માતાના મૃત્યુ પછી છ મહિને કચવાતા મને હેલન તેમનું માળિયું સાફ કરવા ગઈ. ધૂળ ચોટેલા પૂઠાનાં ખોખાંથી ભરેલું, મોટાંમોટાં લાકડાનાં પાટિયાથી બનેલું માળિયું હતું તે કરતાં નાનું લાગતું હતું. જાણે સ્મશાનમાં વેરવિખેર પડેલી ઠાઠડીઓ કરોળિયાનાં જાળાં વચ્ચે જેમતેમ તરછોડાયેલી પડી હોય એવું લાગતું હતું.
“દેખવું નહીં ને દાઝવું નહીં! કેટલું તથ્ય છે આ કહેવતમાં!” હેલને વિચાર્યું. “સમજી શકું છું કે માએ પોતાની પ્રિય વસ્તુઓને ફેંકી દેવાનું આમ જ ટાળ્યું હશે. ખેર, હવે એ બાબત પર અફસોસ કરવા કરતાં લાગી જા કામે, બહેન!” હેલને પોતાને સંબોધતાં વિચાર્યું.
ત્યાં તો તેની નજર ખોખાંની નીચે અડધી દબાઈ ગયેલી એક ઘઉંવર્ણી ચામડાની પેટી પર પડી. તેનો થોડો ભાગ જોઈ શકાતો હતો. હેલને મહેનત કરી તેને એક ભારી ખોખાની નીચેથી ખેંચી કાઢી.
‘’આમાં કંઈક સરસ હોવું જોઈએ!’’ વિચારતાં, આમે ય તેને માળિયાં સાફ કરવાનું કામ ગમતું નહોતું, એટલે બધું પડતું મૂકી હેલન પેટી લઈ નીચે ઊતરી. પેટી કોઈ અમલદારી ફાઈલો મૂકાય એનાથી થોડી મોટી હતી. તેના ચાર ખૂણે સ્ટીલની પટ્ટીઓ હતી. ધ્યાનથી જોતાં લોકની બાજુમાં પિત્તળની એક તકતી પર હેલને કંઈ લખેલું જોયું. કપડાના ટુકડાથી ઘસીને જોયું તો એના પર લખ્યું હતું :
Maria Pereira
26 King Edward’s Road
Hackney
London E9
“હમ્…! પરૈરા! આ તો પોર્ટુગીઝ નામ છે. મને ખબર નહીં કે મારી માનું કોઈ પોર્ટુગીઝ સગું હતું.” હેલનની વિચારમાળા ચાલતી રહી.
હેલન તેની માના વિશાળ દિવાનખાનાના સુંદર સુંવાળા ગાલીચા પર ગોઠવાઈ. ઘરમાં કોઈ હતું નહીં અને તેની સ્મશાનવત શાંતિથી થોડી ખમચાઈને હેલને ધ્રૂજતે હાથે તેના માથાની પીનથી લોક ખોલવાનો પ્રયત્ન કર્યો. પણ વર્ષોથી કટાઈને પડેલા લોકે હેલનની કૂનેહભરી આંગળીઓને સાથ ન આપ્યો. એમ કંઈ નાસીપાસ થવાય? તરત જઈને તેના ડેડીના ટૂલબોક્સમાંથી હેલન લુબ્રીકન્ટ સ્પ્રે લઈ આવી. તેણે લોકના કાણાંમાં સ્પ્રે નાખ્યું અને નાની હથોડી બન્ને લોક પર હળવેથી મારી. તેણે ફરી એકવાર પીન વાપરી જોઈ અને આ વખતે પેટી ખૂલી ગઈ.
“હાશ!” હેલન ખુશ થતાં બોલી.
ટિશ્યુ પેપર જેવા કાગળમાં વીંટેલું કપડાં જેવું કંઈક પેટીમાં ખૂબ ચોક્કસાઈથી ગોઠવેલું હતું. કાગળ થોડો પીળો પડી ગયો હતો. હેલને ખૂબ કાળજીથી કાગળને ખોલ્યો અને કુતૂહલતાથી એમાં પડેલાં કપડાંને થોડીવાર સુધી જોયા કર્યું. ત્રણ કપડાં હતાં. ધીમેથી ત્રણે ય વસ્ત્રોને એણે ગાલીચા પર અલગ અલગ મૂક્યાં. એક હતી કાળી ભરેલી કોર વાળી પાતળા મલમલની સફેદ સૂતરાઉ સાડી. સાડીની ગડી વાળી હતી ત્યાં પીળી લીટીઓ દેખાતી હતી, પણ ક્યાંયથી ફાટેલી નહોતી. બીજી વસ્તુ હતી, જાડા અમેરિકન સૂતરની બનેલી નાળાવાળી સફેદ ઘાઘરી, અને ત્રીજી વસ્તુ હતી કાળું લાંબી બાંય અને ગળા સુધીનાં બટનવાળું પોલકું.
“એક પોર્ટુગીઝ સ્ત્રીએ આ ઇન્ડિયન કપડાં આટલાં જતનથી કેમ સાંચવી રાખ્યાં હશે?” હેલનને કૌતુક થયું. “શું મારીઆ ઇન્ડિયન હોઈ શકે?”
હેલનને એટલી તો ખબર હતી કે પોર્ટુગલનાં લોકો ઉપરાંત ઇન્ડિયાના પશ્ચિમ કિનારે પોર્ટુગીઝ સત્તા હેઠળ આવેલા ગોવાના લોકોએ પણ પોર્ટુગીઝ નામો અપનાવી લીધાં હતાં.
“એટલે કાં તો મારીઆના કુટુંબને ક્રિશ્ચિયન પાદરીએ આ નામ આપ્યું હશે, કાં તો એ કોઈ ગોરા પોર્ટુગીઝ પુરુષને પરણી હશે!” હેલનની વિચારમાળા સતત ચાલતી રહી. આ કોયડો ઉકેલવા માટે હેલન વધુ નિશ્ચિત બની.
હેલનને કોઈએ કહ્યું નહોતું કે એનું કોઈ વંશજ ઇન્ડિયન હતું, પણ હા, એ ઇંગ્લિશ હોવા છતાં પોર્ટુગીઝ લોકોની જેમ કેથોલિક હતી. તો શું મારીઆ એની વડ-નાની હતી? માબાપ તો ગુજરી ગયાં હતાં; નાનો ભાઈ કંઈ જાણતો હોય તેવી શક્યતા નહોતી, તો હવે પૂછવું કોને?
હેલને માળિયામાંથી મળેલી પેટીની વાત તેના પતિ હેરીને કહી, પણ તેણે ખાસ રસ ન બતાડ્યો, પણ જો હેલન ઈચ્છતી હોય તો વધુ શોધખોળ કરે એ એને ઉચિત લાગ્યું.
હવે હેલનને જ્યાં સુધી આ કોયડો ઉકેલાય નહીં ત્યાં સુધી ચેન પડવાનું નહોતું. એ તો ક્રોયડનથી છેક હેકની જઈ 26 King Edward’s Road પર પહોંચી ગઈ. તેના કમનસીબે જ્યાં નંબર ૨૬ હોવો જોઈએ ત્યાં ફ્લેટ્સ બંધાઈ ગયાં હતાં. આટલે દૂર આવ્યા પછી ખાલી હાથે પાછા વળવું હેલનના માનસમાં નહોતું. પૂછપાછ કરતી એ તો પહોંચી હેકનીની સ્થાનિક ઇતિહાસ લાઈબ્રેરી અને મ્યુઝિયમમાં. ત્યાંનો લાઈબ્રેરિયન એટિયેન જોન્સ હેલને ધાર્યા કરતાં વધુ મદદગાર નીવડ્યો.
“26 King Edward’s Road પર હાલ ફ્લેટ્સ છે, પણ પહેલાં ત્યાં શું હતું?” હેલને પૂછ્યું.
“તમે કોઈ ખાસ સાલની વાત કરોછો?”
“મને ખબર નથી પણ મારી મૃત માતાના માળિયામાંથી મને મળેલી આ પેટી પર આ તકતી છે. કોઈ તારીખ હોય તો મને ખબર નથી.” એટિયનને સાથે લાવેલી પેટી દેખાડતાં હેલને કહ્યું.
“અરે, વાહ! પેટી સાથે લાવ્યાં એ બહુ સારું કર્યું.” એટિયન વ્યવસાયિક કુતૂહલતા સાથે સ્મિત કરતાં બોલ્યો.
એટિયને પેટી ઊંધી ઉથલાવીને જોયું તો ચામડાની એક તકતી પર લખેલું હતું : Bears Legend GWH & Co. Ltd. 1920.
હવે હેલનની ઉત્સુકતા વધવા લાગી.
“મારી પાસે ૧૯૨૦ Kelly’s Street Directory છે, એમાં જોઈએ.”
હેલન પણ સાથે જોડાઈ.
“મળી ગયું.” હજુ એટિયન કંઈ બોલે તે પહેલાં હેલન જોરથી બોલી ઊઠી.
“આયાઝ હોમ!” હેલન અને એટિયન બન્નેએ મોટેથી વાંચ્યું.
“આયાઝ? આ આયાઝ કોણ હતી?” હેલને પૂછ્યું.
“ઇન્ડિયાના બ્રિટિશ શાસન દરમિયાન ઘણાં અંગ્રેજ કુટુંબો ઇન્ડિયા અને બ્રિટન વચ્ચે સ્ટીમરથી મુસાફરી કરતાં. મુસાફરી લાંબી હોવાથી સ્ટીમરમાં એમનાં બાળકોની દેખભાળ માટે તેઓ પગારદાર ઇન્ડિયન બાઈઓને સાથે લાવતાં. એમને આયા તરીકે બોલાવવામાં આવતી.” એટિયને સમજણ પાડી.
વધુ શોધ કરતાં એટિયને જોયું તો ૧૯૨૧ની Kelly’s Directoryમાં ૨૬ નંબરની નોંધ નહોતી.
“ચાલો, આપણે આ વિસ્તારના નકશાઓમાં જોઈએ કે તે પહેલાં ક્યાં સુધી ૨૬ નંબરનું મકાન હતું.”
પાછળનાં ઘણાં વર્ષો સુધી ૨૬ નંબર નકશાઓમાં હતો.
“પણ જો આયાઓ નોકરિયાત બાઈઓ હતી તો એ થોડી લંડનમાં ઘર લઈ શકવાની હતી? એ તો ભાડે જ રહેતી હશે ને? પણ તો કોઈ માલિક એને ‘આયાઝ હોમ’ એવું નામ કેવી રીતે આપે?”
હવે એટિયનને પણ આ વિષયમાં રસ પડવા લાગ્યો. મોટા ભાગે ઐતિહાસિક રીસર્ચ કરવાવાળાંને એ માંગે તે સામગ્રી પૂરી પાડવાનું કામ એ કરતો, તો ક્યારેક વળી ક્યાં શોધવું એની સલાહ એ આપતો. આ રીતની અંગત શોધખોળ કરવાવાળું હેકનીમાંથી ભાગ્યે જ કોઈ આવતું.
“તો પછી આ મકાનનો માલિક કોણ હતો?” એટિયનને આ શોધવા માટે સમયની જરૂરત હતી. એ વખતે હજુ ઈન્ટરનેટ એટલું વિકસીત નહોતું કે બધા જવાબ તરત મળી જાય.
“તમે એમ કરો,” એણે હેલનને કહ્યું, “હું બનતી મહેનત કરી શક્ય હશે તેટલી માહિતી એકઠી કરી તમને ફોન કરી, મળવાનું રાખીશ. પણ એક વાત પૂછું?”
“ચોક્કસ, બોલો.” સ્મિત સહિત હેલને કહ્યું.
“આ પેટી મારા મ્યુઝિયમાં મૂકવા માટે આપશો? વાજબી ભાવ નક્કી કરશું.”
“મને એની કિંમત નથી જોઈતી, આ પેટી તમારી, જો તમે મને મારીઆ પરૈરા કોણ હતી એ શોધી આપશો તો!”
“કબૂલ,” હસતાં હસતાં એટિયને કહ્યું અને બે દિવસનો વાયદો લઈ હેલને વિદાય લીધી.
આ બે દિવસો હેલનને બે મહિના જેવડા લાગ્યા. એના મનમાં જાતજાતના વિચારો ઘર કરી બેઠા. “શું ખરેખર મારામાં ઇન્ડિયન લોહી વહેતું હશે?” તેને તેનાં ચિબાવલાં સાસુમા યાદ આવ્યાં. ઓક્સ્ફર્ડ યુનિવર્સિટીનો ગ્રેડ્યુએટ એમનો દીકરો પોલિટેકનિકના ડિપ્લોમાવાળી છોકરીને પરણ્યો હતો તે તેમને ગમ્યું નહોતું, અને હવે જો એમને જાણ થશે કે મારામાં ઇન્ડિયન લોહી વહી રહ્યું છે તો તો તેમને શું ને શું થઈ જશે! અને એમાં જો મને બ્રાઉન સ્કિનવાળું બાળક જન્મ્યું તો? સાસુમાની હાલતના વિચાર માત્રથી હેલન હસી પડી.
પણ પછી એ પોતાની અંદર રહેલી ગડમથલનો વિચાર કરવા લાગી.
“મારાં એક પૂર્વજ ઇન્ડિયન હતાં તેની અસર મારા પર કેવી પડશે? શું હું મારીઆનાં સગાંને શોધવા ઇન્ડિયા જઈશ? ખરેખર મજા પડશે. પણ મારો ભાઈ તો એમ કરતાં મને રોકવાનો જ એની મને ખાતરી છે, અને હેરી તો સાવ તટસ્થ બની કહેશે, ‘તને ઠીક લાગે તેમ કર.’ મારા પર આ વાતની કેટલી ઊંડી અસર પડવાની એ બાબતથી એ સાવ અસાવધ જ રહેશે.
ત્યાં તો એટિયનનો ફોન આવ્યો કે તેને વધુ માહિતી મળી છે એટલે હેલને તેને મળવું.
ખૂબ ઉત્સુકતાથી હેલન હેકની પહોંચી.
“આ આયાઝ હોમના માલિક હતા London City Mission”, એટિયને હેલનને એ મિશનનું એક મેગેઝિન આપ્યું. ૧૯૨૨ની એ કોપીમાં Ayah’s and Amah’s Home શિર્ષક હેઠળ લખેલો લેખ હતો.
એ લેખનું પાનું ખોલતાં પહેલાં હેલનનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો; એક અજાણી બીકે એ ધબકાઈ ગઈ હતી. A.C. Marshallનો લખેલો લેખ એ ધ્રૂજતે હાથે પકડીને વાંચી રહી. મિસીસ એન્થની પેરૈરાનો એમાં ઉલ્લેખ હતો. “શું મિસીસ પેરૈરા એ જ મારીઆ હશે?” હેલનની ઉત્સુક્તા વધતી જતી હતી. લેખમાં મિસીસ પેરૈરાને એક અતિ કાબેલિયત અને વિશ્વાસપાત્ર આયા તરીકે વર્ણવી હતી. એ ફક્ત બાળકોની જ નહીં, પણ મેમસાબની તેમ જ તેમનાં પેટીપટારાંની પણ સંભાળ લેવામાં નિષ્ણાત હતી.
એનું વર્ણન લેખકે આ રીતે કર્યું હતું : એ જરા શ્યામ વર્ણની હતી અને એની ચામડી ઝાડ પરથી ખરી પડી, ચીમડાઈ ગયેલાં સફરજન જેવી કરચલીઓવાળી હતી. એના ચહેરા પર સ્મિત છવાયેલું રહેતું. આત્મવિશ્વાસની દૃઢતા મોઢા પર હોવા છતાં ય એના વ્યક્તિત્વમાં એની કોમળતા અને માતૃત્વ ભાવના પરખાઈ આવતાં હતાં. એ ધીમા મીઠા અવાજે બોલતી હતી. એની નાની કાળી આંખોમાં એની માનસિક ચતુરાઈ ડોકિયાં કરતી હતી. એણે ઓછામાં ઓછી ૫૪ વાર ઇન્ડિયા અને બ્રિટન વચ્ચેની તોફાની દરિયાઈ મુસાફરી કરી હતી. એની પાસપોર્ટ પ્રમાણે એ વિધવા હતી. સોળ વર્ષની ઉંમરે એ પરણી હતી અને અત્યાર સુધીમાં ઘણાં છોકરાંની દાદી/નાની હતી.
“૫૪ વાર?” હેલને એટિયનને પૂછ્યું, “એ શક્ય છે?”
“હા, આ જુઓ,” રોઝિના વિસરામનું Asians in Britain : 400 years of historyના પુસ્તકમાં લખેલા આયા વિશેના વર્ણન તરફ અંગૂલીનિર્દેશ કરતાં એટિયને કહ્યું.
“આ આયાઓમાં કોઈક કુંવારી છોકરીઓ હતી, તો કોઈક પરણેલી, વળી કોઈક તો પોતાનાં બાળકોને દાદી પાસે છોડી પૈસા ખાતર આ નોકરી સ્વીકારી લેતી. અને હેલન, કોઈક તો દાદીમા પણ હતી.”
“પણ મને સમજાતું નથી કે તેમને રહેવા માટે આયાઝ હોમની જરૂર કેમ પડી હશે? તેમનાં શેઠશેઠાણી સાથે એ કેમ નહોતી રહેતી?”
“આ આયાઓનો કોન્ટ્રાક્ટ એક મુસાફરી પૂરતો જ હતો, તેમને પાછાં મોકલવા માટે એના શેઠ બંધાયેલા નહોતા.”
“ખરેખર? એ તો કેટલું ગેરવાજબી ગણાય!”
“હાસ્તો ને! એટલે જ અમુક બિચારીઓ પાસે પાસે જ્યારે પાછા જવા માટે પૂરતા પૈસા ન હોય અને એમને ઈંગ્લન્ડથી ઇન્ડિયા જતાં કુટુંબ સાથે પાછા જવાની નોકરી ન મળે ત્યારે અહીં ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં નજીવા પગારે ‘વર્કહાઉસીઝ’માં તેઓ કામે લાગી જતી અને આ રીતે ગરીબાઈમાં તેમને બ્રિટનમાં થોડાં વર્ષો કાઢી નાખવાં પણ પડતાં.
આવી સ્ત્રીઓની દુર્દશા જોઈને જ લંડન સિટી મિશને આયાઓ માટે ૨૬ King Edward’s Road પરનું એક મોટું મકાન ખરીદી લીધું અને તેમાં ૩૦ ઓરડાની સગવડ કરાવી ૧૦૦ આયાઓને રહેવાની જગ્યા બનાવી આપી. આ મકાનમાં ઇન્ડિયન ઉપરાંત જાવા, ચીન અને સિલોનની આયાઓ પણ હતી. મિસીસ પેરૈરાની આવડતને લીધે એને તરત નોકરી મળી જતી હશે એટલે જ એણે ૫૪ જેટલી મુસાફરીઓ કરી હશે.”
હેલને જોયું કે રોઝિનાના પુસ્તકમાં આપેલા ફોટામાં આયાઓેએ પહેરેલાં કપડાં મારીઆની પેટીમાંથી નીકળેલાં કપડાં જેવાં જ હતાં. એને થયું કે કદાચ આયાઓનો આ યુનિફોર્મ હોઈ શકે.
“એટિયન,” આંખોમાં થોડી હતાશા સાથે હેલન બોલી, “મને આયાઓનાં જીવન અને કામ વિશે ઘણું જાણવા મળ્યું પણ આ મારીઆ એ જ મિસીસ એન્થોની પેરૈરા છે એ કેવી રીતે સાબિત કરશું?”
“એક શક્યતા છે. જો મિસીસ પેરૈરા અહીં મૃત્યુ પામી હશે તો કદાચ એના મૃત્યુની નોંધ King Edward’s Road પર આવેલા St. John the Baptist Roman Catholic Churchમાં હોય પણ ખરી. હું ફોન કરી પૂછી જોઉં છું કે જો ત્યાંના વિકર આપણને મળી અને મરણનોંધો બતાવી શકે તો આજે બપોરે જ ત્યાં જઈ આવીએ.”
એટિયનને પણ હવે આ કોયડો ઉકેલવામાં રસ પડ્યો હતો. આખરે ઐતિહાસિક બાબતોની શોધખોળ જ એનો વ્યવસાય હતો.
લન્ચ લઈ બન્ને પહોંચ્યાં ચર્ચમાં. ભાગ્યજોગે વિકર ત્યાં હાજર હતા.
“તમને કયા વર્ષની નોંધો જોવી છે?” વિકરે પૂછ્યું.
હેલન અને એટિયન એકબીજા સામું જોઈને એકસાથે બોલી ઊઠ્યાં, “એ જ અમને નથી ખબર.”
“એમ કરો, ૧૯૨૦ની સાલથી શરૂ થતી નોંધો અમને આપો. અમે દશેક વર્ષની નોંધો જોઈ લઈશું.” એટિયને કહ્યું.
પછી બન્ને મંડી પડ્યાં. બપોર પૂરી થવા આવી હતી અને દશ વર્ષની નોંધોમાં ક્યાં ય મારીઆ પેરૈરા ન મળી.
“હવે શું કરવું છે?” એટિયને હેલનને પૂછ્યું.
“થોડાં બેચાર વર્ષની નોંધો જોઈ કાઢીએ?” હેલને સામો પ્રશ્ન કર્યો.
“ભલે.”
થોડી વાર પછી એટિયનનો ઉત્સાહભર્યો અવાજ સંભળાયો. “હેલન, અહીં આવો, જુઓ મને શું જડ્યું!”
ડિસેમ્બર, ૧૨, ૧૯૩૨ની નોંધ હેઠળ લખ્યું હતું :
સદ્ગત વ્યક્તિનું નામ : મારીઆ – સદ્ગત શ્રી એન્થોની પેરૈરાની પત્ની
મૃત્યુનું કારણ : ન્યૂમોનિયા
સરનામું : 26 King Edward’s Road, Hackney, London E9.
બાળકો : એન્થોની (જુનિયર), જોન, ટેરેઝા, લિલિયન, વિલિયમ, ફિલિપ.
“ઓહ માય ગોડ!” હેલન ચિત્કારી ઊઠી. “લિલિયન તો મારી નાનીમાનું નામ હતું.”
વિકરનો આભાર માની બન્ને બહાર નીકળ્યાં.
“એટિયન,” ગળગળા અવાજે હેલન બોલી, “તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે! તમે તો મારા જીવનની રાહ બદલવામાં નિમિતરૂપ બન્યા છો. આ મહેનતનો કર હું ક્યારે ય ચૂકવી શકીશ નહીં.”
“પણ હું જાણું છું બદલો કેમ વાળી શકો છો!” હેલનના હાથમાં પકડેલી પેટી પર નજર નાખતાં હસતાં હસતાં એટિયને કહ્યું.
“અરે, હું તો સાવ ભૂલી ગઈ હતી. લો આ પેટી, અને મારાં વડ-નાનીમાનું યુનિફોર્મ પણ એમાં છે.”
ઘેર પાછાં વળતાં વળતાં હેલનનું મન વિચારોના વમળમાં ભમ્યા કર્યું. એક આખી નવી દુનિયા એના માટે ખુલ્લી ગઈ હતી.
“શું હું એમાં ઘૂમી શકીશ?” અને મનોમન ખુશ થતી એ હસી પડી.
૨૯/૦૮/૨૦૨૦
e.mail : bv0245@googlemail.com