‘જય હિંદ’નો પ્રચલિત નારો નેતાજીનોનહીં, પણ જર્મનીથી તેમની સાથે આવેલા આિબદ હસને આપ્યો હતો.
વાત સુભાષચંદ્ર બોઝની છે. તેમના મૃત્યુને લગતી ચર્ચા અને કોન્સ્પીરસી થિયરી(કાવતરાંકથાઓ)ની વધુ એક મોસમ આવી છે. આ વખતે પશ્ચિમ બંગાળ સરકારે ખુલ્લા મુકેલા — અને કેન્દ્ર સરકારે હજુ દબાવી રાખેલા –નેતાજીને લગતા કેટલાક સરકારી દસ્તાવેજ અટકળબાજીનું નિમિત્ત બન્યા છે. નેતાજીના મૃત્યુની કે ૧૯૪૫ પછી વર્ષો સુધી તેમના જીવિત હોવાની ચર્ચા મોટે ભાગે ઝાડવાં ગણતાં જંગલ ભૂલવા જેવી બની રહે છે. નેતાજીનું મૃત્યુ કેવી રીતે થયું, એ જાણવાની ઇંતેજારી વાજબી છે. તેની પાછળનું સત્ય જાણવાની ચટપટી સમજી શકાય એવી છે, પરંતુ એ બન્નેની લ્હાયમાં નેતાજી સાથે સંકળાયેલી અને આજે પણ યાદ રાખવા જેવી કેટલીક હકીકતો ભૂલી જવાય છે. કારણ કે, એ યાદ રાખવાથી અત્યારના રાજનેતાઓ કે રાજકીય પક્ષોને કશો ફાયદો નથી.
• જવાહરલાલ નેહરુના રાજકીય વિરોધી એવા નેતાજીને લગતી કાવતરાંચર્ચામાં ભાજપને મઝા પડી જાય, એ દેખીતું છે. વિપક્ષ તરીકે ભાજપી નેતાઓ ઉછળી ઉછળીને નેતાજીને લગતા દસ્તાવેજ જાહેર કરવાની માગણી કરતા હતા. હવે પોતાની સરકારમાં એ પાણીમાં બેસી ગયા છે, એ વાતને હાલ પૂરતી બાજુ પર રાખીએ. વધારે મહત્ત્વનો મુદ્દો એ છે કે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજમાં કોમવાદને સ્થાન ન હતું. થોડા લોકોને યાદ હશે કે ‘જય હિંદ’નો પ્રચલિત નારો નેતાજીએ નહીં, પણ તેમના સાથીદાર – જર્મનીથી તેમની સાથે સબમરિનમાં આવેલા આબિદ હસને આપ્યો હતો.
નેતાજીના મૃત્યુના સમાચાર પછી આઝાદ હિંદ ફોજના ત્રણ અફસરો પર લાલ કિલ્લામાં રાજદ્રોહનો મુકદ્દમો ચાલ્યો. એ ત્રણે અફસર જુદા જુદા ધર્મના હતા — પ્રેમકુમાર સહગલ (હિંદુ), ગુરુબરક્ષસિંઘ ધિલ્લોં (શીખ) અને શાહનવાઝખાન (મુસ્લિમ) — એ આઝાદ હિંદ ફોજની પરંપરાને છાજે એવો યોગાનુયોગ હતો. પરંતુ આઝાદ હિંદ ફૌજની રાણી ઝાંસી રેજિમેન્ટનાં વડાં, કેપ્ટન લક્ષ્મી સહગલે ૧૯૯૭માં આ લેખક સાથેની દીર્ઘ મુલાકાતમાં કહ્યું હતું, ‘મહંમદઅલી ઝીણાએ શાહનવાઝ હુસૈનને અલગ પાડવા પ્રયાસ કર્યો હતો. તેમણે શાહનવાઝને કહ્યું કે તમે બાકીના બે અફસરોથી અલગ થઈ જાવ, તો તમારો બચાવ હું કરીશ. પરંતુ શાહનવાઝે એ દરખાસ્ત ઠુકરાવી દીધી.’
આઝાદ હિંદ ફૌજમાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતાં લક્ષ્મી સહગલે કહ્યું હતું કે નેતાજી વેદાંતમાં માનતા હતા, પણ ધર્મને અંગત બાબત ગણીને બીજાને તેમાં સંડોવતા નહીં. સિંગાપોરમાં દક્ષિણ ભારતના ચેટ્ટિયારોનું એક મંદિર હતું. તેના સંચાલકોએ પ્રસ્તાવ મૂક્યો કે નેતાજી મંદિરે પધારે તો એ લોકો મોટી રકમ દાનમાં આપશે. એ વખતે ફોજને નાણાંની બહુ જરૂર હતી. પરંતુ લક્ષ્મી સહગલનાં જણાવ્યાં પ્રમાણે, નેતાજીએ કહી દીધું તું કે ‘મારી સાથે ફક્ત હિંદુ અફસરોને જ પ્રવેશ મળવાનો હોય તો એ નિમંત્રણ મને મંજૂર નથી. રૂપિયા કરતાં એકતા મને વધારે વહાલી છે.’
• નેતાજીના લશ્કરી સચિવ – ફૌજી પ્રેમકુમાર સહગલ લાલ કિલ્લાના કેસના ત્રણ નાયકોમાંના એક હતા. કેસમાં દોષી ઠરવા છતાં પ્રચંડ લોકલાગણી અને દેશ પર પોતાની પકડ ઢીલી પડતી અનુભવીને અંગ્રેજ સરકારે ત્રણે ફૌજી અફસરોને સજા કરવાને બદલે છોડી મૂક્યા. અમદાવાદ સહિત દેશનાં ઘણાં શહેરોમાં એ ત્રણે નાયકોનાં વિજય સરઘસ નીકળ્યાં. લોકોએ ચલણી નોટોના હાર પહેરાવ્યા (જે રકમ આઝાદ હિંદ ફોજ માટેના સરકારી કલ્યાણભંડોળમાં ગઈ). પરંતુ જયજયકાર શમી ગયા પછી આજીવિકાનો સવાલ આવ્યો ત્યારે પ્રેમકુમાર સહગલને ક્યાં ય સારી નોકરી કે કામ ન મળ્યું. એ વખતે કાનપુરની એક મિલમાંથી સન્માનજનક કામ મળતાં, પ્રેમકુમાર અને લક્ષ્મી સહગલ મુંબઈ-દિલ્હીને બદલે કાનપુરમાં સ્થાયી થયાં. પોતાના નાયકો સાથે કામ પાડવાની આ વિશિષ્ટ ભારતીય પરંપરા પ્રમાણે, નેતાજી લાંબું જીવ્યા હોત અને રાજકારણમાં ફાવ્યા ન હોત, તો તેમનું શું થયું હોત એ કલ્પી શકાય.
• નેતાજીનાં ચુસ્ત અનુયાયી એવાં ડો. લક્ષ્મી સહગલે શરૂઆતનાં વર્ષો પછી નેતાજીના અંતને લગતી અટકળોમાં રસ લેવાનો છોડી દીધો. તેમને મન નેતાજી દેશસેવાનું પ્રતીક હતા અને દેશની-દેશવાસીઓની સેવા કરવી, એ નેતાજીના સાથીદાર તરીકની તેમની ફરજ હતી. એ તેમણે નિષ્ઠાપૂર્વક અદા કરી. અભ્યાસે ગાયનેકોલોજિસ્ટ એવાં ડૉ. લક્ષ્મી સહગલે કાનપુરમાં દાયકાઓ સુધી રાહત દરે ગરીબ લોકોને સારવાર આપી. ગુમનામીબાબા નેતાજી હતા કે નહીં એની કથાઓને બદલે, પોતાની આસપાસ રહેતાં દેશવાસીઓનાં વાસ્તવિક દુઃખદર્દનું મહત્ત્વ તેમને મન વધારે હતું. આઝાદીનાં પચાસ વર્ષ સુધી કેપ્ટન લક્ષ્મીને પદ્મશ્રી સુદ્ધાં મળ્યો ન હતો. તેમને એવી કોઈ અપેક્ષા પણ ન હતી. નેતાજીના નામે વિવાદો જગાડનારા ને તેમાં પોતાનો લાભ શોધતા કેટલા નેતાઓ દેશના લોકોની સેવા કરીને સુભાષચંદ્ર બોઝને અંજલિ આપવા તૈયાર થશે?
• નેતાજીના અંતને લગતી નવી વિગતો બહાર આવે તો ઐતિહાસિક માહિતીની દૃષ્ટિએ એ અગત્યની ખરી, પણ એનાથી અત્યારે સાબિત શું થવાનું છે? અને કયો રાજકીય પક્ષ એ વિગતોને તોડીમરોડીને, પોતાના લાભ ખાતર તેનો ઉપયોગ ન કરવા જેટલો વિવેક દેખાડશે? ‘ગુમનામીબાબા એ જ નેતાજી હતા’ એવી થિયરી સાચી હોય તો એ સુભાષચંદ્ર બોઝની જાહેર છબીને ધબ્બો લગાડનારી છે. અંગ્રેજ સરકારને હાથતાળી આપી શકનાર અને એક તબક્કે તેમને નાકમાં દમ કરી દેનારા નેતાજી આઝાદી પછી લોકશાહી ભારતમાં, ભલે ગમે તેવી મજબૂરીને વશ થઈને, ગુમનામીબાબા તરીકે જિંદગી વીતાવે, તો દેશ માટે તેમનું મૃત્યુ ૧૯૪૫માં જ થઈ ગયેલું ન ગણાય?
• હદ તો એ છે કે સુભાષચંદ્ર બોઝના ભક્તોએ તેમના મૃત્યનો સ્વીકાર ન કર્યો અને મુખ્યત્વે એ કારણસર તેમનું રાષ્ટ્રીય સ્મારક ન બની શક્યું. અલબત્ત, રાષ્ટ્રનાયક તરીકે સુભાષચંદ્રની પાઠ્યપુસ્તકિયા છબી અને તસવીરોમાં આટલાં વર્ષે ઘણા અઘરા સવાલો પૂછવાના થાય. વીરરસના આરોપણને અને રહસ્યમય અંતને કારણે તેમની વ્યૂહરચના, લશ્કરી સજ્જતા અને જાપાન-જર્મની જેવા ખતરનાક દેશોનો સહકાર લેવાની આશા જેવી ઘણી બાબતોની અહોભાવમુક્ત, કડક તપાસ કરવી રહી. સુભાષચંદ્રને નિર્વિવાદ નાયકપદે રાખીને, તેમના માટે કોણ વિલન બન્યું, એવી કવાયતમાંથી બહાર આવવું પડે અને સુભાષચંદ્ર સહિતનાં બધાં પાત્રોનું નવેસરથી મૂલ્યાંકન કરવાનું રહે.
સુભાષચંદ્ર હોય કે સરદાર, નેહરુ હોય કે ગાંધી, તેમના સૌ પ્રેમીઓએ ભારતીય અવતારવાદની માનસિકતાથી ઉપર ઊઠવું પડે અને તેમને અનેક મર્યાદા ધરાવતા માણસ તરીકે સ્વીકારવા પડે. એવા માણસ, જે ભૂલ કરી શકે, જે મહત્ત્વાકાંક્ષાથી પ્રેરિત હોઈ શકે, જે અંદરોઅંદર વાંધા ધરાવતા હોય, છતાં દેશની આઝાદી જેવા એક વિશાળ હેતુ માટે તેમણે એક સાથે અથવા પોતપોતાની રીતે પોતાની મર્યાદાઓ ઓળંગવાનો પ્રયાસ કર્યો હોય અને તેમાં ઠીક ઠીક સફળ થયા હોય. સુભાષચંદ્ર બોઝના મૃત્યુ વિશેની વાર્તારસપ્રચૂર અટકળોમાંથી રસના ઘૂંટડા ભરવાની સાથે, થોડો વિચાર આગળ લખેલા મુદ્દા ઉપર પણ કરવામાં આવે, તો કંઇ અર્થ સરે.
સૌજન્ય : ‘આઝાદ હિંદ ફોજ’, “દિવ્ય ભાસ્કર”, 29-09-2015
http://www.divyabhaskar.co.in/news/ABH-netaji-subhash-chandra-bose-things-to-remember-in-current-5126811-NOR.html