સતત ૭૦ વર્ષ સુધી સર્જન કરી, હજારો ગીત-કવિતા રચનારા કવિ રમેશ પટેલ ‘પ્રેમોર્મિ'નું 15 ઓક્ટોબર 2021, દશેરાને દિવસે સવારે, શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે લાંબી બીમારી બાદ દુ:ખદ અવસાન થયું. તેમનો જન્મ 18મી સપ્ટેમ્બર, 1936માં રંગૂન, મ્યાનમાર(બર્મા)માં થયો. માતાનું નામ કમળાબહેન અને પિતાનું નામ ભાઈલાલભાઈ. તેમને શાળાએ મુકવાનો સમય થયો ત્યારે માતા અને નાના ભાઈ ઘનશ્યામ સાથે એ નાસિક આવ્યા, જ્યાં તેમના નાના લલ્લુભાઈ વેપાર કરતા હતા. નાસિકમાં ગુજરાતી શાળામાં ભણ્યા. ત્યાં જ તેમની સર્જનશક્તિ ખીલી. કાવ્ય રચના એ કાચી ઉંમરે શરૂ થઇ. હસ્તલિખિત કાવ્ય સંગ્રહ ‘કાવ્ય પીયૂષિની’નું શાળાના વાર્ષિકોત્સવ દરમિયાન વિમોચન થયું. તે માટે સાહિત્યકાર જ્યોતીન્દ્ર દવેના હસ્તે મેડલ આપી શાળાએ તેમનું સન્માન કર્યું. આ સર્જન યાત્રા સતત મૃત્યુ સુધી ચાલુ રહી. ચિત્રકામ પણ શીખ્યા અને સુંદર ચિત્રો દોરવાનું શરૂ કર્યું. રંગોળી પણ કરતા. 1954માં મેટ્રિક પાસ થયા પછી પિતાજીએ તેમને બર્મા બોલાવી લીધા જેથી પોતાને વેપારમાં મદદ મળે. પિતાજી ઝવેરાતનો ધંધો કરતા. તે સામયે પિતાજી પ્રોમ નામના શહેરમાં રહેતા હતા. ત્યાં રમેશભાઈને પોતાની ઉંમરના બીજા યુવાનો મળી ગયા. તેમને રમત ગમતમાં બહુ રસ હતો. નાસિકમાં કબડ્ડી રમતા. બર્મામાં તેમણે ક્રિકેટ ક્લબ બનાવી.
તેમના આ નવા મિત્રો પૈકીનાં એક વલ્લભભાઈના કાકા લંડન રહેતા. વલ્લભભાઈએ બર્માથી લંડન જવા નક્કી કર્યું તો રમેશભાઈ પણ તૈયાર થઇ ગયા. પિતાજીએ બહુ સમજાવટ પછી પ્રવાસ ખર્ચ આપવાનું સ્વીકાર્યું ખરું પણ તાકીદ કરી કે ત્યાં પહોચ્યા બાદ તમારું પેટા ભરવાની જવાબદારી તમારી પોતાની. તેમણે આ પડકાર સ્વીકારી લીધો. લંડન આવીને કપરો સંઘર્ષ ચાલુ થયો. કદ નાનું, અંગ્રેજી જેવુ તેવું આવડે. કોલેજ કરેલી નહીં. આવીને મિલમાં સફાઈ કરવાની મજૂરી મળી તે સ્વીકારી. બર્મિંગહામ રહ્યા. થોડા સમય પછી લંડન આવી ઇન્ડિયા કોફી હાઉસ ખોલી પૂરી શાક પીરસવાનું શરૂ કર્યું. ભારતથી લંડન ભણવા આવતા શાકાહારી ગુજરાતી અને મારવાડી, જૈન વિધાર્થીઓને તે સમય શોધે તો પણ શાકાહારી ભોજન મળતું નહીં. ઇન્ડિયા કોફી હાઉસ તેમને માટે આશીર્વાદરૂપ થઇ પડ્યું.
1964માં ઉત્તરસંડાથી ભણવા આવેલાં ઉષાબહેન પટેલ સાથે લગ્ન કર્યા. તેમણે હિંદુ વિધિથી લગ્ન ક,ર્યા જે તે દિવસોમાં નવાઈની વાત હતી અને અનેક સ્થાનિક અંગ્રેજી અખબારોએ તેની નોંધ લીધી. ભારતીય સંગીત અને સંસ્કૃતિ માટે તેમને બહુ જ માન. તેને ટેકો કરવો, તેનો પ્રચાર-પ્રસાર કરવો તેમને ગમતું કામ. તે માટે ‘નવકલા’ નામની સંસ્થા શરૂ કરી. પછી તેમણે ટોટનહામ કોર્ટ રોડ જેવા વિસ્તારમાં ઇન્ડિયન એમ્પોરિયમ નામની દુકાન શરૂ કરી.
નવકલા દ્વારા તેમણે ભારતીય નાટકો, નૃત્ય અને સંગીતના કાર્યક્રમો રજૂ કર્યા. તેમણે ‘કોના બાપની દિવાળી’ જેવું ગુજરાતી પ્રહસન પણ રજૂ કરી ચાહના મેળવી. ગરબા લઈને તેઓ યુરોપીયન ડાન્સ ફેસ્ટીવલમાં ગયા અને ઇનામ લઇ આવ્યા. સાથે વાનગીઓનાં કાર્યક્રમમાં 100 જેટલી ભારતીય શાકાહારી વાનગીઓનું પ્રદર્શન યોજી તેને લોકપ્રિય કરવાના પ્રયાસ કર્યા. નવકલાએ ભારતીય શાસ્ત્રીય નૃત્યો શીખવવા સુનીતા ગોલવાલાના નેતૃત્વમાં શાળા શરૂ કરી અને કેટલીક દીકરીઓને તો ભારત નૃત્ય શીખવા મોકલવાની વ્યવસ્થા પણ કરી.
1973માં મંદિર રેસ્ટોરાં શરૂ કરી, જેમાં લગ્ન અને બીજા કાર્યક્રમો માટે હોલ બનાવ્યો જેનું નામ પંડિત રવિશંકરને નામે રાખ્યું. હોલનું ઉદ્ઘાટન પણ પંડિતજીને હસ્તે થયું, જેમાં જ્યોર્જ હેરીસન જેવાએ પણ ભાગ લીધો. યહૂદી મેન્યુહીન જેવા પ્રખ્યાત વાયોલીન વાદકે પણ મંદિરનો લાભ લીધો. ભારતથી લંડન આવતા અનેક ખ્યાતનામ સંગીતકારો, નર્તકો, ફિલ્મી સિતારા, પત્રકારો, લેખકો, રાજકારણીઓ તેમના મહેમાન બનતા. છેક 1964માં ભારતના તત્કાલીન નાણા મંત્રી મોરારજીભાઈ દેસાઈ તેમના આમંત્રણને માન આપી જમવા ગયા હતા. વૈજયંતી માલાના નૃત્યના કાર્યક્રમો આખા યુરોપમાં યોજેલા. તે પછી નૂતન, હેમા માલિની, ઈલા અરુણ તો એમ.એસ. સુબ્બુલક્ષ્મી જેવાં ગાયકો વગેરેએ પણ ‘મદિર’ની મુલાકાત લીધી. કત્થક નૃત્યકાર બીરજુ મહારાજે ત્યાં કાર્યક્રમ આપ્યો. બહુ લાંબી યાદી છે, એવા કલાકારોની જેમણે ત્યાં કાર્યક્રમ આપ્યો હોય.
ખાસ કરીને તેમને નાના, નવા, અજાણ્યા કલાકારોને ટેકો કરવાનું બહુ ગમતું. અનેક કલાકારોને તેઓ સ્ટેજ આપતા અને પ્રોત્સાહન આપતા. તેમાં ગુજરાતી સુગમ સંગીતને ઘણો ટેકો કર્યો. પુરુષોત્તમ ઉપાધ્યાય તેમના ઘરે લાંબો સમય રોકાયા હતા. રાસબિહારી દેસાઈ, હર્ષિદા રાવલ, આશિત દેસાઈ, સોલી કાપડિયા વગેરે થોડાં નામ યાદ આવે છે.
આપણા સાહિત્યકારો સુનીલ કોઠારી, ચં.ચી.મહેતા, રઘુવીર ચૌધરી, રમણ પાઠક, રજનીકુમાર પંડ્યા, પ્રીતિ સેનગુપ્તા, મધુ રાય, શિવકુમાર જોષી, બળવંત જાની વગેરેએ તેમના વિષે લખ્યું છે. લંડનમાં ભારતીય વિદ્યાભવનનું કેન્દ્ર શરૂ કરવાના પ્રયાસ માટે લીલાવંતીબહેન મુનશી લંડન ગયાં ત્યારે એમના ઘરે જ રહ્યાં અને કેન્દ્ર શરૂ કરી શક્યા.
ભારતના બ્રિટન ખાતેના લગભગ બધા એલચી સાથે તેમના ગાઢ સંબંધ રહ્યા. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી જીવરાજભાઈ મહેતા – હંસા મહેતા તો તેમને પોતીકા ગણતાં. જયસુખલાલ હાથીથી માંડી બી.કે. નહેરુ અને અપ્પા સાહેબ પંત સાથે તેમને સારા સબંધ રહ્યા. લંડનની ભારતીય એલચી કચેરીમાં સરદાર પટેલનું ચિત્ર ન હતું, તેમણે ખાસ પ્રયાસ કરી સ્થાનિક ચિત્રકાર રામ ભક્ત પાસે તૈલ ચિત્ર તૈયાર કરાવી મુકાવ્યું.
આયુર્વેદમાં તેમને ખાસ રસ અને ઘણા વર્ષ સુધી રોજ અડધો દિવસ પોતાના ઘરે પ્રેકટીસ પણ કરી. તેમની સારવારથી સજા થયેલા દરદીઓએ પોતાના અનુભવો તેમને લખી આપ્યા હોય તેની જાડી ફાઈલ આજે પણ ઉપલબ્ધ છે. નાનપણથી યોગાસન કરતા. લંડનમાં યોગગુરુ બી.કે આયંગરનો પરિચય થયો અને તેમની પાસે પણ જ્ઞાન લીધું. તેઓ નિયમિત કસરત અને યોગાસન કરતા.
તેમના કાવ્ય સંગ્રહ ‘હ્રદય ગંગા’ વિષે આખો લેખ કરવો પડે. ગુજરાતીમાં તે લખવા માટે મુંબઈથી કલીગ્રાફર અચ્યુત પાલવને બોલાવી પોતાના ઘરે રાખી કવિતા લખાવી. બધી કવિતાના ફોન્ટ જુદા. દરેક કવિતા સાથે તેને અનુરૂપ ચિત્ર કે તસ્વીર શોધીને ચાર રંગમાં છપાવી. સામેનાં પાને નવ ભાષા – હિન્દી, મરાઠી, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનીશ, રશિયન અને એસ્પરેન્તો–માં અનુવાદ જોવા મળે. આ સંગ્રહને શિવ મંગલ સિહ ‘સુમન'નો આવકાર મળ્યો. તેમણે તેની 5000 પ્રતો પ્રકાશન અગાઉ જ વેચી. 2016માં પુણેના તેમના ચાહક અને માંઈર મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમ.આઈ.ટી.)નાં રાહુલ કરાડે તેની બીજી આવૃત્તિ પ્રગટ કરી. એક કાવ્ય સંગ્રહ પ્રગટ થાય તે પછી ૨૫ વર્ષે, તેની પુન:આવૃત્તિ થાય તે મોટી ઘટના કહેવાય. ‘હું’, ‘ઝરમર', ‘વૈખારીનો નાદ’, ‘ગીત મંજરી’ તેમના અન્ય કાવ્ય સંગ્રહો છે. ‘ગીત મંજરી' તેમના હિન્દી ગીતોનો સંગ્રહ છે. 'હૃદય ગંગા’નાં કાવ્યોના બંગાળી અનુવાદનો સંગ્રહ પણ પ્રગટ થયો છે.
તેમનાં અનેક ગીતો સ્વરબદ્ધ થયાં છે જેની સી.ડી. ઉપલબ્ધ છે. તેમનાં ગીતોના સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાય, કર્ણિક શાહ, મુકુન્દ પંડ્યા, જયદેવ ભોજક વગેરેએ કર્યા છે જેને જાણીતા ગાયક-ગાયિકાઓએ સ્વર આપ્યો છે.
2002માં ‘મંદિર’ બંધ કરવું પડ્યું. પત્ની ઉષાબહેનની સારવાર માટે ભારત આવ્યા અને 2003માં ઉષાબહેનનું અવસાન થતાં, તેમણે વડોદરા વસવાનું નક્કી કર્યું. ત્યાં પણ તેમણે બૈજુ બાવરા તાનારીરી હોલ બનાવી સંગીતની મહેફિલ શરૂ કરી. 2015માં વડોદરા છોડી કરમસદ જઈ વસ્યા અને ત્યાં પણ સુંદર હોલ બનાવી પ્રવૃત્તિ ચાલુ રાખી.
છેલ્લા એકાદ વર્ષથી, તેઓ નવો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની તૈયારીમાં પડ્યા હતા અને કોરોનાની બીમારી દરમિયાન પણ એ માટે પ્રવાસ કરવાનું સાહસ કરતા ખચકાતા નહીં. આ સંગ્રહનું નામ તેમણે આપ્યું “આનંદ ગંગા”. તેમાં પોતાનાં ૬૦ કાવ્યો સમાવ્યાં. આ દરેક કવિતા સાથે તેના જેવા ભાવ ધરાવતી અન્ય કવિની રચના મૂકી. આ તમામ ૧૨૦ રચનાઓનું ગુજરાતી અને હિંદીમાં રસદર્શ્ન મુક્યું. ૬૦ કવિઓનો પરિચય અને તસ્વીર કે ચિત્ર પણ ઉમેર્યાં. એનું ચતુરંગી મુખપૃષ્ઠ પણ તૈયાર કરાવ્યું. તે માટે નડિયાદ સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ પાસે શુભેચ્છા સંદેશ લખાવ્યો. અન્ય કવિઓમાં સંત જ્ઞાનેશ્વર, કબીરજી, નરસિંહ મહેતા, મીરાંબાઇ, સૂરદાસજી, તુલસીદાસ, તોરલ, કવિ ભાણ, મુક્તાનંદ, મોરાર સાહેબ, આનંદઘન, પ્રીતમ, ધીરા ભગત, નિષ્કુળાનંદ જેવાં સંત કવિઓનાં ભજનો તો ગાંધીયુગના નરસિંહરાવ દીવેટિયા, કવિ ન્હાનાલાલ, ટાગોર, મેઘાણી, સુંદરજી બેટાઇ, રા.વી. પાઠક, કરસનદાસ માણેક, સ્નેહરશ્મિ, વેણીભાઇ પુરોહિત, પ્રજારામ રાવળ, સુંદરમ્, ઉમાશંકર, મકરંદ દવે, મીનપિયાસી, ધીરુ પરીખ, ઉશનસ્થી લઇ રાવજી પટેલ, રમેશ પારેખ, રાજેંદ્ર શુક્લ, સુંદરમ ટેલર અને વીરંચી ત્રિવેદી સુધીના કવિઓની રચના સામેલ કરી છે. કાવ્યોની પસંદગીમાં અને રસદર્શન લખવામાં તેમને વડોદરાના તેમના મિત્રો સુંદરમ ટેલર અને વીરંચી ત્રિવેદીએ સહાય કરી. સંગ્રહ માટે બળવંત જાનીએ પ્રસ્તાવના લખી. બળવંતભાઈએ રમેશભાઈના અવસાન બાદ શોક વ્યકત કરવા મારી સાથે ફોન પર વાત કરી, ત્યારે તેમણે જણાવ્યું કે રમેશભાઈનું કામ હતું એટલે બહુ મહેનત કરી, ૨૮ પાનાં જેટલી લાંબી પ્રસ્તાવના તેમણે તૈયાર કરી હતી. આ સંગ્રહના વિમોચન માટેના કાર્યક્રમની યોજના પણ તેમના મનમાં હતી. તેમાં પ્રભાતદેવ ભોજક, ગિરિરાજ ભોજક, માયા દીપક વગેરે ગાયકોએ કઇ કૃતિ રજૂ કરવી, તેની ફાળવણી કરી તેમને તે માટે તૈયારી કરવા સૂચના આપી હતી. કાર્યક્રમમાં આ સૌને પોંખવા માટે સ્મરણિકાઓની ડિઝાઇન એમણે વિદ્યાનગરના કલાકાર અજીત પટેલ પાસે તૈયાર કરાવી, તેનો ઓર્ડર પણ આપી દીધો હતો અને તે પ્લેક તૈયાર થઇને પણ આવી ગઈ હતી.
આ ઉપરાંત “સોનેરી વાંસળી” નામના બીજા એક સંગ્રહની પણ તેઓ તૈયારી કરતા હતા જેમાં તેઓ પોતાના કૃષ્ણ ભક્તિનાં કાવ્યો જ સમાવવાના હતા, અને તે કામ શરૂ કરી દીધું હતું.
તેમણે પોતાની આત્મકથા પણ તૈયાર કરીને રમેશ તન્નાને સંપાદનનું કામ સોંપ્યું હતું, પણ એ પણ અધૂરું રહ્યું. એમના જીવન પ્રસંગો વાંચતાં ખ્યાલ આવે છે કે બાળપણથી તેઓ કેટલા ઉત્સાહી હતા અને કેવા કેવા અનુભવોમાંથી પસાર થઇને ઘડાયા હતા.
ખાસ કરીને તેમનો સંગીતનો શોખ અને સમજ કઇ રીતે વિકસી તેનો એક કિસ્સો એવો છે કે મેટિૃક પાસ કર્યા બાદ, તેમને પિતાજીએ બર્મા આવી જવા કહ્યું. તે માટે કલકત્તા જઈ વીઝા લેવા પડે, અને સ્ટીમરની ટિકિટ ખરીદવી પડે. તે માટે તેઓ ત્યાં એક ગુજરાતી ચાના વેપારીને ત્યાં રહ્યા. વીઝા મેળવવામાં ઘણા દિવસ (કદાચ મહિના) લાગ્યા. તે દરમિયાન એ વેપારીના ઘરે માસ્ટર વસંત આવીને રોકાયા અને રમેશભાઈ તેમની સાથે તેમનું હાર્મોનિયમ ઊંચકીને બધે જતા અને ફરતા તેમાં તેમને સંગીતનું જ્ઞાન મળ્યું અને ચસકો પણ લાગ્યો.
આ બધાં કામ અધૂરાં મૂકી, અચાનક જ તેમને તેડું આવી ગયું અને તેઓ ચાલી નીક્ળ્યા.
‘કુમાર’ના ડિસેમ્બર 2018ના અંકમાં નટુ પરીખે તેમનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. ઓગષ્ટ, 2021માં મગજને લોહી પહોચાડતી ધોરી નસમાં બ્લોક હોવાનું નિદાન થયું, તે માટે સર્જરી કરાવી પણ સર્જરી બાદ થોડા દિવસે બેભાનાવસ્થામાં સરી પડ્યા અને તે અવસ્થામાં દોઢ મહિનો રહ્યા બાદ તેઓ અનંતની સફરે ચાલી નીકળ્યા. અનેકવિધ પ્રવૃત્તિઓ ભરેલા તેમના જીવનનો ટૂંકમાં પરિચય પામવાનું અઘરું છે. દીકરા કલ્પેશ, નાના ભાઈ-ભત્રીજા અને બહોળા મિત્રવર્તુળને તેઓ પાછળ મૂકી ગયા છે.
પોતાની સર્જન પ્રક્રિયા વિષે એમણે લખ્યું કે, ‘કોઈ મારામાં નિરંતર ગાયા કરે છે અને હું તેને કાગળ પર ઉતારી લઉં છું.’
કેટલાં હ્રદયો મહી મેં ઘર કર્યું છે જોઈ લો
જ્યાં જ્યાં હતા દ્વાર ખુલ્લા ત્યાં પ્રવેશ્યો દોસ્તો
૦ ૦
એક દિન હંસો અમારો આભમાં ઉડી જશે
પ્રણય કેરા દેવળો યુગ યુગ ઊભા છે દોસ્તો !!!
Email: jagdish.jb@gmail.com
[લેખક રમેશ પટેલના નાના ભાઈ છે]
પ્રગટ : “કુમાર”, ફેબ્રુઆરી 2022; ‘માધુકરી’, પૃ. 58-60 – સુધારેલી, વધારેલી આવૃત્તિ