‘એક વણિકપુત્ર જો કરી શકતો હોય તો મેં (ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરીને) ઋષિનું કામ કર્યું છે.’ — ગાંધીજી
લખું લખું તો છું ગૂજરાત વિદ્યાપીઠના આજના (18મી ઓક્ટોબરના) એકસો ચારમા વર્ષપ્રવેશને વિશે અને મિશે, પણ આ ક્ષણે વાગેલો ધક્કો તો ‘ગાંધી વિ. ગુરુદેવ’ એ શૈલેશ પારેખ લિખિત વાચિકમ્ (દિગ્દર્શક : અદિતિ દેસાઇ) જોયા-સાંભળ્યાનો છે. સ્વદેશવત્સલ રવીન્દ્રનાથ રાષ્ટ્રવાદની ચળવળનાં ભયસ્થાનો પરત્વે સચિંત હતા, અને એમના ગાંધીજી સાથેના પત્રવ્યવહારમાં એમણે એને બેબાક વાચા પણ આપી છે. આ જોતો-સાંભળતો હતો ત્યારે સાંભરતું હતું કે કાકા કાલેલકરે સ્વદેશી પરના એમના પ્રબંધમાં વ્યક્ત કરેલા વિચારો ગાંધીને અન્યાયકારી છે એવી પ્રતિક્રિયા તે સમયના વિશ્વખ્યાત સર્જક ને માનવ્યના ઉપાસક રોમાં રોલાંની હતી. કાકાએ વિગતવિશદ ઉત્તર આપી એમનું સમાધાન કર્યું ને રોલાંએ ક્ષમાપ્રાર્થનાપૂર્વક એમનો આભાર માન્યો. જો કે, કાકાએ અપૂર્વ નમ્રતાપૂર્વક એ પત્ર અપ્રગટ રાખ્યો. અલબત્ત, સ્વદેશી ચળવળ અને તજ્જન્ય રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો બાબતે સજાગ રોલાંએ વળતું સૂચવ્યું કે રાષ્ટ્રવાદ વિશેનાં રવીન્દ્રનાથનાં વ્યાખ્યાનો આપણા લક્ષમાં રહેવાં જોઇએ. કાકાએ જે ઉત્તર આપ્યો એમાં વન્સ અપોન અ ટાઇમ વિદ્યાપીઠનું પોત અને ગાંધીઘરાણાનું ખુલ્લાપણું બેઉ એક સાથે પ્રગટ થવાં કરે છે : એ વ્યાખ્યાનો અમારા વિદ્યાપીઠના પાઠ્યક્રમનો ભાગ છે! (હવે કહો, કેવી રીતે ઘટાવશું ‘ગાંધી વિ.ગુરુદેવ’ એ બીનાને?)
વિદ્યાપીઠના નવ વર્ષ પ્રવેશે રૂડા સમાચાર આવે છે તે એક અંતરાલ પછી અહિંસા શોધ ભવનના વિશેષ ને વિશિષ્ટ અભ્યાસક્રમમાં આઠ દેશના મળીને તેર જેટલા વિદ્યાર્થીઓએ ઓણ પ્રવેશ લીધો છે. ખાસ તો, યુક્રેન સામે યુદ્ધે ચડેલ રશિયાથી પણ બે છાત્રાઓ શાંતિખોજના આ અભ્યાસમાં હૈયાઉલટે સામેલ થઇ છે …
અને છતાં, વિદ્યાપીઠની સ્વાતંત્ર્યપૂર્વ ને સ્વાતંત્ર્યોત્તર કમાઇના અચ્છા ખયાલ સામે એના જન્મપર્વે કાંક કશુંક ખૂટે બલકે કઠે છે એવું કેમ. 1920માં એ સ્થપાઇ, વણિકપુત્રે ઋષિનું કામ કરી ભેદની ભીંત્યું ભાંગવાની પહેલ કીધી, ત્યારથી એણે રાજ્યાશ્રયથી કિનારો કરવામાં ગૌરવ સમજ્યું. માલવિયાજીની બનારસ હિંદુ યુનિવર્સિટીએ સરકારી ચાર્ટરનો ધોરી રાહ લીધો. ગાંધી જેનું નામ, એને જનપથ મુબારક હતો. જ્યાં સુધી વિત્ત ને કૌવતનો સવાલ છે, એણે સૌની, રિપીટ, સૌની સંસ્થા તરીકે ઊભી કરી. દલિતને પ્રવેશ નહીં-ની શરતે આવતાં મોટાં દાન ધરાર પાછાં કાઢ્યાં. માલવિયાજીની નિયતિ એ રહી કે દલિત છાત્રને સંસ્કૃત અભ્યાસની તક મળી શકે એ શરતે સયાજીરાવ ગાયકવાડનું દાન પોતાના શ્રીમંત સમર્થકોની અનિચ્છાને કારણે સ્વીકારી શકે તેમ નહોતા.
કેવું વાતાવરણ સર્જાયું હશે વિદ્યાપીઠનાં એ વાસંતી વર્ષોમાં જ્યારે ગિદવાણી, ક્રિપાલાણી ને કાલેલકર સરખા આચાર્યો ત્યાં વિરાજતા ને વિલસતા હતા … એકેક આચાર્ય જાણે જંગમ યુનિવર્સિટી! આ ક્ષણે એની ગાથામાં જવાનો મોહ છોડી ત્યારે ઉભરેલી જે અનેરી આબોહવા એનું એક ચિત્ર ઉમાશંકર જોશીનાં સંભારણાંમાંથી આપું :
‘પહેલે માળે પાળી પાસે ઊભા ઊભા અમેરિકન પ્રો. ટક્કર ચોકમાં સેવાદળની બહેનોની પ્રવૃત્તિ ટગર ટગર જોઇ રહ્યા છે. થોડી વારે, પડખે હું ઊભો છું એવો ખયાલ આવતાં મારી સામે જોયું. મેં પૂછ્યું, આપ શું જોઇ રહ્યા છો. કહે, આ બહેનોની પ્રવૃત્તિમાં રહેલી મુક્તતા. મેં પૂછ્યું : આપ તો શાંતિનિકેતનમાં અધ્યાપનકાર્ય કરો છો ને? આપ અમેરિકાના છો એવો મારો ખ્યાલ બરોબર છે? અમેરિકામાં તો બહેનોને સારી પેઠે મુક્તતા છે. ધીરેથી એમણે એટલું જ કહ્યું : હું ઇચ્છું કે આવી મુક્તતા હોય.’
ગમે તેમ પણ એક જુદી જ તરેહનો અભ્યાસક્રમ અહીં વિકસ્યો જેમાં શ્રમનું ગૌરવ ને વિદ્યાની પ્રતિષ્ઠા એકરૂપ હતાં. અભ્યાસક્રમની ચર્ચામાં કે વિદ્યાપીઠની તવારીખી કામગીરીમાં ઊંડે નહીં ઊતરતાં એટલું જ કહીશું કે આગળ ચાલતાં સ્વરાજ સરકારના વારામાં જ્યારે સરકાર સાથે સહજ સંબંધની સંભાવના સર્જાઇ ત્યારે વિદ્યાપીઠે પોતાના અભ્યાસક્રમની વિશિષ્ટતા અને એકંદરે સ્વાયત્તતા જાળવીને યુ.જી.સી. સાથે સંકળાવું પસંદ કર્યું. અલબત્ત, સરકાર, કેમ કે તે સરકાર છે, પોત ન પ્રકાશે એવું તો બને નહીં. પણ મોરારજી દેસાઇનું નેતૃત્વ ને રામલાલ પરીખની સક્રિયતા મુકાબલે સ્વાયત્તતા જાળવી વિદ્યાપીઠની વિશેષતાપૂર્વક આગળ ચાલ્યાં. ગાંધીમાર્ગી અધ્યયનના એક થાણા રૂપે તેમ ગુજરાતના આદિવાસી તબક્કાને હૂંફતા એક શિક્ષણ ઠેકાણા રૂપે વિદ્યાપીઠની ભૂમિકા વિકસતી રહી. મહાશ્વેતાદેવી દીક્ષાન્ત પ્રવચન માટે આવ્યાં ત્યારે આદિવાસીબહુલ ચિત્ર પર આફરીન પોકારી ગયાં હતાં એ અહીં સાંભરે છે.
હમણેનાં વરસોમાં નારાયણ દેસાઇ ને ઇલાબહેન ભટ્ટની ચાન્સેલરી – ત્યારે એમનાં કદ અને કાઠીનાં બીજાં ગુજરાતમાં હતાં પણ કોણ – વિદ્યાપીઠને સારુ એક નવોન્મેષી શક્યતા લઇને આવી હતી. નારાયણ દેસાઇ કુલપતિ હતા અને ચુનીભાઇ વૈદ્ય દીક્ષાન્ત પ્રવચન સારુ આવ્યા ત્યારે વિદ્યાપીઠ અને એના સ્નાતક વરસે એક આંદોલનમાં તો જોડાય જ જોડાય એવો જે સ્પિરિટ પ્રગટ થયો હતો એ દેવદુર્લભ જોણું હતું. સ્વરાજની લડત વખતે અહીં જો બ્રિટનના સામ્યવાદી સાંસદ, પારસી ગુજરાતી મૂળના સકલાતવાલા આવી શકતા હોય તો, છત્તીસગઢની રમણસિંહ સરકારે કથિત નક્સલવાદી ઘોષિત કરેલ પણ સર્વોચ્ચ અદાલતે બાઇજ્જત જામીનલાયક ગણેલ વિનાયક સેન પણ આ જ વર્ષોમાં તો આવ્યા હતા, જેમનું આદિવાસી ભૂખમરા સામેનું કામ વિશ્વવિશ્રુત છે.
ગમે તેમ પણ, જે.એન.યુ.માં ને બીજે જોઇ રહ્યા છીએ તેમ – ગાંધીદર્શનને સાવરકર વિશેષાંક કાઢવાની ફરજ પડે એવી અનવસ્થાના આ દિવસોમાં – કેમ કે અન્યથા ઊંચાં પ્રતિમાન છતાં વિદ્યાપીઠમાં ક્યાંક કશીક કમજોરી અને સામે પક્ષે બધ્ધેબધ્ધું ઓળવી લેવાની વૃત્તિ, એમાંથી દબાણ અને ‘ડીલ’ની બૂ જ બૂ ઉઠે એવી ઘટના કમબખ્ત આભડી ગઇ તે આભડી ગઇ. લઘુમતી ટ્રસ્ટીઓએ રાજીનામાંમાં ધર્મ જોયો તે ઠીક જ છે. પણ નવા કુલપતિ એમની સાથે વિચારવિનિમય કરવાનું કહેતા હતા એ ય હવાઇ ગયું. બનારસમાં સર્વ સેવા સંઘ પરની તવાઇ સામે પ્રતિકારનો અવાજ ઊઠ્યો એવું અહીં ક્યાં, ક્યારે? ભલે, હમણે તો, એકસો ચાર મે … અને મોચવાતે!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 18 ઑક્ટોબર 2023