પહેલા વિશ્વયુદ્ધ(૧૯૧૪-૧૯૧૭)નાં સો વર્ષ નિમિત્તે તેની સાથે સંકળાયેલી ઘણી કથાઓ તાજી થઈ રહી છે. ગુલામ ભારત માટે આ વિશ્વયુદ્ધ વિશિષ્ટ હતું. તેમાં હજારો ભારતીય સૈનિકો ફ્રાન્સ, મેસોપોટેમિયા (ઇરાક) જેવા મોરચે લડ્યા, પણ પોતાના દેશ માટે નહીં – પોતાના રાજકર્તા અંગ્રેજો માટે. તેમના માટે ગૌરવ લેવું કે નહીં, એ આઝાદ ભારતની સરકારો માટે મૂંઝવનારો સવાલ રહ્યો છે.
પરંતુ ઘણા ભારતીયો માટે પહેલા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલો સૌથી મૂંઝવનારો સવાલ ગાંધીજીના અભિગમ અંગેનો છે. પ્રખર અહિંસાવાદી તરીકે જાણીતા બનેલા ગાંધીજી પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટનના પક્ષે સક્રિય બને? બ્રિટન માટે સૈન્યભરતી કરવાની હદે જાય? અને એ પણ અંગ્રેજ સરકાર સામે ચંપારણ-ખેડા જેવા સત્યાગ્રહોમાં ઉતરી ચૂક્યા પછી?
આ સવાલો ફક્ત ગાંધી ટીકાકારોને નહીં, ગાંધીજીના પરમ ચાહકો અને ગાઢ મિત્રોને થયેલા છે. રવીન્દ્રનાથ ટાગોરને ગાંધીજીનું આ પગલું રૂચ્યું ન હતું એવું તેમના અંતેવાસી ‘દિનબંઘુ’ એન્ડ્રુઝે નોંઘ્યું છે. દક્ષિણ આફ્રિકાના દિવસોથી ગાંધીજીના સાથી – મિત્ર રહેલા પાદરી સી.એફ. એન્ડ્રુઝ/ C.F.Andrewsને પોતાને યુદ્ધપ્રયાસોમાં ગાંધીજીની સામેલગીરી કદી સમજાઈ નહીં. આ મુદ્દે તેમની અને ગાંધીજીની વચ્ચે ‘પેઇનફુલ ડિસઅગ્રીમેન્ટ’ (પીડાકારક અસંમતિ) રહ્યું. બાકી, સત્યાગ્રહી ગાંધીજી માટે એન્ડ્રુઝને એવો ઊંડો ભાવ હતો કે તે ખ્રિસ્તી ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવી લેવાના છે એવી અફવા એક સમયે ઊડી હતી.
ખ્રિસ્તી ધર્મસંસ્થાએ એન્ડ્રુઝ પાસે ખુલાસો માગ્યો, જે આપવાનો તેમણે ઇન્કાર કર્યો. દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી તે મિશન કોલેજ છોડીને શાંતિનિકેતનમાં જોડાઈ ગયા અને પાદરીપદું પણ તજી દીઘું. છતાં, વિશ્વયુદ્ધમાં (બ્રિટનના પક્ષે) લડવા માટે સૈનિકોની ભરતી કરવાનો ગાંધીજીનો નિર્ણય તેમને કદી યોગ્ય લાગ્યો નહીં.
દરેક બાબતોમાં ગાંધીજીની સમજ આગવી અને મૌલિક હતી. એ બદલાતી અને વિકસતી પણ રહી. ગાંધીજી સવાયા ધાર્મિક હતા, પણ કોઈ પુસ્તક કે કંઠીથી બંધાયેલા ન હતા. સત્ય અને અહિંસા અનાદિકાળથી હોવા છતાં, એ બન્નેમાં ગાંધીજીએ સાધેલો વ્યવહાર અને આદર્શનો સમન્વય મૌલિક, વિશિષ્ટ અને ઘણી વાર ગૂંચવાડા પ્રેરનારો હતો. પરંતુ બીજાને ગૂંચવાડો લાગે તે ગાંધીજીને દીવા જેવું સ્પષ્ટ ભાસતું. એટલે જ, એન્ડ્રુઝ જેવા મિત્રોના પ્રખર વિરોધ છતાં પોતે યુદ્ધપ્રયાસમાં સહયોગ આપવો જોઈએ, એ વિશે ગાંધીજીને કશી અવઢવ થઈ ન હતી.
વિશ્વયુદ્ધના મોરચે લડવા માટે સૈનિકભરતીનું કામ ગાંધીજીએ ભારત આવ્યા પછી ૧૯૧૮માં ખેડા જિલ્લાથી શરૂ કર્યું, પરંતુ આ દિશામાં તેમની ગતિ ૧૯૧૪થી આરંભાઈ હતી. બન્યું એવું કે ગાંધીજી કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડીને ભારત આવવા નીકળ્યા ત્યારે વચ્ચે ચારેક મહિના લંડન રોકાયા. ઓગસ્ટ ૪, ૧૯૧૪ના રોજ તે લંડન ઉતર્યા એ જ દિવસે બ્રિટને જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું.
જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ તરીકે યુદ્ધમાં પોતાનો શો ધર્મ છે? એ વિશે વિચારતાં ગાંધીજીને લાગ્યું કે બ્રિટન સામેની લડાઈ ઊભી રાખીને આફતના સમયે બ્રિટિશ પ્રજાજન તરીકે ભારતીયોએ યુદ્ધમાં બનતો ભાગ ભજવવો જોઈએ. એટલે ગાંધીજીએ કસ્તૂરબા ઉપરાંત સરોજિની નાયડુ અને ત્યારે લંડન ભણવા આવેલા (અલગ ગુજરાતના પ્રથમ ભાવિ મુખ્ય મંત્રી) જીવરાજ મહેતા સહિત કુલ ૫૩ લોકોની સહી ધરાવતો એક પત્ર અંગ્રેજ સરકારને લખ્યો. તેમાં લડાઈ અંગે યથાશક્તિ કામ કરવાની ઈચ્છા દર્શાવી.
ગાંધીજી માટે યુદ્ધભૂમિની નવાઈ ન હતી. આફ્રિકાનિવાસ દરમિયાન બે વાર તે યુદ્ધમાં ‘એમ્બ્યુલન્સ કોર્પ્સ’ માં ઘાયલોને મેદાનથી છાવણી સુધી લઈ જવાની સેવા આપી ચૂક્યા હતા. એ માટે તેમને સરકારી મેડલ પણ મળ્યો હતો. બ્રિટનમાં ગાંધીજીની રજૂઆત પછી તેમની આશરે એંસી જણની ટુકડીને છ અઠવાડિયાં સુધી પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી. પછી બાકાયદા પરીક્ષા લેવાઈ. તેમાં એક સિવાયના સૌ પાસ થયા. એ લોકોને લશ્કરી ટુકડીનો ભાગ બનાવવા માટે અને ફૌજીની જેમ કવાયતો કરાવવા માટે એક ગોરા અફસરના હાથ નીચે મૂકવામાં આવ્યા.
દક્ષિણ આફ્રિકામાં અહિંસક સત્યાગ્રહ સફળતાથી અજમાવી ચૂકેલા ગાંધીજી વિશ્વયુદ્ધમાં બ્રિટનના પક્ષે સક્રિય બને, એથી તેમના ઘણા સાથીઓને નવાઈ લાગી. આફ્રિકાના સાથીમિત્ર પોલાકે તાર કરીને પૂછાવ્યું, ‘તમારું આ કામ અહિંસાના સિદ્ધાંતની વિરુદ્ધ નથી?’ એ સવાલ અપેક્ષિત હતો અને ગાંધીજી પાસે તેનો જવાબ પણ હતો, જે મિત્રોને સમજાવવા તેમણે કોશિશ કરી. જેમ કે, લંડનથી નવેમ્બર ૧૫, ૧૯૧૪ના રોજ પ્રાગજી દેસાઈને લખેલા એક પત્રમાં તેમણે કહ્યું હતું, ‘સત્યાગ્રહીથી લડાઈને સીઘું કે આડકતરી રીતે ઉત્તેજન ન અપાય એ નિર્વિવાદિત વાત છે. તેવો શુદ્ધ સત્યાગ્રહી હું નથી. તેવો થવા પ્રયત્ન કરું છું. દરમિયાન જેટલે દરજ્જે પહોંચાય, તેટલે પહોંચવું જોઈએ. હું વિલાયતમાં આવ્યો ને લડાઈ શરૂ થઈ. મારી ફરજ વિચારવામાં કેટલાક દિવસ ગાળ્યા. હું વિલાયતમાં મૂંગે મોઢે પડ્યો રહું તો પણ લડાઈમાં ભાગ લેવા જેવું જણાયું.’
આમ વિચારવા પાછળ ગાંધીજીનો તર્ક એ હતો કે બ્રિટનનું સૈન્ય દેશનું રક્ષણ કરતું હતું અને પોતે પણ સૈન્યના રક્ષણ નીચે હતા. એટલે કાં તેમણે અંગ્રેજ સૈન્યનું રક્ષણ ન હોય એવી કોઈ
જગ્યાએ, પહાડી પર જતા રહેવું જોઈએ. સરકારી વ્યવસ્થાને કારણે નહીં, પણ પહાડ પર જે ઊગે તે ખાવું જોઈએ. ત્યાંથી જર્મનો તેમને પકડી જાય તો ભલે – અને જો પોતે આવું ન કરી શકે તો પછી યુદ્ધમાં યથાશક્તિ ફાળો આપવો જોઈએ. પહેલો વિકલ્પ અપનાવવાની ‘મારી હિંમત ન ચાલી’ એમ કહીને ગાંધીજીએ પત્રમાં લખ્યું, ‘હજારો તો કપાઈ પણ ગયા. છતાં હું બેઠો બેઠો મોજ કર્યા કરું ને અનાજ ખાઉં? ગીતાજી શીખવે છે કે યજ્ઞ વિના અન્ન ખાનાર ચોર કહેવાય. અહીં યજ્ઞ આ સમયે આપભોગનો હતો ને છે. ત્યારે મેં જોયું કે મારે પણ યજ્ઞ કરવો જોઈએ. હું પોતે ગોળી તો ન જ ચલાવી શકું, પણ જખમીની સારવાર કરી શકું. તેમાં તો મને જર્મનો પણ સારવારમાં મળે. હું એ કામ નિષ્પક્ષપાતે કરી શકું. તેમાં દયાભાવનો ભંગ ન થાય. તેથી મેં મારી નોકરી આપવા નિશ્ચય કર્યો …’
ગાંધીજી અને સાથીદારોએ સરકારને પત્રમાં એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે ‘જે કામને સારુ અમે યોગ્ય હોઈએ તે કામ વગર શરતે અમે કરશું.’ તેનો ઉલ્લેખ કરીને ગાંધીજીએ પ્રાગજીભાઈ પરના પત્રમાં લખ્યું,‘હું લડાઈને સારુ યોગ્ય નથી એમ બધા જાણે છે. એટલે મારે સારુ લડાઈનું કામ હોય જ નહીં.’
અહિંસાનો પોતાનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયાસ કરતાં તેમણે લખ્યું, ‘મારાથી સર્પ મરાય નહીં એવી એ વાત છે, પણ જ્યાં સુધી સર્પની મને બાયલાપણે ધાસ્તી રહી છે ત્યાં સુધી (એને) મારું નહીં તો પકડીને છેટે મૂકી આવું ખરો. એ પણ હિંસા છે ને છેટે મૂકવા જતાં જો તે જોર કરે તો સાણસામાં એટલો દબાવું કે તેને લોહી પણ નીકળે ને વખતે કચરાઈ મરણ પણ પામે. તો પણ સર્પને મારાથી ન મરાય એ વાક્ય તો રહ્યું જ છે ને રહેવું જોઈએ. જ્યાં સુધી મારામાં નિર્ભયતાનો ગુણ સર્વાંશે નથી આવ્યો ત્યાં સુધી મારાથી પૂરા સત્યાગ્રહી ન થવાય.’
ટૂંકમાં, અહિંસા ભયમાંથી નહીં, ભય પરની જીતમાંથી પેદા થવી જોઈએ. એ તો બરાબર. છતાં, ગાંધીજીએ આત્મકથામાં લખ્યું હતું, ‘હું જાણું છું કે મારા ઉપલા વિચારોની યોગ્યતા હું ત્યારે પણ બધા મિત્રોની પાસે સિદ્ધ નહોતો કરી શક્યો. પ્રશ્ન ઝીણો છે. તેમાં મતભેદને અવકાશ છે. તેથી જ અહિંસાધર્મને માનનારા ને સૂક્ષ્મ રીતે તેનું પાલન કરનારઓ સમક્ષ બની શકે તેટલી સ્પષ્ટતાથી મેં મારો અભિપ્રાય રજૂ કર્યો છે.’
(ભારત આવ્યા પછી ગાંધીજીએ બે ડગલાં આગળ વધીને સૈન્યભરતીનું શા માટે શરૂ કર્યું? અને બકરીના દૂધને પહેલા વિશ્વયુદ્ધ સાથે શો સંબંધ? તેની વાત આવતા સપ્તાહે)
http://www.urvishkothari-gujarati.blogspot.co.uk/2014/09/blog-post.html
Monday, September 01, 2014