Opinion Magazine
Number of visits: 9842933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંઘ શતાબ્દીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 October 2025

રવીન્દ્ર પારેખ

આ લખાય છે ત્યારે દશેરો છે. વિજયાદશમી. એ પર્વ આવ્યું ગાંધી જયંતીએ. 2 ઓક્ટોબરે. એ પણ કેવો સંયોગ કે રામ અને ‘મોહન’ સાથે થયા, તે તો ઠીક, રાવણ અને મોહન પણ સંકળાયા. અરે ! સંઘ અને મહાત્મા પણ સાથે થયા. દશેરા બે ઓક્ટોબરે આવ્યો. આ દશેરાએ સંઘને 100 વર્ષ ને ગાંધીજીને 156 વર્ષ થયાં. એ જ 2 ઓક્ટોબર પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મ તારીખ છે. એમણે જવાન અને કિસાનને સાથે કર્યા. બીજા પણ સંયોગો હશે જ ! સમયનો આ પ્રભાવ છે. તે ઘણાંને સાથે કરે છે, એટલું જ નહીં, ઘણાં વિરોધી પરિબળોને પણ ભેગાં કરી આપે છે,  એટલે જ કદાચ ગાંધી અને સંઘ સાથે ને સમાંતરે છે.

આજથી બરાબર 100 વર્ષ પહેલાંના દશેરાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડો. કેશવ બલિરામ હેડગેવારે કરી. વિનાયક દામોદર સાવરકરનાં ‘હિન્દુત્વ : હુ ઈઝ અ હિંદુ’ પુસ્તકે હેડગેવારને હિન્દુઓનું સંગઠન બનાવવાની પ્રેરણા આપી. 27 સપ્ટેમ્બર, 1925ને દશેરાએ સંઘનો પ્રારંભ થયો. 17 એપ્રિલ, 1926ને રોજ નામકરણ થયું – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – RSS. આજે સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન ભાગવત છે. આ જ સંઘના સ્વયંસેવક નરેન્દ્ર મોદી પણ ખરા. સંઘમાંથી જ મોદી સ્વયંસેવકથી પ્રધાનસેવક સુધી પહોંચ્યા છે. સંઘે એક વડા પ્રધાન આપ્યા છે એ મોટી ઉપલબ્ધિ છે. સંઘ આજે તો અનેક શાખાઓમાં વિસ્તર્યો છે. સંઘ સાથે મત મતાંતરો હોઈ શકે છે, પણ તેની સેવાકીય પ્રવૃત્તિઓ સામે કોઈથી આંગળી ચીંધી શકાય એમ નથી.

સંઘની સરકારમાં સીધી દખલ નથી, પણ સંઘમાંથી વિકસેલા ‘કમળ’નું પ્રભુત્વ સરકારમાં 2014થી સીધું વર્તાય છે. કેન્દ્ર સરકારે સંઘની શતાબ્દીએ ટપાલ ટિકિટ અને 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યાં છે. 100 રૂપિયાના સિક્કા પર ‘રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ કે સો વર્ષ’ હિન્દી અને અંગ્રેજીમાં ઉપસાવાયું છે. સાથે જ 1925 અને 2025ની સાલ પણ ઉપસાવાઈ છે. એક તરફ સંઘી કાર્યકરો વંદના કરતા બતાવાયા છે. એ વંદના ભારતમાતાની છે. ભારતનું માતૃરૂપ સંઘને સ્વીકાર્ય છે, તો આવનારા સમયમાં અડધી વસ્તી જેની છે, એ ભારતીય સ્ત્રીઓનું પણ પ્રતિનિધિત્વ જણાય એમ બને. સંઘે શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ, કૃષિ, નારી કલ્યાણ …. એમ અનેક ક્ષેત્રોમાં ઘણું કાઠું કાઢ્યું છે, પણ તેનું મુખ્ય લક્ષ્ય છે, રાષ્ટ્ર પ્રથમ. રાષ્ટ્ર નિર્માણ સંઘનું લક્ષ્ય રહ્યું છે. રાષ્ટ્ર નિર્માણ, વ્યક્તિત્વ વિકાસ અને સેવાકીય પ્રવૃત્તિઓ પર સંઘની શતાબ્દી આવીને ઊભી છે. એમાં લાખો સ્વયંસેવકો ઊછર્યા છે ને એ રીતે સંઘ પણ અનેક શાખાઓમાં વિકસ્યો છે.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં ડો. હેડગેવારથી માંડીને અનેક કાર્યકરોએ સક્રિય રીતે ભાગ લીધો છે. હેડગેવારે તો જેલવાસ પણ ભોગવ્યો છે. શતાબ્દી સુધીનો સંઘનો માર્ગ સરળ રહ્યો નથી. સંઘને પ્રતિબંધો, તિરસ્કાર, અપમાનના અનેક કડવા ઘૂંટડા ગળવાના આવ્યા છે, પણ તેની સેવાકીય પ્રવૃત્તિઓમાં ઓછપ કે કડવાશ આવી નથી. સંઘની રાષ્ટ્રભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ આજે પણ અજોડ અને અજેય છે. રાષ્ટ્રીય કે રાજકીય આફતો સંઘને નડી નથી. સંઘ, વેઠીને વેઠતાં રોકે છે. સંઘ પાસે સાધનો મર્યાદિત છે, પણ તે દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચે છે. આદિવાસી કલ્યાણનું જે કામ સંઘે કર્યું છે, તે કેટલી ય સરકારો માટે આજે પણ દુર્લભ રહ્યું છે. સરસંઘચાલકો પણ એવા આવ્યા કે પડકારો અને સંઘર્ષો બહુ પ્રભાવ ન પાડી શક્યા. ટૂંકમાં, સંઘ રોડ મેપ વિકસાવવામાં સફળ રહ્યો છે. સ્વયંસેવકો એટલા સક્ષમ તો છે જ કે પડકારોને પહોંચી વળે. સંઘીય શિસ્ત હંમેશ અનુકરણીય રહ્યું છે.

હવેની યાત્રામાં સંઘ ભાવિ પેઢીનાં ભવિષ્ય પર અને પર્યાવરણીય પડકારો પર ધ્યાન કેદ્રિત કરે તે અપેક્ષિત છે. સંઘ વિશ્વનું સૌથી મોટું ગેર સરકારી સંગઠન છે. સંઘના સ્વયંસેવકો સ્વાર્થરહિત અને સમર્પિત છે. આ સમર્પણ ભાવ અને સેવાકીય દાયિત્વ સંઘની આગવી ઓળખ છે, જે સંઘને અન્ય સંગઠનોથી અલગ તારવે છે. સંઘની વિચારધારાથી ઘણાં સંમત ન હોય તો પણ, સંઘની રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે કોઈ સંમત ન હોય એવું ભાગ્યે જ બને. સંઘ સાથે ઘણાં અસંમત છે, પણ સંઘ ઘણાં વિરોધીઓને પણ સાથે લઈને ચાલે છે, તે એટલે કે સંઘ પોતાની વિચારધારામાં સ્પષ્ટ છે. ભા.જ.પ.માં સગવડિયું ઘણું હોઈ શકે, સંઘમાં નથી.

ભારતીય જનતા પક્ષ સંઘની પેદાશ છે. સંઘ રાજકીય પક્ષ નથી, પણ ભા.જ.પ. સંઘથી પ્રભાવિત છે. જો કે, ભા.જ.પ. સંઘથી જુદું વિચારતો હોય એવું પણ લાગે છે. પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડાએ તો કહ્યું પણ હતું કે ભા.જ.પ. એવો મોટો પક્ષ છે કે તેને સંઘની જરૂર નથી. એ જ કારણે રાષ્ટ્રીય સરસંઘચાલક મોહન ભાગવત પણ ભા.જ.પ.ને સંભળાવતા રહ્યા છે. ભા.જ.પી. ગર્વ ગાળવા ભાગવતે કહ્યું હતું કે એ જ વ્યક્તિ સાચો સેવક ગણાય જે અભિમાનથી પર હોય. ભાગવતનાં બીજા કેટલાંક નિવેદનો પણ ચર્ચામાં રહ્યાં છે. ભાગવતે કહ્યું હતું કે માણસ પહેલાં સુપરમેન અને પછી ભગવાન બનવા માંગે છે, પણ એમ ન વિચારતાં માણસે કામ કરતા રહેવું જોઈએ, કારણ કે વિકાસનો કોઈ અંત નથી. આ નિવેદનને કાઁગ્રેસે મોદી સાથે જોડીને ભા.જ.પ. અને સંઘ વચ્ચેની તડને મોટી કરવાની કોશિશ કરી હતી.

સંઘે વારંવાર પોતાની ભૂમિકાઓ સ્પષ્ટ કરી છે. જેમ કે, સંઘ ચૂંટણી પરિણામોનું એનાલીસીસ કરતો નથી કે સંઘ અનામતની વિરુદ્ધ નથી કે દરેક વ્યક્તિને ઓછામાં ઓછાં ત્રણ બાળકો હોવાં જોઈએ કે 75 વર્ષે માણસે અટકી જવું જોઈએ …. 75 વર્ષે કોઈ શાલ ઓઢાડી સન્માન કરે તો વ્યક્તિએ સમજીને ખસી જવું જોઈએ, જેથી બીજાને આગળ આવવાની તક મળે. આ વાતને પણ મોદી સાથે જોડવામાં આવી હતી. એ જાણીને ભાગવતે સ્પષ્ટતા કરી હતી કે કામ કરતો માણસ કોઈ પણ ઉંમર સુધી કામ કરી શકે છે. હું પણ 75 પછી કામ કરતો રહેવાનો છું. આ નીતિ પણ ઠીક નથી. પોતે 75 પછી કામ કરી શકે તેનો વાંધો નથી, પણ જે કામ કરી શકતા હતા તે અડવાણી કે મુરલી મનોહર જોશી જેવાને રોકવામાં આવ્યા તે ઠીક ન હતું. એની સામે 1 ઓક્ટોબરે વડા પ્રધાને ટિકિટ અને સિક્કો બહાર પાડતાં એમ પણ કહ્યું કે સંઘ એ ભૂમિ છે, જ્યાં અહમથી સ્વયમ તરફની યાત્રા શરૂ થાય છે. ભાગવતને કોઈકે પૂછ્યું કે ભા.જ.પ.ના અધ્યક્ષ સંઘ નક્કી કરે છે? તો, ભાગવતે કહ્યું કે અધ્યક્ષ, સંઘ નક્કી નથી કરતો. સંઘે નક્કી કરવાના હોત તો આટલી વાર થઈ હોત? ભા.જ.પ.ને સંભળાવવા ભાગવત ભલે આવું કહે, પણ ભા.જ.પ.ના અધ્યક્ષ સંઘ સાથે નાતો ન ધરાવતા હોય એવા આવ્યા નથી તે હકીકત છે.

આવી નાનીમોટી ચડભડને બાદ કરતાં ભા.જ.પ. અને સંઘનો નાતો આજ સુધી મજબૂત રહ્યો છે. ભા.જ.પ. વિદેશમાં નથી, પણ સંઘની 39 દેશોમાં શાખાઓ છે. સંઘ પર વીત્યું પણ ઘણું છે. ગાંધીજીની હત્યા પછી સંઘ ઘણો વગોવાયો. તેના પર પહેલો પ્રતિબંધ 1948માં મુકાયો, તો બીજો પ્રતિબંધ મુકાયો, કટોકટી વખતે, 1975માં.

સંઘથી પ્રેરાઈને શ્યામા પ્રસાદ મુખરજીએ જનસંઘની સ્થાપના 1951માં કરી. 1966માં હિંદુ સમાજને અનુલક્ષીને વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના પણ થઈ. 1980માં જનસંઘનું ભારતીય જનતા પક્ષમાં વિલીનીકરણ થયું. રામ જન્મભૂમિ આંદોલનમાં સંઘ અને ભા.જ.પ.નો વિસ્તાર થયો અને મોદી 2014માં વડા પ્રધાન થતા સંઘનો પડઘો રાષ્ટ્રીય રાજનીતિમાં પણ પડ્યો. સંઘની પ્રભાવક કામગીરી તો 2020થી 2023 સુધીમાં કોરોના મહામારીમાં જોવા મળી.

એટલું છે કે સંઘની શતાબ્દી એ અકસ્માત નથી. સો વર્ષની લોક કલ્યાણની પ્રવૃત્તિઓ અનેક વિરોધ અને પ્રતિબંધો વચ્ચે ટકી રહે ને ભા.જ.પ. જેવો રાષ્ટ્રીય પક્ષ તેમાંથી બેઠો થાય એ અકસ્માત ન હોય. અકસ્માત હોય તો પણ કોઈ સંસ્થા શતાયુના આશીર્વાદ ન પામે. રાષ્ટ્ર પ્રથમનો ધર્મ સંઘે નિભાવ્યો છે. શતાબ્દી નિમિત્તે સંઘ 2 ઓક્ટોબર, 2025થી 20 ઓક્ટોબર, 2026 સુધીમાં ગૃહ સંપર્ક અભિયાન, જન સંવાદ, હિંદુ સંમેલન,  યુવા સંમેલન ….જેવા સાત મોટા કાર્યક્રમોનું આયોજન કરશે. એ દરમિયાન સંઘના વડા ભાગવત અમેરિકા ને યુરોપીય દેશોના કાર્યક્રમોમાં ભાગ લે એમ બને.

સંઘને શતાબ્દી ટાણે અઢળક અભિનંદનો અને શુભેચ્છાઓ …..

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑક્ટોબર 2025

Loading

તણખો

સુરેશ જાની|Opinion - Opinion|3 October 2025

સત્યકથા

તે બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો હતો. અગિયારમા ધોરણમાં પણ તે નાપાસ થયો હતો. વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધી ઝળહળતું જીવન જીવવાના તેના બધાં સપનાં ચકનાચૂર થઈ ગયાં હતાં. આમે ય તેની ગણતરી તોફાની બારકસોમાં શ્રેષ્ઠ તરીકે થતી હતી! તે કંટાળીને રાત્રે જગદીશ આશ્રમ પાસેથી પસાર થતી, ભોગાવો નદીના કાંઠે ઊભો હતો. 

બીજા કોઈ આમ નાસીપાસ થયેલ જણને આત્મહત્યા કરવાના જ વિચાર આવે; પણ આ તિસમારખાં અલગ જ ખોપરીનો જીવ હતો. અચાનક તેની ખોપરીમાં એક તણખો થયો, 

‘ભલે બારમામાં નપાસ થયો, પણ પીએચ.ડી.ની પદવી ના મેળવું તો તો હું જગદીશ નહીં.’

એ રાત્રે પ્રગટેલો એ તણખો કદી ઓલવાયો નથી.  જીવનની પરીક્ષામાં એ જગદીશ કદી નાપાસ થયો નથી. 

કોણ છે એ જગદીશ? એ તણખાએ એને ક્યાં પહોંચાડ્યો?

જગદીશ ત્રિવેદી

જાણી લીધાને એમને? વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર, લેખક, ફિલસૂફ અને જીવનભેર સેવાનો ભેખ ધારણ કરેલા ડો. જગદીશ ત્રિવેદી જ તો. તે જ્યાં જાય છે, ત્યાં હમ્મેશ હાસ્યની લ્હાણી તો કરે જ છે, પણ અચૂક તણખાનાં માહાત્મ્યનો પ્રચાર પણ કરે છે.

અલબત્ત પીએચ.ડી.ની પદવી ધારણ કરવાનું એનું સ્વપ્ન ત્રેવડાયું છે! આ જણે કદી એક દિવસ પણ નોકરી કરી નથી. માદરે વતન વઢવાણમાં એક રૂપિયાની ત્રણ ફોટો કોપી કરી આપતા એ જગા ઝેરોક્સવાળાએ ૧૪ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. કલા ક્ષેત્રે નાટકોથી શરૂઆત કર્યા બાદ પોતાના ગુરુ માનતા માનનીય શાહબુદ્દીન રાઠોડની પ્રેરણાથી એણે ડાયરાઓમાં મનોરંજન પીરસીને આખા જગતમાં ઠેર ઠેર લોકોને પેટ પકડીને હસાવ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કમાણીનો એક પણ રૂપિયો ગજવામાં ન નાંખવાની પ્રતિજ્ઞા લેનાર આ જણે પંદર કરોડ રૂપિયાનાં દાન સમાજના સાવ નીચલા સ્તરમાં સબડતાં બાળકો માટે કર્યાં છે; સતત કરતા રહે છે.

તેમને અનેક સન્માન અને બહુમાન મળ્યાં છે. એની ચરમસીમા રૂપે પદ્મશ્રીનો ઈલ્કાબ પણ ભારત સરકારે તેમને એનાયત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ‘મન કી બાત’ પ્રવચનોના એક ભાગમાં એમના જીવન કાર્યને પ્રમાણિત કર્યું છે.

એમની વધારે તો શી વાત અહીં કરવી? આ વીડિયોમાં એમના સ્વમુખે જ એમની જીવનઝાંખી જાણી લો ને?

એમના ઢગલાબંધ વીડિયો તમે યુ-ટ્યુબ પર માણી ખિલખિલાટ હસી શકશો.

તે રાત્રે ભોગાવો નદીને કાંઠે પ્રજ્વલિત થયેલા એ તણખાએ ઠેર ઠેર, અસંખ્ય માનવીઓના દિલો દિમાગમાં જીવનના ઉલ્લાસના દીવા, મીણબત્તી – અરે! મશાલો પ્રગટાવ્યાં છે અને સતત પ્રગટાવતા રહે છે.

પણ એમના આ વિચારને કદી ન ભૂલતા –

મરતાં મરતાં ન જીવો – જીવતાં જીવતાં મરો.

સંદર્ભ
https://drjagdishtrivedi.in/about-me/

https://en.wikipedia.org/wiki/Jagdish_Trivedi

https://www.youtube.com/@jagdishtrivediofficial

e.mail : surpad2017@gmail.com

Loading

પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને

દીપક મહેતા|Gandhiana, Opinion - Opinion|2 October 2025

મનમોહન ગાંધીજીને

ગાંધી તું હો સુકાની રે:
સાચો હિન્દવાન!
હિન્દની જિંદગી અમારી –
અફળાતી અસ્થિર ન્યારી –
તેને જોગવતો તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
રાજ્ય પ્રજાના હિતનું –
મન્થન દેશે છલકાતું –
નવનીત ઉતારે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
જનતાના જગ મહારાજ્યે –
હિન્દીજન તણા સ્વરાજ્યે –
ગજવે હિન્દી હાક તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
હિન્દી જાત જ જન્માવી;
જગમાં વિખ્યાત બનાવી –
ધપાવે સત્યાગ્રહે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
મનમોહન, ઉદાર ભાવે,
વીરતાના પ્રસંગ લાવે,
હિન્દહિત કસ્તૂરી મૃગ! તું હો સુકાની રે: સાચો હિન્દવાન!
સુદામાપુરના દીપક!
શ્રી કૃષ્ણનાં જગાવે સ્મારક :
ભારત નાવિક વીર તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
ગાંધી! તુજ સુજોડ પગલે,
હિન્દ-સંતતિ સંચરિયે!
શાંતિ જાય પ્રભુ અર્પે! તું હો સુકાની રે: સાચો હિન્દવાન!

                                                                   — ‘લલિતજી’

જે સંપાદનમાં આ ગીત જોવા મળ્યું તેમાં મથાળા પછી નોંધ છાપી છે : “મહાહિન્દભરમાં સૌથી પહેલું ગાંધીગીત તા. ૧૮-૧૨-૧૯૧૩ ગૂજરાત પાટણ.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) એ સંપાદન વિશેની વાત પણ રસપ્રદ છે, પણ પહેલાં આ ગીત વિષે થોડી વાત. નોંધ પ્રમાણે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ દેશની બધી ભાષાઓમાં ગાંધીજી વિશેનું આ પહેલું કાવ્ય છે. આપણી ભાષામાં જો કોઈ એક વ્યક્તિ વિષે સૌથી વધુ કાવ્યો લખાયાં હોય તો તે ગાંધીજી વિષે. અને તેમને વિષે ગુજરાતીમાં લખાય તે પહેલાં બીજી કોઈ ભાષામાં ગીત લખાય એવો સંભવ નહિવત્. અને ભારતની કોઈ ભાષામાં લખાય તે પહેલાં દુનિયાની બીજી કોઈ ભાષામાં ગાંધીજી વિષે કાવ્ય લખાય એ તો લગભગ અશક્ય. એટલે, ગાંધીજી વિશેનું આ સૌથી પહેલું કાવ્ય છે. તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે. ‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭માં પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક કાઠિયાવાડ ટાઈમ્સના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું. ‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું : “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.”

ગાંધીજી વિશેનું લલિતજીનું આ કાવ્ય લખાયું છે ૧૯૧૩ના ડિસેમ્બરની ૧૮મી તારીખે. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે તે દિવસે એવું શું બન્યું હતું કે જેને લીધે લલિતજી આ કાવ્ય લખવા પ્રેરાયા હોય. અંગ્રેજીમાં કહેવું હોય તો What triggered this poem? એક કરતાં વધુ જાણકારોને હાથે ગાંધીજીના જીવનની વિગતવાર, તારીખો સહિતની, સાલવારી અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ થઈ છે. તે જોતાં જણાય છે કે ‘ગ્રેટ માર્ચ’ને કારણે દક્ષિણ આફ્રિકામાં ૬ નવેમ્બર ૧૯૧૩ના રોજ ગાંધીજીની ધરપકડ થઈ હતી પણ તે જ દિવસે તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. પણ ૮ નવેમ્બરે ફરી ધરપકડ થઈ અને ફરી જામીન પર છૂટકારો. ૯ તારીખે ફરી ધરપકડ અને ૯ મહિના વત્તા ૩ મહિનાના કારાવાસની સજા. પણ ડિસેમ્બરની ૧૮મી તારીખે અણધારી રીતે જેલમાંથી બિનશરતી મુક્તિ મળી હતી. આ સજા થઈ તે પહેલાં જ પોતે હિન્દુસ્તાન પાછા ફરવાના છે એવી જાહેરાત ગાંધીજીએ કરી હતી. એટલે તેમનો જેલમાંથી થયેલો છુટકારો એ દેશવાસીઓ માટે આનંદના સમાચાર ગણાય.

પણ વેઇટ અ મિનિટ! ૧૯૧૩માં આપણા દેશમાં હજી રેડિયો બ્રોડકાસ્ટિંગની શરૂઆત તો થઈ નહોતી. (તેની શરૂઆત ખાનગી ધોરણે થઈ ૧૯૨૩માં, અને સરકારી ધોરણે થઈ ૧૯૩૦માં.) એટલે એ વખતે દેશના તેમ જ પરદેશના સમાચારો મેળવવાનું એકમાત્ર સાધન અખબારો હતું. અને દક્ષિણ આફ્રિકામાં ૧૮મી તારીખે જે કાંઈ બન્યું હોય તેના સમાચાર તો ૧૯મીના અખબારમાં જ આવે ને? એટલે ૧૮મી ડિસેમ્બરે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી છોડવામાં આવ્યા અને તે જ દિવસે આ કાવ્ય લખાયું એ કેવળ એક સુખદ અકસ્માત જ હોઈ શકે. એ બંને વચ્ચે કારણ-કાર્યનો સંબંધ હોઈ શકે નહિ.

હવે જે પુસ્તકમાં નોંધ સાથે આ કાવ્ય છપાયું છે તે પુસ્તક વિષે.

પુસ્તકનું નામ : ‘ગાંધીકાવ્યસંગ્રહ.’ પ્રથમ આવૃત્તિ : ‘રેટીઆ બારસ ૧૯૯૩’ (એટલે કે ઈ.સ. ૧૯૩૭). ૧૨૭ પાનાં, મૂલ્ય ૧૨ આના (આજના ૭૫ પૈસા). પ્રકાશક: “વીલેપારલેની શ્રી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયત વતી શ્રી ઉમાશંકર જોષીએ પ્રસિદ્ધ કર્યું.” (પુસ્તકમાં બધે ‘જોષી’ જ છાપ્યું છે, ‘જોશી’ નહિ.) અને છેલ્લે, આ પુસ્તકના સંપાદકો હતા ઝીણાભાઈ દેસાઈ અને ઉમાશંકર જોષી. એ વખતે ઝીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ આ શાળાના આચાર્ય હતા અને ઉમાશંકર ગુજરાતીના શિક્ષક હતા. પુસ્તકમાં કુલ ૭૦ કાવ્યો સમાવ્યાં છે. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ચાર, સ્નેહરશ્મિનાં પાંચ, લલિતજીનાં ચાર, રાયચુરા(નામ છાપ્યું નથી, માત્ર અટક છાપી છે)નાં બે, હરિહર ભટ્ટનાં બે, સુંદરજી બેટાઈનાં બે, અને ઉમાશંકર જોષીનાં પાંચ કાવ્યો જોવા મળે છે. બીજા કવિઓનું એક-એક કાવ્ય લીધું છે. છેવટે ‘બાદરાયણ’(ભાનુશંકર વ્યાસ)નાં બે સંસ્કૃત કાવ્યો મૂક્યાં છે. અલબત્ત, નિખાલસતાથી કહેવું જોઈએ કે બે પ્રતિષ્ઠિત કવિઓએ આ સંપાદન કર્યું હોવા છતાં કાવ્ય તરીકે આજે ય ટકી શકે એવી કૃતિઓ અહીં પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળે છે.

આ સંપાદન જે રીતે તૈયાર થયું તે પણ ધ્યાન ખેંચે તેમ છે. ગાંધી જયંતીની ઉજવણી અંગે ગોકળીબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયતે એક ઠરાવ કર્યો હતો. તેમાં છઠ્ઠી કલમ આ પ્રમાણે હતી : “પૂ. ગાંધીજીને લગતાં ગૂજરાતી કાવ્યોનો સંગ્રહ કરી શક્ય હોય તો તેને છપાવી બહાર પાડવાની યોજના.” આવું પુસ્તક તૈયાર થઈ શકે એવી શક્યતા ઓછી જ હતી. પહેલી મુશ્કેલી હતી ખર્ચ માટેના પૈસાની. પણ તે અણધારી રીતે દૂર થઈ. શનિવાર તા. ૧૮-૯-૧૯૩૭ ને દિવસે ‘એક બહેન’ શાળાની પ્રાર્થના સભામાં આવ્યાં અને પુસ્તકની બધી આર્થિક જવાબદારી પોતે ઉપાડી લેવા તૈયાર થયાં. બીજી મુશ્કેલી હતી સમયની. પણ તે જ દિવસે અખબારોમાં જાહેરાત છપાવી કવિઓને પોતાનાં કાવ્યો મોકલવાની વિનંતી કરી. જવાબમાં ૨૫૦-૩૦૦ કવિઓની રચના મળી. તેમાંથી ૭૦ રચનાઓ પસંદ કરી અને ૨૧-૯-૩૭ના દિવસે મુંબઈના આનંદ પ્રિન્ટિંગ પ્રેસને મેટર છાપવા આપ્યું. ૨૮-૯-૧૯૩૭ના દિવસે ચોપડી છપાઈને તૈયાર થઈ ગઈ. એક અઠવાડિયામાં ચોપડી છપાઈને તૈયાર થઈ જાય એ વાતની આજે કમ્પ્યુટર યુગમાં આપણને નવાઈ ન લાગે. પણ એ યાદ રાખવું ઘટે કે એ મુવેબલ ટાઈપનો જમાનો હતો. એક-એક અક્ષર હાથ વડે કમ્પોઝ કરવો પડતો. પછી પ્રૂફ જોઈ સુધારા કરવા પડતા. વળી તે વખતનાં મશીન પર એક સાથે વધુમાં વધુ ૧૬ પાનાં જ છાપી શકાતાં. આજે વપરાય છે તેવી તાબડતોબ સુકાઈ જાય તેવી શાહી તે વખતે નહોતી. એટલે આઠ પાનાં છાપ્યા પછી તેને સુકાવા દેવાં પડે અને પછી બીજી બાજુ બીજાં આઠ પાનાં છાપી શકાય. પણ આ છતાં એક જ અઠવાડિયામાં પુસ્તક તૈયાર થઈ ગયું.

સંપાદકીયમાં સ્નેહરશ્મિ અને ઉમાશંકરે કહ્યું છે : “પ્રશસ્તિકાવ્યની ઉત્તમ કવિતા પ્રકારમાં ગણના થતી નથી. પણ આ સંગ્રહમાં ગાંધીજીની પ્રશસ્તિ ઉપરાંત એમના જીવનને લગતાં છતાં એમના જ નહિ પણ સારી પ્રજાના જીવનના ગણાઈ ચૂકેલા ઐતિહાસિક પ્રસંગોમાંથી પ્રેરાયેલી કૃતિઓ પણ સદ્ભાગ્યે સારા પ્રમાણમાં છે.” સંપાદકીયનું છેલ્લું વાક્ય આ પ્રમાણે છે: “ગાંધીજીનું ગૂજરાત આ ગાંધીકાવ્યસંગ્રહને અપનાવી લેશે એવી આશા છે.” પણ હકીકતમાં આ સંગ્રહ આજે તો સાવ ભુલાઈ ગયો છે. જેમ લલિતજીનું ‘મનમોહન ગાંધીજીને’ ગીત પણ ભુલાઈ ગયું છે તેમ.

xxx xxx xxx

02 ઑક્ટોબર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...175176177178...190200210...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved