Opinion Magazine
Number of visits: 10,221,694
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 December 2025

રાજ ગોસ્વામી

“રામપાલની ગિરફ્તારીથી અમારી અંદર થોડુંક અંતર આવી જવું જોઈતું હતું. કદાચ જુનૂન થોડું ઓછું થઇ જતે. પણ એવું ન થયું. ઊલટાનું, અમારી ભક્તિ વધુ તેજ થઇ ગઈ – એક રીતે ઉન્માદી, આંધળી નિષ્ઠામાં બદલાયેલી. તેમની જેલ અમારા માટે નવું તીર્થ બની ગઈ. આશ્રમ જવાનું છૂટી ગયું – હવે અમે જેલમાં બંધ અમારા ગુરુની એક ઝલક મેળવવા માટે ત્રણ-ચાર કલાકનો પ્રવાસ કરતા હતા – બસ એક પળની ઝલક.

“અમે ક્યારે ય અદાલતની તારીખ ચૂકતાં નહતાં. હું સ્કૂલને ટાળતી હતી. મારાં પેરેન્ટ્સ કામમાંથી છુટ્ટી લેતાં હતાં. આ મુલાકાતો કરતાં કશું જ મહત્ત્વનું નહોતું. આ જ અમારી જિંદગી હતી. મારા માટે તો આ પ્રવાસો કોઈ રોમાંચની પરાકાષ્ઠા હતા. એનાથી આગળ મને કશું જોઈતું નહોતું. હું ન તો આ સાહસો સામે સવાલો કરતી હતી કે ન તો તેની બહાર અર્થ શોધતી હતી. 

“અને એ વિશ્વાસમાં બધું જ ઉચિત નજર આવતું હતું. એક પરિવારના ત્રણ વયસ્ક, તેમની સનકમાં ડૂબેલાં, જેલો અને અદાલતોનાં ચક્કર લગાવી રહ્યાં હતાં – એક એવા માણસની પાછળ, જેની પર હત્યા અને હિંસા ભડકાવાના આરોપ હતા. અને હું પણ, પંદર વર્ષની ઉંમરમાં, એ જ બધું કરી રહી હતી.”

મૂળ દિલ્હીમાં જન્મેલી અને મોટી થયેલી તેમ જ દિલ્હી યુનિવર્સીટીમાં ઇંગ્લિશ સાહિત્ય અને સોશિયલ વર્કમાં ગ્રેજ્યુએટ થયેલી પ્રિયંવદા મેહરાના સંસ્મરણ The Cost of a Promised Afterlife(જૂઠા મોક્ષની કિંમત)નો આ એક અંશ છે. આ તેમનું પહેલું પુસ્તક છે, અને તે તેમના તેમ જ તેમના પરિવારની હરિયાણાના સંત રામપાલ મહારાજ પ્રત્યેની અંધભક્તિના અનુભવમાંથી આવેલું છે. 

પ્રિયંવદા નવ વર્ષની હતી, ત્યારે તેનાં પેરન્ટ્સના પગલે રામપાલની ભક્તિમાં લીન થઇ હતી. તેની માતાને બ્રેઇન ટ્યુમર હતી, અને તેને ઠીક કરવાની આશામાં પેરન્ટ્સ બાબાના શરણમાં ગયાં હતાં. ધીમે ધીમે તે ભક્તિભાવ એક અંધારું પાંજરું બની ગયું અને આજ્ઞાપાલન સદ્દગુણ અને નિયંત્રણ.

તેર વર્ષની ઉંમર સુધીમાં પ્રિયંવદા પણ એક સમર્પિત અનુયાયી બની ગઈ. 2006માં, રામપાલના અનુયાયીઓ તેમ જ હરિફ સંપ્રદાયના લોકો વચ્ચે હિંસક અથડામણ થઇ, ત્યારે પ્રિયંવદા માનવ ઢાલ તરીકે આશ્રમની અંદર હતી.

 

આશ્રમમાં સવાલો પૂછવા પાપ હતું, વફાદારી ધર્મ હતો, અને અવજ્ઞા એવો અપરાધ, જેની ભારે કિંમત ચૂકવવી પડતી. ચમત્કારોનાં નામ પર ઘડાયેલી તર્કહીન વાતો, સારવાર પર પ્રતિબંધો, ડરથી ભરેલા ઉપદેશ – આમ બધાની વચ્ચે તે મોટી થઈ, અને પોતાના પરિવાર ધીરે ધીરે તૂટી જતો જોયો.  

વીસ વર્ષ સુધી પ્રિયંવદા એ બે ખતરનાક દુનિયા વચ્ચે ભટકતી રહી – બંને પર પિતૃસત્તા, જાતિ, વર્ગ અને તેની સાથે આવતી અદૃશ્ય હિંસાનાં પડ ચઢેલાં હતાં. તે તેની માસૂમ ઉંમરમાં અંધભક્તિના આ આશ્રમમાં કેવી રીતે ભૂલી પડી ગઈ હતી અને એક સ્ત્રીના રૂપમાં તેની બહાર નીકળવા માટે કેવી લાંબી, એકલવાયી અને કડવી લડાઈ લડવી પડી તેની આ પુસ્તકમાં કહાની છે.

પ્રિયંવદા કહે છે કે ભારતમાં બાબાઓ દરેક જગ્યાએ છે. તેમના અવાજો ટેલિવિઝન સ્ક્રીન પર ગુંજતા હોય છે અને તેમનાં નામ પ્રાર્થનાઓ અને પૂજા બંનેમાં લેવાતાં હોય છે. પણ તેમના માટે ‘કલ્ટ’ શબ્દનો ઇસ્તેમાલ નથી થતો. આવી પાખંડી દુનિયા ત્યાં સુધી ગુમનામ રહે છે જ્યાં સુધી કોઈ કાંડ ન થાય, અને પછી તે પણ ખામોશીમાં દબાઈ જાય છે. આ ખામોશી જ અંધવિશ્વાસને પોષવામાં અને તર્કને ધ્વસ્ત થવા દેવાનો અવસર આપે છે. 

ભારતમાં આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે. પશ્ચિમમાં આવા કલ્ટ પર અનેક પુસ્તકો છે. આપણે ત્યાં તો તેને કલ્ટ પણ માનવા લોકો તૈયાર નથી હોતા. કલ્ટ એક એવો સમૂહ હોય છે જે બહારથી ભક્તિ, આધ્યાત્મિકતા અથવા ‘સાચા માર્ગ’નો દાવો કરે છે, પણ અંદરથી પોતાના અનુયાયીઓ પર માનસિક, ભાવનાત્મક અને ક્યારેક શારીરિક નિયંત્રણ સ્થાપિત કરે છે. તેના કેન્દ્રમાં હંમેશાં કોઈ કરિશ્માઈ લીડર હોય છે, જેના આદેશને અંતિમ સત્ય માનવામાં આવે છે.

સરળ ભાષામાં, કલ્ટ એટલે એવી જગ્યા છે જ્યાં પ્રશ્નો કરવાની કે સંદેહ કરવાની અનુમતિ નથી, અને તર્કની સામે વફાદારી મોટી બની જાય છે. દરેક ધાર્મિક કે આધ્યાત્મિક સંગઠન કલ્ટ નથી હોતું. કલ્ટ ત્યારે બને છે જ્યારે સમૂહ વ્યક્તિની સ્વતંત્રતા, વિચારવાની ક્ષમતા અને વિકલ્પ છીનવી લે છે. 

કલ્ટ તેની પકડ પ્રેમથી શરૂ કરે છે. શરૂઆતમાં ત્યાં તમને એટલી આત્મીયતા, દરકાર અને ઉષ્મા મળે કે તમને એવું મહેસૂસ થવા લાગે કે તમને પહેલીવાર કોઈ સમજી રહ્યું છે. આ ભાવનાત્મક લગાવની મદદથી તેઓ ધીરે ધીરે તમારો વિસ્તાર નાનો કરવા લાગે છે – તમને તમારા પરિવાર, મિત્રો અને બહારની દુનિયાથી અલગ કરીને તમને એવો વિશ્વાસ અપાવે છે કે ‘બહાર તમારું કોઈ ભલું ચાહતું નથી અને કેવળ અમારી પાસે જ તમે સલામત છો.’

આવી રીતે દુનિયા સાથે તમારું અંતર આવી જાય, પછી આવે છે મુખ્ય હથિયાર – ડર. કલ્ટ તમને એવું ઠસાવી દે છે કે સવાલો કરવા પાપ છે, સમૂહને છોડવાથી બીમારી, દુર્ભાગ્ય અથવા બરબાદી આવશે અને બાબાથી દૂર રહેવાથી વિનાશ થશે. ડરની સાથે સાથે તે તમારી સમજદારીને પણ કમજોર કરે છે – તમને કોઈ સંદેહ થાય, તો તેઓ તમારામાં ખામી શોધે છે; ભ્રમ તમારા મનમાં છે, તમને ગેરસમજ થઇ છે અથવા તમારી હજુ શ્રદ્ધા ઓછી છે. ધીમે ધીમે તમે તમારી વિચારશક્તિ પરથી વિશ્વાસ ગુમાવી દો છો અને એ લોકો જે શીખવે તેને જ માનવા લાગો છો.

સાઉથ અમેરિકામાં, 30 વર્ષ પૂર્વે, ‘પીપલ્સ ટેમ્પલ’ નામના એક કલ્ટના વડા જીમ જોન્સનું સામ્રાજ્ય પતનના આરે હતું, ત્યારે એના 900 અનુયાયીઓએ આઘાતમાં આવીને સામૂહિક આત્મહત્યા કરી હતી, જેમાં 300 બાળકોને સાઇનાઇડ પિવડાવવામાં આવ્યું હતું. અમેરિકન ઇતિહાસનો આ સૌથી મોટો સામૂહિક આપઘાત છે. સંશોધકો કહે છે જીમ જોન્સ બુદ્ધિશાળી હતો અને સોશિયલ સાયકોલોજીનો અભ્યાસુ હતો. એણે જ્યોર્જ ઓરવેલની પ્રસિદ્ધ નવલકથા ‘નાઇન્ટીન એઇટીફોર’ વાંચીને અનુયાયીઓનાં મન કેવી રીતે વશમાં કરવાં એની તકનીક વિકસાવી હતી.

અડોલ્ફ હિટલરના યહૂદી નરસંહારને અંજામ આપવાનો જેના પર આરોપ છે તે નાઝી નેતા આઇકમેન પર 1961માં યુદ્ધકાલીન અપરાધો માટે ખટલો ચાલ્યો, ત્યારે તેણે બચાવમાં કહેલું કે મેં તો માત્ર આદેશોનું પાલન કર્યું છે. આના પરથી સ્ટેન્લી મિલીગ્રામ નામના સાયકોલોજિસ્ટને સવાલ થયેલો કે નૈતિક રીતે ઉચિત નથી તે જાણવા છતાં માણસ એવું અધમ કૃત્ય કરવા શા માટે તૈયાર થાય છે?

એના અભ્યાસમાં મિલીગ્રામે લખેલું, ‘કોઇપણ પ્રકારના વિરોધ કે સંઘર્ષ વગર ચૂપચાપ માથું નમાવીને કામ કરતા હોય એવા લોકોને કોઇક વિનાશકારી પ્રવૃત્તિમાં સામેલ કરવા આસાન છે. ખાસ કરીને, કામની વિનાશકતાનો ખ્યાલ હોય તો પણ, બહુ ઓછા લોકોમાં ઓથોરિટીનો પ્રતિરોધ કરવાનું સાહસ હોય છે.’

બહુમતી લોકોમાં સેલ્ફ-રિસ્પોન્સિબિલિટી (સ્વ-દાયીત્વ) હોતી નથી. પોતાની ભલાઈની જવાબદારી આશ્રમના ગુરુ કે દેશના તાનાશાહના હાથમાં મૂકવી એ બહુ સહજવૃત્તિ છે. સામાન્ય લોકો એમની રોજિંદી મુસીબતોમાં એટલા પરોવાયેલા હોય છે કે કોઇ ગુરુ કે કોઇ નેતા એમના કલ્યાણની જવાબદારી ઉપાડે તો લોકો હોંશે હોંશે એને ‘ભગવાન’ બનાવી દે છે. એક રામપાલ જેલમાં ગયો એનો મતલબ એમ નહીં કે બીજો ‘કૃષ્ણલાલ’ નહીં આવે. જ્યાં સુધી અનુયાયીઓ છે ત્યાં સુધી ધોળે દિવસે તારા દેખાડનારા ‘રહનુમા’ આવતા જ રહેવાના.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 07 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીને જાણવા, સમજવાની વાટ

અનિલ વ્યાસ|Diaspora - Reviews|8 December 2025
વિપુલ કલ્યાણી લેખિત અને કેતન રૂપેરા સંપાદિત “પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ” પુસ્તકમાં ગાંધીજીના આહાર અને આહાર વિષયક એમની સમજણનો આલેખ જોવા મળે છે. 

અહીં ગાંધીજીના આહાર સાથો-સાથ આહાર બનાવવાની રીતરસમ પણ આવરી લેવાઇ છે. 

હમણાંથી ફાસ્ટ ફૂડ અને લારી ભોજનનો મહિમા વધ્યો છે. શનિ રવિ ગૃહિણી સમેત સહુ રાંધવાની ઝંઝટમાંથી મુક્ત થઈ, તૈયાર અને સ્વાદિષ્ટ ભોજન તરફ વળ્યા છે, ત્યારે પ્રાણપોષક આહારની ચર્ચા અત્યંત જરૂરી બની છે. આ પુસ્તક ગાંધીજીના જીવનપ્રથા સ્વભાવના ઓછાં જાણીતાં પાસાઓને ઉજાગર કરે છે, જે ખાવા પીવાની આદતો વિશે ચિંતન કરવા માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શક બનશે.

ગાંધીજીના આહાર સબબ નોંધપાત્ર બાબત – તેમના શાકાહારી (વેજીટેરિયન) ખોરાકનો આગ્રહ અંગેની છે. ઇંગ્લેન્ડ આવવાની મુસાફરી પહેલાં માતા સમક્ષ લીધેલ પ્રતિજ્ઞા પાલન મિશે શરૂ થયેલી આકરી કસોટી લંડન વસવાટમાં ય એમને છોડતી નથી. સ્વાદ, રુચિ, સોડમ અને પરંપરિત રાંધણ … સઘળું ત્યજવું સહેલું ન હતું, વળી, હાડ ગાળી નાખે એવી ઠંડી, પડકારજનક વાતાવરણમાં ગાંધીજી જે રીતે માંસાહાર ત્યજીને ટક્યા રહ્યા તે પ્રેરણાદાયી ને અનુકરણીય છે.

વિપુલભાઈએ ચીવટપૂર્વક ગાંધીજીના વિચારોમાં આવેલા રચનાત્મક પરિવર્તનોને રસપૂર્વક વણ્યાં છે. આ પુસ્તક ગાંધીજીનાં જીવન તથા સ્વભાવનાં ઓછાં જાણીતાં પાસાંઓ ઉજાગર કરે છે.

વિચારપૂર્વક, વીસ વર્ષની ઉમ્મરે નવા આહાર રૂપી ધર્મમાં પ્રવેશતા યુવાનની મૂંઝવણ અને મુશ્કેલીઓ સમજવા જેવી છે. માછલી ને ઈંડા શાકાહારી ગણાય એ યક્ષપ્રશ્ન ત્યારે ય હતો અને આજે પણ છે. સ્વાતંત્ર્યના લડવૈયા મોહનદાસ કરમચંદ ગાંધીની મહાત્મા સુધીની સફરમાં એમને હિમ્મતવાન અને બળવાન બનાવવામાં આહારની નિમિતત્તા ચુકવા જેવી નથી. 

નિમક સત્યાગ્રહ(દાંડીકૂચ)થી આહારમાં નિમક(મીઠું)ના પ્રમાણનો યાત્રાપથ વિપુલભાઈએ ચીંધી આપ્યો છે. તો સાથોસાથ ચોકલેટ, ચા કોફી ઉપરાંત, ખાંડ, દૂધ ને દૂધની બનાવટો અને એની શારીરિક અસરો વિશે  વિચારશીલ વાર્તાલાપ ગમે એવો છે.

વળી, વણરાંધેલા ખોરાક, કાચાંધાન અને માત્ર ફળાહારના પ્રયોગો અંગેની માહિતિ  સમજવા સરખી છે.

બાપુના ખોરાકના પ્રયોગો કરવાનો શોખ ખાસ્સો પ્રસિદ્ધ છે, પણ એની પાછળનાં કારણો, મુશ્કેલીઓ, સફળતા-નિષ્ફળતાની તારવણી  અહીં મળી રહે છે.

આશા છે સહુને, ખાસ તો, યુવાનોને .. ‘ઝેન જી’ પેઢી આ વાંચશે અને  પોષક આહારની આ જૂની મૂડી એમને ગાંધીજીને જાણવા, સમજવાની વાટ અને સક્ષમતા આપશે. 

એટલે જ, વાંચીએ, સમજીએ અને વંચાવીએ એ મનસા સાથે અટકું.

‘પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ’, લેખ : વિપુલ કલ્યાણી કેતન રૂપેરા, પ્રકાશક : ૩એસ પ્રકાશન, અમદાવાદ મૂલ્ય: ૧૦૦ રૂપિયા

07 ડિસેમ્બર 2025
e.mail : anilvyas34@gmail.com

Loading

પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 

સોનલ પરીખ|Opinion - Opinion|8 December 2025

ત્રીજા વિશ્વના દેશ તરીકે આપણી કેટલીક મર્યાદાઓ ચોક્કસ હોય, પણ દર્દી કપરી ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો હોય, ત્યારે તેને ટર્મિનોલૉજીથી મૂંઝવ્યા વિના અને લાંબી ઔપચારિકતાઓમાં અટવાવ્યા વિના, માનવીય નિસબતથી માર્ગ કાઢી આપવો એટલી એક વાત ડૉક્ટરોની ને હોસ્પિટલોની આચારસંહિતામાં ન ઉમેરી શકાય?  

બાળકને જન્મ સાથે માતાપિતાની દુનિયા બદલાઈ જાય છે પણ જો બાળક ‘પ્રિટર્મ’ એટલે કે નિયત સમય પહેલા – અધૂરા મહિને જન્મ્યું હોય તો માતાપિતા એક એવી દુનિયામાં પ્રવેશે છે જેની એમણે કદી કલ્પના પણ કરી હોતી નથી. આ મહિનાની 17મી તારીખે પ્રિટર્મ બેબી ડે છે. આપણે પણ આશાની અને હતાશાની, શ્રદ્ધાની અને ભયની, બહાદુરીની અને લાચારીની એ દુનિયામાં જરા ડોકિયું કરીએ. 

સગર્ભાવસ્થાના 29મા અઠવાડિયે એટલે કે સાતમો મહિનો બેસતાં જ કૃતિને અચાનક દર્દ ઊપડ્યું. પ્રસૂતિ થઈ. બાળક હથેળી જેવડા કદનું ને માત્ર 710 ગ્રામ વજનનું હતું. એ રડી શક્યું નહીં અને તરત ભૂરું પડી ગયું કારણ કે એનાં ફેફસાં વિકસ્યાં ન હતાં. શરીરમાં પોતાને ગરમ રાખી શકાય એટલી ચરબી ન હતી. તરત એને નિકુ(નિયોનેટિવ ઈન્ટેન્સિવ કેર યુનિટ)માં લઇ જવામાં આવ્યું. વેન્ટિલેટરથી શ્વાસ ચાલુ કરાયા. નાના-નાના હાથપગમાં સિરિંજ ખોસી શરીરમાં ભારે દવાઓ દાખલ કરવાનું શરૂ થયું. એક લાંબી નળી ગળામાંથી પેટમાં ને એક નળી નાનકડા નાકમાં ઉતારી. પટ્ટીઓથી તેનો અડધો ચહેરો ઢંકાઈ ગયો. મોનિટર ટીં-ટું કરતું ન સમજાય તેવા આંકડા અને રેખાઓ બતાવવા લાગ્યું. ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાં ચિંતાતુર માતાપિતાને જે કઈં કહ્યું એમાં સ્પષ્ટતા ઓછી ને ધૂંધળાપણું વધારે હતું, પણ કૃતિ ને એનો પતિ એટલું સમજી ગયાં હતાં કે કાચની પેટીમાં ઉપકરણોથી વીંટાયેલું નાનકડું શરીર જે અણસાર બતાવે છે એ જીવનનો નથી, ઉપકરણોનો છે. હૃદયને ખૂબ કઠણ કરી બંનેએ નક્કી કર્યું કે તેઓ પોતાના બાળકને શાંતિથી વિદાય લેવા દેશે.

રોમાએ આઠમે મહિને બાળકને જન્મ આપ્યો. અન્ય ઉપાયો સાથે મા-બાળકની ત્વચા એકમેકને સ્પર્શે એ રીતે બાળકને રોજ રોમાના પેટ-છાતી પર લાંબો સમય બાંધી રાખવામાં આવ્યું, જેને કાંગારું કેર કહે છે. બાળક બચી ગયું, પણ તેની રોગપ્રતિકારક શક્તિ નહીંવત હતી. બીમારીઓથી પીડાતું એ પાંચેક વર્ષ માંડ જીવ્યું. સુજાતાને પણ અધૂરા મહિને પ્રસૂતિ થઈ. નિયોનેટિવ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં એક મહિનો રાખી તેને માબાપને સોંપવામાં આવ્યું. આજે તે ‘રિટાર્ડેડ’ના લેબલ સાથે જીવે છે. મીરાએ 35મા સપ્તાહે જન્મ આપેલો એ દીકરી અંધ છે. સુષમાની અધૂરા મહિને અવતરેલી દીકરી સેરિબ્રલ પાલ્સીનો શિકાર છે અને વ્હીલચેરમાં કેદ છે. 10 વર્ષનો રોહિત નોર્મલ દેખાય છે, પણ ગેસના સિલિન્ડરની નળી ખેંચી નાખવી, નાની બહેનને ખતરનાક રીતે ઢીબી નાખવી, તકિયા ફાડી નાખવા જેવાં તોફાનો સતત કર્યા કરે છે. તેની જ ઉંમરનો સંજય એટલો આક્રમક છે કે પોતાને ને બીજાને લોહી નીકળે એવી ઇજાઓ કરવાની એને મઝા પડે છે. આ બંને વહેલા જન્મી ઈન્ક્યુબેટરમાં રહી જાતજાતની ટ્રીટમેન્ટ લઇ આવ્યા છે. 

આવાં ઉદાહરણો ઓછાં નથી, પણ તેના પરથી અધૂરા મહિને અવતરેલાં બાળકો જીવતાં નથી કે એમના વિકાસમાં કોઈ ને કોઈ રીતે ખામી રહે જ છે, એવું તારણ બાંધી શકાય નહીં, કેમ કે અધૂરા મહિને અવતરેલાં અને નોર્મલ જિંદગી જીવતાં બાળકોનાં પણ ઘણાં ઉદાહરણ આપણી આસપાસ છે. ચાર્લ્સ ડાર્વિન, આઇઝેક ન્યૂટન અને આઈન્સ્ટાઈન પણ અધૂરા મહિને જન્મેલાં હતાં. પરંતુ પ્રિટર્મ બાળકોને શ્વસનતંત્રની, લોહીના પરિભ્રમણની, શરીરના તાપમાનની, પાચનની, મગજમાં રક્તસ્રાવ થવાની, રક્તકણોની આવી અનેક તકલીફો થાય છે એ હકીકત છે. વિશ્વમાં પાંચ વર્ષથી નીચેની ઉંમરમાં થતાં મૃત્યુનું મુખ્ય કારણ પ્રિટર્મ બર્થ છે. 

સગર્ભાવસ્થાના 37 સપ્તાહ પહેલા જન્મેલું બાળક પ્રિમેચ્યોર અથવા પ્રિટર્મ અને 41 સપ્તાહ પછી જન્મેલું બાળક પોસ્ટટર્મ ગણાય. વિશ્વમાં દર દસમાંથી એક બાળક પ્રિમેચ્યોર જન્મે છે. ભારતમાં દર વર્ષે 36 લાખ પ્રિટર્મ બાળક જન્મે છે જેમનાં ત્રણ લાખ મૃત્યુ પામે છે. 28મા સપ્તાહથી વહેલું જન્મે તે એક્સ્ટ્રીમલી પ્રિટર્મ, 28થી 32 સપ્તાહ વચ્ચે જન્મે તે વેરી પ્રિટર્મ અને 32થી 37 સપ્તાહ દરમ્યાન જન્મે એ લેઇટ પ્રિટર્મ ગણાય. જેમ જન્મ વહેલો તેમ બાળકના અસ્તિત્વ પરનું જોખમ વધારે. દરેકની સમસ્યા અલગ, દરેકની સારવાર અલગ. અતિ ખર્ચાળ નિયોનેટિવ કેર અને બાળકનું મૃત્યુ એ બેમાંથી અમુક માબાપ પહેલો વિકલ્પ પસંદ કરે છે. અમુક બાળકને સોયો-નળીઓના ત્રાસમાંથી બચાવવા માગે છે. અમુકને ખર્ચ પરવડતો નથી. અમુક થોડા વખતની સારવાર પછી બાળકને ઘેર લઈ જઈ પ્રેમથી વિદાય આપે છે. ઘણાં બાળકોને હોસ્પિટલની બહારનું વિશ્વ જોવાની તક મળતી નથી. માબાપના નિર્ણયમાં અને એ નિર્ણયને અમલમાં મૂકવામાં ડૉક્ટરનો અને સિસ્ટમનો સપૉર્ટ ખૂબ અગત્યનો છે, પણ કમભાગ્યે ભારતમાં પ્રિટર્મ બાળકોનો જન્મદર આટલો ઊંચો હોવા છતાં માબાપને સાચું ચિત્ર આપવું, મોકળાશથી વિચારવા દેવું, શાંતિથી નિર્ણય કરવા દેવો અને પછી એ નિર્ણયને અવરોધો વગર અમલમાં મૂકાવા દેવો એવી દૃષ્ટિ બહુ ઓછી વિકસી છે. 

બાળક અધૂરા મહિને જન્મે, ન બચે, બચે તો શારીરિક માનસિક તકલીફો સાથે જીવે તેવી ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. એવા ચમત્કાર પણ ક્યારેક જોવા મળે છે કે અસ્તિત્વની મોટી લડાઈ લડીને બાળકો હેમખેમ રહ્યાં હોય અને સરસ જિંદગી જીવતાં હોય. ક્ષણભરના પ્રતિભાવ પછી આપણે એ ભૂલી જઈએ છીએ. આવા અનુભવમાંથી પસાર થનારનાં સંઘર્ષ અને પીડાનો સાચો ખ્યાલ આપણને કદી આવતો નથી.  

ભારતમાં પ્રિમેચ્યોર બાળકનાં જન્મ અને મૃત્યુનો દર સૌથી ઊંચો છે. પશ્ચિમની તુલનામાં ભારતમાં આરોગ્ય-સુવિધાઓ ઓછી છે અને પ્રદૂષણ વધારે છે તેથી 32માં સપ્તાહે જન્મેલું બાળક પશ્ચિમમાં મોટેભાગે જીવી જાય છે, ભારતમાં ભાગ્યે જ બચે છે. સરકારના અને ખાનગી હૉસ્પિટલોના અવિરત પ્રયાસોથી અતિશય ખર્ચાળ પ્રક્રિયાઓ પછી મહામુશ્કેલી બચતાં બાળકોની સંખ્યા તો પણ સારી એવી વધી છે. બીજી બાજુ આઘાત પામી ગયેલાં માતાપિતાને ખોટું કે અપૂરતું માર્ગદર્શન આપીને પોતાનું હિત સાધી લેનારાં ડૉક્ટરો અને હૉસ્પિટલોની સંખ્યા પણ ઓછી નથી. કૃતિના કેસમાં એ પોતે સમજી-વિચારી શકે એ પહેલા બાળકને નિકુમાં લઈ જવામાં આવ્યું, પતિને તો ખબર પણ પછી આપવામાં આવી. ત્રણ કલાકની સારવારનું બિલ પાંત્રીસ હજાર રૂપિયા આવ્યું. બાળકને નિકુમાં મૂકવાની ને પછી પાછું મેળવવાની લાંબી ત્રાસદાયક પ્રક્રિયામાં એકમેકને સાંત્વન આપવાનો કે નવજાત બાળકને પ્રેમથી ગોદમાં લેવાનો અવકાશ પણ બેમાંથી કોઈને મળ્યો નહીં. આવી જ ઘટના કૃતિની સહેલી સાથે શિકાગોમાં બની ત્યારે ડૉક્ટરે પૂરી સહાનુભૂતિથી પતિપત્નીને સ્થિતિ સમજાવી, વિકલ્પ આપ્યા, પતિપત્નીએ બાળકને શાંતિથી વિદાય આપવાનો અને એ જીવે ત્યાં સુધી તેને પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો ત્યારે પૂરા આદરથી એ નિર્ણયને માન અપાયું. કોઈ ખલેલ વગર નવજાત બાળક સાથે વીતાવેલી એ પળોને લીધે આજે એ દંપતીની સ્મૃતિઓમાં આંસુ સાથે પ્રેમ અને તૃપ્તિની ભીનાશ છે, જ્યારે કૃતિ અને એનો પતિ દુ:ખ સાથે રોષ અને છેતરાયાની લાગણીથી ઘેરાયેલાં રહે છે. 

ત્રીજા વિશ્વના દેશ તરીકે આપણી કેટલીક મર્યાદાઓ ચોક્કસ હોય, પણ દર્દી કપરી ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો હોય, વાત ત્રણ ત્રણ જિંદગી પર અસર થવા જેટલી ગંભીર હોય ત્યારે ઔપચારિકતાઓમાં અટવાવ્યા વિના માનવીય નિસબતથી માર્ગ કાઢી આપવો એટલી એક વાત ડૉક્ટરોની ને હોસ્પિટલોની આચારસંહિતામાં ન ઉમેરી શકાય? નાગરિક તરીકે એટલો અધિકાર તો આપણો છે જ. વળી આવાં બાળક કે તેમનાં માતાપિતા માટે સમાજમાં પણ તંદુરસ્ત અભિગમ નથી. બાળક ખોઈ બેઠેલા કે ખામીવાળા બાળકને ઉછેરતા દંપતી સાથે કેવી રીતે વર્તવું એ બહુ ઓછા જાણે છે. નાગરિક તરીકે આટલી તો આપણી પણ જવાબદારી છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 નવેમ્બર  2025

Loading

...102030...188189190191...200210220...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved