ચાનો છેલ્લો ઘૂંટડો ભરી ખુશી વ્યકત કરતા નાથાલાલે જણાવ્યું, ‘દર વરસે ફાધર્સ ડે નિમિત્તે તમારા બધા તરફથી કંઈ ને કંઈ નાનીમોટી ભેટસોગાત સાથે ફૂલ તેમ જ શુભેચ્છા કાર્ડ મને મળે છે! મનોમન ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું છુંઃ ” હે ઈશ્વર, તેં મને માંગ્યા કરતાં પણ વિશેષ સુખ આપ્યું છે! ત્રણ વેદો સમા દીકરા આપીને તેં મારા જીવનને ધન્ય કરી દીધું! તારા આ ઉપકારનું ઋણ હું આ જન્મે ક્યારે ચૂકવી શકીશ!” આમ કહી આંખે આવેલ ઝળઝળિયાંને લૂછતાં, ઉત્સાહપૂર્વક આગળ બોલ્યાઃ ‘ગઈ કાલે સાંજે તમે બધા પિકચર જોવા ગયા હતા ત્યારે મેં તમારી મમ્મીને કહ્યું કે આવતા રવિવારે ફાધર્સ ડે છે. આ વખતે આપણા સદ્ભાગ્યે ત્રણે છોકરાંવ અને તેના પરિવાર અહીં કિરીટના ઘરે ભેગા થયા છે, તો મારે છોકરાંવને, મારા મનમાં વરસોથી જે એક ઈચ્છા છે તે જણાવી દેવી જોઈએ!”
‘તમને ત્રણે ભાઈઓને, કદાચ મારી જીવન કૅરિયરની બહુ જાણ નહીં હોય, કારણ કે એ વખતે તમારી ઉંમર રમવાભણવાની હતી! હું કોઈ મોટો વેપારી કે સરકારી ખાતામાં કયાં ય મોટો ઑફિસર ન હતો!” ‘મારી ઉંમર માંડ અઢાર વર્ષની હશે! તે વખતે સમગ્ર દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુકત થવા ગાંધીજીની અહિંસક લડતમાં કૉંગ્રેસની છત્રછાયા તળે ઊભો હતો! આઝાદીની હવામાં હું પણ પૂરેપૂરો ગાંધીજીના વિચારને વળગી રહ્યો. આઝાદી મળતાં દેશનું કાર્ય પૂર્ણ થયું ન હતું. આઝાદીની લડત કરતાં પણ એક મોટી લડત દેશના મૂડીવાદીઓ અને શોષણખોરો સામે લડવાની હજી બાકી હતી.
“પરિવાર, સમાજ અને ઘરનો વિચાર કર્યા વિના એ વખતના મજદૂરનેતા ખંડુભાઈ દેસાઈ સાથે ખભેથી ખભો મિલાવી જે મિલકારખાનામાં દલિત મજદૂરોને તેમના માલિકો તરફથી અન્યાય થતો હોય ત્યાં આગળ તેમના હક્ક માટે ગાંધીજીએ ચીંધેલ અહિંસક માર્ગે આંદોલનનું નેતૃત્વ લઈ લડત ચલાવવા આગળ ધપતો! આ કામમાં સમય આપવા બદલ મને મજદૂરસંઘ તરફથી દર માસે પરિવારના ગુજરાન માટે નાની એવી રકમ પગાર પેટે મળતી. મને જે કામ માટે પગાર મળતો તે કોઈ મિલમાલિકની તિજોરીમાંથી કે તેમના કાળાબજારના ખિસ્સામાંથી નહોતો આવતો. રાતદિવસ લોહીપસીનો એક કરીને યંત્રો ચલાવતા મજદૂરોના પગારમાંથી દરમહિને થોડોક હિસ્સો મજદૂરસંઘ સેવા આપવા બદલ કાપી લેતો! તેમાંથી મારો પગાર નીકળતો.”
“આ બાબતમાં કેલિફૉર્નિયાની લખલૂટ જાહોજલાલીથી છલકાતા જીવનમાં કોઈક વાર એકાંતે બેસીને વિચારું છું તો મારું હ્રદય કંપી ઊઠે છે! બિચારા! મજદુરોને કાળી મજૂરી કરવા બદલ જે વેતન મળતું તેમાંથી તેમનાં બાળબચ્ચાં મહામુસીબતે બે ટંકનો લુખ્ખો રોટલો પામી શકતાં. આવી કારમી પરિસ્થિતિમાં જીવતા મજદૂર પરિવારો મજદૂરસંઘને કેવી હાલતમાં સભ્ય ફી ચુકવતા હશે!”
‘વરસોથી આ વેદના મારા મન પર રાતદિવસ હથોડા મારી રહી છે. ઈશ્વરના ઘરે જતાં પહેલાં, જે ગરીબ મજદૂરોએ મને પગાર પોતાના લોહીપસીનાની કમાણીમાંથી ચૂકવ્યો હતો તે મજદૂરોનું ઋણ ચૂકવી મારે મુક્ત થઈ જવું છે! જિંદગીનાં જે વીસપચ્ચીસ વર્ષ મેં મજદૂરસંઘ વતી પગાર ધોરણે કામ કર્યુ હતું તે પગારની રકમનો વ્યાજ સાથે સંપૂર્ણ હિસાબકિતાબ કરી, કિગ્રન લાઈફ ઈન્ટ નામનું એક પરિવાર ટ્ર્સ્ટ બનાવી, અમેરિકાની કોઈ એકાદ બૅંકમાં ટ્રસ્ટનું ખાતું ખોલાવી તેમાંથી દર જૂન મહિનામાં ફાધર્સ ડે આવે તે પહેલાં બૅંકમાં મૂકેલ મૂડીનું વ્યાજ ગુજરાતનાં જે શહેરોને અને જિલ્લામાં મેં મજદૂરસંઘ વતી કામ કર્યું હતું ત્યાં આગળ વસતા મજદૂર પરિવારમાં શિક્ષણ તેમ જ આરોગ્ય અર્થે વાપરવું. આ રકમનું વ્યાજ ભૂલેચૂકે પણ કયારે ય કોઈ ધાર્મિક ક્રિયાકાંડ કે કોઈ મંદિરના કાર્યમાં ન વાપરવું. મારે મન જનસેવાથી વિશેષ બીજી કોઈ પ્રભુસેવા નથી!”
‘અરે! ભાઈ, તમે આવી નાનીઅમથી વાતને આટલાં વરસો સુઘી મનમાં કારણ વિના સંઘરી રાખી! આ વાતને તો તમે અમને આજથી વીસપચીસ વર્ષ પહેલાં કહી શકયા હોત!” આમ કહી કિરીટે, કીર્તિદાને કહ્યું, ‘તું મારી બ્રીફકેસમાંથી જરા કૅલ્કયુલેટર લઈ આવ તો!” કીર્તિદા હરખભેર કૅલ્ક્યુલેટર લઈને આવ્યાં એટલે નાથાલાલે ખુશીઆનંદ સાથે મજદૂરસંઘ તરફથી મળેલ છેલ્લા પગારની રકમ પરિવારને જણાવી દીધી.”
બેપાંચ મિનિટ આંકડા સાથે રમત કરી કિરીટે, છેલ્લાં ત્રીસ વર્ષનું સરવૈયું કાઢીને જણાવ્યું કેઃ “આપણે લગભગ સાડા ત્રણ લાખ રુપિયા કિગ્રન લાઈફ ઈન્ટના ખાતામાં મૂકવા પડશે!” સાડા ત્રણ લાખનો આંકડો સાંભળી, નીતિને તેમ જ અશોકે પોતાનું મંતવ્ય રજૂ કરતાં કહ્યું કેઃ ‘એક રાઉન્ડ ફીગર તરીકે પાંચ લાખ રુપિયાનું બૅંકમાં એકાઉન્ટ ખોલાવી નાખીએ તો કેમ રહશે! આપણે તો આ રકમ વ્યાજ સાથે પાછી આપવી છે!”
“અશોકભાઈ, તમે અને નીતિને તો મારા મનની વાત કરી નાખી! કદાચ ઉતાવળમાં ને ઉત્સાહમાં ક્યાંક હિસાબમાં કંઈક ભૂલચૂક થઈ હોય તો ભવિષ્યમાં આપણે આ વાત પર પસ્તાવું ન પડે,એટલે પાંચ લાખ રુપિયા ખાતામાં મૂકી જ દઈએ!”
દીકરાનો ઉત્સાહ જોઈ, કયારના સાંતચિત્તે વહુઓની સાથે સાંભળતાં ખુશખુશાલ ચહેરે કાન્તાબા બોલ્યાં : “દીકરાવ, તમે તમારા ભાઈના મનની વાતને તો જાણી લીધી તો પછી મારી પણ એક વાત જરા ધ્યાન દઈને સાંભળી લ્યો! અમે તો આજે છીએ અને કાલે નહીં હોઈએ! ત્યારે પણ તમે ભાઈઓ જે રીતે વર્તમાનમાં અમારા જન્મદિવસે, અમારી મૅરેજ એનવર્સરીના દિવસે તેમ જ મધર્સ ડે અને ફાધર્સ ડેના શુભ અવસરે જે રીતે કિમતી ભેટસોગાદ અમને પ્રેમપૂર્વક મોકલો છો! તેને બદલે તમે એટલી રકમ આ પ્રસંગોપાત આપને બૅંકમાં જ્યારે કિગ્રન લાઈફ ઈન્ટ ટ્ર્સ્ટનું ખાતું ખોલાવીએ ત્યારે તેમાં તમે ઉમેરતા રહેજો! જો તમારી શકિત હોય તો જેટલું વ્યાજ તમે દર વરસે દલિત ગરીબ મજદૂરના લોકકલ્યાણ અર્થે વાપરવા ટ્ર્સ્ટમાંથી ઉપાડો એટલી જ રકમ તમે સામે ખાતામાં જમા કરાવશો તો અમારા આત્માને આનંદ થશે!”
*
ખાસ જણાવાનું કે, કિગ્રન લાઈફ ઈન્ટ ટ્ર્સ્ટનું ખાતું ૧૯૯૦ની આસપાસમાં ખોલવામા આવ્યું હતું અને તે આજે પણ ઉત્સાહ સાથે લોક્કલ્યાણનું કામ કરે છે.
e.mail : preetam.lakhlani@gmail.com