ (સ્થાપના ૧૯૨૪). તેમણે દલિતો માટે સંયુક્ત મતદાર મંડળ અને રાજકીય અનામતોની તો માંગણી કરી પણ દલિતોના અલગ કે સ્વતંત્ર મતદારમંડળનો સખત વિરોધ કર્યો હતો!

બાબાસાહેબ આંબેડકર

સાયમન કમિશન સમક્ષ થયેલી કોમી મતદારમંડળોની માગણીને વખોડતા આંબેડકરે પોતાના અલગ અહેવાલમાં જણાવ્યું હતું : કોમી મતદારમંડળો માટેનો કેસ, વાજબી કહી શકાય તેવા કોઈ પણ કારણસર ટકી શકે તેવો નથી. તેની તરફેણમાં જે કંઈ કહેવાય છે તે માત્ર લાગણી અને ભાવનાઓ જ છે. હું અમુક વર્ગોને ખાસ પ્રતિનિધિત્વ મળે તેમ ઇચ્છું છું. છતાં એ પ્રતિનિધિત્વ તેમને અલગ મતદારમંડળો મારફતે મળે તેની વિરુદ્ધ છું. સૌથી યોગ્ય તો એ જ છે કે અનામત બેઠકોવાળી સંયુક્ત મતદાર મંડળોની પદ્ધતિ જ હોવી જોઈએ. તેનાથી ઓછું કશું ય અપૂરતું ગણાશે.

આમ, દલિતોના જ નહીં કોઈના પણ અલગ મતદારમંડળોના વિરોધી આંબેડકર, પાછળથી ‘દલિતોએ તેમની સઘળી માગણીઓ જતી કરવી જોઈએ, પણ અલગ મતદારમંડળો અને અલગ વસાહતોની માંગણીઓ ક્યારે ય ન છોડવી જોઈએ’ એમ કેમ કહ્યું હશે, એ જાણવા આઝાદી પહેલાંનો ઇતિહાસ, કાઁગ્રેસ અને ખાસ કરીને ગાંધીજીનું વલણ તપાસવું જોઈએ. 

સાયમન કમિશન સમક્ષ રાજકીય અનામતની આંબેડકરની માગણી પૂરતા પ્રમાણમાં સંતોષાઈ નહોતી. ગોળમેજી પરિષદના આરંભે તેમણે અલગ મતાધિકારને નહીં પણ પુખ્ત વયના મતાધિકારને પ્રાથમિકતા આપી હતી, પરંતુ બીજી ગોળમેજી પરિષદમાં મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ,એંગ્લો ઇન્ડિયનો – એમ સઘળા જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળોનો જ નહીં તેમની રાજકીય અનામત બેઠકોની માંગણી પણ સ્વીકારી નહીં. એ તબક્કે આંબેડકરને તેમની રણનીતિ બદલવાની કદાચ ફરજ પડી હશે અને તેમણે દલિતો માટે અલગ મતદારમંડળોને જ મુખ્ય મુદ્દો બનાવ્યો હશે એમ લાગે છે. બીજી ગોળમેજી પરિષદમાં લઘુમતીઓના અધિકારોના મુદ્દે મડાગાંઠ ચાલુ રહી હતી. આંબેડકરે દલિતો માટે અલગ મતદાર મંડળોની માગણી સબળ રીતે રજૂ કરી અને બ્રિટિશ સરકારને તે સ્વીકારવાની ફરજ પાડી. 

એ સમયે ગાંધીજીમાં રહેલો મુત્સદી કેવા કેવા પેંતરાઓ રચે છે તે જાણવા જેવું છે. આંબેડકર લખે છે : ૧૩મી નવેમ્બર ૧૯૩૧ના આગલા દિવસે લઘુમતી કરાર, ગોળમેજી પરિષદની લઘુમતી પેટા સમિતિને સોંપવામાં આવ્યો, ત્યારે ગાંધીએ કુરાનની નકલ લીધી અને રીટ્ઝ હોટેલમાં નામદાર આગાખાનને મળવા ગયા, જ્યાં મુસ્લિમ પ્રતિનિધિઓ ભેગા થયા હતા. ગાંધીએ મુસ્લિમ પ્રતિનિધિઓને પૂછ્યું, અલગ પ્રતિનિધિત્વ માટેનો અસ્પૃશ્યોનો હકદાવો માન્ય રાખીને તમે શા માટે હિંદુ સમાજને વિભાજિત કરી રહ્યા છો? શું કુરાનમાં આવું કરવાની રજા આપેલી છે? મને બતાવો, કુરાનમાં એવું ક્યાં કહ્યું છે? મુસ્લિમ પ્રતિનિધિઓને કદાચ ગાંધીના આ પ્રશ્નનો જવાબ આપવાનું અઘરું લાગ્યું હશે. મુસ્લિમ પ્રતિનિધિઓએ ગાંધીને શું જવાબ આપ્યો તે હું જાણતો નથી, પરંતુ આ (ગાંધીજીના કુરાનવાળા સવાલ અંગેની) માહિતી મને અત્યંત અધિકૃત રીતે મળી છે. (અનટચેબલ્સ એન્ડ અનટચેબિલિટી: સોશિયલ-પોલિટિકલ-રિલિજિયસ.ડો. આંબેડકર,ગ્રંથ-૫, પૃષ્ઠ-૩૨૩) 

આટઆટલા પેંતરાઓ અને પ્રયત્નો છતાં ગાંધીજી ન ફાવ્યા અને અંતે લઘુમતીઓના અધિકારોનો મુદ્દો બ્રિટિશ વડા પ્રધાન પર છોડાયો હતો. બ્રિટિશ વડા પ્રધાન રામ્સે મેકડોનાલ્ડે ૧૭મી ઓગસ્ટ, ૧૯૩૨ના રોજ કમ્યુનલ એવોર્ડ (કોમી ચુકાદો) જાહેર કર્યો હતો. તેમાં દલિતો માટે અલગ મતદારમંડળોની માગણી સ્વીકારવામાં આવી હતી. સાથે સાથે આ અલગ મતદારમંડળો અમર્યાદિત સમય માટે નહીં, પરંતુ વધુમાં વધુ વીસ વરસ માટે જ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. 

ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં જ દલિતો માટે અલગ મતદારમંડળોનો વિરોધ કર્યો હતો. તેઓ દલિતોને હિંદુ સમાજનો જ એક ભાગ માનતા હતા અને દલિતોનું અલગ રાજકીય પ્રતિનિધિત્વ તેમને હિંદુ એકતા માટે ખતરનાક લાગતું હતું. તેથી, કમ્યુનલ એવોર્ડ અંતર્ગત દલિતો માટેના અલગ મતદાર મંડળોની જોગવાઈના વિરોધમાં તેમણે પૂનાની યરવડા જેલમાં  આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી. ગાંધીજીના ઉપવાસ અને તે અંગેના આંબેડકરના વલણનો ઇતિહાસ બહુ જાણીતો છે. આંબેડકરને ગાંધીજીના ઉપવાસના શસ્ત્ર સામે ઝૂકવું પડ્યું, દલિતોના અલગ મતાધિકારની માગણી જતી કરવી પડી અને રાજકીય અનામત બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. 

કોમી ચુકાદામાં અલગ મતદારમંડળો અને સામાન્ય મતદારમંડળો એમ બેવડા મતનો લાભ હતો. વળી દલિત જ દલિતને ચૂંટે તેવી પણ જોગવાઈ હતી. પૂના કરારને કારણે કોમ્યુનલ એવોર્ડ કરતાં બમણી બેઠકો દલિતોને મળી, પણ યોગ્ય પ્રતિનિધિત્વ છીનવાઈ ગયું. 

કોમી ધોરણે મતાધિકારની માંગણી કરનાર બાબાસાહેબ આંબેડકરને ૧૯૩૭ની પહેલી ચૂંટણીમાં ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’ની રચના કરવાની જરૂર જણાઈ હતી. મુંબઈ વિધાનસભાની કુલ ૧૭૫ બેઠકોમાં અનામત બેઠકો માત્ર ૧૫ જ હતી. ત્યારે બાબાસાહેબને જ્ઞાતિના ધોરણે નહીં પણ વ્યાપક સમર્થનવાળા રાજકીય પક્ષની રચના યોગ્ય લાગી હતી. એટલે તેમણે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી(સ્વતંત્ર મજૂર પક્ષ)ની રચના કરી હતી. 

પૂના કરારના લગભગ સવા નવ દાયકે, અલગ મતાધિકારની માંગ બુલંદ કરનાર સૌએ  દલિતોના પેટા જ્ઞાતિવાદના મુદ્દે આ માંગણી (અલગ મતદારમંડળની) વિચારવા જેવી છે. ખુદ બાબાસાહેબને પણ દલિતોના પેટા જ્ઞાતિવાદનો ઠીક ઠીક અનુભવ થયો હતો. આજે વકરેલા દલિત પેટા જ્ઞાતિવાદના સંદર્ભમાં અલગ મતાધિકારની માંગણી કેટલી યોગ્ય ઠરે તે વિચારવું રહ્યું. 

ગુજરાતની દલિત વસ્તીમાં સાવ જ નજીવું પ્રમાણ ધરાવતી દલિત પેટાજ્ઞાતિના ઉમેદવારો રાજકીય અનામત બેઠકો અને રાજકીય પક્ષોની પસંદગીના કારણે ધારાસભા કે લોકસભામાં ચૂંટાઈ શક્યા છે. ગંગાબહેન વાઘેલા, ભાનુભાઈ વાઘેલા, ચંદ્રકાંત વાઘેલા, દર્શનાબહેન વાઘેલા, ચંદ્રાબહેન શ્રીમાળી અને પૂનમભાઈ મકવાણા જેવાં નામો તરત યાદ આવે. દલિતોમાં દલિત એવી દલિત પેટા જ્ઞાતિઓના આ ઉમેદવારો અલગ મતાધિકારમાં સત્તાના રાજકારણમાં સ્થાન બનાવી શક્યા હોત ખરા?

સુપ્રીમ કોર્ટના અનામતમાં પેટા વર્ગીકરણના મુદ્દે દલિતોની સંખ્યામાં વર્ચસ ધરાવતી પેટા જ્ઞાતિઓનું વલણ હાલમાં જણાઈ આવ્યું છે તે સંજોગોમાં અલગ મતાધિકારમાં દલિતોની સર્વ જ્ઞાતિઓનું સમાવેશન શક્ય બન્યું હોત ખરું ?  તે બાબત પણ વિચારવા જેવી નથી શું? . 

પૂના કરારને કારણે ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભાઓમાં ૧૫૧ અનામત બેઠકોમાંથી કાઁગ્રેસને ૭૮ બેઠકો મળી હતી. એટલે કે લગભગ પચાસ ટકા જેટલી જ. મુંબઈ વિધાનસભાની મોટા ભાગની અનામત બેઠકો આંબેડકરના પક્ષને મળી હતી. જો બાબાસાહેબ દલિતોના રાજકીય સંગઠન તરફ વધુ લક્ષ આપી શક્યા હોત,  તેમને દલિતોનો અખિલ ભારતીય પક્ષ રચવાની તક મળી હોત અને પૂના કરારની પ્રાથમિક ચૂંટણીની શરત તેના ખરા અર્થમાં અમલી બની હોત તો આજે દલિતોના રાજકીય પ્રતિનિધિત્વનો ઇતિહાસ જુદો હોત. રાજકીય અનામત અને અલગ મતાધિકારની ચર્ચા વેળાએ આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|3 November 2025

એક કોરી કિતાબ બોલો હા,
એમાં મૂક્યું ગુલાબ બોલો હા.

આમ આ  ખોટનો જ ધંધો છે,
તોય રાખ્યો હિસાબ બોલો હા.

એક ભગવો વિચાર આવ્યો પણ,
તુર્ત લાગ્યો ખરાબ બોલો હા.

આ સમય ખંડ ખંડ તૂટે છે,
છિન્નલખણા જનાબ બોલો હા.

પાળિયે આદર્યા છે ધિંગાણા,
નહીંનગરના નવાબ બોલો હા.

2.11.25
વૃન્દાવન બંગલોઝ, 15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ, તા. જિ. આણંદ
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 November 2025

રાજ ગોસ્વામી

‘ભારતમાં લોકો પ્રદૂષણની પરવા શા માટે નથી કરતા?’ – આ સવાલ જેટલો સામાન્ય લાગે છે તેટલો જ જટિલ છે. તાજેતરમાં દિવાળી દરમિયાન દિલ્હીમાં ફટાકડા ફોડવાનાં પગલે હવાનું પ્રદૂષણ સાધારણ કરતાં ઘણું બધું વધી ગયું હતું. દેશમાં મોસમના બદલાવની સાથે તહેવારોનો પ્રભાવ પણ હવામાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. દરેક વર્ષેની જેમ આ વર્ષે પણ દિવાળી પ્રસંગે દેશભરમાં જબરદસ્ત ફટકડા અને આતશબાજી થઇ હતી, જેણે હવાને ફરીથી ઝેરી બનાવી દીધી હતી.

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 23 ઓક્ટોબરે જારી કરવામાં આવેલા આંકડાઓના વિશ્લેષણથી ખબર પડે છે કે દેશમાં માત્ર 16 ટકા શહેરોમાં જ શુદ્ધ હવા છે. લગભગ 33 ટકા શહેરોમાં સ્થિતિ સંતોષજનક છે, જ્યારે બીજી બાજુ 51 ટકા શહેરોમાં સ્થિતિ ચિંતાજનક છે. અર્થાત દેશમાં મોટા ભાગના શહેરોમાં આજે હવા ચિંતાજનક છે. રાહતની વાત એ છે કે દિવાળીના બીજા દિવસથી શહેરોમાં હવા શુદ્ધ થવા લાગી હતી.

આવું દર વર્ષે થાય છે. કેમ? દિલ્હી જેવાં શહેરોમાં હવાનું પ્રદૂષણ, મોસમની જેમ, નિયમિત થઇ ગયું છે તે બતાવે છે કે તેનો સંબંધ ટેક્નિકલ કમી અથવા જાગૃતિના અભાવ સાથે નથી; તેમાં મનોવિજ્ઞાન, સમાજ-સંસ્કાર, આર્થિક અને સંસ્થાકીય કારણો બધાનું મિશ્રણ છે. સમજવાની કોશિશ કરીએ :

દિવાળી અને ફટાકડા અસ્થાયી તો હોય છે, પરંતુ તેની અસર ખૂબ જ તીવ્ર હોય છે. ફટાકડા ફૂટવાથી PM2.5 અને PM10(અત્યંત સૂક્ષ્મ કણો)નું જબરદસ્ત ઉત્સર્જન થાય છે; અનેક અભ્યાસોએ દર્શાવ્યું છે કે દિવાળી રાત્રે હવામાં આ કણોની ઘનતા તહેવાર પહેલાંના નાના સ્તર કરતાં અનેક ગણી વધી જાય છે, અને તેમાં લોખંડ આધારિત મિશ્રણો (બેરિયમ, સ્ટ્રોન્શિયમ વગેરે) પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ગંભીર છે – તેનાથી શ્વાસના રોગો, હૃદયના રોગો, શ્વસન સંક્રમણ અને દીર્ઘકાલીન કેન્સરની સમસ્યાઓનું જોખમ વધે છે. ઉપરાંત, શિયાળામાં હવા સ્થિર રહે છે અને ધુમાડાને વિખરવા નથી દેતા, તેથી ઉત્સર્જન જમીનના સ્તરે રહે છે, જેને આપણે ‘સ્મોગ’ અથવા ધુમ્મસ કહીએ છીએ. 

આટલી સાદી અને વૈજ્ઞાનિક સ્પષ્ટતા આપણી સમજમાં કેમ નથી આવતી? મૂળ કારણ છે માનસિકતા. માણસ ‘દેખીતા અને તાત્કાલિક’ જોખમ પર ઝડપથી પ્રતિક્રિયા આપે છે, પણ ભવિષ્યનાં જોખમ પ્રત્યે ઉદાસીન હોય છે. પ્રદૂષણનું જોખમ ધીમું, અસ્પષ્ટ અને સમયમાં ફેલાયેલું હોય છે – થોડી ખાંસી આવે કે આંખોમાં જલન થાય તો માણસોને એવું નથી લાગતું કે આ જીવન-મરણનો મામલો છે. લોકો તેને તરત જ અવગણી કાઢે છે એટલું જ નહીં, તેને હવાની સમસ્યા ગણવાને બદલે શરીરની કમજોરી પણ માની લેતા હોય છે.

બીજું, ઉત્સવોમાં લોકો સામૂહિક રીતે ઉત્સાહિત હોય છે; તે સોશિયલ કોન્ટેજન (સામાજિક સંસર્ગ) કામ કરે છે- જ્યારે આસપાસમાં અનેક લોકો ફટાકડા ફોડતા હોય ત્યારે, વ્યક્તિગત જોખમને જોવા-સમજવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. આપણી ‘ક્રાઉડ સાઈકોલોજી’ એવું પ્રતીત કરાવે છે કે આટલા બધા લોકો ફટાકડા ફોડતા હોય, તો તેઓ સારું જ કરતા હશે ને! 

ઉપરાંત, કોગ્નેટિવ ડિઝોનન્સ (બૌદ્ધિક અસંગતિ) પણ કામ કરે છે; લોકો જાણે છે કે ફટાકડા હાનિકારક છે, પરંતુ આનંદની પરંપરાની વિરુદ્ધ જવું મુશ્કેલ લાગે છે. તેમના માટે આનંદ જોખમ પર ભારે પડે છે. એટલે તેઓ જાતને આ રીતે સમજાવે છે; ‘થોડાંક જ ફટાકડા ફોડીશું’ અથવા ‘ગ્રીન-ક્રેકર્સની અસર તો ઓછી હોય છે.’ – અને આ રીતે તેઓ અસંગતિને મનમાં સુલઝાવી દે છે.

સામાજિક અને સાંસ્કૃતિક કારણો પણ વધુ ઊંડાં હોય છે. દિવાળી જેવા તહેવારોનો સામાજિક-સાંસ્કૃતિક અર્થ માત્ર રોશની નથી; તે ઓળખ, સમુદાય સાથે મેળ-મિલાપ અને ‘પરંપરાગત સ્વાતંત્ર્ય’નું પ્રતિક પણ છે. એટલે આ તહેવારોમાં ફટાકડા ફોડવાનો સંદર્ભ સદીઓ જૂની પરંપરાઓ સાથે જોડાયેલો છે – તે બાળકોની ખુશીઓ છે અને અંધકારનો વિનાશ છે. 

જ્યારે સરકાર અથવા અદાલત એના પર પ્રતિબંધ મૂકે ત્યારે કેટલાંક જૂથો આ પ્રતિબંધને સાંસ્કૃતિક દબાવ તરીકે લેતા હોય છે – અને તેનો વિરોધ સહજ બની જાય છે. આ વિરોધ પ્રદર્શનની પાછળ રાજકીય ઓળખ, સામુદાયિક ગર્વ અને ‘અલગાવનો ભય’ પણ હોય છે; તેથી લોકો નિયમોનું ઉલ્લંઘન કરવાને રાજકીય અથવા સાંસ્કૃતિક અવાજ ગણી લેતા હોય છે. સરકારો અને કોર્ટો એટલા માટે હથિયાર હેઠાં મૂકી દેતી હોય છે.

લોકો પણ સમજતા નથી કે પ્રદૂષણ બહુ-સ્તરીય સ્રોતોનું મિશ્રણ છે; વાહનો, બાંધકામ, બાયોમાસ સળગાવવો, ઔદ્યોગિક ધુમાડા, અને ઉત્સર્જન કરતાં ફટાકડા – આ બધાનો સંયુક્ત પ્રભાવ બને છે. જ્યારે કારણો અલગથલગ હોય, ત્યારે વ્યક્તિગત જવાબદારીનો ભાર ઓછો લાગતો હોય છે : ‘મારા એક-બે ફટાકડા શું ખરાબી લાવશે?’ પ્રદૂષણ જ્યારે પ્રણાલીગત હોય અને તેના ઉપાય માટે મોટા પાયે પગલાં લેવાની જરૂર હોય (કૃષિ-કચરાની વ્યવસ્થા, પાવર-પ્લાન્ટ સ્વચાલન), ત્યારે વ્યક્તિગત નિર્ણયનો પ્રભાવ સીમિત લાગે છે, અને લોકો એવું માનતા થઇ જાય છે કે આ કામ મારું નથી, સરકારનું છે.

આનું સમાધાન શું? માત્ર ‘લોકોને ચેતવણી આપવી’ પૂરતી નથી – આપણને બહુ-સ્તરીય રણનીતિની જરૂર છે : 

  1. વૈજ્ઞાનિક અને સરળ રીતે સમજી શકાય તેવી સરકારી માહિતી (રીઅલ-ટાઇમ AQI, આરોગ્ય માટેનો સંદેશ) જેથી જોખમ તાત્કાલિક અનુભવાય; 
  2. સામાજિક વિકલ્પ – સ્થાનિક સ્તરે ‘ફટાકડા-વગર’ના સામૂહિક ઉત્સવનું આયોજન 
  3. આર્થિક પ્રોત્સાહન – વૈકલ્પિક ગ્રીન મનોરંજન (લાઈટ શો, ડ્રોન શો) સસ્તું અને સુલભ બનાવવું; 
  4. કડક અને કાયદેસર દેખરેખ – જે વિસ્તારોમાં ઉલ્લંઘન વધારે થાય ત્યાં તરત દંડ અને જાહેરમાં નામકરણ; 
  5. અને સૌથી જરૂરી – કૃષિ-કચરા, ઇંધણ અને વાહન ઉત્સર્જન પર લાંબાગાળાની નીતિ, કારણ કે દિવાળી જેવા ઘટનાક્રમ માત્ર તાત્કાલિક અસર છે, મૂળ સમસ્યા તો વર્ષભરના ઉત્સર્જનમાં છે.

નિષ્કર્ષ એ છે કે ‘લોક પ્રદૂષણ વિશે ચિંતા કરતા નથી’ એવું કહેવું અર્ધસત્ય છે. વાસ્તવમાં ઘણા લોકો ચિંતા કરે છે, પરંતુ ભાવનાત્મક, સામાજિક અને માનસિકતા તેમને એવું વર્તન કરવા દેતું નથી જે વૈજ્ઞાનિક રૂપે યોગ્ય હોય. જ્યાં સુધી સરકાર લોકોની ચિંતાને સામાજિક-સાંસ્કૃતિક ભાષામાં નહીં બાંધે – પરંપરાનું સન્માન જાળવી રાખીને નવી આદતો નહીં વિકસાવે, સંસ્થાકીય જવાબદારી નહીં વધારે અને પ્રદૂષણના હાનિકારક પ્રભાવને સીધા જીવન (બાળકોની તંદુરસ્તી, વૃદ્ધોના રોગ, આર્થિક ભાર) સાથે નહીં જોડે – ત્યાં સુધી દિવાળી જેવા દરેક અવસર પર આપણે આનંદની સાથે જોખમની પણ આગતાસ્વાગતા કરતા રહીશું.

(પ્રગટ : “ગુજરાત મિત્ર”/ “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 02 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...200201202203...210220230...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved