અમદાવાદ જેવા કોઇ પણ શહેરી વિસ્તારના નવધનાઢ્ય નબીરાઓને પૂછો કે, ’ગુજરાતમાં છેવાડાના માણસની સ્થિતિ કેવી છે?’
તો સંભવ છે કે જવાબ મળેઃ ‘છેવાડાના જણને જલસા છે. એણે શહેરના છેવાડે બંગલો બનાવ્યો, ત્યારે એ વિસ્તારમાં વરૂ-શિયાળ ફરતાં ને પાણીના નહીં તો પેટ્રોલના પણ નહીં, એવા ભાવે જમીન મળી ગઇ હતી. છેવાડે બંગલો બનાવનારાની ને ફાર્મહાઉસ લેનારાની મિલકતો અત્યારે મોકાની જગ્યાએ ગણાય છે અને ભાવ તો એવા આસમાને ચડ્યા છે કે જમીન સ્ક્વેર ફીટને બદલે તોલાના હિસાબે વેચાશે એવું લાગે. છેવાડાના માણસને શાં દુઃખ છે? નાહકના ‘છેવાડાના માણસ’ની બૂમો પાડો છો!’
પચાસ વર્ષ પહેલાં ગુજરાત સ્થપાયું ત્યારે છેવાડાના માણસો કમ સે કમ સમાજની દૃષ્ટિમર્યાદામાં આવતા હતા. તેમના અસ્તિત્ત્વની અને તેમના છેવાડે હોવાની નોંધ લેવાતી હતી. ભલે નોંધ લેવાથી આગળ બીજું કંઇ થતું ન હોય. મહાગુજરાત ચળવળના નેતા ઇંદુલાલ યાજ્ઞિક હોય કે ગુજરાત રાજ્યના સ્થાપના પ્રસંગે આશીર્વચન આપનાર રવિશંકર મહારાજ, એ નેતાઓની જિંદગી છેવાડાના માણસોની સોબતમાં અને તેમના પ્રશ્નો અંગેની નિસબતમાં ગઇ. ‘લે કે રહેંગે મહાગુજરાત’નો નારો ગજવનાર ઇંદુલાલ યાજ્ઞિકે અલગ ગુજરાત સ્થપાય પછી કરવાનાં કામમાં સફાઇ કામદારોની સમસ્યાને મોખરે મૂકી હતી, તો રવિશંકર મહારાજે તેમના આશીર્વાદ પ્રવચનમાં સંપત્તિ અને સમૃદ્ધિની યોગ્ય વહેંચણીની વાત કરી હતી.
‘ગાંધીના માણસ’ તરીકે ઓળખાતા કાર્યકરોમાંથી જુગતરામ દવે, પરીક્ષિતલાલ મજુમદાર, રવિશંકર મહારાજ જેવા કેટલાકનું જીવન સ્વરાજ મળ્યા પછી ને ગુજરાત બન્યા પછી પણ છેવાડાના માણસોની સેવામાં ગયું. પરંતુ એવા નમૂના બહુ જૂજ. એ પણ મુખ્ય ધારાના રાજકારણથી અલિપ્ત. રાજકારણના ખેલાડીઓ માટે છેવાડાના જણનું મહત્ત્વ મતપત્રક પરનાં નામથી અને મતબેન્કથી વધારે ન રહ્યું.
વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ પછીના જમાનામાં ચકાચોંધ કરી નાખે એવા ‘વિકાસ’ અને જીડીપી-ગ્રોથ રેટ થકી વ્યક્ત થતી આર્થિક પ્રગતિમાં છેવાડાનો માણસ છેવાડેથી પણ ખસી ગયો. સમાજના નકશા પર જાણે તેનું અસ્તિત્ત્વ જ લોપાઇ ગયું. ‘આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ’ (દૃષ્ટિનિકાલ એટલે હૃદયનિકાલ) એ સત્ય છેવાડાના માણસો – દલિત, આદિવાસી, અગરિયા, સફાઇ કામદાર, વિચરતા સમુદાયના લોકો વગેરે – માટે સાચું પુરવાર થયું. હાંસિયામાં રહેલા લોકો ઉત્તરોત્તર હાંસિયામાંથી પણ બહાર ધકેલાવા લાગ્યા. જાહેરખબરો મેળવીને ભરેલા પેટે-છલકાતા ખિસ્સે વિકાસનાં જયગાન ગાવામાં ગુલતાન પ્રસાર માધ્યમોએ પણ છેવાડેથી નજર હટાવી લીધી અને દરેક પેજને ‘પેજ-3’ બનાવવામાં ધ્યાન કેન્દ્રીય કર્યું. (મિત્ર પ્રણવ અધ્યારુએ એક વાર સૂચવ્યું હતું કે અખબારોએ પાનાંના નંબર પેજ-3-1, પેજ-3-2, પેજ3-3…પેજ-3-16 એવી રીતે આપવા જોઇએ!) ગ્લેમરગ્રસ્ત પ્રસાર માધ્યમોથી વિકાસપ્રેમીઓને નિરાંત થઇઃ દેખવું પણ નહીં ને દાઝવું પણ નહીં.
આઝાદી પછી ‘છેવાડાના માણસ’માંથી મુખ્ય ધારામાં આવેલા એકમાત્ર સમુદાય તરીકે સૌરાષ્ટ્રના પટેલોનો ઉલ્લેખ આવશ્યક છે. આઝાદી પછી ગુજરાતથી અલગ રચાયેલા કાઠિયાવાડનાં રજવાડાંના સમુહ-સૌરાષ્ટ્ર રાજ્યમાં ઉછંગરાય ઢેબરની સરકારે ગણોત કાયદાના અમલમાં ભારે ઉત્સાહ દાખવ્યો. ત્યાર પહેલાં સૌરાષ્ટ્રના પટેલો સામાજિક રીતે લગભગ ‘અન્ય પછાત વર્ગ’માં સમાવવા પડે એવો દરજ્જો ધરાવતા હતા. પણ જમીન અંગેના પ્રગતિશીલ કાયદાના અસરકારક અમલને કારણે મોટી સંખ્યામાં પટેલો જમીનમાલિક બન્યા. 1956ની આસપાસ અલગ સૌરાષ્ટ્ર રાજ્ય મુંબઇ રાજ્યમાં સમાઇ ગયું અને 1960માં દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી ગુજરાત છૂટું પડ્યું, ત્યાર પહેલાં પટેલોની સમૃદ્ધિનાં મૂળીયાં નંખાઇ ગયાં હતાં.
નોધપાત્ર બાબત એ છે કે ગણોતીયાને કે જમીનવિહોણાને જમીન આપવાના કાયદાનો અમલ જે ઉત્સાહથી અલગ સૌરાષ્ટ્ર રાજ્યમાં પટેલોના સંદર્ભે થયો, એનું પુનરાવર્તન ગુજરાત સ્થપાયા પછી કદી જોવા ન મળ્યું. ગુજરાતના સંખ્યાબંધ દલિતો પટેલોની જેમ જ એ કાયદાના લાભાર્થી બની શકે એમ હતા. પરંતુ સૌરાષ્ટ્રની જેમ ગુજરાતને કોઇ ઉછંગરાય ઢેબર ન મળ્યા. પરિણામે, સ્થિતિ એવી સર્જાઇ કે ગુજરાતના ‘છેવાડાના સમુદાય’માં મુખ્ય સ્થાન ધરાવતા દલિતોને અનામત જેવા અપૂરતા અને અસંતોષકારક સહારા સિવાય બીજો કોઇ ટેકો ન મળ્યો.
દલિતોની વિવિધ સમસ્યાઓ અંગે કાનૂની લડત આપતા ‘નવસર્જન ટ્રસ્ટ’ દ્વારા થોડાં વર્ષ પહેલાં જમીન અંગેનો વિગતવાર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેનો આશય હતોઃ સત્તાવાર રીતે દલિતોની માલિકીની કેટલી જમીનો માથાભારે લોકોએ અથવા કેટલાક કિસ્સામાં ખુદ સરકારે ઓળવી પાડી છે? અભ્યાસ અને આંકડાકીય માહિતી પછી છેડાયેલા કાનૂની સંઘર્ષના અંતે માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ‘નવસર્જન’ના કાર્યકરો 6 હજાર એકર જમીન દલિતોને અપાવી શક્યા. તેમાંથી આશરે 3 હજાર એકર જમીનની તો માપણી કરીને તેનો કબજો સુદ્ધાં દલિતોને સોંપી દેવાનું શક્ય બન્યું.
જમીન જેવા મહત્ત્વના આર્થિક-સામાજિક મુદ્દે ફક્ત સુરેન્દ્રનગરમાં ‘પાશેરામાં પહેલી પૂણી’ જેવી લડતોનાં આવાં પરિણામ હોય, તો ગુજરાતવ્યાપી કાર્યવાહીથી શું થઇ શકે? પરંતુ સમસ્યાના નિવારણ માટે તેના અસ્તિત્ત્વનો સ્વીકાર થવો જરૂરી છે અને હવે જમાનો સમસ્યાના ઇન્કારનો છેઃ ગુજરાતને લગતી દરેક વાત ‘વાઇબ્રન્ટ’ ઢાળમાં ગવાતી હોય, ત્યાં વરવી વાસ્તવિકતાના વેદનામય સૂર ક્યાંથી સંભળાય?
‘છેવાડાના જણ’ ગણાતા લોકો ખરેખર તો એટલા છેવાડે પણ નથી. સડક પર બિછાવેલા ડામરના નવા થર પાસે, બીઆરટીએસના ભાવિ બસસ્ટેન્ડથી થોડે દૂર, ફલાણા ફ્લાયઓવર નજીક અને ઢીકણા શોપિંગ મોલની સામે, ગટર સાફ કરનારા કંઇ અંધકારપછેડી ઓઢીને કે ‘મિસ્ટર ઇન્ડિયા’ બનીને ગટર સાફ કરવા ઉતરતા નથી! છતાં, વિકાસપ્રેમના મોતિયાથી ગ્રસ્ત આંખો તેમને જોઇ શકતી નથી. એક સમયે કાશ્મીર મોરચે સૈનિકોનો મરણાંક જેમ ફક્ત ‘આંકડો’ બનીને રહી ગયો હતો અને તેનાથી કોઇની સંવેદના સળવળતી ન હતી, એવું જ પણ બહુ જુદાં કારણોસર ગટર કામદારોનાં નિયમિત મૃત્યુના બારામાં બન્યું છે. માંડ વીસ-પચીસ-ત્રીસના ‘કોઇના લાડકવાયા’ ગટરના ગેસથી ગુંગળાઇને મૃત્યુ પામે ત્યારે તુચ્છ વળતર મેળવવા માટે ‘લાશની અંતિમવિધી નહીં થવા દઇએ’ એવાં ત્રાગાં કરવાં પડે છે. આ બધું છેવાડે નહીં, વચ્ચોવચ થાય છે. એ જોઇને વિચાર આવે કે છેવાડાનો માણસ તો ત્યાંનો ત્યાં જ છે. આપણે ત્યાંથી દૂર નીકળી ગયા છીએ.
સદીઓથી જ્ઞાતિગત ભેદભાવોનો ભોગ બનેલા દલિતો અનામતને કારણે હવે ‘વચ્ચે’ આવી ગયા એવું માનવાની અને દલિતો ભણશે તો ‘વચ્ચે’ આવી જશે એવું મનાવવાની ફેશન થઇ પડી છે. છતાં, ગુજરાતભરમાં દલિતોનાં રહેઠાણ ગામના છેવાડે કે શહેરમાં આખેઆખી અલગ સોસાયટીમાં કેમ હોય છે? એટલો સીધોસાદો સવાલ પૂછવામાં આવતો નથી. પાટનગર ગાંધીનગર સહિત શહેરી વિસ્તારોમાં દલિતોના ફ્લેટ કે સોસાયટી અલગ શા માટે હોય છે, એનો જવાબ સૌ જાણે છે. પણ એ જાણકારી વિકાસના ગાલીચા તળે છુપાવેલી રાખવામાં આવે છે. દલિતો હજુ સાવ દેખીતી રીતે (રહેઠાણ જેવા મુદ્દે) છેવાડેથી વચ્ચે આવી શક્યા ન હોય, તો બીજી બાબતોમાં તે કેટલા છેવાડે હશે તે કલ્પવું અઘરું નથી. અનામતનો ‘લાકડાનો લાડુ’ ધરાવતી સરકારની નોકરીમાં બેકલોગના નામે વણભરાયેલી જગ્યાઓથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં દલિતો માટે ચા-પાણીના અલગ પ્યાલા (રામપાતર), શાળાઓમાં અને મધ્યાહ્ન ભોજનમાં દલિત બાળકોને અલગ બેસાડવાની ક્રૂરતા, બેશરમીથી કરાવાતી અને હાઇકોર્ટના વારંવારના હુકમો છતાં ચાલુ રખાતી મળસફાઇ…આ બધું 2009માં ઓસ્ટ્રેલિયામાં ભારતીયો સાથે નહીં, ભારતમાં-ગુજરાતમાં છેવાડાના ગણાતા દલિતો સાથે બને છે. એટલે આપણું લોહી ઉકળી ઉઠતું નથી. આમઆદમી હોય કે ભારતીય વિદ્યાર્થીઓ પરના કહેવાતા રંગભેદી હુમલાના વિરોધમાં સન્માન ઠુકરાવનાર અમિતાભ બચ્ચન, પોતાના છેવાડાના માણસોને હાંસિયાબહાર ધકેલીને પરદેશમાં ‘છેવાડાના માણસ’ બની રહેતા ભારતીયોની વહારે ધસી જાય છે.
છેવાડે ગણાતા આદિવાસીઓમાં સરકારોને એટલો જ રસ છે કે ધર્મપ્રચારકો તેમને ક્યાંક ખ્રિસ્તી ન બનાવી દે! ધર્મપરિવર્તન ન કરવાના હોય એવા આદિવાસીના રીતરિવાજ, તેમની બોલી, સંસ્કાર-સંસ્કૃતિમાં સમાજ કે રાજ્યને ભાગ્યે જ કશો રસ પડે છે. શ્વાનની જેમ સરકારની સોબત પણ ક્યારેક ‘બે બાજુનું દુઃખ’ આણી શકે છે. અંગ્રેજો ભારતીયોને ‘દેશી અંગ્રેજ’ બનાવવા માગતા હતા, તેમ દેશી સરકારો આદિવાસીઓની પાછળ પડી જાય તો તેમને ‘શહેરી’ બનાવવાની હોંશ રાખે છે.
દલિત જેવા જ્ઞાતિઆધારિત કે આદિવાસી જેવા પરંપરાગત છેવાડાના સમુદાય ઓછા હોય, તેમ નવી વ્યવસ્થા વધુ ને વધુ ‘છેવાડાના માણસ’ સર્જી રહી છે. વિકાસની દરેક યોજના વિસ્થાપિતો સર્જે છે, જેમણે ‘લાર્જર ઇન્ટરેસ્ટ માટે’- સૌના ભલા માટે ભોગ આપવાનો હોય છે. મઝાની વાત એ છે કે ભોગ આપનાર વર્ગ અને લાભ મેળવનાર વર્ગ મોટે ભાગે એના એ જ રહે છે. તેમની ભાગ્યે જ અદલાબદલી થાય છે.
ધીમે ધીમે સમાજ આ પારના અને પેલી પારના એમ બે જ ભાગમાં વહેંચાતો જાય છે. જે વિકાસના લાભાર્થી નથી, એ બધા ‘છેવાડાના’ બની જાય એવું ચક્કર શરૂ થઇ ચૂક્યું છે. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન હોય કે સરકારી મહેરબાનીઓ, બધી વાત રોકાણ, હૂંડિયામણ અને અર્થતંત્રના પ્રગતિદરની ગણતરી માંડીને થાય છે. તેના પરિણામે ટાટાને કાર બનાવવા માટે અકલ્પનીય આર્થિક રાહતો મળે છે, પણ જેમના રોટી-કપડા-મકાનના મૂળભૂત અધિકાર છીનવાય છે, તેમના માટે સરકાર પાસે કેવળ યોજનાઓની જાહેરખબરો છે, જે મુખ્ય મંત્રીની વિવિધ મુદ્રાઓ સાથે હોર્ડિંગમાં અને અખબારોમાં રજૂ થતી રહે છે.
ગુજરાતની સાડા પાંચ કે છ કરોડ પ્રજામાંથી બહુ મોટો હિસ્સો છેવાડાના જણનો જ છે, પણ સ્ટેજ પરથી હાથી કે પાટા પરથી આખેઆખી ટ્રેન ગુમ કરી દેતા સંમોહનપટુ જાદુસમ્રાટોની જેમ, રાજનેતાઓ વિકાસની ભૂરકી છાંટીને આખેઆખા છેવાડાના વર્ગને અદૃશ્ય કરી શકે છે. ‘અદૃશ્ય’ થયેલો બહુમતિ છેવાડાનો વર્ગ વિચાર કરે છે કે અમે હતા ત્યાં જ છીએ, તો પણ આ લોકોને અમે દેખાતા કેમ નથી?
સુવર્ણજયંતી જેવા અવસરે સંમોહનની ભૂરકી ઉતરે અને ગાયબ થયેલો મનાતો છેવાડાનો વર્ગ સૌને નજર સામે દેખાતો થાય, દેખાતો રહે તો પણ ઘણું.