ડિસેમ્બર 1973, ડિસેમ્બર 2023 : નવનિર્માણ આંદોલનનાં પચાસ વરસ એ આગળ જવા સારુ પાછળ નજર કરવાનો અવસર છે. કાનૂની સાર્વભૌમ (સરકાર, કારોબારી, વિધાનગૃહ) પર રાજકીય સાર્વભૌમ(લોક)ની સત્તાનો સિદ્ધાંત એણે ઘૂંટ્યો હતો
તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ : 1974ના ફેબ્રુઆરીનું બીજું અઠવાડિયું છે અને ગુજરાત યુનિવર્સિટીના ઓપન એર થિયેટરમાં હરિવંશરાય બચ્ચનની આ સલામી પંક્તિઓ સાથે એક બુઝુર્ગે વાત માંડી છે. આરંભે કદાચ ક્ષીણ લાગતો આ અવાજ સામે છલકાતા છાત્રયુવા મહેરામણની આંખ શું આંખ પ્રોવતો એકદમ ખૂલવા લાગે છે, કેમ કે ખરી દૂંટીનો એ અવાજ જયપ્રકાશ નારાયણનો છે. એ જયપ્રકાશનો જેણે ગુજરાતની તરુણાઈના તેડ્યા સ્વરાજ આગમચ પાંચ જ દિવસ પર, દસમી ઓગસ્ટે, ગુજરાત કોલેજમાં શહીદ વીર વિનોદ કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકી હતી.
શું હતું જે.પી.નું નિમિત્ત? નવનિર્માણ આંદોલનના વાસંતી ઉદ્રેક સાથે, જોઈએ તો જયપ્રકાશને હાઈજેક કરી લાવો એવા છાત્રયુવા સાદ સાથે, ‘રવિશંકર મહારાજનો સંદેશ એટલે આદેશ’, એવા હૃદયભાવ સાથે એ આવી પુગ્યા હતા. ગુજરાતના યુવજન સૌ રણે ચડ્યા એનો બુંગિયો અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ફૂડબિલના આકરા વધારા થકી (એમાંથી ઢેકો કાઢતા ભ્રષ્ટાચાર ને મોંઘવારીના એકંદર માહોલ થકી) બજ્યો હતો. પૂર્વે મોરબીની એન્જિનિયરિંગ કોલેજે પણ આવા કોક મુદ્દે યુવા અજંપો પ્રગટ કીધો હતો અને પોલીસ દમન વહોર્યું હતું. પણ અમદાવાદના કેન્દ્રવર્તી સ્થાને વ્યાપક ગુજરાતમાં વમળો જગવ્યાં હતાં અને યુનિવર્સિટી સિન્ડિકેટના વિદ્યાર્થી સભ્ય મનીષી જાનીના પ્રતિબદ્ધ નેતૃત્વમાં કંઈક સ્વયંભૂ એવો લોકઉદ્રેક પ્રગટ થવા લાગ્યો હતો. છાત્રયુવા અજંપો ને મધ્યમવર્ગી પ્રતિક્રિયા એકત્ર આવી રહ્યાં હતાં અને 14 ઓગસ્ટ શ્રમજીવી હિલચાલોનોયે એમાં હિસ્સો હશે સ્તો.
જરી પાછળ જઈને એકંદર સિનાર્યો સંભારીશું? 1971માં પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનની સાંસ્થાનિક પકડમાંથી મુક્ત કરી બાંગ્લાદેશનું નિર્માણ કર્યા બદલ ઇન્દિરા ગાંધીની પ્રતિમા ખાસી ઊંચકાઈ હતી ને ‘ગરીબી હટાવો’ના નારા સાથે નયી રોશનીની ચમકદમક પણ હતી. એમણે લોકસભાની મુદ્દતવહેલેરી ચૂંટણી નાખી અને જ્વલંત ફતેહ હાંસલ કરી. પણ વળતે વરસે ગુજરાત વિધાનસભા માટે કાઁગ્રેસી ઉમેદવાર પસંદગી બાબતે તેમ આંતરિક જૂથબંધીની સત્તામારી અંગે મધ્યમવર્ગની તીવ્ર પ્રતિક્રિયા હતી.
હજુ 1971માં તો લોકસભાની ચૂંટણી વખતે ઇન્દુલાલ યાજ્ઞિકે કાઁગ્રેસના નિશાન પર અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. પણ 1972ના માર્ચમાં લોકસભામાં એમણે જે વક્તવ્ય આપ્યું એમાં મોહભંગનાં લક્ષણો દેખાતાં હતાં. જુલાઈમાં તો એ ગયા અને ખાલી પડેલી બેઠક પર કાઁગ્રેસના ઉમેદવારને શિકસ્ત આપીને અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ માવળંકર ચૂંટાઈ આવ્યા તેમાં ઇન્દિરાજી સામે પડકારનો મિજાજ ચોખ્ખો વરતાતો હતો.
1972ની ચૂંટણીમાં કાઁગ્રેસે વિધાનસભામાં બહુમતી મેળવી અને ઘનશ્યામ ઓઝા ઇન્દિરાનીમ્યા દંડનાયક પેઠે મુખ્ય મંત્રી બન્યા. એમની પ્રતિભા જરૂર સારી હતી પણ જેમ જૂની કાઁગ્રેસમાં ‘સર્વોચ્ચ’વાદ ચાલતો હતો તેવું આ નિમણૂકમાં જણાયું એથીયે લોકલાગણી કંઈક વંકાઈ. એને એક ઓર વળ અને આમળો ત્યારે મળ્યો જ્યારે પોતાના જ મુખ્ય મંત્રીને ઉથલાવીને ચિમનભાઈ પટેલે સત્તા હાંસલ કરી. એમણે બહુમતી ઊભી કરવા ને સાબિત કરવા જ્યાં ધારાસભ્યોને એકઠા કર્યા તે પંચવટી ફાર્મને લોકજીભે ઓળખ પણ ચોંટડૂક મળી, પ્રપંચવટી!
મોંઘવારી, જૂથબંધી, ભ્રષ્ટાચારના આ માહોલ વચ્ચે એલ.ડી. એન્જિનિયરિંગ ઘટના ને પોલીસ પ્રતિક્રિયા સામે એકંદર જનરોષ બહાર આવ્યો અને જોતજોતામાં જંગલના દવની જેમ ગુજરાતવ્યાપી બની રહ્યો એની શરૂઆત ડિસેમ્બર 1973માં થઈ હતી. આજે, 2023માં, પાછળ નજર કરીએ ત્યારે એની પચાસીએ શું સમજાય છે?
યુવા ઉદ્રેકનું તત્કાળ નિમિત્ત જે પણ હોય, 1968માં યુરોપીય-અમેરિકી કેમ્પસો પરથી જે યુવા ઉન્મેષ પડમાં આવવા લાગ્યો હતો, કંઈક એની જેમ જ અહીં વર્તમાન સામે ફરિયાદ ને ભાવિ સુધારનો કાંઈક આંતરિક ધક્કો ખસૂસ હતો … કેવો મિજાજ હશે ત્યારે એનું એક ઉદાહરણ, કંઈક હટકે આપું? ‘જવાની દિવાની’ નામે ફિલ્મનું અવલોકન રાધેશ્યામ શર્માએ જુલાઈ 1973માં લખ્યું, એનું શીર્ષક હતું – ‘જવાની દિવાની’ : ખાનદાની ખૂન વર્સીસ યુવા વિદ્રોહ.’
વ્યાપક પ્રજાવર્ગની સહાનુભૂતિ સાથે છાત્રયુવા આંદોલનમાં અધ્યાપકોનું જોડાવું એ પણ એક મોટી વાત હતી. પણ આંદોલન જેવું આગળ વધ્યું અને કાઁગ્રેસના જૂથગત નેતાપલટા માત્ર એણે અટકવું મુનાસીબ ન માન્યું ત્યારે અધ્યાપક મંડળ ખસી ગયું. એ પ્રજાકીય આંદોલન સાથે નહીં એટલું કાઁગ્રેસનો આંતરિક સત્તામારીમાં એક જૂથ સાથે હતું.
વિધાનસભાના વિસર્જનની માંગ એક નિર્ણાયક મુદ્દો હતો. માર્ચના બીજા અઠવાડિયામાં મોરારજી દેસાઈએ આંદોલનની માંગના સમર્થનમાં અને હિંસાના વિરોધમાં અનશનનો રાહ લીધો અને 15મી માર્ચે રાજ્યપાલના સલાહકાર સરીને એમને રૂબરૂ મળીને ખબર આપી કે કેન્દ્ર સરકાર વિધાનસભાના વિસર્જનમાં સંમત છે.
ખરું જોતાં બહુ જ ઉતાવળે અને કંઈક અછડતી વાત આ કરી છે. એંશી-પંચાસી દિવસના આ આંદોલનને ગોળીબારથી નીપજેલ ચાળીસથી વધુ મોત કે જાહેર નુકસાનીના આંકડામાં અગર તો ટૂંક સમયમાં ચારસોથી વધુ નવનિર્માણ સમિતિઓ કાર્યરત થઈ એવી વિગતમાત્રમાં ખતવી ન શકાય.
મુદ્દે, વિધાનસભા વિસર્જનની એની સફળ માંગે લોકશાહી રાજકારણમાં એક મહદ્દ સિદ્ધાંત સ્થાપી આપ્યો કે કાનૂની સાર્વભૌમ (સરકાર: પર આખરી સત્તા રાજકીય સાર્વભૌમ એટલે કે લોકોની છે. સાંકડા રાજકીય-શાસકીય માળખાની બહારથી આવેલી લોકપહેલનો આ ચમકારો તે જયપ્રકાશને મળેલો ‘પ્રકાશ’ હતો.
બિહાર આંદોલન ઉપડ્યું એના સમર્થનમાં ગુજરાતથી સૌ દિલ્હી ગયા, ઓક્ટોબર 1974માં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વ હેઠળની રેલીમાં, ક્યારે ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી સાથે પગપાળા ચાલતા મિત્રોમાં વડનગરના વસંત પરીખે મજાનું સૂત્ર આપ્યું હતું :
‘ગુજરાત કી જીત હમારી હૈ, બિહાર કી રીત ન્યારી હૈ …’
એ બધી વાતો વળી ક્યારેક, યથાપ્રસંગ.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 20 ડિસેમ્બર 2023