હા, ગુજરાત સરકાર શિક્ષણ ખાતું બંધ કરે તો શિક્ષણ ખાડે જતું અટકે, કારણ, શિક્ષણ વિભાગ અત્યારે જે રીતે વર્તી રહ્યો છે એમાં શિક્ષણની ગુણવત્તાનો તો દાટ જ વળી ગયો છે. શિક્ષણ વિભાગે પથારી ફેરવવી હતી તે બરાબરની ફેરવી છે, એટલે તેનો હેતુ તો બર આવ્યો જ છે ને આથી વધારે ધોરણ કથળે એમ નથી તો વિભાગે હવે બીજા કોઈ ક્ષેત્રની પથારી ફેરવવા કસરત કરવી જોઈએ. પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધીનું શિક્ષણ પૂરતું કથળી ચૂક્યું છે. શિક્ષણ, શિક્ષક વગર પણ આપી શકાય એ શોધ શિક્ષણ વિભાગની છે. તે કદાચ બધા જ વિદ્યાર્થીઓને એકલવ્ય માને છે, જેણે ગુરુ વગર શિક્ષા પ્રાપ્ત કરી હતી. જો એકલવ્યને ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો આજનો વિદ્યાર્થી તો વધુ એડવાન્સ્ડ છે, તે ગુરુની આશા રાખ્યા વગર પણ આગળ વધી શકે, એવું શિક્ષણ વિભાગને લાગતાં તેણે મજૂરો કરતાં પણ કિફાયતભાવે શિક્ષકો રાખવાનું શરૂ કર્યું. જિંદગી જ કાયમી નથી, તો શિક્ષકો કાયમી શું કામ હોય? કૌરવો તો મૂર્ખ હતા, તે છેવટ સુધી ગુરુ દ્રોણને કુરુક્ષેત્રમાં રાખ્યા અને ‘નરો વા, કુંજરો વા’ સ્ટાઇલે તેમનો નિકાલ કર્યો. પેલું કુરુક્ષેત્ર હતું, આ ‘બુરુક્ષેત્ર’ છે. શિક્ષણમાંથી શિક્ષકનો જ એકડો કાઢી નખાયો છે. સરકાર કાયમી હોઈ શકે, પણ શિક્ષક કાયમી ન હોવો જોઈએ, એ જ્ઞાન શિક્ષણ વિભાગને લાધ્યું ને તેણે પ્રવાસી શિક્ષક, વિદ્યા સહાયક, શિક્ષા સહાયક, જ્ઞાન સહાયક જેવી કેટેગરીનું અજ્ઞાન જાહેર કર્યું. માસ્તરોને તો જીવ જેવું ખાસ હતું નહીં, એટલે જીવ વગર જ તે પણ શિક્ષણમાં પડી રહ્યા.
સરકારે જોયું કે મજૂરો કરતાં માસ્તરો વધુ મફત પડે છે, તો તેણે ઘા ભેગા ઘસરકાની જેમ કારકૂની પણ કરાવી લીધી. ડેટા જોઈએ છે, માસ્તરો આપશે. પરિપત્રોના જવાબો મેળવવા છે, માસ્તરો આપશે. વસ્તી ગણતરી કરાવવી છે, માસ્તરો હાજર છે. રસીકરણ કરાવવું છે, માસ્તરો હાજર છે. ચૂંટણીની ધૂંસરી મૂકવી છે, તો માસ્તરોનાં ડોકાં હાજર છે. માસ્તરોને એનો વાંધો ન હતો. માસ્તરોને સ્વમાન અને સ્વાધ્યાય સિવાય બધું જ હતું. ખુશામત હતી, રાજકારણ હતું, ટ્યૂશન હતાં, ડમી સ્કૂલો હતી. ટૂંકમાં, માસ્તરો દાઢીની દાઢી ને સાવરણીની સાવરણીમાં ખૂબ કામ લાગ્યા. માસ્તરો પણ સમજી ગયા કે શિક્ષણને બદલે શિક્ષણેતર પ્રવૃત્તિ પણ કૈં બહુ ખોટી નથી, એટલે કેટલાક ગુરુના પગારમાં ગુરુ ઘંટાલની ભૂમિકામાં પણ રહ્યા. વર્ગ, સ્વર્ગે ગયા ને શિક્ષકો જ્યાં હોવા જોઈએ ત્યાં જ રહ્યા. એમનો કોઈ અવાજ ન રહ્યો. હમણાં હમણાં શૈક્ષિક યુનિયનોએ જૂની પેન્શન યોજના ને જ્ઞાન સહાયકોને મુદ્દે માથું ઊંચક્યું છે ને સરકાર લાઠીચાર્જ કે ગોળીબાર વગર કોઈ વાત કાને ધરતી નથી, એટલે જોઈએ, એના કાન ક્યારે ખૂલે છે ને શિક્ષકો પણ ક્યાં સુધી પોકાર પાડતા રહે છે !
સરકારે જોયું કે વર્ગ, શિક્ષક વગર પણ ચાલે છે, એટલે તેણે પાર્ટટાઈમ શિક્ષકોથી કામ લેવા માંડ્યું. હમણાં જ્ઞાન સહાયકોની ભરતીનો વાવર છે. શૈક્ષિક યુનિયનો, ભરતી થાય તો પણ જ્ઞાન સહાયકોને પ્રવેશવા દેવા ઉત્સુક નથી, તો ટેટ-ટાટ પાસ 40 હજારથી વધુ ઉમેદવારોને જ્ઞાન સહાયકોની ભરતી સામે જ વાંધો છે, તો ય કમાલ એ છે કે તેમણે હજારોની સંખ્યામાં ફોર્મ ભર્યાં છે. ખરેખર તો એક પણ ઉમેદવારે ફોર્મ ભરવાની જરૂર ન હતી. કોઈ ઉમેદવારી જ ન નોંધાવે તો સરકાર નીમવાની કોને હતી? જ્ઞાન સહાયકની ભરતીનો સામૂહિક બહિષ્કાર થાય તો સરકારને વિચારવાની ફરજ પડે. આ મામલે યુનિયનો અને શૈક્ષિક મંડળોએ ટેટ-ટાટ ઉમેદવારોની પડખે રહેવું જોઈએ ને કાયમી નિમણૂકનો જ આગ્રહ રાખવો જોઈએ. સરકાર વર્ષોથી શિક્ષકોને કાયમી નિમણૂક બાબતે છેતરતી આવી છે. તે હજારો જ્ઞાન સહાયકોને નીમવા તૈયાર છે, તો કાયમી નિમણૂકમાં ચૂક કેમ થાય છે? ચૂક થાય છે કે ચૂંક ઊપડે છે તે સમજાતું નથી. 2017થી ત્રીસેક હજાર કાયમી શિક્ષકોની નિમણૂક થઈ નથી. જો કામચલાઉ નિમણૂકો હજારોની સંખ્યામાં 2017 પછી થઈ શકતી હોય તો કાયમી નિમણૂક કરવામાં શું નડે છે? એ નિમણૂક ન થઈ શકે એવું નથી, પણ સરકારની નિમણૂક કરવાની દાનત જ નથી. જ્ઞાન સહાયકો નીમવામાં સરકારને લાભ એ છે કે કોઈને પણ વર્ષનો પગાર આપવો ન પડે, કારણ, આ નિમણૂક 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આપવાની છે. 11 મહિને ફરી નિમણૂક થાય ને એમ જ પછી ચાલ્યા કરે. એમ થાય તો કોઈને કાયમી કરવા ન પડે ને કાયમી નોકરીના ઇન્ક્રિમેન્ટ, પેન્શન જેવા લાભો આપવા ન પડે.
કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદો ત્રણ ત્રણ કરમુક્ત પેન્શન લઈ શકે ને તે ય પાંચ પાંચ વર્ષની ટર્મને આધારે, જ્યારે શિક્ષક 30 વર્ષથી વધુ નોકરી કરે, તો ય તેને પેન્શન નહીં, એ કેવું? પેન્શનનો પ્રશ્ન જ ન રહે એટલે શિક્ષકોને કોન્ટ્રાક્ટ પર રાખવાનાં સરકારે કાવતરાં કર્યાં છે, જે કેવળ ને કેવળ શરમજનક છે. જો કે, શિક્ષણ વિભાગ એટલો ખંધો થઈ ચૂક્યો છે કે તે બધી શરમને ઘોળીને પી ગયો છે. ગમ્મત એ છે કે અભણ મંત્રી હોઈ શકે, પણ અભણ શિક્ષક ન હોય. શિક્ષક ગ્રેજ્યુએટ હોય, બી.એડ્., એમ.એડ્. કે પીએચ.ડી.પણ હોય. આટલું શિક્ષણ તે હજારો રૂપિયા ખર્ચીને મેળવે છે. એને માટે તેણે જિંદગીનાં કીમતી વર્ષો ખર્ચવા પડે છે. એ પછી ટેટ-ટાટની તૈયારીઓ કરીને એકથી વધુ વખત પરીક્ષાઓ આપવી પડે છે. આ પરીક્ષાઓનું પણ તૂત ચાલે છે. શિક્ષકની નોકરી માટે ઉમેદવાર બી.એડ્ હોય એટલું પૂરતું ગણાવું જોઈએ. તેને બદલે ટેટ-ટાટનાં નાટકો ચાલે છે. એમાં હેતુ તો પરીક્ષાઓની ફી ઉઘરાવીને કમાણી કરવાનો જ છે. પરીક્ષામાં સમય ને પૈસાથી ખર્ચાયા પછી શિક્ષકોએ એકથી વધુ વખત ઇન્ટરવ્યૂ ફેસ કરવા પડે છે. એ પછી નિમણૂક મળે કે ન પણ મળે. આટલી મહેનત પછી નોકરી 11 મહિનાના કોન્ટ્રાક્ટવાળી લેવાની? આટલો ખર્ચ, સમય ફાળવ્યા પછી પ્રાથમિકમાં 21,000ની કે માધ્યમિકમાં 24,000ની બાંધેલા પગારની નોકરી કરવાની? કાયમી નોકરીનું કોઈ આશ્વાસન જ નહીં? વિદ્યાર્થીઓનાં ભાવિ ઘડનારનું કોઈ ભાવિ જ નહીં? આ યોગ્ય છે?
આ જો આટલું જ યોગ્ય હોય તો 11 મહિના માટે મંત્રીઓ, કુલપતિઓ કેમ નથી રખાતા? ત્યાં કેમ કાયમી ધોરણે પેન્શન નક્કી થાય છે ને માસ્તરને જ કેમ એનાથી વંચિત રખાય છે? અન્ય ક્ષેત્રોમાં પણ કાયમી નોકરી છે, તો શિક્ષકને જ નોકરી કામચલાઉ કેમ? કોઈ કામચલાઉ ધોરણે ખાલી પડેલી જગ્યા ભરાય તે સમજી શકાય, પણ બધી જ જગ્યાઓ તો કામચલાઉ ન હોયને ! શિક્ષકોમાં ને ઉમેદવારોમાં થોડો પણ જીવ હોય તો તેમણે ને તેમનાં યુનિયનોએ સરકારને એ ફરજ પાડવી જોઈએ કે કોઈ પણ ભોગે ત્રીસેક હજાર કાયમી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો મળી રહે.
આજે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ લેવા ઘણા વિદ્યાર્થીઓ તૈયાર નથી. જે સ્થિતિ સંપન્ન છે એ બધા વિદેશ ભાગી રહ્યા છે. એવી સ્થિતિ દૂર નથી કે કાયમી શિક્ષકોની જગ્યા ભરાતી નથી, એમ જ ઉચ્ચ શિક્ષણની પણ ઘણી જગ્યાઓ ખાલી રહે. નવી શિક્ષણ નીતિ જો કામચલાઉ શિક્ષકોથી જ લાગુ થવાની હોય તો સરકારે નોંધી લેવાનું રહે કે તે ગમે એટલી ઉત્તમ હોય તો પણ તેની કોઈ હકારાત્મક અસરો નહીં વર્તાય. શિક્ષક વગરની શિક્ષણનીતિ અનીતિનું જ પરિણામ હશે. કેટલીય શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષકો વગર નભે છે. એ થોડો સમય માટે તો ચાલી જાય, પણ 6-6 વર્ષથી ત્રીસેક હજાર શિક્ષકોની ઘટ પૂરવાનું સરકારને સૂઝે જ નહીં ને કામચલાઉ શિક્ષકોથી જ કામ લેવાના પેંતરા કરે એ કોઈ રીતે ક્ષમ્ય નથી. એવું નથી કે સરકારને આની ખબર નથી, સરકારે જ શિક્ષકોની ઘટની વાત વિધાનસભામાં જાહેરમાં કબૂલી છે. એ સાથે જ એવું પણ જાહેર થયું છે કે કેન્દ્રીય શિક્ષણ વિભાગના નેજા હેઠળ થયેલા પરફોર્મિંગ ગ્રેડિંગ ઇન્ડેક્સના રિપોર્ટમાં દક્ષિણ ગુજરાતનો દેખાવ નબળો છે ને તેમાં સુરતનો સૌથી નબળો છે. ધોરણ 10-12માં બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ સાથે મોખરે રહેલું સુરત શાળાકીય સ્તર બાબતે (600 માંથી) 444 પરથી 382 પર ઊતરી આવ્યું છે. વર્ષ 2021-’22 માટે દેશના વિવિધ રાજ્યોનાં 748 જિલ્લાઓનું મૂલ્યાંકન કરીને સ્કોર અપાયો તેમાં ગુજરાતના 32 જિલ્લાઓનું મૂલ્યાંકન કરાયું, જેમાં જૂનાગઢનો સ્કોર 425, વડોદરાનો 418 અને અમદાવાદનો 388 હતો. સુરત માટે એમ કહેવાય છે કે તેને કોરોના નડી ગયો. આ દલીલ ગળે ઊતરે એમ નથી, તે એટલે કે કોરોના ગુજરાત આખામાં હતો, તે માત્ર સુરતમાં જ ન હતો. કોરોનામાં પણ જૂનાગઢનો સ્કોર 425 થઈ શકતો હોય તો સુરત 444 પર તો રહી જ શકતું હતું, પણ તેવું થયું નથી. આખા ગુજરાતની આ સ્થિતિ છે ને તેને માટે સરકાર જવાબદાર છે.
સાચું તો એ છે કે વિદ્યાર્થીઓનું ભણતર કોઈને માટે મુદ્દો જ નથી. ભણવું-ભણાવવું એ જાણે કોઇની ફરજ રહી જ નથી. એક બાજુ શિક્ષણનું સૌથી વધુ બજેટ ફાળવાય છે ને બીજી બાજુ કામચલાઉ શિક્ષકો રાખીને સરકાર પૈસા બચાવે છે. બચત ભલે કરે સરકાર, પણ ખર્ચવા જરૂરી છે, ત્યાં તો ખર્ચેને ! સરકાર શિક્ષણ જ ન આપે તો આખું બજેટ જ બચી જાય. પછી તો શિક્ષણ વિભાગની કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ જરૂર ન રહે. ચોતરફ બચત જ બચત ! એવું થવા દેવાનું છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ઑક્ટોબર 2023