1.
માણવા જેવાં જીવનમાં આમ અવસર છે ઘણાં
શું કરું કારણ વિનાના મન મહીં ડર છે ઘણાં
ખાલ ખેંચો – લાત મારો – માર મારો તોય શું
પ્રકૃતિએ માણસો જોઉં છું નીંભર છે ધણાં
તણખલા જેવા કરે છે ઝંઝાનો શું સામનો
તો ઘણાયે ભડવીરો પણ ટાણે પામર છે ઘણાં
આ નગરના માણસો ક્યારે ગણાયા માણસો
માણસો કરતાં વધુ માણસના ઈશ્વર છે ઘણાં
આવકારો-આશરો જેવા શબદ જાણ્યા નથી
આ નગરમાં આમ તો હું જોઉં છું છે ઘર ઘણાં
તોય સાહિલ કોઈ ખુદને કેમ જાણી ના શક્યા
આમ તો આ શહેરમાં પણ આઈનાઘર છે ઘણાં
2.
કવનનો અંત કવનની સફરનો અંત નથી
જગનનો અંત જગનની સફરનો અંત નથી
અતીતના ભીના સ્પર્શો હજીય છે ભીના
જતનનો અંત જતનની સફરનો અંત નથી
સમયના યજ્ઞમાં અવતાર ભસ્મ થાય ભલે
લગનનો અંત લગનની સફરનો અંત નથી
જો શબ્દ બોલશે તો એ પછી નહીં અટકે
મનનનો અંત મનનની સફરનો અંત નથી
જો મૌન સાંભળી શકશો તો વાત સમજાશે
જીવનનો અંત જીવનની સફરનો અંત નથી
વિરહની વેદના ભેટી શકે નહીં મનને
મિલનનો અંત મિલનની સફરનો અંત નથી
ખુલે જો આંખ તો ખસિયાણા ના પડો સાહિલ
સપનનો અંત સપનની સફરનો અંત નથી
3.
માણસો ઘરમાં જન્મે જીવે ને મરે
માંડ ફળિયા સુધી સ્વપ્નમાં પણ ફરે
બસ નિહાળ્યા કરું છું તમાશા સતત
એક છાયા બીજી છાયાને છેતરે
એ દ્વિધામાં જ અવતાર પૂરો થયો
કોના નામે હું ફેકૂં તો પથ્થર તરે
કાકરી સાવ હળવેથી ફેકી અમે
ને વમળ છેક તળિયા સુધી વિસ્તરે
શક્ય છે નીકળે પ્રેત ઝાકળના પણ
જીવ શાને સુગંધો પછી ખોતરે
ભૂતને ભૂલવાની મઝા માણીયે
કોણ રુઝી રહેલા જખમ ખોતરે
કેટલાં કામ સાહિલ અધૂરાં રહ્યાં
વાતમાં વેલ્ય પહોંચી ગઈ પાદરે
4.
સપનું થઈને એમની પાંપણમાં જઈ ચડ્યો
હાથે કરી હું કેવી પળોજણમાં જઈ ચડ્યો
ચોક્કસપણના નોતરાને અવગણ્યા પછી
હું જઈ ચડ્યો પછીમાં યા તો પણમાં જઈ ચડ્યો
એક સીધી સાદી વાતમાં પ્રશ્નો ઊભા કરી
પૂછો નહીં હું કેવી વિમાસણમાં જઈ ચડ્યો
તેઓના દ્વાર ટેકવું માથું તો લાગતું
આતમ અમારો ઈશના આંગણમાં જઈ ચડ્યો
ના ઓળખું મને તો એમાં મારો દોષ શું
ચહેરો ગુમાવ્યા બાદ હું દર્પણમાં જઈ ચડ્યો
ભાગ્યે જ જાઉં છું છતાં હું જ્યાં ગયો છું ત્યાં
કારણ વિનાના સેંકડો કારણમાં જઈ ચડ્યો
ચોર્યાસી લાખ ફેરા ફર્યા તોય ના છૂટ્યો
અવતાર મારો કાયમી વળગણમાં જઈ ચડ્યો
સાહિલ જીવ્યો છું ચેનથી લીલોતરી મહીં
લોકોને મન ધધખતા જતાં રણમાં જઈ ચડ્યો
નીસા – 3/15 – દયાનંદ નગર, રાજકોટ 360 002
e.mail : sahilrjt1946@gmail.com