Opinion Magazine
Number of visits: 10,221,695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|19 December 2025

હેમંતકુમાર શાહ

ભા.જ.પ.ના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનો દેશદ્રોહનો કેસ ગુજરાતની ભા.જ.પ.ની સરકારે પાછો ખેંચ્યો તેને સુરતની જિલ્લા અને સેશન્સ અદાલતે તા.૧૮-૧૨-૨૦૨૫ના રોજ મંજૂરી આપી દીધી હોવાના સમાચાર છે. ગયા માર્ચ મહિનામાં અમદાવાદની સેશન્સ અદાલત દ્વારા પણ આ જ રીતે હાર્દિક પટેલ સામેનો કેસ પાછો ખેંચવા માટેના ભા.જ.પી. સરકારના નિર્ણયને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

આ બંને કેસમાં હાર્દિક પટેલની સાથે સાથે તેમના ચારેક સાથીઓને પણ રાહત મળી. 

૨૦૧૫માં હાર્દિક પટેલે કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા નેતા કે કાર્યકર તરીકે નહીં પણ ભારતના એક નાગરિક તરીકે ગરીબ સવર્ણ લોકોને અનામત મળે તે માટે જે આંદોલન કરેલું તે સબબ આ કેસ તેમની સામે કરવામાં આવેલા. સુરતમાં હાર્દિક પટેલે પટેલ યુવાનોને આત્મહત્યા કરવાને બદલે પોલિસને જ મારવા માટે હાકલ કરેલી તે બદલ આ કેસ કરવામાં આવેલો. આ કેસમાં ત્રણ વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે. પણ હવે કેસ રહ્યો જ નહીં.

શા માટે હાર્દિક પટેલ સામેના કેસ ગુજરાતની ભા.જ.પ. સરકારે પાછા ખેંચ્યા? અહીં ગુજરાતની ભા.જ.પ. સરકાર એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સમજવું, કારણ કે એ બેને પૂછ્યા વિના ગુજરાત સરકારમાં પાંદડું પણ હાલતું નથી એમ લોકવાયકા છે. 

કેસ પાછા ખેંચાયા તેનું કારણ એ છે કે હાર્દિક પટેલ ભા.જ.પ.માં છે. તેઓ ૨૦૧૯માં કાઁગ્રેસમાં જોડાયેલા અને ૨૦૨૦માં તેમની કાઁગ્રેસના કાર્યકારી પ્રમુખ જેવા બહુ ઊંચા પક્ષીય હોદ્દા પર નિમણૂક થયેલી. પણ તેઓ કેમ પછી એ ભા.જ.પ.માં જોડાઈ ગયેલા કે જે ભા.જ.પ.ના અમિત શાહને તેમણે “જનરલ ડાયર” કહેલા? 

હાર્દિક પટેલને ચોક્કસ એવી બીક લાગી હશે કે તેમની સામેના કેસમાં તેમને સજા થશે અને તો જેલમાં જવું પડશે. એટલે રાજકીય સોદાબાજીના ભાગરૂપે જ એવી ગોઠવણ થઈ હશે કે “આવો ભા.જ.પ.માં, તો બધા કેસ પાછા ખેંચાઈ જશે.”

સવાલ હાર્દિક પટેલનો નથી, સવાલ તો કાયદા અને શાસનની વ્યવસ્થાનો તેમ જ ન્યાય પ્રણાલીનો છે. શું હાર્દિક પટેલે દેશદ્રોહ કર્યો જ નહોતો? તો પછી તેમની સામે કેસ થયો કેમ? અને જો તેમણે દેશદ્રોહી વર્તન કર્યું હતું તો તે અદાલતમાં સાચું કે ખોટું પુરવાર થાય તે પહેલાં સરકારે કેમ કેસ પાછો ખેંચ્યો? એનું કારણ તો એ જ કે તેઓ અત્યારે ભા.જ.પ.માં છે. ૨૦૧૫થી ૨૦૨૨ સુધી તો તેમની સામેનો કેસ ભા.જ.પી. સરકારે પાછો ખેંચ્યો નહોતો કારણ કે તેઓ ત્યારે ભા.જ.પ.માં નહોતા. 

હવે ગુજરાતની ભા.જ.પ. સરકારનું વર્તન જુઓ. તે નાગરિકો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરે છે. જે મામકા: છે તે દોષિત હોઈ જ ન શકે એમ સરકાર સમજે અને એ રીતે વર્તે તો એ સ્પષ્ટપણે લોકશાહીના કાયદાના શાસનના સિદ્ધાંતનો અને ભારતના બંધારણની કલમ-૧૪ અને કલમ-૧૫માં લખવામાં આવેલા સમાનતાના મૂળભૂત અધિકારનો ભંગ છે. પણ આવા બધા સિદ્ધાંતો જાય તેલ પીવા. આ તો “જનરલ ડાયર”નું શાસન છે, એની મરજી, એણે જ નક્કી કરવાનું છે કે કોના પર દયાનો વરસાદ વરસાવવો અને કોના પર નહીં. આજના ભા.જ.પી. શાસનમાં દયાની ભીખ કેવી રીતે મંગાય છે અને અપાય છે એનો ખ્યાલ આમાંથી આવે છે. 

હવે આની સામે જિગ્નેશ મેવાણીનો કેસ જુઓ.

જિગ્નેશ મેવાણીની સામે આસામમાં કોકરાઝારમાં એક ભા.જ.પી. કાર્યકરે ૨૦૨૨માં કેસ કરી નાખ્યો અને આસામની ભા.જ.પ. સરકારની પોલિસ તાબડતોબ પાલનપુર આવીને રાતોરાત જિગ્નેશને ઉઠાવી ગઈ. જિગ્નેશને આસામના ધક્કા ખાતો કરી નાખ્યો! આવો કેસ જિગ્નેશ પર કરવાનો વિચાર આસામના એ ભા.જ.પી. કાર્યકરને આવ્યો હશે કે “જનરલ ડાયર”ને? જરા, કલ્પના કરી જોજો. પણ એ કેસમાંથી બચવા માટે તેણે ભા.જ.પ.માં જોડાવાનું નક્કી કર્યું નહીં, જે થવું હોય તે થાય! જિગ્નેશ માટે વ્યક્તિની આઝાદી મહત્ત્વની છે, હાર્દિક પટેલ માટે “જનરલ ડાયર”ની દયા! 

મનુષ્યની મૂળભૂત ચાર વૃત્તિઓમાંની એક છે ભય. દુનિયાભરમાં સત્તામાં બેઠેલાઓ હંમેશાં ભયનો ઉપયોગ સત્તા કાયમ કરવા માટે કરે છે. જેઓ ભય પામતા નથી તેઓ ભોગવે છે, આ રાજકારણનો નિયમ છે. પણ યાદ રાખો, ભય પામનારા કરતાં ભય આપનારા વધારે ક્રૂર, નિર્દય, નરાધમ અને નાલાયક હોય છે. એવું બધું થાય તો એ તાનાશાહી અને રાજાશાહી કહેવાય, લોકશાહી નહીં.  

હા, હાર્દિક પટેલ મારો દોસ્ત છે અને જિગ્નેશ મેવાણી મારો વિદ્યાર્થી. બંને ધારાસભ્યો છે. એક ભા.જ.પ.માંથી અને એક કાઁગ્રેસમાંથી. બોલો, કોની પર મારે ગર્વ કરવાનો? 

અરે, ગર્વની વાત પણ બાજુ પર મૂકો, આ રીતે લોકશાહીનું જે ધનોતપનોત છડેચોક નીકળી રહ્યું છે એની ચિંતા કરવાની કે નહીં?

તા.૧૯-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !

રમેશ સવાણી|Opinion - Opinion|19 December 2025

બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે પટણામાં નિમણૂંક પત્ર આપવાના કાર્યક્રમ દરમિયાન મહિલા ડોક્ટર નુસરત પરવીનનો હિજાબ દૂર કરી તેને નિમણૂંક પત્ર આપતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર 15 ડિસેમ્બર 2025ના રોજ વાયરલ થયો હતો. 

કેટલાંક કહે છે કે ‘આમાં મુખ્ય મંત્રીનો ભાવ પિતા તરીકેનો હતો … વળી હિજાબ જેવી ગંદી પ્રથાનો વિરોધ કરી નીતીશ કુમારે ક્રાંતિકારી પગલું ભર્યું !’

મુસ્લિમ સમુદાયે મુખ્ય મંત્રીની આ હરકતનો જબરજસ્ત વિરોધ કર્યો છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે ‘નીતીશ કુમાર પાસે આવી અપેક્ષા ન હતી. તેમની માનસિક સ્થિતિ પહેલા જેવી નથી રહી. જો પ્રમાણપત્ર માટે મહિલાનો ચહેરો જોવો જરૂરી હતો તો તેમણે મહિલાને નમ્રતાપૂર્વક કહેવું જોઈએ, તેનો હાથ પકડીને હિજાબ ઉતારવો કેટલી હદ સુધી યોગ્ય છે? આ અયોગ્ય અને અસંવેદનશીલ વર્તન છે.’

કેટલાંક ગોડસેવાદીઓને હિજાબથી વાંધો છે, પરંતુ તેઓ ઘૂંઘટ પ્રથા ભૂલી જાય છે !

હિન્દુ મહિલાઓ લાજ કાઢે છે. શું એ લાજ-ઘૂંઘટ કોઈ દૂર કરી શકે? મુખ્ય મંત્રી હિજાબ દૂર કરવાનું મુસ્લિમ મહિલાને કહી શક્યા હોત, અન્ય મહિલાને સૂચના આપી શક્યા હોત. જાતે હિજાબ દૂર કરવાની હરકત ઉચિત કહી શકાય નહીં. મુખ્ય મંત્રી તરીકે જો આવું વર્તન થાય તો સમાજમાં શું સંદેશો જાય? 

નુસરત બિહાર છોડીને ચાલી ગઈ છે. તેણે કહ્યું છે : “હું હવે નોકરીમાં જોડાઈશ નહીં. મુખ્ય મંત્રીનો ઇરાદો ગમે તે હોય, મને દુઃખ થયું છે.”

આ મુદ્દો ધર્મનો નથી; સન્માન, વિવેક અને માણસાઈનો છે ! 

[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
18 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|18 December 2025

હેમન્તકુમાર શાહ

નરેન્દ્ર મોદીએ મે-૨૦૨૪માં એક મુલાકાતમાં એમ કહી નાખ્યું હતું કે : 

(૧) તેમને એવો અનુભવ થાય છે કે ઈશ્વરે જ તેમને મોકલ્યા છે. 

(૨) તેઓ જે અસાધારણ ઊર્જા ધરાવે છે તે શારીરિક અસ્તિત્વમાંથી આવી શકે નહીં. એ તો કોઈક હેતુ માટે મળેલી દિવ્ય બક્ષિસ છે. એટલે કે પોતે non-biological છે. 

(૩) તેઓ પોતાની જાતને ઇશ્વરનું સાધન ગણે છે. 

આ નરેન્દ્ર મોદી કંઈ ભૂલથી બોલી ગયા હતા એમ સમજવું જોઈએ નહીં. એ ભારતમાંથી લોકશાહીને ખતમ કરવાની બહુ જ વિચારપૂર્વક કરવામાં આવેલી સાજિશ છે એમ સમજવાનું છે. 

રાજાશાહીમાં રાજા ઈશ્વર  છે અથવા રાજા ઈશ્વરનો પ્રતિનિધિ છે એમ સમજવામાં આવતું રહ્યું છે. આમ, નરેન્દ્ર મોદી પોતાને ઇશ્વર કે ઈશ્વરે રાજ કરવા માટે મોકલેલા ગણે છે અને લોકોને પોતાની ટીકા નહીં કરવા માટે આડકતરી રીતે જણાવે છે, કારણ કે ઇશ્વર તો કશું ખરાબ કરે જ નહીં. 

રાજા સામે કોઈ પણ બાબતે આંગળી ચીંધી શકાય જ નહીં કારણ કે તે માણસ નથી પણ ઈશ્વર છે અથવા ઈશ્વરે લોકોનું કલ્યાણ કરવા માટે મોકલેલ વ્યક્તિ છે. એટલે જ સંઘીઓ અને ભા.જ.પી. લોકો નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારાને દેશદ્રોહી ગણાવે છે કારણ કે તેઓ નરેન્દ્ર મોદી = ભારત એવું સમીકરણ બનાવે છે. 

આ લોકશાહીને ખતમ કરવાની એક ખતરનાક ચાલ છે. પણ એ યાદ રાખવું ઘટે કે ભા.જ.પ. જેના પેટે જન્મ્યો છે તે RSS છે અને તે લોકશાહીમાં માનતું કે તેને અત્યાર સુધીમાં શોધાયેલી સારામાં સારી શાસનપદ્ધતિ તરીકે સ્વીકારતું સંગઠન છે જ નહીં. 

સંઘના પાયામાં રાજાશાહી છે, તેમાં વ્યક્તિપૂજાનું ધાર્મિક તત્ત્વ રહેલું છે. તેમાં ઉચ્ચ કક્ષાએથી જે કંઈ કહેવામાં આવે તે આખરી છે એમ સ્વીકારી લેવામાં આવતું હોય છે. 

નરેન્દ્ર મોદી RSSના પ્રચારક રહ્યા છે. એટલે એમને રાજાશાહીના સંસ્કાર ગળથૂથીમાં મળેલા છે. જુઓ જરા, RSSના બીજા ક્રમના સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરની શૈલી પણ આવી જ હતી કે જેમણે સંઘના ફેલાવામાં ભારે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ગોલવલકર પોતાની જાતને ભગવાન ગણાવતા થઈ ગયા હતા અથવા સંઘના લોકો તેમને ભગવાન તરીકે ચીતરતા હતા! 

મહાત્મા ગાંધીની હત્યા થઈ તે પછી RSS પર પ્રતિબંધ મૂકાયો હતો અને ગોલવલકરની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલાયા હતા.  તેઓ જેલમુક્ત થયા પછી તેમને સત્તામાં રસ નથી અને પોતાને તો આધ્યાત્મિક બાબતોમાં જ રસ છે એવું પણ તેઓ બતાવતા હતા. 

ગોલવલકરનું ચરિત્ર લખનારા કલકત્તાના સંઘના એક પ્રચારક હેમેન્દ્રનાથ પંડિત તેમનાં સંસ્મરણોમાં લખે છે કે પશ્ચિમ બંગાળમાં સ્વયંસેવકોને એક પ્રચારક દ્વારા એમ કહેવામાં આવતું હતું કે “મહાભારતના માધવ” જ નવા અવતાર સ્વરૂપે માધવ સદાશિવ ગોલવલકર તરીકે આવ્યા છે!

એટલું જ નહીં પણ મહાત્મા ગાંધીને અત્યંત પ્રિય એવી રામધૂન પણ ત્યાં બદલી નાખવામાં આવી હતી. “ઈશ્વર અલ્લાહ તેરે નામ”ને બદલે “કેશવ માધવ તેરે નામ” કરી નાખવામાં આવ્યું હતું. કેશવ એટલે RSSના સ્થાપક અને પ્રથમ સરસંઘચાલક કેશવ બલિરામ હેડગેવાર અને માધવ એટલે બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર. 

જગત એસ. બ્રાઇટ નામના ગોલવલકરના એક ચરિત્રકારે તેમની દેખરેખ હેઠળ જ તેમનું જીવનચરિત્ર ૧૯૫૦માં લખ્યું હતું. તેમાં તેઓ લખે છે કે ગોલવલકરનો દેહ અને તેમની આંખો મહાત્મા ગાંધી જેવાં હતાં! અને તેમની ચાલ ખ્રિસ્તી સંત થોમસ જેવી હતી! સંઘ વ્યક્તિકેન્દ્રી નથી પણ વિચારકેન્દ્રી છે એવું ઢોલ પીટી પીટીને કહેવામાં આવે છે પણ હકીકત કંઈક જુદી જ છે. 

“હર હર મોદી” નામનું સૂત્ર એ આકસ્મિક રીતે આવી પડેલું નથી, પણ એ આ જ તાનાશાહી નફરતી વિચારધારાનું ફરજંદ છે. 

તા.૧૭-૧૨-૨૦૨૫.
કાર્ટૂન સૌજન્ય : રાકેશ રંજન
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...177178179180...190200210...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved