[ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, શનિવાર, 07 ઑક્ટોબર 2023ના યોજાઈ ઑનલાઈન સભામાં, યુનાઇટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં કરતાં પુસ્તક ‘ચાળીસીએ ઓચ્છવ’નું લોકાપર્ણ અવસરના અતિથિ વિશેષ યોગેશભાઈ પટેલનું પ્રવચન]
•
આમંત્રણ બદલ આભાર.
ઇતિહાસની વાત કેતનભાઈએ કરી તેના સંદર્ભે મારે એક વાત ઉમેરવી છે. ઇતિહાસ લખવા બેસીએ તો આપણે ઘણું કહેવું હોય, અને તેથી જ ઘણું રહી જાય. કહેવાનો આશય એ છે કે આ પુસ્તકમાં પણ થોડી ઓછપ રહી ગઈ હોય તે શક્ય છે. ફરિયાદ ના કરાય. કારણ કે આ પુસ્તક એક દસ્તાવેજી નોંધ છે. તમને સૌને અભ્યાસપૂર્ણ લેખો બદલ અભિનંદન આપવા જ પડે. કામ ઘણું સારું થયું છે અને તમને જે ઉપલબ્ધ માહિતિ છે તેના પરથી તમે સૌએ એનું વિશ્લેષણ પણ સારુ કર્યું છે.
સ્વાભાવિક રીતે મારા મનમાં જ્યારે અકાદમીની કલ્પના આવી ત્યારે મેં અને કુસુમબહેન શાહે શરૂ કરેલા મંડળથી આગળ વધી ખૂબ કામ થાય એવી ઝંખના હતી. સાથેસાથે મારું કામ અમુક હદ સુધી જ રહે તે વિશે હું જાગૃત હતો. તેથી ૧૯૭૭માં જ્યારે અકાદમીની સ્થાપના કરી ત્યારથી મેં પાર્શ્વમાં ભૂમિકા રાખી. વિપુલભાઈ જેવો મશ્કેટિયર તમને મળી જાય તો કાર્ય ઘણું સરળ થઈ જાય. ૧૯૭૪માં હું જ્યારે આ દેશમાં આવ્યો ત્યારે અહીં કશી પ્રવૃત્તિ ન હતી. એક મંડળ જેવું કશું ઊભુ કરવાનો પ્રયત્ન થયેલો, પરંતુ તે પણ ખોરવાયેલું હતું. ભારતથી હું ગુજરાતી સાહિત્યનાં ઊહાપોહના વાતાવરણમાંથી આવેલો. સુરેશ જોષી મારા ગુરુ અને રતિલાલ ‘અનિલ’ મુરબ્બી. ‘કંકાવટી’ના દફતરમાં અમે લેખકો દર રવિવારે મળતા. બધાને ખબર તેથી બારગામથી આવીને મિત્રો જોડાતા. ભાગ લેતા. આમ અમે સાહિત્યની ખૂબ ચર્ચાઓ કરતા. ખૂબ વાંચતા. ખૂબ વિશ્લેષણ કરતા. એમાંથી જે શીખીને આવ્યો હતો તે લઈને આવ્યો હતો. હું માત્ર અંગ્રેજી સાહિત્યના પોસ્ટ-કોલોનિયલ પ્રવાહમાંથી જ નહોતો આવ્યો. તેથી નયનાબહેને અહીંના સાહિત્યકારો વિષયક જે હાંસિયાનો ઉલ્લેખ કર્યો છે તે હું સમજી શકું છું. આનો પડઘો ‘અસ્મિતા’ સામયિકની મારી ઘણી પ્રસ્તાવનાઓમાંથી તમને મળી આવશે. એમાં ઉઠાવેલા સવાલો હજુ બદલાયા નથી. તેથી જ અનિલભાઈ વ્યાસે જે ત્રણચાર મુદ્દા પ્રતિ આપણી આંગળી ચીંધી છે તે અગત્યના છે.
તો એક બે ઉદાહરણ જે નથી તે જોઈએ.
તમને કદાચ મારા વાર્તાસંગ્રહ ‘પગલાંની લિપિ’ના મહત્ત્વ વિશે ખબર નહિ હોય, પરંતુ તમને આશ્ચર્ય થશે કે એંશીના દાયકાના ત્રણ ગુજરાતી ઉત્તમ વાર્તાસંગ્રહમાં એને પસંદ કરી, લગભગ નેવુમાં ભરાયેલ ‘ગુજરાતી સહિત્ય પરિષદ’ના જ્ઞાનસત્રમાં, એને વિશે ચર્ચા થયેલી, જે ‘પરબ’ના અંકમાં પ્રગટ થયેલી. મારા અહીં કાવ્યસંગ્રહને બ્રિટનની આર્ટ કાઉન્સિલે પુરસ્કાર આપ્યો હતો. બીજી કોઈ ભાષા માટે એ પહેલી વાર બન્યું. આ દેશમાં ‘ગુજરાત સમાચાર’ દ્વારા વિવેચનનો મેં પહેલીવાર પરિચય કરાવેલો. ડાહ્યાભાઈ પટેલની ખૂબ મહેનત પછી શોઘેલી કવિતાનો આસ્વાદ એમાં વાંચીને ત્યારે રઘુવીરભાઈ પણ કહ્યા વગર ના રહી શક્યા કે ડાહ્યાભાઈની પહેલી વાર એમણે કવિતા વાંચી, જેથી એમને થયું કે એ કવિ છે!
આવું જ પરીક્ષા યોજના વિશે કહેવાય. જગદીશભાઈ દવેને ક્યારેક પૂછજો. આરંભથી જ જ્યારે અકાદમી રચી ત્યારે પરીક્ષા વિશે વિગતે વિચારેલું. હું અકાદમીથી દૂર હતો ત્યારે પણ વિપુલભાઈ લઈ ગયા હતા મુખ્ય પ્રધાનોને મળવા. આવું તો ઘણું ભૂલાયું છે. થાય. સમયનો કારભારો છે. ઘણું છે, પરંતુ એ હવે તમારી યાદીમાં નથી. ધ્યાન એટલે દોરું છું કે ઘણું નથી લખાતું કારણ કે આપણને ઘણીવાર એ વિદિત નથી હોતું. ઇતિહાસનો એ સ્વભાવ છે કે તે સબ્જેક્ટિવ હોય છે, ઑબ્જેક્ટિવ નથી હોતો. આજકાલના અભિપ્રાય પરસ્ત પત્રકારની જેમસ્તો! સત્ય, સત્ય નથી હોતું; ગાંધીજીની વાત ખોટી છે, સત્ય માત્ર વ્યક્તિગત હોય છે. તેથી જરૂર ચેતજો. અંગ્રેજોએ આપણો ઇતિહાસ લખાવ્યો, પણ પછી એને સુધારવાની વાત આવે ત્યારે રાજકારણ શરૂ થઈ જાય છે! મારો અહીં રાજકારણનો આશય નથી. જે ભેગુ થયું છે તેમાં ઉમેરો. સ્વપ્ન મારું, પાયો મારો પરંતુ મહેનત વિપુલભાઈની, સાથે કુસુમબહેનનો ટેકો, અને ડાહ્યાભાઈનો આર્થિક સથવારો, તે આ અકાદમી. પંકજ વોરાનો પ્રવેશ, પછી વિપુલભાઈનો. વિપુલભાઈ વ્યાપક અર્થમાં સંગઠન કરી શકે. અકાદમી ભલે મેં કલ્પી, પણ વિપુલભાઈ વગર એ જે છે તે ના જ હોઈ શકે. કારણ કે એ સાચા અર્થમાં ભેખધારી છે. વિપુલભાઈની ધગશ અને અન્યને માટેની કર્મઠતા એ એક શક્તિ હતા. અકાદમીના પ્રલંબનું એ જ રહસ્ય છે. કુસુમબહેન અને મેં પસંદ કરેલ માર્ગ અમારી ધારણા મુજબ વિપુલભાઈએ જીવંત રાખ્યો છે.
તેથી જ એમનું સન્માન આ પુસ્તકમાં સામેલ છે તે યોગ્ય છે.
અંતે નયનાબહેન પટેલથી એક ડગ આગળ જઈ ને અફસોસ પ્રગટ કરવો છે કે જે ગુજરાતી સાહિત્યકારો પરદેશના ગુજરાતી સાહિત્યકારોને નીચી નજરે જુએ છે. તેમને પૂછો, બંધુઓ તમે શું કર્યુ છે? ગુજરાતી સાહિત્યને સુરેશ જોષી પછી આગળ વધારવા શું નવું કર્યું? વૉન્ડલ નદીમાં પૅનીવૉર્ટ નામની વીડનો અત્યારે ઉપદ્રવ છે. શું ગુજરાતી સાહિત્યમાં ગઝલ પૅનીવૉર્ટ બની છે?
અને એ પણ નોંધવુ રહ્યુ કે અમે અંગ્રેજીમાં લખનારા ભારતીયોને જુદો અનુભવ છે. ભારતના અંગ્રેજી લેખકો અમારી ખૂબ મહેનત પછી પ્રાપ્ત થયેલ સફળતાને માન આપે છે. ખૂબ અભ્યાસ અને વૈશ્વિક સાહિત્ય લક્ષી જાગૃતિ અને તેનાં ગતિવિધિ-પ્રવાહોનું જ્ઞાન જરૂરી છે.
અને છેલ્લે એક કવિતા …
આ ઉપદ્રવમાં
રેતીના માનવો
શીશીમાં એમનો સમય
સમજવાને બદલે
ખંડેરોને તોડી
પોતાની પેઢી ભૂલીને
શીદના માવડિયા હોવાનો
ઢોંગ કરી
તાંડવ રચવા ઊભા થઈ ગયા છે?
સારું છે થોડા માણસો હજુ
નવાં ખંડેરો ઊભા કરવા ઝઝુમે છે.
આ સાથે ઉમાશંકરભાઈની એક પંક્તિ યાદ આવે છે; સ્મૃતિદોષની શક્યતા છે.
સ્થપતિઓ શહેર છેડે થોડાં ખંડેરો ચણી દો ને
એમાં એમણે એ જ વાત કરી છે. એમના મનમાં કદાચ અમદાવાદ હશે. જે પ્રજા પાસે ઇતિહાસ નથી તે પ્રજાની ઓળખ શી?
તમારા આ આહવાનને મારી શુભેચ્છા … ઈતિ અલમ