Opinion Magazine
Number of visits: 10080921
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૫૦ વર્ષે પણ જેઈન ઑસ્ટિન આધુનિક ભારતમાં શા માટે પ્રસ્તુત છે?

જુથિકા પાટનકર  (અનુવાદ: રૂપાલી બર્ક)|Opinion - Literature|26 November 2025

જેઇન ઑસ્ટિન

આ વર્ષે ૧૬મી ડિસેમ્બરે બ્રિટિશ નવલકથાકાર જેઈન ઑસ્ટિનની ૨૫૦મી જન્મજયંતી ઉજવાશે. અંગ્રેજીભાષી વિશ્વમાં મોટા ભાગના વાચકો માટે આ નામ પરિચિત છે. ઑસ્ટિનની યથાર્થવાદી નવલકથાઓ એમના સમયના સમાજ પરની વિનોદી, વ્યંગાત્મક ટિપ્પણી છે. એમની નવલકથાઓ મહદઅંશે સ્ત્રીઓ અને લગ્ન, આવક અને રીતભાત વિશે છે.

જેઈન ઑસ્ટિન એક ગરીબ પાદરીનું સૌથી નાનું સંતાન હતાં અને મોટા ભાગે ઘરે જ શિક્ષણ પામ્યાં હતાં. નિશ્ચયાત્મક અને સ્વતંત્ર આવકનાં મહત્ત્વ અને મૂલ્યથી ઑસ્ટિન અજાણ નહોતાં. એમના પિતાના અવસાન બાદ જેઈન, એમનાં બહેન અને માતાએ ‘સૅન્સ ઍન્ડ સૅન્સીબીલિટી’માં આલેખાયેલી ડૅશવૂડ સ્ત્રીઓની માફક એમના ભાઈઓની, ખાસ કરીને એમના ધનાઢ્ય ભાઈ ઍડવર્ડની નાણાંકીય સહાય પર આધાર રાખવો પડતો.

આશ્રિત અને અપરણિત ફોઈ પાસેથી અપેક્ષિત હોય એવી કૌટુંબિક જવાબદારીઓથી બંધાયેલું, ભત્રીજીઓ અને ભત્રીજાઓથી ઘેરાયેલું જીવન જેઈનનું હતું. એમના સમયમાં સ્ત્રીઓ માટે આજીવિકા તકોનો અને એમની પોતાની આવકના અભાવને લીધે ઑસ્ટિનને એમના સમયમાં સ્ત્રીઓની નિમ્ન અને ગૌણ દરજ્જાનો પ્રત્યક્ષ અનુભવ હતો.

એમની નાયિકાઓની માફક એમના નસીબમાં પ્રેમ વાટે સંપત્તિનો સંયોગ સધાય એવું લગ્ન નહોતું. ખાસ્સી એવી ગરીબી, અંગત અવકાશનો અભાવ અને ફરજિયાત કૌટુંબિક જવાબદારીઓનાં દબાણો વચ્ચે પણ સામાજિક જીવનનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને આંતરસૂઝ પર આધારિત નવલકથાઓ એ લખી શક્યાં એ ખૂબ જ નોંધપાત્ર છે. 

સમગ્ર અંગ્રેજીભાષી વિશ્વ (અને કદાચ એની પાર પણ) ઑસ્ટિનની ૨૫૦મી જન્મ જયંતી શા માટે ઉજવીને એમને સંભારવામાં આવે છે? ભારતમાં આપણા માટે એમની ખાસ પ્રસ્તુતતા કઈ છે? શું એમની નવલકથાઓમાં રાજકીય વાસ્તવિક્તા તેમ જ સામાજિક યથાર્થવાદનો સમાવેશ છે? એમને નારીવાદી ગણવા શું યોગ્ય છે? વસાહતી ઇંગ્લૅન્ડની બૂ ધરાવતી કોઈ પણ બાબત સામે સખત પ્રતિભાવ અપાતો હોય એવા સમયે આપણી યુનિવર્સિટીઓમાં સાહિત્યના અભ્યાસક્રમમાં શું ઑસ્ટિનની નવલકથાઓ મુખ્યત્વે સમાવિષ્ટ કરવી ઉચિત છે? “It is a truth universally acknowledged that a single man in possession of a good fortune must be in the want of a wife.” ઉપરના પ્રશ્નોનો જવાબ મેળવવાનો પ્રયાસ હંમેશાં લોકપ્રિય રહેલી ઑસ્ટિનની નવલકથા ‘પ્રાઈડ ઍન્ડ પ્રૅજ્યુડીસ’ના આ જાણીતા વ્યંગાત્મક પ્રથમ વાક્ય થકી કરી શકાય એમ છે. સ્ત્રીઓ, લગ્ન, સામાજિક દરજ્જો, સંપત્તિ અને વર્તન-વ્યવહારની કૉમૅડી જેવાં ઑસ્ટિનનાં લેખનના મુખ્ય વિષયો વિશ્વવ્યાપી છે. સમાજમાં સ્ત્રીઓના સંદર્ભમાં ઑસ્ટિને એવા પરિપેક્ષ્યથી લેખન કર્યું જ્યાં સ્ત્રીઓને અંગત અને સામાજિક પસંદગી કરવાની અને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય અને તેમની મનુષ્ય તરીકે સ્વીકૃતિ થાય એ બાબત પર ભાર મૂક્યો. સાથોસાથ ૧૯મી સદીના ઈંગ્લૅન્ડમાં સ્ત્રીઓની વાસ્તવિક્તાની સ્પષ્ટ સમજણ સાથે એમણે લેખન કર્યું. એ સમય એવો હતો જ્યાં આર્થિક સ્થિરતા અથવા સામાજિક દરજ્જો મેળવવા સ્ત્રીઓ પાસે લગ્ન સિવાય કોઈ તક પ્રાપ્ય નહોતી.

પોતાની સમજણ, બુદ્ધિચાતુર્ય, બુદ્ધિશક્તિ, સમાધાન અને પ્રામાણિકતાના બળે વાસ્તવિક વિશ્વ એમના અનવરત અસ્તિત્વને ટકાવી રાખતી નાયિકાઓનો વહેવાર ઑસ્ટિને એમની ૬ નવલકથાઓમાં દર્શાવ્યો છે. ઑસ્ટિનના અવાજમાં સ્ત્રીઓને વર્ચસ્વના સ્થાને મૂકવાનો ઉગ્ર નારીવાદ નહીં, પરંતુ સ્ત્રીને પુરુષ સમોવડું સ્થાન અને એના પરિણામે પુરુષો જેવી જ સ્વીકૃતિ અને માન્યતા મળે એવો દૃઢ, સ્પષ્ટ અને ભારપૂર્વકનો દાવો વર્તાય છે. આ એવો વિષય અને દૃષ્ટિકોણ છે જેને યુગો પર્યન્ત પુનરાવર્તનની જરૂર રહ્યા કરવાની.

રાજકીય પરિસ્થિતિ, ધર્મના દાર્શનિક પ્રશ્નો અથવા સામાજિક સમાનતા, ન્યાય, આર્થિક પ્રશ્નો અથવા મનુષ્યના હકો પર કેન્દ્રિત તે સમયે થતી ચર્ચાઓ વિશે ઑસ્ટિને પ્રગટપણે લખ્યું નથી. આમ છતાં, સામાજિક-આર્થિક સંબંધો, સંપત્તિ કે સત્તા કે મોભા માટેના સંઘર્ષ પર આધારિત માનવ સંબંધોનું એમનું ઉત્કૃષ્ટ આલેખન સામાજિક વ્યવહારોને આકાર આપતી અને અસર કરતી રાજકીય વાસ્તવિક્તા અને સમાજના આર્થિક માળખાંને અપ્રગટ રીતે એમણે ઉપસાવી આપ્યા છે.

અમુકને એવું લાગે કે સ્ત્રીઓની સમાનતા સંદર્ભે વિશ્વએ આજે હરણફાળ ભરી છે. ઑસ્ટિનના ૧૯મી સદીના ઇંગ્લૅન્ડમાં સ્ત્રીઓ જેટલા બંધન અને અંકુશમાં હતી એટલી ૨૧મી સદીમાં સ્ત્રીઓ સીમિત નથી કારણ કે એમને શિક્ષણની તક, સવેતન રોજગારી, રાજકારણ-ઉદ્યોગ-વિજ્ઞાન અને અનેક વ્યવસાયોની તક ઉપલબ્ધ છે. તો પછી પિતૃસત્તા, લગ્ન અને સ્ત્રીઓના નિમ્ન સામાજિક દરજ્જાના વિષયો હજુ પણ કેમ પ્રસ્તુત છે? જવાબ એ છે કે પુરુષો સમાન સ્ત્રીઓના હકનું સમર્થન કરવામાં વિશ્વએ જબરદસ્ત પ્રગતિ કરી છે, આમ છતાં, સૈદ્ધાંતિક રીતે સમાજની ચાલતી આવતી માનસિક્તા સ્ત્રીઓ પ્રત્યેનો રાજકીય દૃષ્ટિકોણ અને જાહેર સ્થળોમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યામાં આંખે ઊડીને વળગતી અસમાનતા દર્શાવે છે કે પિતૃસત્તા જીવંત છે અને પાંગરી રહી છે.

ઑસ્ટિનના વિશ્લેષણ મુજબ લગ્ન અને લગ્નજીવનમાં પ્રવેશવાનો વ્યવહાર ગમવા જેવા, ઇચ્છનીય વિજાતીય પાત્ર સાથે સામાજિક કરાર કરવાનો નહીં, પરંતુ થોડો ઘણો આર્થિક આધાર અને સામાજિક મોભો મેળવવા સ્ત્રી માટેનું એક માત્ર માધ્યમ છે. પુરુષ માટે નાણાં અને આવક સમાજમાં એનું સ્થાન નક્કી કરે છે, સ્ત્રી માટે આરામદાયક આવક મેળવતા પુરુષ સાથે લગ્ન કરવાથી સમાજમાં સ્થાન નક્કી થાય છે.

ઑસ્ટિનની નવલકથાઓમાં દર્શાવાતા સંઘર્ષના કેન્દ્રમાં પોતાની શરતો પર સમાજમાં સ્થાન બનાવવા ઝંખતી સ્વતંત્ર વિચાર ધરાવતી નાયિકાઓ છે કે જેમને આર્થિક અને સામાજિક રીતે સમાધાન કરવાનું આવે છે. પરિણામે બુદ્ધિશાળી અને સમજદાર સ્ત્રીઓ તરીકેનો તેમનો વ્યક્તિગત દરજ્જો તેમની નિર્ધારિત સામાજિક ભૂમિકા સામે ગૌણ બની જાય છે.

ભારતીય સમાજમાં ‘ગોઠવાયેલાં’ લગ્નોના અસુવિધાજનક પાસાઓ અને ‘રીજન્સી’ (જ્યોર્જ IVના ૧૮૧૧-૨૦ દરમ્યાનનો શાસનકાળ) સમયના સમાજના ‘યોગ્ય’ લગ્નો વચ્ચે સામ્ય વર્તાય છે. પરંતુ ઑસ્ટિનની ટીકાનું મહત્ત્વ આપણા માટે આથી ઘણું વધુ છે. વિસ્તૃત મુદ્દો એ છે કે શું ભારતમાં આજે સ્ત્રીઓને આત્મનિર્ધારણનો હક ધરાવતી વ્યક્તિઓ તરીકે જોવામાં આવે છે? જવાબ, દુઃખ સાથે મોટી ના છે.

શાસન કરનારા અને નીતિ ઘડનારા એટલે કે ભારતની સરકારોના મનમાં સ્ત્રીઓ પ્રત્યેની સામાન્ય ધારણાના ચોક્કસ દાખલા સાથે મારો મુદ્દો રજૂ કરવા ઇચ્છું છું. જ્યાં સુધી આપણી કેન્દ્રિય, રાજ્ય અને સ્થાનિક સ્તરની સરકારો લોકતાંત્રિક ઢબે ચૂંટાય છે, એમનામાં નિ:સંકોચપણે આપણા સમાજ અને લોકોની માનસિક્તાનું આબેહૂબ પ્રતિબિંબ દેખાય છે. 

ભારતીય સંવિધાને તમામ નાગરિકોને સ્વતંત્રતા અને સમાનતા તેમ જ સાર્વત્રિક પુખ્ત મતાધિકારની ખાતરી આપ્યાથી સ્ત્રી-પુરુષ સમાન છે તે બાબતે પ્રચંડ સમર્થન મળેલું છે, પરંતુ જ્યારે વ્યાપાર કે ઉદ્યોગની વાત આવે, સરકારી નીતિઓ સભાનતાપૂર્વક સ્ત્રીઓને સમૂહ તરીકે પ્રોત્સાહન આપે છે, વ્યક્તિઓ તરીકે નહીં. સ્ત્રીઓ જૂથ બનાવે ત્યારે બેંક અથવા નાણાંકીય ધિરાણ સુધીની પહોંચ એમને વધુ સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. આર્થિક વિકાસ માટે સ્વસહાય જૂથોનો ખ્યાલ પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ લાગુ પાડવામાં આવે છે. 

અનુભવથી સિદ્ધ થયેલું છે કે ગરીબી નિવારણ માટે સવેતન રોજગાર કરતાં સ્વ-રોજગાર ઘણો કઠિન માર્ગ છે. આમ છતાં, લગભગ દરેક સરકારી લાભાર્થી યોજનાઓ સવેતન રોજગારને બદલે સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવાની દિશામાં કાર્યરત છે. આવું શા માટે? એનું કારણ એ છે કે સ્ત્રીઓની ગૃહિણી અને પ્રજનનક્ષમ માધ્યમની ભૂમિકા કરતાં એમના લાભકારી બજારલક્ષી રોજગારને ગૌણ ગણવામાં આવે છે, માટે, જો ગૃહસ્થીની ફરજોને પ્રાધાન્ય આપવાનું હોય તો સ્વ-રોજગારથી કાર્યના સમયપત્રકમાં પરિવર્તનક્ષમતાનો અવકાશ રહે છે. આથી એવું ન બને કે લગ્ન કે ગૃહસ્થીની ફરજોને અવગણીને કોઈ પણ સ્ત્રી લાભકારી રોજગારી કે કારકિર્દીને પ્રાધાન્ય આપે.

સવેતન રોજગારનો અર્થ એટલે સ્ત્રીઓ માટે જાહેર જગ્યાઓમાં સુરક્ષા અને પ્રવેશ-હકની ખાતરી આપવી, સાથોસાથ સ્ત્રીઓ અને પુરુષોના વેતનમાં અસમાનતાનાં કારણોના મુદ્દા પણ સતત ઉઠાવતા રહેવું. 

ભારતમાં સ્ત્રીઓના શિક્ષણની હિમાયત કરતું સૂત્ર છે ‘દીકરી ભણાવો એટલે એક આખું કુટુંબ ભણાવો’. આ સૂત્રથી એક સ્ત્રીનો વ્યક્તિ તરીકેનો શિક્ષણ મેળવવાના હકનો નકાર થાય છે. સ્ત્રીઓને કુટુંબના સંબંધમાં મનુષ્ય તરીકે જોવામાં આવે છે, કુટુંબ એટલે મુખ્યત્વે પુરુષ સગાવહાલાં. એ જ રીતે તાજેતરની આર્થિક સહાય યોજનાઓ સંદર્ભે જેવી કે મુખ્ય મંત્રી લાડલી યોજના (મધ્ય પ્રદેશ), અને મુખ્ય મંત્રી માઝી લાડલી બહીન યોજના (મહારાષ્ટ્ર), સ્ત્રીઓને પુરુષ સગાંવહાલાં સંલગ્ન વ્યક્તિઓ તરીકે જ જોવામાં આવે છે. સરકારી યોજનાઓની લાભાર્થીઓ તરીકે સ્ત્રીઓની પસંદગી તેમના સાસરીના ગામના સંબંધમાં કરવામાં આવે છે, તેમના પિયરના ગામના સંબંધમાં નહીં.

રાજકીય સંદર્ભે સ્ત્રી ઉમેદવારના પ્રચાર માટેના પોસ્ટરમાં એના પતિ કે ભાઈ કે પિતાને આગવી રીતે દર્શાવવામાં આવે છે. પાલવથી માથું ઢાંકી સ્ત્રી પોસ્ટરના એક ખૂણામાં ઓછી જગ્યામાં દર્શાવવામાં આવે છે. ચૂંટાયેલી સ્ત્રી પ્રતિનિધિ માટે બેઠકોમાં ૩૩% અનામતનો બહુ પ્રચલિત કાયદો હોવા છતાં તમામ રાજકીય પક્ષોમાંથી કુલ સભ્યપદોના ૧૦%થી પણ કદાચ ઓછી સ્ત્રી સભ્યો હશે.

સંવિધાને અનિવાર્યપણે ભિન્ન રીતે વિચારવા અને વર્તવાની અનુમતિ આપી છે એ બધાં પણ જ્યારે પિતૃસત્તાનું અચેતન સમર્થન કરતા હોય તો સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓની સમાનતાની સ્વીકૃતિ સધાઈ શકી નથી. સ્વ-નિર્ધારણના અને ઘર કે સામાજિક સ્થળોમાં સુરક્ષાના સ્ત્રીઓના હક માટે આ અહિતકર છે. આપણે એવા વિશ્વમાં જીવીએ છીએ જ્યાં સ્ત્રીઓ પ્રત્યેની તાલીબાનની અસહિષ્ણુતાને ભારતની મૂક સંમતિ મળે છે.

સ્ત્રીઓ પ્રત્યેનાં અને સ્ત્રીઓનાં વલણોને અગ્રિમતા આપતી ઑસ્ટિનની નવલકથાઓ આપણા સમાજને પણ આયનો ધરે છે. આપણને ઑસ્ટિન જેવી બુદ્ધિશાળી સ્ત્રીની અને તેના લખાણોની જરૂર છે જેમાં હુંફાળા, વિનોદી પરંતુ ધારદાર અને વેધક નિરીક્ષણો દ્વારા વાસ્તવિક્તાને કુશળતાથી અને ચોક્કસ રીતે વર્ણવવામાં આવેલી છે અને જેમાં તમામ વિપરિત સંજોગો વચ્ચે અમુક સ્ત્રીઓ અડીખમ રહી શકે છે.

સમાજ અને વ્યક્તિઓ માટે સમાનતા, ગૌરવ, સભ્યતા અને શિષ્ટાચારને ઇચ્છનીય ગુણ માનવામાં આવશે ત્યાં સુધી ઑસ્ટિન ભારતમાં અને સર્વત્ર પ્રસ્તુત રહેશે. સામાજિક અન્યાયોની અપ્રિય વાસ્તવિક્તા આપણને એવી કળા અને કુશળતાથી પહોંચાડવામાં આવે છે કે બેવકૂફીઓ અને મિથ્યાભિમાનના ધારદાર આલેખન પર આપણે મલકાતા હોઈએ એવામાં એનો ડંખ વધુ તીક્ષ્ણ બને છે.

૨૫૦મી જન્મ જયંતીની ઉજવણી કદાચ રૂપેરી પડદા પર દર્શાવાતા એમની નવલકથાઓ પરથી રૂપાંતરીત આકર્ષક ચલચિત્રો અને ઑસ્ટિનની નવલકથાઓનું પ્રણય કથાઓ તરીકેનું સરળ વાંચન હોઈ શકે છે. પરંતુ ઉજવવાનું ખરું કારણ એમની નવલકથાઓમાંથી સદાને માટે મળતો લાભદાયી, સમૃદ્ધ કરનારો અનુભવ છે. 

(સ્રોત : “ધ વાયર”; 07 નવેમ્બર 2025)
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

ધારાગૃહોના બાહ્ય રૂપરંગ તો બદલાય છે પણ આંતરસત્વનું શું?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 November 2025

ચંદુ મહેરિયા

અંગ્રેજોના જમાનાના સો વરસ જૂના સંસદભવનને સ્થાને રાજધાની દિલ્હીમાં ૨૦૨૩થી નવું સંસદભવન કાર્યરત છે. ભારતીય વાસ્તુકલા પર આધારિત ત્રિકોણીય આકારનું સંસદભવન ૬૪,૫૦૦ વર્ગમીટરમાં બનેલું છે. લોકસભા ભવન રાષ્ટ્રીય પક્ષી મોર અને રાજ્યસભા ભવન રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર ડિઝાઈન કર્યું છે. જૂના સંસદભવનની તુલનાએ નવામાં ભવિષ્યમાં સાંસદોની સંખ્યા વધશે તેને ધ્યાનમાં રાખીને વધુ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. તે વધુ મોકળાશ ધરાવતું, આધુનિક સગવડોથી સજ્જ તો છે જ લોકસભા ગૃહમાં અધ્યક્ષના આસન નજીક રાજદંડ (સેંગોલ) સ્થાપિત કરવામાં આવેલ છે. ૧૯૨૭માં જૂના સંસદભવનના નિર્માણનો ખર્ચ રૂ.૮૭ લાખ થયો હતો. ૨૦૨૩માં નવા સંસદભવનના નિર્માણનો ખર્ચ રૂ.૮૬૨ કરોડ થયો છે. 

આંધ્ર પ્રદેશના વિભાજનથી રચાયેલા બે રાજ્યો પૈકી તેલંગણાના ફાળે હૈદરાબાદ આવ્યું એટલે આંધ્રને નવા પાટનગરની જરૂર પડી. નવું પાટનગર અમરાવતી ભારતનું સૌથી આધુનિક પાટનગર હોવાના દાવા થાય છે. અમરાવતીમાં આકાર લઈ રહેલું વિધાનસભા ભવન દેશમાં સૌથી ઊંચું હશે. કોહિનૂર આકારની વિધાનસભાની ઈમારત ૨૫૦ મીટર ઊંચા શિખરનુમા ભવન તરીકે નિર્માણ પામી  રહી છે. નવા વિધાનસભાના બિલ્ડીંગનો નિર્માણ ખર્ચ અંદાજિત રૂ. ૧,૮૧૬ કરોડ છે. 

૧૯૮૨થી ગાંધીનગરના વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં ગુજરાતની વિધાનસભા કામ કરે છે. સાડા ત્રણ દાયકે  ૨૦૧૮માં તેનું રૂ. ૧૩૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. દર બે દાયકે ગુજરાત વિધાનસભાના સભ્યો માટેના નિવાસસ્થાનો નવા બાંધવામાં આવે છે. આરંભે ધારાસભ્યોના આવાસો 1BHK હતા. નવા 5BHK છે. સદસ્ય નિવાસ જેવા સાદા નામે ઓળખાતા નવા નિવાસો લક્ઝુરિયસ ફુલ્લી ફર્નીશ્ડ ફ્લેટ છે. જેમાં ત્રણ બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ અને સર્વન્ટ -ડ્રાઈવર રૂમની સગવડ છે. સદસ્ય નિવાસ ૨૮,૫૭૬ ચોરસમીટરમાં વિસ્તરેલું સંકુલ છે. ૨૧૬ સભ્યો માટે તે બાંધ્યા છે. કપડાં સુકવવાની દોરીથી માંડીને નહાવાધોવાની ડોલ, ટમ્બલર, ફ્લોર ક્લીનર અને ફિનાઈલ પણ માનનીયોને સરકાર પૂરી પાડવાની છે. લગભગ રૂ. દોઢસો કરોડના ખર્ચે બંધાયેલા નવા ધારાસભ્ય આવાસો માનનીયોને નિ:શુલ્ક આપવાના નથી. માસિક રૂ. ૩૭ ભાડુ લેવાશે.

પંજાબ અને દિલ્હી વિધાનસભાએ નવી પહેલ કરી છે. દિલ્હી વિધાનસભા ભવન હવે પૂર્ણપણે સૌર ઉર્જા સંચાલિત દેશનું પહેલું વિધાનસભા ભવન છે. પંજાબ ભારતનું એવું પહેલું રાજ્ય છે જેની વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ સાંકેતિક ભાષામાં પણ થાય છે. પંજાબે મૂક બધિર વ્યક્તિઓ માટે વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ સાંકેતિક ભાષામાં શરૂ કરીને તેમના માટે પણ તે સુલભ બનાવી છે. બજેટ સત્રનું રાજ્યપાલનું અભિભાષણ અને અન્ય મહત્ત્વની ચર્ચાઓ સાંકેતિક ભાષામાં પ્રસારિત થઈ હતી. દિલ્હી વિધાનસભાની વાર્ષિક વીજળી જરૂરિયાત ૭,૦૦,૦૦૦ યુનિટ છે, પરંતુ સૌર ઉર્જાથી ૮,૨૦,૦૦૦ યુનિટ વીજળી ઉત્પન થશે. એટલે સરપ્લસ વીજળી વેચી શકાશે અને વીજળીનો ખર્ચ બચશે. વળી સૌર ઉર્જા સંયંત્રો લગાવવાનો ખર્ચ બે કરોડ જ થયો છે. વૈકલ્પિક ઉર્જાના ઉપયોગની દિશામાં આ મહત્ત્વની પહેલ છે.

સંસદ અને રાજ્યોની વિધાનસભાઓના બાહ્ય રૂપરંગ બદલાય છે તેને કલાત્મક વાઘાઓથી સજાવાય છે પરંતુ શું તેનાથી તેની કાર્યવાહીમાં કોઈ બદલાવ આવે છે ખરો? દેશની અર્ધી આબાદી એવી મહિલાઓના પ્રતિનિધિત્વના મુદ્દે હજુ પણ કશો ફેર પડ્યો નથી. અઢાર અઢાર લોકસભા ચૂંટણીઓ પછી સંસદમાં હાલમાં ૭૪ મહિલા સાંસદો છે. દેશના કુલ મતદારોમાં મહિલા મતદારો ૪૮ ટકા છે પરંતુ લોકસભામાં માત્ર ૧૩ ટકા જ મહિલા સાંસદો છે. હરિયાણા વિધાનસભાના ૯૦ ધારાસભ્યોમાં ૧૩ મહિલા (૧૪ ટકા) ધારાસભ્યો છે જે દેશમાં સૌથી વધુ છે. પરંતુ નાગાલેન્ડની ધારાસભામાં એકપણ મહિલા ધારાસભ્ય નથી. સામંતી અને લિંગાનુપાતમાં તળિયે રહેલા હરિયાણામાં સૌથી વધુ મહિલા પ્રતિનિધિત્વ અને માતૃપ્રધાન, શિક્ષણ અને સ્ત્રી-પુરુષ સમાનતામાં આગળ નાગાલેન્ડમાં કોઈ મહિલા ધારાસભ્ય ન હોય તે ભારતીય લોકતંત્રની સામાજિક બલિહારી છે. 

ધારાગૃહોની કામગીરીમાં પ્રશ્નકાળ સૌથી મહત્ત્વનો છે. તેમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રધાનોને જાહેર હિતના પ્રશ્નો પૂછે છે. તેના લેખિત જવાબો તો અપાય છે તેના પર પૂરક પ્રશ્નો મારફતે ચર્ચા પણ થાય છે. પરંતુ સંસદ અને વિધાનસભાઓનો પ્રશ્નકાળ હોબાળામાં વેડફાઈ જાય છે. પરંતુ પ્રશ્નકાળની ઉપયોગિતા સમજીને તેને સાર્થક બનાવવાનું કોઈને સૂઝ્યું નથી. સંસદના બંને ગૃહોની શરૂઆત અગિયાર વાગ્યે પ્રશ્નકાળથી થાય છે. એક અંદાજ મુજબ પ્રશ્નકાળની એક મિનિટનો ખર્ચ અઢી લાખ રૂપિયા છે. છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી. 

૨૦૧૪માં તત્કાલીન રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ ગૃહનો આરંભ શૂન્યકાળથી અને તેના એક કલાક પછી બાર વાગે પ્રશ્નકાળનો આરંભ કરવાનો નિર્ણય કર્યો હતો. આટલો નાનો ફેરફાર કરતાં દેશને સાઠ વરસો લાગ્યા છે. પરંતુ આ બદલાવથી ઘણો ફેર પડ્યો છે. ધારાગૃહોની કામગીરીમાં આવા બદલાવ તેના બાહ્ય રૂપરંગમાં બદલાવ જેટલા જ મહત્ત્વના છે.

સંસદીય કામગીરીમાં ગંભીરતાનો અભાવ અને સભ્યોની ગેરહાજરી એવો જ બીજો સવાલ છે. ૧૯૫૨થી ૧૯૭૦ના સમયગાળામાં લોકસભાની કામગીરી સરેરાશ ૧૨૦ દિવસની હતી. પરંતુ હવે તેમાં સતત ઘટાડો થતો રહ્યો છે. ૨૦૨૨માં ૫૬ દિવસો માટે જ લોકસભાની બેઠકો યોજાઈ હતી. બ્રિટનની સંસદ ૧૫૦ અને અમેરિકાની સંસદ ૧૦૦ દિવસો કામ કરે છે. પરંતુ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં લોકસભાની કામગીરીના દિવસો જ બહુ ઓછા છે. છેલ્લા બે દાયકામાં લોકસભાની કામગીરીની ઉત્પાદકતા સરેરાશ ૧૪ ટકા અને રાજ્યસભાની ૨૨ ટકા જેટલી નીચી છે. 

સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં જ્યારે બેઠક ચાલુ હોય ત્યારે લોબીમાં મુકવામાં આવેલ રજિસ્ટરમાં સભ્યોએ સહી કરી હાજરી પૂરવાની હોય છે. લોબીમાં મૂકેલ રજિસ્ટરમાં સહી કર્યા પછી માનનીયો ગૃહમાં જાય છે કે કેમ તે નહીં પૂછવાનું. પેપરલેસ સંસદને અનુલક્ષીને હવે સાંસદો તેમની બેઠક પર બેસીને મલ્ટી મીડિયા ડિવાઈસથી હાજરી નોંધાવી શકે છે. જો કે હાજરી નોંધાવવામાંથી સમગ્ર પ્રધાનમંડળને મુક્તિ મળી છે. એટલે વડા પ્રધાન અને મંત્રીઓ કેટલા દિવસ સંસદમાં હાજર હતા તે જાણી શકાતું નથી. 

બંધારણ સમીક્ષા પંચ(૨૦૦૨)ની ભલામણ હતી કે ૭૦થી ઓછા સભ્યો ધરાવતી વિધાનસભાની બેઠકો ઓછામાં ઓછા ૫૦ દિવસો અને તેનાથી વધુ બેઠકો ધરાવતી વિધાનસભાની બેઠકો ૯૦ દિવસો માટે મળવી આવશ્યક છે. પરંતુ બે વરસ પૂર્વેના આંકડા જણાવે છે કે ૨૦૨૩માં રાજય વિધાનસભાઓ સરેરાશ ૨૩ દિવસો માટે જ મળી હતી. ૧૨ રાજ્યોની વિધાનસભાઓએ તો ૧૦૦ કલાકથી ઓછું કામ કર્યું હતું. ૪૪ ટકા વિધેયકો ગૃહમાં રજૂ થયા તે જ દિવસે કે બીજા દિવસે ખાસ કશી ચર્ચા વિના પસાર થયા હતા. કૃષિ બિલ અને શ્રમ સુધારા બિલ જ નહીં બજેટ પણ લોકસભામાં વિના ચર્ચાએ પસાર થયું હતું. સંસદની બેઠકોની ગેરહાજરીમાં સંસદીય સમિતિઓ વિધેયકો પર ગહન ચર્ચા કરે છે. પરંતુ તેમાં પણ ઘટાડો થયો છે. ૧૫મી લોકસભામાં ૭૧ ટકા બિલો સંસદીય સમિતિઓને ચર્ચા માટે આપવામાં આવ્યા હતા. સત્તરમી લોકસભામાં માત્ર ૧૩ ટકા બિલો જ સંસદીય સમિતિના હવાલે થયા હતા..

સંસદ અને ધારાગૃહો ઈંટ પથ્થરથી ચમકતી શાનદાર ઈમારતો નથી. તેણે આ દેશના ભાવિનું ઘડતર કરવાનું છે. એટલે બાહ્ય રંગરોગાન સાથે ભીતરી લોકતંત્ર પર પણ ધ્યાન આપવાની તાતી જરૂર છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

હે શ્રીમાન હર્ષ સંઘવી,

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|26 November 2025

હર્ષ સંઘવી

હાલ ચાલી રહેલા સંસ્કાર અને અસંસ્કારના વિવાદના સંદર્ભમાં આપને આ ખુલ્લો પત્ર લખવા પ્રેરાયો છું. 

(૧) કાયદાનું પાલન એ લોકશાહીનો સિદ્ધાંત તો ખરો જ, પણ એ લોકશાહીનો સંસ્કાર પણ છે. આ ‘સંસ્કાર’ શબ્દ હિન્દુ સંસ્કૃતિનો છે એટલે એ તમને બહુ ગમે અને સિદ્ધાંત વિશે કશી પતીજ તમને નહીં પડે તો ચાલશે. પણ સંસ્કાર કહો તો સંસ્કાર, એ હોવો તો જોઈએ ને! 

(૨) ગુજરાતમાં દારૂબંધી અંગે એક કાયદો છે. એ કાયદાની આપને જાણ હશે જ, રાજ્યના એક ગૃહ પ્રધાન તરીકે. કાયદાનું પાલન થાય તેની જવાબદારી સરકારની એટલે કે સીધી રીતે તમારી છે કારણ કે આપ ગૃહ પ્રધાન છો. કાયદાનું પાલન થાય અને ન પાલન કરનારને કાયદામાં લખેલી હોય તેવી સજા થાય એને લોકશાહી કહેવાય. એને લોકશાહીનો સંસ્કાર કહેવાય. 

(૩) આપ કેટલું ભણેલા છો એ તો મારે માટે મહત્ત્વનું છે જ નહિ. પણ વાયબ્રન્ટ ગુજરાતમાં અત્યારે ૧૦૦ વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ થાય તો કોલેજમાં જનારા માત્ર ૨૬ વિદ્યાર્થીઓ જ છે. તમે એક શહેરી, એકંદરે આર્થિક રીતે સમૃદ્ધ એવા જૈન પરિવારમાંથી આવો છો છતાં પણ એ ૨૬માં તમે નથી એનું આશ્ચર્ય પણ છે અને દુઃખ પણ છે. કયા સંસ્કારને કારણે આપ માત્ર પ્રાથમિક શિક્ષણ જ લઈ શક્યા  અને આગળ અભ્યાસ કરી શક્યા નહીં એ ખરેખર સમજાતું નથી. જો કે, આપ જેટલું ભણેલા છો એટલું જ ભણતર દેખાડો છો એ સુસંસ્કારની હું ભારોભાર પ્રશંસા કરું છું.

(૪) તમે ૨૦૧૨થી સુરત શહેરમાંથી ધારાસભ્ય છો. તમારા સુરતના મતવિસ્તારમાં દારૂના ગેરકાયદે અડ્ડા નથી એવી કોઈ ખાતરી તમે આપી શકો તો એને સંસ્કાર કહેવાય. ન આપી શકો તો એ અસંસ્કારી બાબત ન કહેવાય?

(૫) તમે ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી જ પ્રધાન છો. અને અનેક ખાતાં સાથે તમે ગૃહ પ્રધાન પણ છો. તો દારૂના ગેરકાયદે અડ્ડા આખા રાજ્યમાં ન હોય અને હોય તો તે બંધ થાય તેની તમે જવાબદારી નિભાવો તો એને સંસ્કાર કહેવાય. અને ન નિભાવો તો એ બાબત અસંસ્કારી ન કહેવાય? 

(૬) આપે ગૃહ પ્રધાન તરીકે આ સાત કરોડની વસ્તીવાળા ગાંધી અને સરદારના ગુજરાતમાં ગેરકાયદે ચાલતા દારૂના કેટલા અડ્ડા બંધ કર્યા અને એ ચલાવનારને કેટલી સજા કાયદા હેઠળ થઈ તે જાહેર કરો તો એને લોકશાહી સંસ્કાર કહેવાય કે નહીં? 

(૭) જો તમે ગૃહ પ્રધાન તરીકે દારૂના અડ્ડા બંધ કરી શકતા નથી તેમ છતાં પણ આપ ગૃહ પ્રધાન તરીકે ચાલુ રહો તો એ કયા સંસ્કાર કહેવાય? સત્તા સંસ્કાર કહેવાય?

અને છેલ્લે, હા, દેશના વડા પ્રધાન તરીકે જે નરેન્દ્ર મોદી જુઠ્ઠાણું બોલતાં સહેજે શરમાતા નથી એમની જ પાર્ટીમાં તમે છો અને પાછા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન પણ છો. આખી ભા.જ.પ. પાર્ટી અત્યારે જુઠ્ઠાણા પર ચાલે છે. એમાં તમે સુખેથી પ્રધાનપદું ભોગવો છો એ શું સંસ્કારી બાબત કહેવાય?

હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારની વાત આવે છે. આ અસત્ય એ ભા.જ.પે. ઊભો કરેલો સત્તરમો સંસ્કાર લાગે છે. તમને એ સંસ્કારમાં રાચવામાં મઝા આવતી લાગે છે. સત્તા બધા સંસ્કાર ભૂલવી દે છે એ તો હાલના ભા.જ.પ.ને જોઈને કોઈ પણ વ્યક્તિ, જો તેણે બુદ્ધિ ગીરવે મૂકી ન હોય તો, સમજી શકે. 

વળી, આપ જૈન છો એવી ખબર છે એટલે એની યાદ અપાવું કે જૈન ધર્મ એમ કહે છે કે કર્મના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય તો આત્માના મોક્ષ થકી સત્ય મળે. તે એમ પણ કહે છે કે સાચી શ્રદ્ધા, સાચા જ્ઞાન અને સાચા વર્તનથી એ અંતિમ સત્ય પ્રાપ્ત થાય. હવે સવાલ એ છે કે સાચા વર્તન દ્વારા તમારે સત્ય પ્રાપ્ત કરવું છે? શું તમે એ સંસ્કાર સિદ્ધ કરો છો કે નહીં? આત્માના મોક્ષનો સવાલ છે હોં! 

સહેજ પણ હર્ષ વિના લખાયેલા આ પત્રને આપ સંસ્કારી રીતે જ જોશો એવી મને શ્રદ્ધા છે. 

તા.૨૫-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...173174175176...180190200...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved