ગુજરાતી રંગભૂમિના અર્વાચીનોમાં આદ્ય રંગકર્મી જશવંત ઠાકરનું જન્મશતાબ્દી વર્ષ પાંચમી મેથી શરૂ થઈ રહ્યું છે. જશવંતભાઈ પ્રબુદ્ધ નટ-દિગ્દર્શક-નાટ્યવિદ, સામ્યવાદી લડવૈયા અને જનવાદી સાંસ્કૃિતક મૂલ્યોનાં પ્રહરી હતા. દુનિયાભરનાં ઉત્તમ નાટકો તેમણે ગુજરાતીમાં માસ અને ક્લાસ બંનેને ધ્યાનમાં રાખીને કેવળ રંગભૂમિ માટેની ધખનાથી ભજવ્યાં. તે આ નટસમ્રાટનું અપાર ઋણ છે. તેમના જેવું ગજબનું ગતિશીલ, ઘટનાપૂર્ણ, ભરપૂર, મથામણભર્યું, અલગારી અને આદર્શમય જીવન (1915-1990) ભાગ્યે જ કોઈ રંગકર્મી જીવ્યા હશે. અલબત્ત એમનું એકંદર મનસ્વી જીવન શક્ય બન્યું તેમાં, ત્રણ સંતાનોનાં ઉછેર સહિત તેમના ઘરસંસારની જવાબદારી તબીબી વ્યવસાય કરતાં કરતાં સંભાળનારાં તેમનાં પત્ની ડૉ. ભારતીબહેનનો ફાળો અમૂલ્ય છે.
કુમારવયથી વ્યાયામશાળા પ્રવૃત્તિ થકી રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલા જશવંતે ખાદીની ટોપી પહેરવા માટે જામનગરમાં ચાબુકના સાત ફટકાની સજા વહોરી હતી. આઝાદીની લડત માટે બી.જે. મેડિકલ કૉલેજનો પ્રવેશ છોડ્યો હતો. સોળ વર્ષની ઉંમરે સરકારના દમનનું વર્ણન કરતી ‘સિતમની ચક્કી’ નવલકથા લખવા માટે પોલીસ વૉરન્ટ નીકળ્યું અને ભૂગર્ભમાં જતા રહેવું પડ્યું. જો કે ચળવળની પ્રવૃતિ તો ચાલુ જ રહી. અમદાવાદમાં માણેકચોક સત્યાગ્રહ અને મુંબઈમાં ધોબીતળાવ પર સભાબંધીના ભંગ માટે જેલ વેઠી. આ અરસામાં બી.ટી. રણદિવે સહિત અનેક યુવા સામ્યવાદીઓના સંપર્કમાં આવ્યા અને અમદાવાદમાં પહેલું કામચલાઉ ભૂગર્ભ કમ્યુિનસ્ટ એકમ સ્થાપ્યું. વળી, શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ બે વર્ષ પૉંડિચેરી રહ્યા. જો કે ત્યાં અત્યાચારો સામે કામદારોએ છેડેલા આંદોલનમાં જોડાવા આશ્રમ છોડી દેવો પડ્યો. જશવંત 1936માં સૂરતમાં એમ.ટી.બી. કૉલેજમાં દાખલ થઈને મુંબઈની એલફિન્સ્ટન્સમાંથી અંગ્રેજી સહિત્ય સાથે બી.એ. થયા. વિદ્યાર્થીઓ, પ્રેસ કામદારો અને કિસાનોનાં સંગઠનોનાં કામ માટે જેલવાસ વેઠ્યો. ફરીથી યુદ્ધવિરોધી પ્રવૃત્તિ માટે 1939થી ત્રણ વર્ષ યેરવડા અને નાસિકના કારાવાસ દરમિયાન નાટ્યાભ્યાસ કર્યો અને તખ્તા સાથેનો રિશ્તો પાકો બન્યો. આ પૂર્વે ભૂગર્ભવાસનાં વર્ષોમાં તેમણે માર્ક્સ પણ પોતાની રીતે વાંચ્યો હતો જેને આધારે તેમણે ‘માર્ક્સિઝમ ઍન્ડ હિસ્ટોરિકલ મટિરિલિઝમ’ પુસ્તક આપ્યું છે.
નાટક થકી રાજકીય ક્રાન્તિ અને સમાજપરિર્તનના ધ્યેયને વરેલા સામ્યવાદી જૂથ ઇન્ડિયન પિપલ્સ થિએટર અસોસિએશન (ઇપ્ટા) સાથે જોડાઈને બંગાળ દુષ્કાળ રાહત માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સાંસ્કૃિતક કાર્યક્રમો કર્યા. શંભુ મિત્રા, સુમિત્રાનંદન પંત, બલરાજ સહાની જેવાની સાથે આપ-લે થતી રહી. ઇપ્ટાના ગુજરાત એકમની સ્થાપના કરીને નાટકોથી લઈને તેના રાષ્ટ્રીય અધિવેશન સહિત અનેક પ્રવૃત્તિઓ કરી. પોતાના અલગ નાટ્યજૂથ ભરત નાટ્યપીઠની સ્થાપના કરીને શેક્સપિયરના હૅમ્લેટ, વિશાખદત્તના મુદ્રારાક્ષસ, રશિયન લેખક મૅક્સિમ ગૉર્કિના લોઅર ડેપ્થ્સ જેવાં નાટકો કર્યાં. ઉત્તમ અને વિચારસંપન્ન નાટ્યકૃતિઓ જ ભજવવાનો મુદ્રાલેખ હંમેશા જળવાયો. પોતે ય મૌલિક તેમ જ રૂપાંતરિત નાટકો ઉપરાંત નવલથાઓ અને કાવ્યો લખ્યાં.
જશવંતભાઈએ 1950ના અરસામાં સક્રિય રાજકારણ છોડીને પૂરો સમય નાટ્યપ્રવૃત્તિ શરૂ કરી.તે ચઢાવ-ઉતાર, ચર્ચા-વિવાદ સાથે ચારેક દાયકા સુધી ગુજરાતી રંગભૂમિના એક યુગ તરીકે ચાલી. તેની તરફ નજર કરતાં ધ્યાનમાં આવે છે કે જશવંતભાઈ એક સાથે નાટકનાં અભિનય-દિગ્દર્શન-નિર્માણ અને બીજી બાજુ લેખન-રૂપાંતર-અનુવાદ અને ત્રીજી બાજુ નાટ્યશિક્ષણ એ બધું લગભગ એક સાથે એકબીજાને પૂરક બની રહે તે રીતે કરતા. જશવંતભાઈએ નાટ્યશિક્ષણમાં પાયાનું કામ કર્યું છે. તેમણે 1955-70ના ગાળામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને અમદાવાદની શ્રી એચ.કે. આર્ટસ કૉલેજ તેમ જ ગુજરાત કૉલેજમાં નાટ્યવિદ્યાના પદ્ધતિસરના શિક્ષણ માટે સર્વાંગી કામ કર્યું. માર્કંડ ભટ્ટ, જનક દવે, હસમુખ બારાડી જેવા અત્યારના વરિષ્ઠ નાટ્યવિદોથી લઈને ભરત દવે, નિમેષ દેસાઈ, હિરેન ગાંધી સુધીની ત્રણેક પેઢીઓ જ.ઠા.ની તાલીમ કે તેમની અસર હેઠળ ઘડાઈ.
જશવંતભાઈ આશયસંપન્ન અને લોકધર્મી નાટકો દ્વારા ગુજરાતી તખ્તાને ગાજતો રાખવા સતત મથ્યા. તેમનાં અભિનય અને દિગ્દર્શનવાળા નાટકોની સંખ્યા સો પર જાય છે. તેમણે સંસ્કૃત, ગ્રીક, અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી, બંગાળી, મરાઠી ભાષાઓની વિવિધ પ્રકારની મહાન કૃતિઓ ગુજરાતી તખ્તા પર મૂકી. આધુનિકતા અને પ્રશિષ્ટતા, નવીનતા અને પરંપરા, ભવ્યતા અને સાદગી, બહુજન અને અભિજન વચ્ચે સંતુલન સાધવાની તેમણે પોતાની અંદર અને તખ્તા પર સતત કોશિશ કરી. રશિયન નાટ્યવિદ સ્ટાનિસ્લાવાસ્કિની અભિનય પદ્ધતિ, જર્મન નાટકકાર બ્રેખ્તની રજૂઆત પદ્ધતિ, નાટકના અભ્યાસક્રમો, નાટ્યશાળાની જરૂરિયાત, ગ્રામનાટ્યમંચ, નાટ્યગૃહ-નાટ્યશિલ્પ-નાટ્યસંસ્થા, જેવી વિભાવનાઓનો પ્રસાર કરવામાં ચન્દ્રવદન મહેતાની જેમ જશવંતભાઈ પણ અગ્રેસર હતા. આવા વિષયોની છણાવટ તેમણે ‘દિગ્દર્શન કલા’, ‘નાટ્યશિક્ષણનાં મૂળતત્ત્વો’, ‘જયસંકર સુંદરીની નાટ્યકળા’ અને ‘નાટકને માંડવે’ જેવાં પુસ્તકોમાં કરી છે. ‘સમયના સ્ફુિલ્લંગ’ અને ‘ગુજરાતમાં ક્રાન્તિપથ’ એ કટારલેખોના સંગ્રહોમાં દેશ અને દુનિયાના જાહેર જીવનના બનાવો, સવાલો અને વ્યક્તિવિશેષો વિશે વાંચવા મળે છે. તેમાં તીવ્ર રાજકીય સભાનતા અને વ્યક્તિગત સંવેદનશીલતાથી સોંસરી રીતે અભિવ્યક્ત થતા બૌદ્ધિક મળે છે.
કોઈ પણ નાટકના નિર્માણ પાછળ ફના થઈ જવાની આદત, આર્થિક બાબતોમાં ઉદારતા, બેફિકરાઈ અને અસંગવૃત્તિ, તેમનો પ્રભાવશાળી અવાજ, સ્ત્રીઓ પર તેમની છવાઈ જતી ભૂરકી, નાટકમાં ખલેલ પહોંચાડતા પ્રક્ષકોને તેમણે ભણાવેલ પાઠ, ‘અલ્લાબેલી’ નાટક માટે તેમણે વાઘેર કોમ પર કરેલું સંશોધન, પોપટલાલ વ્યાસ, ગોરધનદાસ ચોખવાલા અને મોરારજી દેસાઈ જેવા રાજકારણીઓ સાથેનો સંઘર્ષ – આવી કેટલીય રસપ્રદ બાબતો જશવંતભાઈની છબિને વધુ હિરોઇક બનાવે છે. ગુજરાત સંગીત નાટક અકાદમીની સ્વાયત્તતાની તે વર્ષોથી માગણી કરતા રહ્યા હતા. અવસાનના બે વર્ષ પહેલાં તેમણે નાટ્યવિવેચક સુરેશ દેસાઈને આપેલા ઇન્ટર્વ્યૂમાં જુસ્સાભેર કહ્યું હતું : ‘મારી પાસે સત્તા હોત તો મેં એક જ ઝાટકે અકાદમીને અમલદારો અને રાજકારણીઓની પકડમાંથી છોડાવી દીધી હોત !’
3 મે 2015, મધ્યરાત્રિ
++++++++++
e.mail : sanjaysbhave@yahoo.com