આખો દેશ અખાડા અને દેખાડા પર ચાલે છે. ચારે તરફ ઘણું બધું થતું દેખાય, પણ ખાસ કૈં થતું ન હોય. વાતો મોટી હોય, પણ પરપોટા જેવી. હાથમાં કૈં આવતું ન હોય. યોજનાઓ બનતી રહે, પણ પરિણામ જણાય નહીં. પુલ બનતા પહેલાં તૂટતા દેખાય, મરનારના કુટુંબીજનો વળતર માટે જ જીવતાં હોય તેમ થોડાક લાખ ખટાવીને સરકાર પણ ફરજ બજાવી લેતી હોય, બુલેટ ટ્રેન જ દેશની જીવાદોરી હોય તેમ સરકાર પાટા વગર પણ દોડતી રહે, વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી ન બને તો દેશ રસાતાળ જવાનો હોય તેમ થોડે થોડે વખતે પ્રજા માનસનું ધોવાણ થતું રહે, મણિપુર, ‘મનીપુર’ ન હોય તેમ તેની ઉપેક્ષા થતી રહે ને ઇઝરાયલ ને પેલેસ્ટાઇન યુદ્ધ પર નજર વધુ ઠરતી હોય … આવી તો ઘણી બાબતો દેશ સક્રિય હોવાની ચાડી ખાય છે, પણ વાસ્તવિકતા જુદી જ છે. એ ઉપરાંત ધાર્મિક આસ્થા તીવ્ર થતી આવે ત્યારે રામ ભરોસે ચાલતા દેશને રામ જ ચલાવશે એમ માનીને આશ્વસ્ત થવાનું રહે.
હમણાં એક નવો પવન ફૂંકાયો છે, ઇન્ડિયાને ભારતમાં કન્વર્ટ કરવાનો. ભરતખંડ તરીકેની મૂળ ઓળખ પાછી મળતી હોય તો એથી વધુ રૂડું શું? દેશ હજારેક વર્ષ ગુલામ રહ્યો. એ વખતે કાઁગ્રેસ ન હતી, તો ય આ બન્યું. એ પણ ખરું કે મોગલો અને અંગ્રેજોએ પોતાની ફેવરનો ઇતિહાસ લખાવ્યો. એ રીતે હવેની સરકાર પણ પોતાનો ઇતિહાસ લખાવવા તૈયાર થઈ છે. એવી હવા ફેલાવાય છે કે આપણા રાજાઓએ ભારે પરાક્રમ દાખવ્યું હતું, પણ એ વાત ઇતિહાસમાં નથી આવતી ને સતત મોગલો અને અંગ્રેજોની પ્રશસ્તિ જ ચાલી છે. એમાં તથ્ય છે જ, પણ પ્રશ્ન તો એ પણ થવો જોઈએ કે રાજાઓ બધું શૂરાતન અંદરોઅંદર લડવામાં જ દાખવતા હતા કે એ વિદેશી આક્રમણો સામે પણ થયા હતા? વિદેશીઓએ આક્રમણ કર્યું ત્યારે એમની સેના કરતાં આપણું સૈન્ય ઓછું હતું કે સંપ ઓછો હતો એ પણ જોવા-તપાસવાનું રહે. મીરઝાફર અને અમીચંદ રોબર્ટ ક્લાઇવને રાજ કરવાનું આમંત્રણ આપવા ગયા હતા એ સાચું હતું કે ત્યારથી જ અંગ્રેજોએ તેમની ફેવરનો ઇતિહાસ લખાવવાનું શરૂ કરી દીધું હતું? સવાલ તો એ પણ છે કે આપણા રાજાઓ શૂરવીર ને સંપીલા જ હતા તો દેશ હજાર વર્ષની ગુલામીમાં સપડાયો કેમ?
જો કે, અત્યારની તાતી જરૂર ઇન્ડિયાને ભારતમાં કન્વર્ટ કરવાની સરકારને લાગે છે. એમાં ઇતિહાસની જરૂર છે કે રાજકારણની એ પણ નવો ઇતિહાસ લખાશે ત્યારે પાકું થશે. ‘ઈન્ડિયા’ જો ‘ભારત’ થતું હોય તો તેનો રજમાત્ર વાંધો નથી. અંગ્રેજોએ પાડેલાં નામ અગાઉની સરકારોએ ચલાવ્યે રાખ્યાં જે હાલની સરકારને બદલવા જેવાં લાગે છે, તો ભલે બદલે, પણ આપણે અંગ્રેજોનું અંગ્રેજી છોડવા તૈયાર નથી તેનું શું? ગુજરાતનો સર્વે ન કરીએ તો પણ ખબર પડે એમ છે કે અંગ્રેજી માધ્યમની નવી સ્કૂલો વધુ ખૂલી છે ને ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થતી રહી છે. ટૂંકમાં, લાગે છે તો એવું કે ગુજરાતની માતૃભાષા અંગ્રેજી થવા પર છે.
કેન્દ્ર સરકાર સાચો ઇતિહાસ ભણાવવા તત્પર છે એનો આનંદ છે ને એના પ્રભાવમાં કામ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ – NCERT-ની ઉચ્ચ કક્ષાની સમિતિ, પાઠ્યપુસ્તકોમાં ‘ઇન્ડિયા’ છે, ત્યાં ‘ભારત’ કરવાની ભલામણ કરે છે. દેખીતું છે કે સરકાર ‘ઇન્ડિયા’નું ‘ભારત’ કરવાની ઝુંબેશ ચલાવતી હોય તો NCERT પણ પાછળ ન રહે ને GCERT-ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ તો NCERTની નકલ કરવામાં જ ધન્યતા અનુભવતી હોય તો એ સમર્થન આપે જ એમાં શંકા નથી. NCERT સરકારને પગલે ચાલે ને GCERT, NCERTને પગલે ચાલે એટલે મોડું વહેલું ‘ઇન્ડિયા’નું ‘ભારત’ થશે તો ખરું, પણ બંનેના હેતુ જુદા છે. NCERTનો હેતુ શિક્ષાત્મક છે, જ્યારે સરકારનો હેતુ રાજકીય છે, એટલે, જો રાજકીય ગણતરી ન હોય તો NCERTએ સરકારને પગલે ચાલવાની જરૂર નથી. એક તબક્કે NCERTએ આ મુદ્દો પડતો મૂકેલો, પણ વળી કોઈ દબાણ વધતાં NCERTમાં જીવ આવ્યો હોય એમ બને. સરકાર પણ INDIAનું BHARAT કરવા શુદ્ધ બુદ્ધિથી તૈયાર થઈ હોય તો એનો આનંદ જ હોય, પણ એવું નથી.
26 વિપક્ષો 2024ની ચૂંટણીને અનુલક્ષીને એક થયા ને એ સંગઠનને કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીએ I.N.D.I.A નામ આપ્યું. હવે વિપક્ષ જો INDIAનો ઉપયોગ કરે તો દેખીતું છે કે શાસકપક્ષ એનો ઉપયોગ ન કરી શકે. કરે તો એ વિપક્ષનો પ્રચાર કરવા જેવું જ થાય, એટલે દેશનું નામ ‘ભારત’ હોય તો જ માર્ગ મોકળો થાય. હવે એ જાણીને કે જાણ્યા વગર ઇતિહાસ સુધારવા NCERT બેસે તો એ શિક્ષણને બદલે સરકારને મદદ કરવા જેવું તો નથી કરતીને એ વિચારવાનું રહે. સરકારનો હેતુ તો સ્પષ્ટ જ છે, પણ NCERTનો ઇરાદો શુદ્ધ, પૂર્વગ્રહ મુક્ત અને તર્કસંગત હોય એ અનિવાર્ય છે. રાજકીય હેતુનું દાસત્વ શિક્ષણ ન કરે એ NCERTએ જોવાનું રહે. રહી વાત GCERTની તો એણે તો ચાકરી જ કરવાની છે, તો કરશે ને ધન્ય થશે.
બીજી તરફ ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાની ફીમાં સીધો દસ ટકાનો વધારો ઝીંકી દીધો છે, પરિણામે દસમાં ધોરણનાં નિયમિત વિદ્યાર્થીએ હવે 390 રૂપિયા પરીક્ષા ફી ભરવાની થશે. લાખો વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા ઉસેટવાની આ ધંધાકીય પ્રયુક્તિ સિવાય બીજું કૈં નથી. અસહ્ય મોંઘવારીથી પીડાતી પ્રજાને શિક્ષણ જગતથી કોઈ રાહત મળતી નથી એ દુ:ખદ છે. બીજી તરફ સરકારે પણ શિક્ષણ ખાતું ચલાવવાનું છે, એટલે એ પણ જીવવા માટે જે કરવું પડે એ કરે તેમાં નવાઈ નથી ને એ વાલીઓના જીવ પર ન કૂદે તો બીજું કરે પણ શું? કાયમી ગરીબીમાં જીવતી સરકાર એટલે તો કાયમી જગ્યાઓ ભરી શકતી નથી.
જો કે, એક જાહેરાત શિક્ષણ વિભાગે સારી એ કરી છે કે દિવાળી પછી તમામ જિલ્લાઓમાં DEO અને DPEOની ખાલી જગ્યાઓ ભરાશે. રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી-DEO અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી-DPEOની 60 ટકાથી વધારે જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જગ્યા ન ભરવાનાં કારણો હતાં, પણ શિક્ષણ મંત્રી ડિંડોરે દિવાળી પછી જગ્યાઓ ભરવાનો વાયદો કર્યો છે, તો ભરાશે એવો ભરોસો રાખી શકાય. ભરાશે એવું એટલે પણ લાગે, કારણ ઓફિસો તો ચલાવવાનીને ! શિક્ષણ ખાતું ફતવો બહાર પાડે તો તે નીચે સુધી મોકલવા કે તેનો જવાબ મેળવવા DEO ને DPEO તો જોઇએને ! એટલે એ જગ્યાઓ ભરાશે એવું લાગે તો છે.
એ સારું જ છે કે ઓફિસો ચલાવવા સરકારને ઘટતો અધિકારી સ્ટાફ, ઓફિસોમાં નીમવાનું મોડું મોડું પણ સૂઝે છે, પણ 2017થી ખાલી પડેલી 32,000 કાયમી શિક્ષકોની ઘટ પૂરવાનું શિક્ષણ મંત્રીને સૂઝતું નથી. તેને બદલે બધી રીતે લાયક ઉમેદવારોને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામચલાઉ નોકરી આપવાનું નાટક, જરા પણ સંકોચ વગર સરકાર કરી શકે છે. આવું સરકાર એટલે કરે છે કે કામચલાઉ શિક્ષકોને નિવૃત્તિ પછીના પેન્શન વગેરે લાભો આપવા ન પડે, તો સરકારને સીધું એ પૂછવાનું થાય કે જે તે મંત્રીઓ, અધિકારીઓ, પેન્શન મળવાની ગણતરી વગર જ સક્રિય છે? એમની ઓફિસોમાં પી.એ. અને અન્ય અધિકારીઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવાયા છે? એ બધા પેન્શન અને નિવૃત્તિનાં લાભો નથી લેવાના? અરે, જે DEO અને DPEOની દિવાળી પછી ભરતીની વાત ડિંડોર સાહેબે કરી છે, એ સાહેબો 11 મહિના પછી એ જ જગ્યા માટે ફરી એપ્લાય કરવાના છે? ના, એવું નથી. એ સાહેબો તો કાયમી ભરતી મેળવવાના છે, તો સવાલ એ થાય કે એમને ફિક્સ પગારે રાખવાના છે? એવું પણ નથી, કારણ નોકરી કાયમી છે. દેખીતું છે કે એમને પેન્શન અને અન્ય લાભો પણ નિવૃત્તિ પછી મળશે જ, તો બધી કસર માસ્તરોમાં જ કેમ? કાયમી ભરતી વગર શિક્ષણનો દાટ વળી રહ્યો છે એ સરકારને દેખાતું જ નહીં હોય !? ઓફિસો ખાલી ન રહે એટલે કાયમી અધિકારીઓની સરકાર ભરતી કરે છે, પણ વર્ગખંડો શિક્ષકો વગર ખાલી રહે છે, તો સરકારનું રૂંવાડું ય ફરકતું નથી. ન જ ફરકે, કારણ રૂંવાડું ફરકવાય ચામડી તો જોઇશે ને ! વર્ગખંડોમાં શિક્ષક વગર શિક્ષણ મરવા પડે તેનો વાંધો નથી, પણ અધિકારીઓ વગર જીવાય એમ નથી, કારણ ખરો કે ખોટો શિક્ષણ વિભાગ જીવવો તો જોઈએ ને !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ઑક્ટોબર 2023