ધીરુબહેન પટેલ — આ નામના ઉચ્ચારણ સાથે મન નવપલ્લવિત બની જાય છે અને હાથપગ થનગનાટ અનુભવતા જાય છે. આ વ્યક્તિત્વ એટલે સતત સ્મિત વેરતું, કાળજી-સંભાળ લેતું એક જાજરમાન માણસ. આ સજ્જન વ્યક્તિત્વે જાણે કે અનેક વિશ્વઅનુભવોને ગૂંજે ભરી રાખ્યા હોય; દરેક પગલે, જે કોઈ કામ હાથ લીધું હોય તેમાં ઊર્ધ્વગામી સોપાન સર થયાનું નરવું ચિત્ર ઊપસતું જ ભાળીએ. નવલકથાલેખન હોય, ફિલ્મ માટેનાં સંવાદ લખવાનાં હોય, નાટકો લખવાનાં હોય, ગાંધી વિચારનાં મશાલચી બનવાનું હોય, અનુવાદ કરવાનો હોય; પરંતુ આ જીવે આ અને આવાં અનેક ક્ષેત્રે મજબૂતાઇએ સોપાન સર કર્યાં જ હોય. આ દરેક ઉપરાંત, એમની અગાઢ ખિલવણી તો માતૃભાષા ગુજરાતીની ખેવનામાં અને તે વાણી રાણીનાં વકીલ બનીને ઝઝૂમતા રહેવામાં રહેતી હતી. એમણે ગુજરાતીને પોષણ આપ્યું છે, તેના પ્રસારપ્રચારનાં કાર્યોંમાં અગ્રદૂત બની જવાનું જોયું છે. ટૂંકમાં, પોતાના હરેક કામ વાટે ગુજરાતીના વિકાસને સારુ એમણે આપ્યાં તમામ કામો દેદીપ્યમાન રહ્યાં છે.
અમારે મન, ધીરુબહેનની અમાપ સેવા ગુજરાતીલેક્સિકૉનના વિકાસમાં તેમ જ ભગવદ્દગોમંડળ સંપુટના ડિજિટલ અવતારમાં પારાવાર ખીલતી રહી છે. દરેક સ્તરે એમની હૂંફ, એમનું માર્ગદર્શન તથા એમની સક્રિય દરમિયાનગીરીને કારણે આ સમૂળું કામ સભર સભર બની ગયું છે.
ગુજરાતી ભાષા પ્રતિના પ્રેમને કારણે ધીરુબહેન ભણી સતતપણે હું ખેંચાતો રહ્યો.
ઈસ્વીસન 2004ની એ સાલ હતી. ગુજરાતી લેક્સિકૉનના રચયિતા રતિલાલ ચંદરિયાએ મને ખોળી કાઢ્યો. એમણે કરેલા મહાકાય કામમાં ભાષાનાં સઘળાં પાસાંઓ આમેજ છે કે નહીં તે તપાસી જોવાનો મને એમણે આદેશ કરેલો. ગુજરાતીલેક્સિકૉન કાર્યક્ષેત્રને સારુ જૂથ ઊભું કરવાને માટે એમણે અમને જોતરી દીધેલા. જુવાનીનું જોમ, હણહણતું યૌવન, તેમ જ ન્યોછાવરીને લીધે અમે સૌ એમાં જાણે કે મચી પડ્યા. આ દિવસોમાં રતિભાઈએ (રતિકાકાએ) વિપુલ કલ્યાણી જોડે મારો ભેટો કરાવ્યો. વિપુલભાઈ વરસો જૂના રતિકાકાના વિશ્વાસુ સાથીદાર અને મુખ્ય પ્રેરક રહ્યા છે. આરંભના સમયગાળ વેળા લંડન ખાતે એ આ યજ્ઞમાં કાકાના સાથીદાર રહેલા તથા આ કામને સારુ કાકાને સહાયક બની રહ્યા હતા. આમ વિપુલભાઈ અમને વિલે પારલે ખાતે મળ્યા. અમારી અવિરત બેઠકો થઈ. રતિકાકાનાં સપનાં અંગે એમણે અમને તલસ્પર્શીપણે માહિતગાર કર્યા. અહીં સુધીનાં કાકાએ આદર્યાં કામની જાણકારી આપી. અમે સૌ આ કામનાં ઊંડાણને તાગી શક્યા છીએ કે નહીં તેમ જ આ મહાભારત કામની ધૂંસરી વહી શકીએ છીએ કે નહીં તે ય સાથેસાથે તપાસતા જતા હતા. અને પછી તો અમે સૌ આ પ્રકલ્પને વ્યવહારમાં લાવવાને સારુ મચી પડ્યા. છેલ્લામાં છેલ્લી ઇન્ટરનેટ ટેકનોલોજીને આપણા વારસાને ઉજાગર કરવાને મથતા આ કામને સારુ કાર્યાન્વિત કરવાની મને તાલાવેલી. આમ અમે ગુજરાતીલેક્સિકૉનને ઇન્ટરનેટ પર સ્થાપિત કરવાનો મનસૂબો રાખ્યો.
અમારો ઉત્સાહ અપ્રતિમ હતો. અમે પ્રગતિ સાધવાને સારુ ઝંપલાવ્યું હતું ને. અને પછી આ મહાકાય પ્રકલ્પના લોકાર્પણની બાબત સામે આવીને ખડી રહી ગઈ હતી. મેં તેને સારુ નકશો બનાવી કાઢેલો. તેમાં વિપુલભાઈ ઉપરાંત ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ તેમ જ મનસુખભાઈ શાહની સક્રિય સહાયતા ઉમેરાયા કરી. આ લોકાર્પણને સારુ રતિકાકા અતિથિ વિશેષની શોધમાં હતા. અને વિપુલભાઈએ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના તત્કાલીન પ્રમુખ ધીરુબહેન પટેલનું નામ સૂચવ્યું. અમારે સૌને માટે તે વેળા સરેરાશ અજાણ્યું નામ. અમે ચોતરફી વિચારણા કર્યા કરી અને છેવટે એ સૂચનને વળગી રહ્યા. આજે વિચારું છું તો સમજાય છે કે એ કેટલું ઉમદા અને મજબૂત સૂચન હતું ! વિપુલભાઈને ધીરુબહેનનો પરિચય; તેથીસ્તો એમણે રતિકાકા તથા અમારી જોડે ધીરુબહેનની મુલાકાત ગોઠવી આપી. અમે અમારાં સપનાંની તંતોતંત વાત એમની સામે મૂકી. ધીરુબહેન તો રાજીરાજી થઈ ગયેલાં. એમણે લોકાર્પણ કરવા માટે અમારી લાગણીનો સહર્ષ સ્વીકાર કર્યો અને સમયોચિત અતિથિ વક્તવ્ય આપવાની વાતને મંજૂર રાખી.
અમે પછી અમે સતત મળતાં રહ્યાં. જેમ જેમ લોકાર્પણનો અવસર નજીક આવતો ગયો તેમ તેમ અમારું અરસપરસ હળવું-મળવું વિસ્તરતું જ ગયું. રતિકાકાના નિવાસસ્થાન ‘સુધાકર’માં તેમ જ ધીરુબહેનનાં નિવાસસ્થાન, ‘હંસરાહ વાડી’ ખાતે અમારી બુદ્ધિશક્તિનું વલોણું સતત ફર્યાં કરતું. કેટલીક વાર વિપુલભાઈ પણ અમારી સાથે ચર્ચાવિચારમાં સામેલ રહેતા. આ બધી મુલાકાતો મારે માટે કેળવણીની અમૂલ્ય ખાણ બની રહી છે. આ બેઠકોમાં ચાની પ્યાલીઓ જોડે નિતનવા નાસ્તાઓ અને ક્યારેક ગોકુલ આઈસક્રીમ આરોગતાં આરોગતાં જે રજૂઆતો થતી, પ્રાસંગિક બયાનો થતાં અને અનુભવોની લ્હાણ કરાતી તે મારે માટે ઉત્તમ કેળવણીનો પુંજ હતો. ધીરુબહેનનાં પાયાગત મૂલ્યો તથા આદર્શો મારે માટે જાણે કે જીવતાં જાગતાં ‘ગીતા પ્રવચનો’ હોય તેમ જડાઈને રહ્યાં.
ધીરુબહેન, આમ, અમારાં કામનાં અત્યન્ત ઉત્સુક ટેકેદાર સ્થાપિત થયાં. આ પ્રકલ્પને ચરિતાર્થ કરવાના ભગીરથ કામમાં એ પરોવાયેલાં રહ્યાં. એમના મનમાં એક વાત દીવા જેવી સ્પષ્ટ હતી : આ પ્રકલ્પ ગુજરાતી ભાષાને સારુ અગત્યનું ઓજાર બનવાનો હતો. ગુજરાતી ભાષાની જાળવણી સારુ રતિલાલ ચંદરિયા અને અને આ યુવાનો સક્રિયપણે સમર્પિત છે તેની એમને પાકી ખાતરી થઈને રહી. એમને ય થતું હતું કે આ પ્રકલ્પમાં એ ય પૂરેવચ્ચ જોડાયેલાં છે. આમ સૌ કોઈએ આ પ્રકલ્પને સહાય કરવી જોઈએ અને અ મંડળીનો સતત આભાર માનવો જોઈએ એવી લાગણી એમને રહેતી હતી.
જેમ જેમ ગુજરાતી લેક્સિકૉનના લોકાર્પણ માટેનાં વાર-તારીખ નજીક ને નજીક આવતાં ગયાં, તેમ તેમ હું વધુ ને વધુ કામોમાં ખૂંપતો જતો હતો. પ્રચાર-પ્રસારનાં કામો, લોકાર્પણ માટેનાં સાધનો તેમ જ અવસરની ગોઠવણ-વ્યવસ્થાનાં કામોએ મને પોતાપણામાં ગૂંથી મેલ્યો. રોજેરોજ અમે વીસેક કલાક આ કામમાં જ પરોવાયેલા રહેતા. ધીરુબહેન વચ્ચે વચ્ચે ફોન કરીને પડપૂછ કરતાં અને અમને હૂંફ આપ્યાં કરતાં. વળી, માની કાળજીભરી હૂંફ જાણે કે અમે મેળવતાં ન હોય તેમ તે કહ્યાં ય કરતાં : ‘ચિંતા ન કરશો બધું જ સરસ થઈને રહેશે. તમે સૌ સંભાળ લેજો, સાંચવજો.’
અને છેવટે, એ નિયત સમય આવી લાગ્યો. જાણે કે ઘડિયો જ અવસર. ગુજરાતલેક્સિકૉન પ્રકલ્પે ચોમેર ગુંજારવ ખડો કરી મેલ્યો. લોકાપર્ણ કરવા સારુ કહેવાતી બડી મોટી હસ્તીઓને સામેલ કરવાની સૂચનાઓ થતી આવી. પરંતુ રતિકાકા પૂરા સ્પષ્ટ-મત હતા : ‘આ પ્રકલ્પનું લોકાર્પણ તો એક માત્ર ધીરુબહેન પટેલ જ કરશે.’ દરેક ક્ષેત્રના અગ્રેસરો અવસરે હાજર હતા; થોડાક દાખલાઓ જોઈએ, એચ.ડી.એફ.સી.ના તત્કાલીન અધ્યક્ષ દીપકભાઈ પારેખ, પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ વીરેનભાઈ શાહ, કોટક ગ્રૂપના સુરેશભાઈ કોટક, વગેરે. અવસર પહેલાં અમે એક અગત્યના રાજકારણી આગેવાનને ય મળ્યા હતા અને એમનો ય ટેકો મેળવ્યો હતો. ધીરુબહેન પટેલે ગુજરાતીલેક્સિકૉનનું આમ 13 જાન્યુઆરી 2006ના જાહેર લોકાર્પણ કર્યું અને આ પ્રકલ્પને જગતને અર્પિત જાહેર કર્યો.
તે અવસરે ધીરુબહેન પટેલનું વક્તવ્ય એક સીમાસ્થંભ સમું રહ્યું. વિચક્ષણ અને સ્વપ્નદૃષ્ટા હોવાને કારણે એમને આ નવી ટેકનોલોજીનાં મહત્ત્વને પામવાને સારુ વાર લગીર ન લાગી. વિદેશે વસતાં ગુજરાતીઓ તેમ જ ભારતમાંના નગરજીવન વચ્ચે રહેનારા અસંખ્ય ગુજરાતીઓની ભાવિ પેઢીને માટે આ ટેકનોલોજીનો કેવો જબ્બર ઉપયોગ હશે તે પામતાં એમને વાર નહોતી લાગી. ગુજરાતી ભાષા પ્રત્યેના અગાધ લગાવ અને સ્નેહને કારણે એમનું વક્તવ્ય અનેકોને પ્રોત્સાહિત કરતું હતું. આપણા જાણીતા સાહિત્યકાર સુરેશ દલાલ તો કહેતા હતા, જગત ભરમાં પથરાઈ ગુજરાતી જમાતને ખૂણેખૂણે આ વક્તવ્યની નકલ પહોંચવી જરૂરી છે. અને તેમ કરવાની આપણા દરેકની ફરજ બને છે.
રતિકાકાનું સપનું આ ગુજરાતીલેક્સિકૉન પ્રકલ્પ વાટે હવે સાકાર થતું હતું. અમને દેખાતું હતું કે ચોમેર લોકો ગુજરાતીલેક્સિકૉન સારુ રાહ જોઈને બેઠા હતા. ઈન્ટરનેટ તથા કોઈક પ્રકારની અગમ્ય શુભ કામનાઓને પરિણામે ગુજરાતી લેક્સિકૉન હવે ભારતનું સૌથી ભાષાકીય પોર્ટલ તરીકેનું સ્થાન શોભાવતું હતું. અમારું જૂથ સમય સમયે નવાં નવાં, વિધ વિધ, વિશિષ્ટો અંગો ઊમેરતું હતું. ધીરુબહેન, વિપુલભાઈ, ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ આ સઘળી વિચારબદ્ધ યોજનાઓમાં સક્રિયપણે સામેલ હતાં. અસંખ્ય પારિતોષિકો તેમ જ અમાપ પ્રશસ્તિઓ વચ્ચે ગુજરાતી જમાતમાં ઉપરતળે આની જે અસર ઊભી થઈ હતી તેથી કોઈ મોટું પારિતોષિક હોઈ શકે તેમ અમને જણાતું જ નહોતું. વિલાયતસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ વિપુલ કલ્યાણીના “ઓપિનિયન” સામયિક સૌજન્યે ગુજરાતીલેક્સિકૉનનું વળી ડાયસ્પોરાના મહાનગર લંડનમાં જાહેર લોકાર્પણ થયું. રતિલાલ ચંદરિયા અને અશોક કરણિયા ઉપરાંત અવસરે અતિથિ વિશેષ ડૉ. ભીખુ પારેખ, ‘ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ’ના ધીરુભાઈ ઠાકર, ડાયસ્પોરાના જાણીતા પત્રકાર તથા અધ્યાપક પ્યારઅલી એમ. રતનસી, તેમ જ તત્કાલીન અકાદમી પ્રમુખ વલ્લભ નાઢા અવસરે પૂરેવચ્ચ હાજર હતા. આમ જગતને ચોક હવે ગુજરાતીલેક્સિકૉન પ્રસરી ગયું હતું.
ધીરુબહેનને કારણે રતિભાઈ ચંદરિયાનું ગુજરાતીલેક્સિકૉન સપનું સાકર થયું. અને હવે પોરસાઈને અમે એક બીજો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ લીધો. ગૂજરાત વિદ્યાપીઠના ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’નું ડિજિટલાઇઝેશન સમ્પન્ન કર્યું. આ ઉદ્દેશ પાર પડે તે સારુ વિપુલભાઈએ વરસો લગી અથાક મહેનત લીધી હતી. તે મહેનત આખરે ફળી રહી. રતિકાકાની ઉષ્માભરી સતત હૂંફનું જ આ પરિણામ હતું.
હવે લાગતું હતું કે ગુજરાતીલેક્સિકૉન નામે હણહણતો ઘોડો દરેક ગુજરાતીનાં હૃદયે અને કમ્પયુટરે થનગનતો હતો. પરંતુ ન રતિકાકા, ન ધીરુબહેન, કે પછી ન તો હું પલોંઠ મારી પ્રશસ્તિના ઓડકાર ખાતાં બેસી રહ્યાં હતાં. ગુજરાતીલેક્સિકૉનની સફળતા બાદ, અમે આથી ય એક મોટા લક્ષ્યબિંદુ ભણી નજર ટેકવી હતી. રતિકાકાને વરસોથી લાગ્યા કરતું હતું કે ભગવદ્દગોમંડળને આમ જનતાની વચ્ચે મૂકી દેવું છે. ભગવદ્દગોમંડળ એટલે ગુજરાતી ભાષાની મહાન સાંસ્કૃતિક ઘટના. ગુજરાતીઓનાં એ એક વિશાળકાય કાર્ય અને મહામૂલી વિરાસત. ગોંડલના દૂરંદેશ રાજવી ભગવતસિંહજીએ છવ્વીસ વરસોનાં તપને ઓવારે આપણી જમાતને ધરેલું ભવ્યતાતીત ભવ્ય કામ. આ સર્વજ્ઞાનસંગ્રહકોશમાં 2.81 લાખથી વધુ શબ્દો આમેજ કરાયા છે. તેમાં 8.22 લાખ અર્થ અપાયા છે. અને વળી કુલ મળીને 9,200 પૃષ્ટોનો આ સંપુટ છે. આમ અમે કંઈક વિશેષપણે ભગીરથ કામ હાથ ધરવાનું ગોઠવતા હતા.
અને પછી, ધીરુબહેન મચી રહ્યાં. પરિણામે અમારા એ મશાલધારી આગેવાન બની ગયાં. ગોંડલ સુધરાઈની કચેરીની મુલાકાત લેવા અમે સાથે ગોંડલ જવા નીકળી પડ્યાં. કૉપીરાઇટના ધણીધોરી સુધરાઈ હતી અને અમે રજા મંજૂરી મેળવીને જંપ્યાં. આ પ્રવાસમાં અમે મકરન્દભાઈ દવેને મળવાને ભાગ્યશાળી ય થયાં.
પરિણામે સન 2008 દરમિયાન 18 ઍપ્રિલના દિવસે ભગવદ્દગોમંડળનું ડિજિટલાઇઝેશન કરવાનું આદર કર્યું. એ શુભ દિવસ મહાવીર જયંતીનો ય હતો. આ સમૂળા પ્રકલ્પનાં આગેવાન મશાલચી ધીરુબહેન પટેલ હતાં. એમણે લાગતીવળગતી અગત્યની વ્યક્તિઓ જોડે સંપર્ક કરવાનું રાખેલું. તેમાં ભાષાશાસ્ત્રી કીર્તિદાબહેન શાહનો ય સમાવેશ હતો. વળી, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના સમર્થ જાણકારો અને અમારા જૂથ જોડે તો અલબત્ત એ સંકળાયેલા જ રહ્યાં. કેટકેટલી વખત અમે વારસાગત જટિલતાઓને કારણે કે પછી ભાષા તજ્જ્ઞોના સહકારના અભાવને કારણે અટવાઈ જતાં. ધીરુબહેન તરત અમારી વહારે ધાતાં. જરૂરી હોય ત્યાં ફોનસંપર્ક કરી લેતાં અને પરિણામે ગુજરાતી ભાષાશાસ્ત્રીઓનો ટેકોસહાય ય મેળવીને જંપતાં. આમ અમારી પ્રવૃત્તિ વણથંભી આગળ ધપતી રહી. ભગવદ્દગોમંડળ અંગેની સમગ્ર પ્રવૃત્તિમાં એ સતત સંકળાયેલાં રહ્યાં. અમારા રોજબરોજના સવાલોના ઊકેલ મેળવી દેતાં. અમને હૂંફટેકો દેતાં રહેતાં. નતનવા વિચારો ય અમારી ગૂંજે ભરી દેતાં. ટૂંકમાં સદાય અમારામાં ઉત્સાહ પ્રેર્યાં કરતાં. દરેક વેળા અમે મૂંઝવણમાં હોઈએ કે તરત ધીરુબહેન હસતાં હસતાં કહેતાં : ‘થઈ જશે’. અને એમ જ થતું. આમ વિશ્વાસનું ભાથું એ બંધાવીને જ રહેતાં. જાદુઈ ચિરાગ હોય તેમ આખરે પરિણામ જોવા મળ્યું !
રતિકાકાને ચિંતા રહેતી : એ ધીરુબહેનને કહેતા કે પોતાની આવરદામાં આ પ્રકલ્પનું કામ સમ્પન્ન થશે તેની એમને કોઈ ખતરી નથી. ધીરુબહેન એમને વિશ્વાસ બંધાવતાં અને કહેતાં, પોતે ખુદ બધી તાકાત લગાવશે અને રતિકાકાની આવરદામાં જ તે સફળતા બક્ષશે. ધીરુબહેન તો જીવનકાર્યનાં અડીખમ મશાલચી હતાં ને. ભાષા સંબંધી અમારા અનેક કોયડાઓનો તથા પડકારોનો ઊકેલ કાઢીને જ રહ્યાં. મને અને મારાં જૂથ-સાથીદારોને ટેકનોલોજી પર જ ધ્યાન આપવાનું સૂચવ્યાં કરતાં.
ભગવદ્દગોમંડળના અવતરણને 26 વરસ લાગેલાં, પરંતુ આવા આવા હૂંફટેકાને કારણે અમે ફક્ત બાર મહિનાની અંદર જ આ ડિજિટલાઇઝેશનનનું ભગીરથ કામ પાર પાડી શક્યા હતા. હા, માત્ર એક વરસથી ય એ ઓછો સમયગાળો ! આ ખુદ એક વિક્રમ હતો. અત્યન્ત શિસ્તભર્યાં વાતાવરણમાં આ પ્રકલ્પનું કામ હાથ ધરાયું હતું. ત્રણ ત્રણ જૂથમાં સમાન્તરે આ ગંજાવર કામ હાથ ધરાયેલું હોઈ કોઈ ભૂલથાપ વગરનું આ કામ અમે પરિપૂર્ણ કરી શક્યાં હતાં.
ધીરુબહેને રામનવમીના સપરમા દિવસે, 03 ઍપ્રિલ 2009ના દિવસે આ ભગવદ્દગોમંડળની ડિજિટલ આવૃત્તિને જાહેરમાં લોકાર્પિત કરી. ભગવદ્દગોમંડળની ડિજિટલ આવૃત્તિએ સફળતાના અનેક દરવાજા ઉઘાડી આપ્યા અને અમારો વ્યાપ અનેકગણો વધારી દીધો. છએક માસમાં તો, ભગવદ્દગોમંડળની મૂળ મુદ્રિત આવૃત્તિની સરખામણીએ ક્યાંય વિશેષ સંખ્યાએ તેનો સધિયારો લીધો. આટલું કમ હોય તેમ અમારા આ ભગવદ્દગોમંડળની ડિજિટલ આવૃત્તિને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાની ફેડરસ સરકારની ‘લાઇબ્રેરી ઑવ્ કાઁગ્રેસ’ની સૂચિમાં તેનું સ્થાન નિશ્ચિતપણે અંકિત કરાયાનું જાણ્યું. હવે ફરી વખત ભગવદ્દગોમંડળનો દબદબો જામતો હતો અને તેની લોકભોગ્યતા પણ વધવધ થયા કરતી. ગોંડલના રાજવી ભગવતસિંહજી આમ પોતાની વારસાઈ મૂડી નવોદિત પેઢી સુધી પહોંચતી જોઈને સંતોષ લેતા હશે !
ભગવદ્દગોમંડળના ઉત્તર લોકાર્પણ ગાળામાં મારે કલ્પનાતીત પ્રૉફેશનલ ઊબડખાબડ પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો. ધીરુબહેને મને અમદાવાદ છોડી જવાની સલાહ આપી અને મુંબઈ જઈને એમ.એન.સી.માં નોકરી કરવાને સમજાવ્યો. મારે સારુ જરૂરી સિફારસ પણ કરવાને સારુ એમણે તૈયારી બતાવી. મૂંઝવણભર્યા તથા તાણના તેમ જ અંધાધૂંધીના આ સમૂળા સમયગાળા દરમિયાન, એ મારી અડખેપડખે જ હતાં અને મને હૂંફ આપ્યાં કરતાં. એમની સહાયને કારણે મારો વિશ્વાસ ફેર બંધાયો અને ફરી વાર જોતરાઈ જવાને સારુ કટિબદ્ધ થયો.
ધીરુબહેન, કાકા, વિપુલભાઈ, ઉત્તમકાકા અને ગુજરાતીલેક્સિકૉન જૂથસભ્યોએ એક સાથે અનેક કામો હાથ ધર્યાં અને ભાષાનાં કામોમાં આગળ ધપતાં રહ્યાં. લોક કોષ, રમતગમત, મોબાઇલ ઍપ્સ તો તેના માત્ર થોડાક દાખલાઓ છે. ધીરુબહેનને ગાંધીજી માટે ખાસ આકર્ષણ હતું. અમે અમારા આ ગમતીલા પ્રકલપ સારુ વખત વખત પર વિચારવિમર્શ કરતાં રહેતાં. એ અમારું અધૂરું સપનું છે. અમને અત્યન્ત સમૃદ્ધ ‘ગાંધી હેરિટેજ પોર્ટલ’ની રચના કરવાના ઓરતા હતા. આને સારુ અમે ઍપ્રિલ 2011 વેળા સાબરમતી આશ્રમ પ્રિઝરવેશન ઍન્ડ મેમોરિયલ ટૃ્સ્ટ સમક્ષ એક અધિકૃત સૂચિત રજૂઆત પણ કરી રાખી હતી. પરંતુ તેનું કોઈ પરિણામ આજ આવ્યું નહીં.
ધીરુબહેન પટેલના સમગ્ર સાહિત્યને ડિજિટલાઇઝ્ડ કરીને ગુજરાતી લેક્સિકૉન પોર્ટલ પર કાયમી સ્થાન આપવાના મને મનોરથ હતા. આને સારુ હું 2012માં એમને મળવા ય ગયો હતો. પૂરતી ધીરજ સાથે એમણે મને સાંભળ્યો હતો. અને પછી કહે, આ સરસ યોજના છે. પરંતુ પ્રકાશકોની આવકમાં આથી ઘટાડો આવશે. માટે તેને ટાળીએ. આ સન્નારીની કેવી તે આ ઊંચાઈ ! આ તે કેવું ઉદ્દાત તાદાતમ્ય !
મારી લંડન ખાતે બદલી થઈ ત્યાં લગી હું એમને મુંબઈ અને અમદાવાદમાં નિયમિતપણે મળ્યા કરતો. અમારું અરસપરસ મળવાનું ઘટ્યું જરૂર હતું, પરંતુ મૈત્રી અને દેવળ ગુજરાતીલેક્સિકૉન વતી સંગાથે કામ કરતાં જ હતાં. ધીરુબહેન અમને પોરસાવ્યાં કરતાં અને લેખકોને પ્રોત્સાહિક કરતાં રહેતાં કે જેથી બાળલેખન મળ્યાં કરે. બાળ હરીફાઈની યોજના એ એમની દેણ હતી. અને તેથી તો એ મૈત્રીને અને સાથીદારોને સતત સક્રિય સહાય કરતાં રહેતાં. રતિલાલ પ્રેમચંદ ચંદરિયા સ્મારક [RPC Memorial] અવસરે ગુજરાતી ભાષાને ક્ષેત્રે જેમણે જીવનભરનું યોગદાન આપ્યું છે તેનું ઉચિત સન્માન કરવાનું અમે વિચારતા હતાં. વ્યક્તિ અને સંસ્થા – જેમણે પાયાનું કરી જાણ્યું હોય તેમને આમાં સામેલ રાખવાનું વિચારતા હતાં. ધીરુબહેને સહસા ‘ગુજરાતી વિચાર મંચ’નું નામ સૂચવી દીધું.
લંડનથી હું પાછો ફર્યો ત્યાં સુધીમાં તો ધીરુબહેને અમદાવાદમાં વસવાટ કરવાનું શરૂ કરી દીધું હતું અને ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ જોડે સક્રિયપણે કામ કરવાનું ય શરૂ દીધેલું. જાણે કે એ જ એમનું નિવાસસ્થાન બની રહ્યું. અને જાતભાતની નાનીમોટી પ્રવૃત્તિઓમાં ટેકેદાર બની જઈ એ રચ્યાંપચ્યાં રહ્યાં. છેવટે ગુજરાતી લેક્સિકૉન ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ સાથે જોડાઈને રહ્યું તેમાં ય કદાચ એમનો જ અગત્યનો ફાળો હોય તેમ પણ બને. જાણે કે ગુજરાતી ભાષાના ઉત્કર્ષ સારુ આ બન્ને, એમની ગમતીલી સંસ્થાઓને, જોડવાનું અગત્ય એમને લાગ્યું હોય.
ધીરુબહેને મારા જીવનમાં બહુ અગત્યનો નોંધનીય ફાળો આપ્યો છે. લગ્નજીવન, ધંધોધાપો અને તેની ચડઊતરાણ ટૂંકો, નવી રોજગારી, લંડન વસવાટ જેવી અનેક બાબતો વિશે એ મારાં રોજબરોનનાં માર્ગદર્શક બની ગયાં હતાં. એમની આ ડહાપણ ભરેલી સલાહ, હૂંફાળું આદાનપ્રદાન, માવતર શો પ્રેમ તેમ જ અસીમ પરિશુદ્ધ સ્નેહની મને ખોટ સતત હવે લાગ્યા કરવાની છે. એમના જીવન અનુભવો તથા પ્રાસંગિક બયાનો મને જોમવંત રાખતા. એમની માનવતા તથા પ્રેમાળ કાળજીસંભાળનો જોટો મળવો દુર્લભ રહેવાનો છે. હવે એમની હેતાળ વર્ષા છંટકાવ ને હંસરાજ વાડીની મુલાકાતોની ગેરહાજરી મને સતાવ્યા કરવાની છે. એ નિર્વ્યાજ સ્નેહે સતત તરબોળ કરતા રહેતાં. કોઈ પણ જાતના સ્વાર્થ વિના ધ્યેયને સારુ એમનું લક્ષ્યાંક જોવા મળતું તેની ખોટ લાગતી રહેવાની જ છે.
જેમ જેમ વરસો વીતતાં ગયાં, તેમ તેમ અમારી વચ્ચેનો તંતુ મજબૂત બનતો ગયો અને હું તેમ જ મારી પત્ની કોમલ એમની બુદ્ધિમતા તથા સાદગી જોઈને તાજૂબ બની જતાં. અમને એમની વાત સાંભળવી બહુ જ ગમતી. એ અમને પોષણ આપતી. મહાત્મા ગાંધી સાથેનાં અનુસંધાન તથા સ્મરણો એક તરફ, અને બીજી પાસ ફિલ્મ દિગ્દર્શકો જોડેની અરસપરસ મિલન-વાતો અમને તરબતર રાખતાં. કોમલ અને ધીરુબહેન ઘણો સમય સાથે ગાળતાં રહેતાં. અમે આ બધું લાંબા સમયગાળા સુધી સંભાર્યા કરીશું. મારા જીવનમાં એમની આ પધારમણી મારા માટે મહામૂલી મૂડી છે. હું એમની કનેથી ખૂબ લાભ્યો છું. મારે માટે તો ધીરુબહેન એક આધ્યાત્મિક સંત હોય તેવી લાગણી રહ્યા કરી છે.
ધીરુબહેને, એક દા, કાકાને કહેલું, સ્વર્ગ પ્રવેશ માટેની તમારી ટિકિટ પાક્કી છે. હળવાશથી અને સજ્જડ વિશ્વાસ સાથે એમની આ વાત મારા મનમાં જડાઈ ગઈ છે. સ્વર્ગમાં બેઠાં બેઠાં એ બન્ને ગુજરાતી ભાષાના ઉત્કર્ષ સારુ કોઈક યોજના ઘડતાં રહેતાં હશે, તેની મને આથી પાક્કી ખાતરી છે.
એમના આખરી દિવસો દરમિયાન, ગુજરાતી ભાષાના ઉત્કર્ષ સારુ નવી નવી યોજના ઘડવા બાબત મારી સાથે વાત એ કર્યા કરતાં. ધીરુબહેનનો ભાષાપ્રેમ અપ્રતીમ હતો અને એમનો એ વારસો અમે તંતોતંત સાચવી શકીએ તેવી અભ્યર્થના …
(મૂળ અંગ્રેજી સ્મરણાંજલિનું ગુજરાતીકરણ : વિપુલ કલ્યાણી)
[03-04 ઍપ્રિલ 2023]
(2,462 શબ્દો)
પ્રગટ : “વિશ્વવિહાર”; મે – જૂન 2023