
ચંદુ મહેરિયા
આઝાદ ભારતના ઇતિહાસમાં ચિપકો આંદોલનનું અનોખું સ્થાન છે. તેમાં મહિલાઓની અહિંસક લડાયક ભૂમિકા અતુલનીય હતી. આ આંદોલન ન માત્ર પર્યાવરણ રક્ષાનું હતું, પરંતુ કુદરતી સંસાધનો પર કોનો અધિકાર સવિશેષ હોવો જોઈએ તે માટેનું પણ હતું. સ્વંત્રતતાની પહેલી પચીસી પછી ગાંધી – સર્વોદય અને સામ્યવાદી કાર્યકરો દ્વારા ગાંધી ચિંધ્યા અહિંસા અને સત્યાગ્રહના માર્ગે થયેલું એક એવું આંદોલન હતું જે પ્રાદેશિક ના રહેતાં દેશ-વિદેશમાં પ્રસર્યું હતું. તેણે પર્યાવરણને રાષ્ટ્રીય મહત્ત્વનો વિષય બનાવ્યો હતો અને પર્યાવરણ રક્ષામાં મહિલાઓની ભૂમિકા સંદર્ભે ઈકો-ફેમિનિઝમનો નવો સિદ્ધાંત પણ સ્થાપિત કર્યો હતો.
અડધી સદી પહેલાં ૨૭મી માર્ચ ૧૯૭૪ના રોજ ચિપકો આંદોલનનો આરંભ થયો હતો. તત્કાલીન ઉત્તર પ્રદેશ અને હાલના ઉત્તરાખંડના, ભારત તિબેટ સરહદ પરના, તાલુકા મથક જોશીમઠથી અગિયાર કિલોમીટર દૂરનું રૈણી ગામ (જિલ્લા ચમોલી) તેનું આરંભબિંદુ હતું અને ગૌરાદેવી તેના જનની હતાં. હિમાલયના વનવિસ્તારના આ ગામમાં સરકારની મંજૂરીથી ઘણાં વૃક્ષો કપાવાનાં છે તેની ચર્ચા અને વિરોધ ચાલુ હતા. એ દરમિયાન જ્યારે ગામમાં કોઈ પુરુષ હાજર ન હોય તેવું ગોઠવીને ઠેકેદારના માણસો ઝાડ કાપવા આવ્યા. આ વાતની જાણ ગામની મહિલાઓને થતાં ગૌરાદેવીના નેતૃત્વમાં ગામની ૨૭ મહિલાઓ વિરોધ કરવા દોડી ગઈ. તેમને બીજું કંઈ ના સૂઝતાં તેમણે વૃક્ષોને બાથ ભરી લીધી અને પડકાર કર્યો કે તેને કાપતાં પહેલાં કુહાડી અમારા પર ચલાવો. શાંત અને અહિંસક સત્યાગ્રહથી કોન્ટ્રાકટરના માણસો પાછા પડ્યા અને તેઓને ચાલ્યા જવાની ફરજ પડી.
રૈણી ગામનાં મહિલાઓનો વિરોધ સ્વયંભૂ હતો એ ખરું પણ તેની પાછળ આર્થિક અને પર્યાવરણીય એવી પૃષ્ઠભૂમિ અને સંઘર્ષ પણ હતો. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી ઉત્તરાખંડના આ હિમાલયી ક્ષેત્રમાં વિકાસ કાર્યોની શરૂઆત થઈ. સડકો અને સુરંગોનું નિર્માણ અને તે માટે વૃક્ષોનું છેદન તેમાં મુખ્ય હતા. તેને કારણે ભૂસ્ખલન, માટીનું ધોવાણ અને પૂરની ઘટનાઓ બની હતી. ૧૯૭૦નું અલકનંદા નદીનું વિનાશક પૂર લોકોની આંખ ઉઘાડનારું બન્યું. આ પૂરથી લોકોની જમીન અને જીવન નષ્ટ થતાં તેઓ સંગઠિત થયા અને સરકારની વિકાસ નીતિ સામે સવાલો ઊભા કર્યા. સરકાર અને કોન્ટ્રાકટરના વિરોધમાં ઠેરઠેર વિરોધ કાર્યક્રમો થયા. ગાંધીવાદી સામાજિક આગેવાનો સુંદરલાલ બહુગુણા અને ચંડીપ્રસાદ ભટ્ટ, સામ્યવાદી આગેવાન ગોવિંદસિંહ રાવત અને સ્થાનિક મહિલા આગેવાનો તેમાં મોખરે હતાં.
વનોનો વિનાશ કરી સરકાર વૃક્ષોને ઔદ્યોગિક હેતુ માટે બહારના ખાનગી હાથોને આપી રહી હતી. મહિલાઓ માટે જંગલ એટલે પિયર. સંકટ સમયનો આશરો. બળતણ માટેનું લાકડું, ઢોર-ઢાંખરા માટે ઘાસચારો અને રોજગારી જંગલોને કારણે મળતી હતી. પહાડી પ્રજાનું સમગ્ર જીવન તેના પર આધારિત હતું. જો એ ના રહે તો તેમનું જીવન દોહ્યલું બની જાય. વૃક્ષોને કારણે જ વરસાદ અને પાણી મળે છે. માનવ અસ્તિત્વના આધારરૂપ જમીન, વાયુ અને પાણી તેને કારણે છે. એટલે આંદોલનની મુખ્ય માંગણી પહાડી વિસ્તારોમાં લીલાં વૃક્ષોના છેદન પર પ્રતિબંધની હતી. જંગલોનો વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ રોકવાની હતી. રોજગારીના અભાવે જ્યારે પુરુષોને અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડે ત્યારે કુંટુંબનું જીવન ટકાવવાનો મહિલાઓનો આધારા જંગલો હતાં. સ્થાનિક લોકો જ જંગલોને બચાવે છે તે બાબત પણ નીતિ નિર્માતોના ભેજામાં ઉતારવાની હતી.

સુંદરલાલ બહુગુણા
લગભગ દોઢસો કરતાં વધુ ગામોમાં ચિપકો આંદોલના ફેલાયું હતું. સુંદરલાલ બહુગુણાના આમરણ ઉપવાસ, પદયાત્રા, મોટા વિરોધ પ્રદર્શનો, સત્યાગ્રહો, ધરણા અને સભાઓને કારણે સરકારને ચિપકો આંદોલનકારીઓની વાત સાંભળવી પડી. હિમાલયી વનો દેશ માટે પાણી પેદા કરે છે, માટી બનાવે છે, સુધારે છે અને ટકાવે છે. એટલે લીલાં વૃક્ષોનું છેદન ૧૦થી ૨૫ વરસ સ્થગિત રાખવા અને હિમાલયી ક્ષેત્ર ઓછામાં ઓછા ૬૦ ટકા વૃક્ષાચ્છાદિત ના બને ત્યાં સુધી વ્રુક્ષોની કાપણી ના કરવી, યુદ્ધ સ્તરે મોટા પાયે વૃક્ષારોપણ કરવું જેવી માંગણીઓ માટે ૧૯૭૪માં યુ.પી. સરકારે આંદોલનકારી નેતાઓ સહિત નિષ્ણાતોની સમિતિ બનાવી હતી. બે વરસ પછી ૧૯૭૬માં સમિતિએ તેનો અહેવાલ આપ્યો. જેમાં માંગણીઓ વાજબી અને સાચી લાગતાં તેણે ૧,૨૦૦ વર્ગ કિ.મી.ના વિસ્તારમાં વ્યાવસાયિક વન છેદન પર ૧૦ વરસનો પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી. રાજ્ય સરકારે આ ભલામણ સ્વીકારતાં આંદોલનને મોટી સફળતા મળી. ૧૯૮૦માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ હિમાલય ક્ષેત્રમાં વ્યાવસાયિક વૃક્ષછેદન પર ૧૫ વરસનો પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો.
ચિપકો આંદોલને પર્યાવરણ જાગ્રતિ અને સ્થાનિક લોકોનો કુદરતી સંસાધનોના ઉપયોગ પર હક અને જાળવણીની ફરજ સ્થાપિત કરી. પ્રાદેશિક આંદોલને રાષ્ટ્રીય વનનીતિ ઘડવાની દિશામાં ચર્ચા જગવી. કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રાલયની રચના, ૧૯૮૦નો વન સંરક્ષન અધિનિયમ, ૧૯૮૮ની રાષ્ટ્રીય વન નીતિ ચિપકો આંદોલનને કારણે શક્ય બન્યાં હતાં. ચિપકો આંદોલન બીજ બચાવો આંદોલન, નદી બચાવો આંદોલન, વૃક્ષારોપણ અભિયાન, પર્યાવરણ ચેતના અને જાગ્રતિ અભિયાન, ખનન વિરોધી આંદોલન, વનપંચાયત સંઘર્ષ આંદોલન, ટિહરી બંધ પરિયોજના વિરોધી આંદોલન જેવા આંદોલનોમાંથી વિસ્તરીને અંતે સમગ્ર હિમાલય બચાવોમાં પરિવર્તિત થયું તે તેની મોટી સિદ્ધિ છે. પહાડી વિસ્તારની મહિલાઓ ઘરનો ઉંબરો છોડી આંદોલનમાં મોખરે રહી તે મહિલા જાગ્રતિકરણની દિશામાં મહત્ત્વની સફળતા છે.
અપ્પિકો આંદોલન એ ચિપકો આંદોલનની કર્ણાટક આવૃત્તિ છે. કર્ણાટક, કેરળ, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં આ આંદોલન પહોંચ્યું હતું. ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ, કેનેડા, મેક્સિકો, ડેન્માર્ક અને મલેશિયામાં પણ વૃક્ષ છેદનના વિરોધમાં વૃક્ષોને ગળે લગાડવાનું અને તે રીતે માનવી અને વૃક્ષ વચ્ચેનો પ્રેમ અને તેના પરનો આધાર વ્યક્ત કરવાની ચિપકો આંદોલનની રણનીતિ વૈશ્વિક બની હતી. અહિંસક સત્યાગ્રહનું આ ગાંધી મોડેલ આજે પણ પ્રસ્તુત છે તે તેણે દુનિયાને દેખાડ્યું હતું.
ચિપકો આંદોલનને તેની પચાસીએ મૂલવતાં કેટલીક વિફળતાઓ પણ જણાય છે. જે વિકાસના મોડેલનો તેણે વિરોધ કર્યૉ હતો તે આજે વધુ મજબૂત બન્યું છે. ચિપકો આંદોલને ઘણી રાજકીય સંભાવનાઓ જન્માવી હતી, પરંતુ તેનો ઉપયોગ થઈ શક્યો નહીં. વૃક્ષ્છેદન પરનો પ્રતિબંધ પૂર્ણ થયા પછી તેને લંબાવવા માટે આંદોલન કંઈ કરી શક્યું નહીં. સ્થાનિક પહાડી પ્રજાને ઘાસચારા માટે ઉપયોગી પહોળાં પાનનાં ઝાડને બદલે હવે વ્યાવસાયિક ઉપયોગ માટેના શંકુ આકારના ઝાડ વધ્યાં છે. ઉત્તરાખંડમાં આકાર લઈ રહેલી ચારધામ રાજમાર્ગ જેવી અવૈજ્ઞાનિક માર્ગ નિર્માણ નીતિનો વિરોધ કરવાનું ચિપકો આંદોલનની વારસદાર નવી પેઢી કે તે કાળના હયાત નેતાઓ માટે કેમ બન્યું નથી તે પણ સવાલ છે. હિમાલયને પર્યટનનું કેન્દ્ર બનાવવા એરપોર્ટ, રેલવે, હોટલોનું નિર્માણ થવા લાગ્યું છે. મોટા બંધો, ખનિજોનું ખોદકામ, રોપ-વે, જળવિધ્યુત યોજનાઓ જેવી બાબતોએ પણ ચિપકોની સફળતાને ધોઈ નાંખી છે.
ગાંધીના માર્ગે લોકશક્તિનો વિનિયોગ કરીને મહિલાઓ, આદિવાસીઓ અને ગરીબ ગ્રામીણોનું જન આંદોલન સરકારને નમાવી શકે છે તે ચિપકોની બેમિસાલ સિદ્ધિ છે. પર્યાવરણ કર્મશીલ વંદના શિવાના શબ્દોમાં ચિપકો આંદોલન ઐતિહાસિક, દાર્શનિક અને સંગઠનાત્મક રૂપે પારંપારિક ગાંધીવાદી સત્યાગ્રહોનું વિસ્તૃત સ્વરૂપ તો હતું જ માનવ અસ્તિત્વ સામેના ખતરાને રોકવાનો સભ્ય સમાજનો સભ્ય ઉત્તર હતો.
e.mail : maheriyachandu@gmail.com