Opinion Magazine
Number of visits: 10,221,649
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 December 2025

રાજ ગોસ્વામી

નવેમ્બરની 14મી તારીખે, એક્ટ્રેસ કામિની કૌશલનું અવસાન થયું, તે સાથે જૂની હિન્દી સિનેમા સાથેની આખરી કડી તૂટી ગઈ. 98 વર્ષીય કામિની કૌશલ એક માત્ર જીવિત કલાકાર હતી, જેની કારકિર્દી સાત દાયકાઓમાં પથરાયેલી હતી. તે સૌથી લાંબા સમય સુધી કામ કરનારી એક્ટ્રેસ હતી. તેની સાબિતી એ છે કે તેમણે રાજ કપૂરથી શરૂ કરીને અશોક કુમાર, દેવ આનંદ, દિલીપ કુમાર અને રાજ કુમારથી લઈને (લાલ સિંહ ચઢ્ઢામાં) આમિર ખાન સુધીના હીરો સાથે કામ કર્યું હતું. 

તેમણે એકવાર સરસ નિરીક્ષણ કર્યું હતું, ‘મેં રાજ સાથે તેની બીજી ફિલ્મમાં; દેવ સાથે પણ તેની બીજી ફિલ્મમાં અને દિલીપ સાથે ય તેની બીજી જ ફિલ્મમાં કામ કર્યું હતું.’ કામિનીએ ત્રણેને પોતાની આંખો સામે સ્ટાર બનતાં જોયા હતા અને પછી તારાઓ વચ્ચે વિદાઈ લેતા પણ નીરખ્યા હતા.

કામિની કૌશલનું જીવન એટલું સમૃદ્ધ અને રોચક હતું કે તેના પર એક બાયોપિક બને તેમ છે (ઇનફેક્ટ, તેના પરથી પ્રેરણા લઈને એક લોકપ્રિય ફિલ્મ પણ બની હતી, પણ તેની વાત પછી). તેમનો જન્મ 16 જાન્યુઆરી 1927ના રોજ લાહોરમાં ઉમા કશ્યપ તરીકે થયો હતો. તેમના પિતા પિતા રાય બહાદુર એસ.આર. કશ્યપ વનસ્પતિ વિજ્ઞાનના પ્રોફેસર હતા. તેઓ માત્ર સાત વર્ષનાં હતા, પિતાનું અવસાન થયું હતું અને પાછળ તેમની અમુક ડાયરીઓ છોડી ગયા હતા, જે ઉમા કશ્યપની સૌથી મૂલ્યવાન ધરોહરોમાંની એક હતી.

ઉમાએ 1934માં લાહોરની ગવર્નમેન્ટ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. ઓનર્સ કર્યું હતું. એકવાર એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, ‘હું એક બુદ્ધિજીવી પરિવારમાંથી આવતી હતી. મારા પિતાએ 50થી વધુ પુસ્તકો લખ્યાં હતાં. અમારા પરિવારમાં જ્ઞાન મેળવવાની પ્રાથમિકતા હતી, પણ તેમણે મને ક્યારે ય કશું કરતાં રોકી નહોતી. મારી પાસે આમતેમ ડાફોળિયાં મારવાનો સમય કે ફુરસત નહોતી. હું તો સ્વીમિંગ, ઘોડેસવારી, સ્કેટિંગ અને આકાશવાણી પર રેડિયો નાટક કરવામાં વ્યસ્ત હતી.’

આનંદ બંધુઓમાં જ્યેષ્ઠ ચેતન આનંદે તે વખતે તેમની ફિલ્મ ‘નીચા નગર’(1946)માં ગ્રેજ્યુએટ થઇને બહાર પડેલી ઉમાને પહેલીવાર રોલ ઓફર કર્યો હતો. ફિલ્મમાં ચેતન આનંદનાં પત્ની ઉમા આનંદ પણ હતાં, એટલે ઉમાનું નામ કામિની કરી દેવામાં આવ્યું હતું. ઉમાનું નામ જ નહીં, અટક  પણ કેવી રીતે બદલાઈ તેની પણ એક કહાની છે.

ઉમાને તેનાથી મોટાં ચાર ભાંડુંઓ હતાં. તેમાંથી સૌથી મોટી બહેન ઉષાનાં લગ્ન બી.એસ. સૂદ નામના બોમ્બે પોર્ટ ટ્રસ્ટમાં મુખ્ય ઈજનેર સાથે થયાં હતાં. બહેનને બે દીકરીઓ હતી – કુમકુમ અને કવિતા. આ બહેનનું એક કરુણ કાર અકસ્માતમાં અવસાન થઇ ગયું. ઉમાએ બહેન તરીકેની ફરજના ભાગ રૂપે બંને દીકરીઓને પોતાની દીકરી તરીકે સ્વીકારી લીધી, અને જ્યારે ‘નીચા નગર’માં તેનું નામ બદલવાનું આવ્યું, ત્યારે તેમણે ચેતન આનંદને વિનંતી કરી કે ‘કામિની’ નામની સાથે, કુમકુમ અને કવિતાના પ્રથમાક્ષર પરથી, ‘ક’ નામની અટક પણ લગાવવામાં આવે. એ રીતે તે કામિની કૌશલ બન્યાં. 

એટલું જ નહીં, દીકરીઓને ઉછેરવાની વાત આવી એટલે ઉમા(કામિની)એ તેમના જીજાજી સાથે લગ્ન કરીને મુંબઈમાં સ્થળાંતર કર્યું. એ લગ્નથી તેમને ત્રણ દીકરા થયા; રાહુલ, વિદુર અને શ્રવણ. દત્તક દીકરી કુમકુમે મોટા થઈને મહાત્મા ગાંધીના વિચારો પર બાળકો માટે એક પુસ્તક લખ્યું, જ્યારે કવિતા આર્ટીસ્ટ બની. 

‘ફિલ્મફેર’ સામયિક (જેના પહેલા અંકના કવર પેજ પર કામિનીનો ફોટો આવ્યો હતો) સાથે એક ઇન્ટરવ્યૂમાં તેમણે તેમના લગ્નના નિર્ણય અંગે કહ્યું હતું, ‘હું મારી બહેનને બેહદ પ્રેમ કરતી હતી. મને ડર લાગતો કે મારી ભાણીઓ, જેઓ માત્ર બે અને ત્રણ વર્ષની હતી, માતા સિવાય ભટકી જશે. મને આ સંપૂર્ણ રીતે યોગ્ય ઉકેલ લાગ્યો. આ કોઈ બલિદાન હતું નહીં. ઉપરથી, મારા પતિ એક સભ્ય અને સારા માણસ હતા.’

જવાબદારીની આ ભાવનાનાં કારણે કામિનીએ તેમના પહેલા પ્રેમ, દિલીપ કુમારને જતા કરવા પડ્યા હતા. તેમના આ  ભાવનાત્મક સંઘર્ષ પરથી 1963માં બી.આર. ચોપરાએ ‘ગુમરાહ’ ફિલ્મ બનાવી હતી. તેમાં ફિલ્મની નાયિકા મીના(માલા સિંહા)ને અકસ્માતમાં અવસાન પામેલી તેની બહેન કમલા(નિરુપા રોય)ના પતિ અશોક (અશોક કુમાર) સાથે લગ્ન કરવાં પડે છે, જેથી તેનાં બાળકોને ઉછેરી શકે. વર્ષો પછી, મીનાનો પ્રેમી રાજેન્દ્ર (સુનીલ દત્ત) તેના જીવનમાં પાછો આવે છે. આ અજીબ પ્રણય ત્રિકોણમાંથી જ યુવા પ્રેમીઓના હૃદયભંગનું ‘રાષ્ટ્રગીત’ આવ્યું હતું :

ચલો એક બાર ફિર સે, 

અજનબી બન જાયેં હમ દોનો.

‘ગુમરાહ’ કામિનીના જીવનની પૂરેપૂરી નકલ નથી, પરંતુ તેના ભાવ-સંસ્કાર નિશ્ચિતપણે દિલીપ અને કામિનીના એ ટૂંકા સંબંધ પરથી પ્રેરિત છે, જે પ્રેમના આકર્ષણ અને ફરજના બોજ વચ્ચે પીસાઈ ગયો હતો.

કદાચ એ જ કારણ છે કે ‘ગુમરાહ’ માત્ર એક પ્રેમ-ત્રિકોણ નહીં, પરંતુ એવી ફિલ્મ બની ગઈ જે તે સમયના મધ્યવર્ગીય બોજ – પરિવાર, પ્રતિષ્ઠા, જવાબદારી – અને માણસની સૌથી અંતરંગ ઇચ્છાઓ વચ્ચે ઊભેલા સંઘર્ષને જીવંત બનાવે છે. અને જ્યારે આજે આપણે પાછળ નજર કરીએ છીએ, તો સમજાય છે કે ક્યારેક ફિલ્મોની કથાઓ લખતાં પહેલાંથી જ જીવન પોતાની સ્ક્રિપ્ટ લખી ચુક્યું હોય છે – અને તેનો પ્રભાવ એટલો સાચો, એટલો ઊંડો હોય છે કે પડદા પર ઉતરતાં-ઉતરતાં તે વાર્તા એક યુગની ભાવનાઓનું પ્રતિબિંબ બની જાય છે.  

કામિની કૌશલ અને દિલીપ કુમારની અધૂરી પ્રેમકથા પણ એવી જ એક વાર્તા છે – એક એવી શાંત, સંયમિત, ગૌરવશાળી કહાની, જેણે હિન્દી સિનેમાને તેની સૌથી આત્મીય ફિલ્મોમાંની એક આપી અને એ અનુભવ પણ કરાવ્યો કે ક્યારેક પ્રેમની સૌથી મોટી પરીક્ષા એનો ત્યાગ હોય છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 07 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જય ભીમ’ ખરેખર શું છે? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|8 December 2025

હેમન્તકુમાર શાહ

6 ડિસેમ્બર 2025ના રોજ, ડો. ભીમરાવ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે, અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં વણકર સેવા સંઘ દ્વારા બનેલા વાચનાલયના ઉદ્ઘાટક તરીકે એક સમારંભમાં હાજર રહેવાનું થયું. તે નિમિત્તે આપેલા ટૂંકા પ્રવચનના મુખ્ય મુદ્દા આ રહ્યા :

[1] જયશ્રી કૃષ્ણ, જયશ્રી રામ અને જય માતાજી જેવા નારા બોલીએ અને જય ભીમ બોલીએ એમાં તફાવત છે, એ સમજવાનું છે. જય ભીમ નારામાં ભક્તિ ન જોઈએ, પણ અન્યાય સામે લડવાની ઇચ્છા જોઈએ. આંબેડકરે પોતે પણ પોતાની ભક્તિ કરવાની ના પાડી છે.

[2] જયશ્રી રામ નારો તો દેશના અનેક લોકો માટે ડરામણો બની ગયો છે. રામની ભક્તિ કરવાને બદલે રામનો ઉપયોગ બીજાને ડરાવવા માટે થઈ રહ્યો છે. આ શરમજનક બાબત છે. 

[3] ડો. ભીમરાવ આંબેડકરે 25 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભામાં એમના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે, “ભક્તિ અથવા જેને ભક્તિમાર્ગ કહેવામાં આવે છે તે, કે વીરનાયકની પૂજા, દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતના રાજકારણમાં અપ્રતિમ ભૂમિકા ભજવે છે. ધર્મમાં ભક્તિ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વીરનાયકની પૂજા પતન અને છેવટે તાનાશાહીનો માર્ગ નિશ્ચિત બનાવે છે.”

[4] આંબેડકર લોકશાહીના ચાહક હતા. એ લોકશાહી સામે આજે ખતરો ઊભો થયો છે કારણ કે સમાજ નેતાઓની ભક્તિ કરવામાં પડ્યો છે. જો ભક્તિ કરીશું તો આપણે કોઈ પણ નેતાનું સાચું મૂલ્યાંકન કરી શકીશું નહીં અને એનાં દુષ્કૃત્યો સામે અવાજ પણ ઉઠાવી શકીશું નહીં.

[5] બાબાસાહેબ આંબેડકરને નેતૃત્વમાં જે બંધારણ બન્યું છે, તેની પહેલી લીટીમાં જ ભારત નામનું રાજ્ય સ્થાપવાના ઉદ્દેશો લખ્યા છે. એ છે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, વ્યક્તિનું ગૌરવ અને લોકશાહી તથા ધર્મનિરપેક્ષતા. આ ઉદ્દેશો કેટલા સિદ્ધ થયા એ મહત્ત્વનું છે. એમ લાગે છે કે આપણે જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી તે બધી હાલ ધોવાઈ રહી છે. આપણે સૌએ એની સામે અવાજ ઉઠાવતાં શીખવાનું છે.

[6] ગાંધી અને આંબેડકર બંને આપણને અન્યાયનો સામનો કરવાનું અને ન્યાયી સમાજ ઊભો કરવાનું શીખવે છે. બેમાંથી કોઈની ભક્તિ કરવાની જરૂર નથી, પણ એમના સિદ્ધાંતોને અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવાની જરૂર છે. 

[7] અત્યારે અનામતની વ્યવસ્થા સીધી રીતે નહીં પણ આડકતરી રીતે ખતમ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. જેમ કે, ગુજરાત સરકારમાં આશરે ચાર લાખથી વધુ કર્મચારીઓ તો કરારી અને ટૂંકા સમયની નોકરી ધરાવે છે. એમાં ક્યાં ય અનામત લાગુ પડતી જ નથી. આ રીતે સરકારનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને અનામતના અમલને કચરા ટોપલીમાં ફેંકી દેવાયો છે. આ ખાનગીકરણ સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. જુઓ તમે, બંધારણનો દેખીતો નાશ કર્યા વિના જ એનો આ રીતે નાશ કરાઈ રહ્યો છે. એની સામે સંગઠિત રીતે અવાજ ઉઠાવવાની જરૂર છે. 

8] નાગરિકોની સ્વતંત્રતા એ સૌથી મોટું મૂલ્ય છે. આપણે માણસ છીએ, કોઈ જંતુ નથી. સ્વાતંત્ર્યની જાળવણી એ આપણા સૌની પ્રથમ અને પ્રાથમિક ફરજ છે. જય ભીમ બોલતી વખતે આપણે એ વિચારીએ કે શું બંધારણમાં લખવામાં આવેલી સ્વતંત્રતા ઘસાઈ તો નથી રહી ને? 

[9] આપણે બંધારણ રચીને પ્રજામાંથી નાગરિક બન્યા છીએ. એ આ બંધારણની દેન છે. એ ગાંધી, આંબેડકર, સરદાર પટેલ અને નેહરુ જેવા મહાન નેતાઓની દેન છે. અત્યારે આપણને નાગરિકમાંથી મચ્છર બનાવી દેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પડકાર આપણે સૌએ ઝીલી લેવાનો છે. જય ભીમના નારા ગજવવાથી કંઈ નહીં વળે, જય ભીમે જે પડકાર ઝીલ્યો હતો તે આપણે સૌ ઝીલીએ અને લોકશાહીને સાર્થક કરીએ.  

6 ડિસેમ્બર 2025
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભૂખ

વસુધા ઇનામદાર|Opinion - Short Stories|8 December 2025

કાળો કાંબળો ઓઢીને અજવાળામાં પડછાયાની  જેમ ચાલતી એ વ્યક્તિને રોકવા પોલિસે બૂમ પાડી. “અરે એ, ઊભો રહે, તને સંભળાય છે કે ? રાતના અગિયાર વાગે આમ ક્યાં ચાલ્યો જાય છે ?”

પોલિસ વર્દી પહેરેલો પોલિસ હાથમાં દંડો હલાવતો ચાલનારની પાછળ ઝડપથી દોડ્યો  અને ચાલનારાનો ઓઢેલો કાંબળો એણે ખેંચી કાઢ્યો. ફાટેલાં કપડાં પહેરેલાં અને ખભે સૂતેલા ચાર વર્ષના બાળકને લઈને ચાલનારાને એ દબડાવતો હતો. લોકડાઉનનો ભંગ કરનાર અને પોતાની સાથીદાર જોડે વાતોમાં ખલેલ પહોંચાડનારને મારવા એણે દંડાવાળો હાથ ઉગામ્યો, પણ એના ખભે સૂતેલું ચારેક વર્ષનું બાળક જોઈ એનો ઉગામેલો હાથ હવામાં જ અદ્ધર રહી ગયો ! એને આમ મોટા અવાજે કોઈકને ધમકાવતો સાંભળીને  પોલીસનો યુનિફોર્મ પહેરેલો એનો  સાથીદાર ચોકીમાંથી બહાર આવ્યો !  આમ  મોડી રાતે લોકડાઉનનો ભંગ કરનાર કોણ હશે ? એ નજીક જઈને ઊભો રહ્યો, એને જોઈને તે  બોલ્યો, “અરે, નારાયણ, તું ? આમ લોકડાઉનમાં આ છોકરાને લઈને ક્યાં નીકળ્યો ?” 

“શું કહું? સારું થયું તમે મને ઓળખ્યો, સુભાષભાઈ. તમારી સોસાયટીમાં શાકભાજી વેચવા આવતો હતો, યાદ છે ને ? પણ આ કોવિડમાં મારો ધંધો ઠપ થઈ ગયો છે, આ છોકરો બે દિવસથી ભૂખ્યો છે ને દૂધની જીદ કરીને રડ્યા કરે છે. ઘરમાં બે દિવસથી રંધાયું નથી અને સાહેબ આ છોકરાને દૂધ ……”

“ઊભો રે, નારાયણ, ઊભો રે  ! હું પેલી બાજુની ડેરીવાળાને ત્યાંથી મારા ઘર માટે બે દૂધની કોથળી લાવ્યો છું, લે તું એક લઈ જા. ને જો આમ લોકડાઉનમાં નાના છોકરાને સાથે લઈને બહાર નીકળાય નહીં !”

“પણ સાહેબ ……”

“જો હવે આપડે કોવિડની બહુ ચિંતા કરવા જેવી નથી. આ કદાચ છેલ્લું  જ લોકડાઉન હશે પછી બધું બરાબર થઈ જશે.” 

“એ કઈ રીતે, સાહેબ ?” 

“હવે કોવિડની રસી નીકળી છે, બધાએ એ રસી લેવી પડશે, પછી  કોવિડ  નહીં, ને આ લોકડાઉન પણ નહીં !” 

“પણ સાહેબ, આ ભૂખનું શું ? બે દિવસથી મેં કે મારી ઘરવાળીએ ખાધું નથી. સાહેબ, એક વાત પૂછું ?”

“હા, હા બોલ. બીજું કશું જોઈએ ?”

“ના સાહેબ, પણ આ ભૂખ જ ના લાગે એવી કોઈ રસી છે ?” એની આંખમાંથી આંસુ સરી પડ્યાં. સુભાષે અંદર જઈને ગ્લુકોઝના બિસ્કિટના બે પેકેટ એને પકડાવી દીધા. શાકભાજીના લારીવાળાએ આભારવશ એની સામે જોઈને કહ્યું, “સાહેબ, ભૂખ ના લાગે એવી રસી નીકળે તો મને કહેવાનું ભૂલતા નહીં !” ને એ ધીરે પગલે અંધારામાં ગાયબ થઈ ગયો.

સડબરી, બોસ્ટન
e.mail : mdinamdar@hotmail.com

Loading

...102030...189190191192...200210220...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved