
ચંદુ મહેરિયા
૨૦૧૮માં જી – ૨૦ ના સભ્ય દેશોના શહેરી મુદ્દાઓની ચર્ચા માટે યુ- ૨૦(અર્બન-૨૦)ની રચના કરવામાં આવી હતી. તેની છઠ્ઠી મેયરલ સમિટ આ વરસના જુલાઈમાં અમદાવાદ– ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ સંમેલનની છ સૂત્રીય ભલામણોમાં જળ સુરક્ષા, જળવાયુ પરિવર્તન, પર્યાવરણ, શહેરી વહીવટ, સ્થાનિક સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થા તથા ડિજિટલ શહેરી ભવિષ્ય જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. સમિટે સ્થાયી અને ટકાઉ શહેરી વિકાસ માટે તેમાં સમાનતા, ન્યાય અને સમાવેશનની અનિવાર્યતા દર્શાવી હતી. જો આ ભલામણો ભારત સહિતના સદસ્ય દેશો અપનાવે તો શહેરી વિકાસ તેના તમામ નાગરિકોની ભાગીદારીથી સમાનતા આણનારો બની શકે તેમ છે.
શહેરો અને કસ્બાઓમાં રહેતા લોકોની સંખ્યામાં વૃદ્ધિ એટલે શહેરીકરણ. શહેરીકરણ એ આજકાલની ઘટના નથી. વિશ્વમાં બે સદીથી શહેરીકરણ થઈ રહ્યું છે. મુખ્યત્વે ગામડાઓના બનેલા આપણા દેશમાં શહેરીકરણ મોડું શરૂ થયું. પણ હવે તેની ગતિ તેજ છે. અંદાજ તો એવો છે કે સ્વતંત્રતાની શતાબ્દીએ દેશની અડધી વસ્તી શહેરોમાં વસતી હશે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે શહેરીકરણનો દર ૩૧.૧ ટકા હતો.. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને કેરળની શહેરીકરણની ટકાવારી રાષ્ટ્રીય સરેરાશથી વધારે હતી. જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને અસમમાં ઓછી હતી. દિલ્હી, ચંદીગઢ, દમણ અને દીવ તથા લક્ષદીપમાં ૭૫ ટકા વસ્તી શહેરી હતી. આજે વિશ્વની કુલ શહેરી વસ્તીના ૧૧ ટકા વસ્તી ભારતમાં છે. ગુજરાતના અલગ રાજ્યની રચના વખતે, ૧૯૬૧માં, રાજ્યમાં શહેરી વસ્તી ૨૫.૮ ટકા હતી જે ૨૦૨૨માં ૪૮.૪ ટકા છે. સાઠ વરસોમાં ૨૨.૬ ટકાની શહેરી વસ્તી વૃદ્ધિ દર્શાવે છે કે ગુજરાતમાં શહેરીકરણની ગતિ ઘણી તેજ છે. ૨૦૧૧માં રાજ્યમાં ૨.૫૭ કરોડ લોકો શહેરોમાં વસતા હતા. દશ વરસ પછી ૨૦૨૨માં શહેરોમાં વસનારા લોકો ૩.૪૩ કરોડ છે.
શહેરો પાઘડીપને વિસ્તરે છે તેના મૂળમાં ગામડાંઓમાં રોજગારીનો અભાવ, ટૂંકી જમીન, વરસાદી ખેતી, ગરીબી, પૂર અને દુષ્કાળ છે. વખાના માર્યા શહેરોમાં આવી ગયેલા લોકોને શહેર સંઘરે તો છે પણ તેમનું જીવન ઘણું મુશ્કેલ હોય છે. ભારતના મોટા ભાગના શહેરોમાં દરેકને માટે યોગ્ય રહેઠાણ, પાણી, વીજળી, સ્વચ્છતા, શિક્ષણ, જાહેર પરિવહન, આરોગ્ય વગેરેની સગવડોનો અભાવ હોય છે કે અપર્યાપ્ત હોય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં ભારતની પચાસ ટકા શહેરી વસ્તી ઝૂંપડપટ્ટી કે કાચા અને ગંદા મકાનોમાં રહેતી હતી.
શહેરીકરણ અને શહેરી વિકાસ પરસ્પર સંકળાયેલી બાબત છે. શહેરી વિકાસ માટે નગર નિયોજન જરૂરી છે. અર્બન પ્લાનિંગ રાજકીય અને તકનિકી પ્રક્રિયા છે. નગર નિયોજન સમતોલ, રહિતો અને સહિતો એમ સર્વ માટે સમાવેશી અને ન્યાયી હોવું જોઈએ. પરંતુ આદર્શ અને વાસ્તવ વચ્ચે જોજનોનું અંતર છે. આજનું અર્બન પ્લાનિંગ મોલ, મલ્ટિપ્લેક્સ, એપાર્ટમેન્ટ, બહુમાળી મકાનો, જિમ, ફ્લાયઓવર, રિવરફ્રન્ટ, કો’ક હીરોઈનના ગાલ જેવા પોશ વિસ્તારોના રસ્તા, લિમિટેડ ગ્રીનરી, નેશનલ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, ફુવારા સાથેના મોટા મોટા સર્કલ અને સી પ્લેન બની ગયું છે. પરંતુ શહેર કઈ રીતે વધુ રહેવા યોગ્ય બને તેનું આયોજન નથી હોતું. ધનવાનો અને મોટા બંગલાવાળાઓ માટે પાણીની રેલમછેલ હોય અને ગરીબોને ચોખ્ખું પીવાનું પાણી ના મળે, કેટલાક વિસ્તારો આખી રાત રોશનીથી ઝગમગે અને છેવાડાના લોકોની વસ્તીમાં કાળું ધબ્બ હોય તે સમતોલ વિકાસ નથી. એ જ પ્રમાણે તમામને ઘર, પાણી, ગટર, દવાખાનું, નિશાળ, રમતનું મેદાન અને બગીચા મળી રહે તે જ નગરનિયોજન સર્વસમાવેશી ગણાય.
સ્થિરતા, આરોગ્ય દેખભાળ, સંસ્કૃતિ અને પર્યાવરણ તથા શિક્ષણ અને મૂળભૂત માળખુ એ પાંચ માપદંડો પરથી વિશ્વના ૧૭૩ શહેરોના જીવનની ગુણવતાનું આકલન કરવામાં આવ્યું હતું. તેના આધારે તૈયાર થયેલા ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ ૨૦૨૨માં ભારતના મહાનગરોનું રેન્કિંગ અત્યંત શરમજનક હતું.૧ ૭૩ દેશોમાં અમદાવાદ ૧૪૬, ચેન્નઈ ૧૪૨, મુંબઈ ૧૧૭ અને દિલ્હી ૧૧૨મા ક્રમે હતા. ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજેસ યુનિટના ડિસેમ્બર ૨૦૨૧ના રેન્કિગમાં દુનિયાના સૌથી સસ્તા દશ શહેરો પૈકીનું એક વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ હતું. મધ્ય પ્રદેશનું ઈન્દોર વધુ એક વખત સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. રહેવા માટે સુગમ શહેરોમાં બેંગલૂરુ અને પૂણે હતા તો રહેવા માટે સૌથી ખરાબ શહેરો ધનબાદ અને શ્રીનગર હતા. ઘડીભર આવા સર્વે અને રેન્કિંગને બિઝનેસ ગણી તડકે મૂકીએ તો પણ આપણા નગરો-મહાનગરોની નરી આંખે જોવા મળતી સચ્ચાઈ અને તેના માટે કોણ પારકા છે અને કોણ પોતાના છે તે ઢાંકી શકાશે નહીં.
સાર્વજનિક પરિવહનની કફોડી હાલત અને ખાનગી વાહનો માટે પાર્કિંગનો અભાવ એ નગરો-મહાનગરોના અમીરો અને ગરીબો બેઉને સતાવતી સમસ્યા છે. તેમાં પણ બિસ્મારા રસ્તા અને ટ્રાફિક્ના કારણે સમયસર પહોંચવું મુશ્કેલ છે. એક દાયકા પૂર્વેના અને આજે પણ પ્રસ્તુત એવા રાજધાની દિલ્હીના એક સર્વેનું તારણ હતું કે દિલ્હીના ૬૦ ટકા લોકો બસોમાં આવજા કરતા હતા. (હવે આજે કદાચ મેટ્રોમાં કરતા હશે.) સાર્વજનિક બસો દિલ્હીના કુલ માર્ગોની ૭ ટકા જગ્યા રોકતી હતી તેની સામે ૨૦ ટકા ખાનગી કાર વાપરતા લોકો કુલ રસ્તાનો ૭૫ ટકા હિસ્સો વાપરતા હતા. શહેરોની ૨૦થી ૩૦ ટકા વસ્તી મહેનત – મજૂરીએ જવાઆવવા સાઈકલ વાપરે છે કાં પગપાળા જાય આવે છે. એટલે કારો કે બસોથી થતા પરિવહને સાઈકલોનું સ્થાન લીધું નથી ઊલટાનું તેણે વધુ રસ્તા રોકીને તેને પાછળ ધકેલી છે. આ બાબતોનો નગરનિયોજનમાં સમાવેશ થાય તે આવશ્યક છે.
શહેરોનો વિકાસ અને તે માટેનું આયોજન જેમ ધનવાનો કેન્દ્રી છે તેમ પુરુષકેન્દ્રી પણ છે. શહેરોની જાહેર જગ્યાઓના વપરાશની બાબતમાં મહિલાઓની ધરમૂળથી બાદબાકી કરતાં આયોજનો લગભગ દુનિયા આખીમાં છે. કિશોરીઓ, યુવતીઓ, નોકરિયાત મહિલાઓ અને વૃદ્ધાઓની પબ્લિક સ્પેસના યુઝની જરૂરિયાતોનો ખ્યાલ રાખવો જાણે કે આપણા મેલ અર્બન પ્લાનરો ભૂલી જ ગયા છે. દેશની અર્ધી આબાદીને તે જે શહેરમાં વસે છે તેની મૂળભૂત સગવડોથી વંચિત રાખવામાં આવે છે. પછી તે રમતના મેદાન હોય કે બગીચા હોય. મહિલાઓને અનુકૂળ હોય તેવો શહેરી વિકાસ માંગતું અભિયાન સિટી ફોર વુમન વિશ્વના કેટલાક દેશોમાં આરંભાયું છે. તેની હવા ભારતના નગરનિયોજકોને પણ અડવી જોઈએ.
શહેરીકરણ એ વરવી અને નક્કર વાસ્તવિકતા છે. તેથી તેનો વિકાસ વધુ સુગમ, સગવડદાયી અને સર્વસમાવેશી બનાવવાની જરૂર છે. સિટી ફોર વુમન જેવી માંગણી ઊઠે તે પહેલાં સિટી ફોર ઓલ બનાવવા સંકલ્પબધ્ધ થઈશું તો જી-૨૦નું ભવ્ય આયોજન અને યુ-૨૦ની યજમાની સાર્થક ઠરશે.
e.mail : maheriyachandu@gmail.com