અમેરિકા જેવા ધનવાન દેશના સ્વર્ગ સમા કેલિફૉર્નિયા રાજ્યમાં દસના લાખ કરવાની શકિત દેખાતી હોય એવી વ્યકિતને ભારતમાં જેને કામધંધા વિનાના નવરા માણસની પ્રવૃત્તિ ગણવામાં આવે છે, તેવા લેખનકાર્યમાં ગળાડૂબ જોઈએ ત્યારે મનમાં અચૂક થાય કે પોતાના વ્યવસાય ક્ષેત્રમાં પ્રવીણ ગણાતી આ વ્યકિતને આવો આંધળો શોખ કયાંથી જાગ્યો!
કદાચ આ વ્યકિત કવિતા કે વાર્તા લખતી હોત તો આપણે સમજી શકીએ કે નિજાનંદ ખાતર શબ્દ સાથે રમત કરે છે. જીવનનાં મહામૂલાં વર્ષો તેમ જ પાઈપાઈ બચાવીને એકઠી કરેલી પૂંજીને આવતી કાલની પેઢીની માતૃભાષાની સાન પાછળ રોકનારી આ વ્યકિત એટલે સ્ટેન્ડફોર્ડ મહાવિઘાલયના અનુસ્નાતક એવા કેલિફૉર્નિયા રાજ્યના બાંઘકામ ખાતાના એક સિનિયર એન્જિનિયર ભાઈ કિરીટ શાહ.
કિરીટ શાહના નિકટના મિત્રો તેમ જ પરિવારના સભ્યો પાસેથી જાણ્યું કે આ વિરલ વ્યકિતએ પોતાની માતૃભાષાના પ્રેમ પાછળ ૧૯૮૦ની આસપાસના ગાળામાં ૬૦થી ૭૦ હજાર અમેરિકન ડોલર હસતાંહસતાં ખર્ચીને જગપ્રસિદ્ઘ વિશ્વવિઘાલય હાર્વર્ડમાંથી પ્રગટ થતાં પુસ્તકોની હરોળમાં ઊભું રહી શકે તેવું મહામૂલું પુસ્તક પ્રસિદ્વ કર્યું છે. જેમની જેમની માતૃભાષા ગુજરાતી નથી તેવા વિદેશીઓને ગુજરાતી ભાષા શીખવાની ઈચ્છા થાય તો તેઓ કઈ રીતે સરળતાથી શીખી શકે તે વિષય પર સંપૂર્ણ સંશોધન કરી, વિશ્વભાષાપ્રેમીઓ માટે ભાષા શીખવા માટેનું એક વઘારે દ્વાર ઉઘાડી દીઘું.
જ્યારે જ્યારે મારી નજર આ પુસ્તક પર પડે છે ત્યારે અચૂક મનમાં એક પ્રશ્ન જાગે છે કે આ કાબેલ માણસને અમેરિકામાં બીજા કોઈ ઔઘોગિક ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવાનો વિચાર કેમ ન આવ્યો! જેમાં ‘પાઈની પેદાશ નહિ, ઘડીની નવરાશ નહિ’ જેવા વિષય પાછળ સંશોઘન કરવામાં જીવનનાં અમૂલ્ય વર્ષો અને પૂંજી દાવમાં લગાડી દીઘાં.
લગભગ આજથી ત્રીસેક વર્ષ પૂર્વે નાનાભાઈ નીતિનના ઘરે ટૂંક સમય માટે ફરવા ગયેલ માતૃશ્રીને માતૃદિન નિમિત્તે વંદન કરવા કિરીટભાઈ વહેલી સવારે જઈ ચઢયા. પૂજ્ય બાને વીંટળાઈને બેસેલ ભાઈનાં નાનાં ફૂલગુલાબી બાળકોની કાલીઘેલી અંગ્રેજી વાતને દાદીમા મનહ્રદયથી સમજવા માટે કોશિશ કરવા છતાં કમભાગ્યે કશું સમજી શકતાં ન હતાં. બાના પ્રેમાળ ચહેરા પર મૂંઝવણની રેખાઓ અંકાતી જોઈને તે ક્ષણે કિરીટભાઈના હ્રદયમાં વિષાદ થયો.
“અરે! બાળકોની માતૃભાષા ગુજરાતી અને મારાં માતૃશ્રીની ભાષા પણ ગુજરાતી તેમ છતાં આ બે પેઢીને સ્નેહના તાંતણે બાંઘતો દોર ભૌગોલિક પ્રદેશના ગૂંચવાડાને લીઘે એકમેકના પ્રેમભર્યો શબ્દોને પામી શકતો નથી. જો આ જ હાલત રહેશે તો આવતાં દસ-પંદર વર્ષમાં ગુજરાતી ભાષા મરી પરવારશે! જો ભાષા જ નહિ રહે તો પછી પરિવાર સમાજની તો વાત જ ક્યાં કરવી.”
વિદેશની આ હરિયાળી ભૂમિમાં આપણે કંઈક એવું નક્કર કાર્ય કરવું જોઈએ કે જેથી ગુજરાતી માતા-પિતાના ખોળે જન્મેલ સંતાનો તેમની માતૃભાષાથી વંચિત ન રહી જાય. જો બાળકોને અંગ્રેજી સાથે પોતાની માતૃભાષાનું જ્ઞાન પરિવારમાં બાળપણથી આપવામાં આવે અથવા આ દેશનાં શહેરોમાં સ્થાપેલા ગુજરાતી સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તો કદાચ ભારતથી વિદેશમાં આવતાં ખાસ કરીને દાદા-દાદી તેમનાં પ્રેમાળ પૌત્ર-પૌત્રી સંગ તનમનના દ્વાર ખોલીને આનંદપ્રમોદની પ્રત્યેક પળ માણી શકે.
આ વિચારનો બોજ હું કોઈના ખભા પર નાખું તેના કરતાં હું જ આ દિશામાં એકાદ પગલું આગળ ભરું તો શું ખોટું? બસ, તે જ વિષાદની ક્ષણે તેમણે મનહ્રદયથી નક્કી કરી લીઘું કે હું આવતા વર્ષના માતૃદિન નિમિત્તે વિદેશમાં વસતી દરેક ગુજરાતી માતાને પોતાનાં સંતાનો માટે ગુજરાતી શીખો નામનું એક પુસ્તક ભેટ આપીશ.
આવા વિરાટ કાર્ય માટે એક વર્ષનો સમય તો બહુ જ ઓછો પડે અને એ પણ અમેરિકા જેવા દેશમાં આઠ કલાકના ઑફિસકામ બાદ ઘરપરિવારનાં કામમાંથી ભાગ્યે જ એકાદ બે કલાક અઠવાડિયે નસીબમાં હોય તો ફુરસદના મળે. કિરીટભાઈએ પોતાના આ અટલ વિચાર સાથે માતૃદિનના બીજા દિવસની સવારથી ગુજરાતી શીખો એ વિષય પર શ્રીગણેશ કરી દીઘા.
જો આ પુસ્તક તેમને ફકત પ્રગટ જ કરવું હોત તો કિરીટભાઈ માટે એક વર્ષનો સમય પૂરતો હતો, પરંતુ કિરીટભાઈના મનની ઈચ્છા હતી કે આ પુસ્તક હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિખવાડતી બીજી ભાષા સંગ કદમ-તાલ મેળવી શકે. છ-સાત મહિનાના સખત પરિશ્રમ બાદ પુસ્તકની કાચી પ્રત તૈયાર થઈ કિંતુ કિરીટભાઈને આ પુસ્તકમાં હજી કંઈ ખૂટતું જણાયું. ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેઓ કપાતે પગારે છ મહિનાની રજા લઈ અમદાવાદની યાત્રાએ ઊપડી ગયા. અમદાવાદ જઈને એક પળનો પણ સમય બગાડ્યા વિના તેમને જ્યાં જ્યાંથી આ વિષય પર સંપૂર્ણ માહિતી મળી શકે તે માટે તેમણે ગુજરાતી ભાષાના પ્રખર વિદ્ઘાનોના દ્વાર ખટખટાવ્યા. ગુજરાત રાજ્યની બે-પાંચ યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના વિભાગમાં ફરી વળ્યા. તેમને ગુજરાતી શીખો પુસ્તક માટે જેટલું માર્ગદર્શન મળ્યું તેની ગાંસડી બાંઘી અમેરિકા પાછા ફરી પુસ્તકને ખૂટતા રંગો આપી. ગુજરાતી શીખો નામનું માહિતીથી છલોછલ પુસ્તક આનંદ સાથે માતૃદિન નિમિત્તે વિદેશમાં વસતી દરેક ગુજરાતી માતાને ભાવભીનાં વંદન સાથે પોતાનાં બાળકને ઉત્સાહ સાથે ગજરાતી ભાષા શીખવવા પુસ્તકને ખોળામાં મૂકયું. ગુજરાતી શીખો પુસ્તક માતૃદિને પ્રગટ કરી કિરીટ શાહે એક સાથે માતા, માતૃભાષા, અને માતૃભૂમિનું કર્જ અદા કર્યું.
ગુજરાતી શીખો પુસ્તક વિદેશમાં અને તેમાં પણ ખાસ કરીને અમેરિકામાં બહુ જ મહત્ત્વપૂર્ણ પુરવાર થયું. અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીમાં શીખવવામાં આવતી વિદેશી ભાષાઓમાં એક ભાષા ગુજરાતીના પાઠયપુસ્તક તરીકે કિરીટ શાહના પુસ્તકને માન્ય રાખવામાં આવ્યું તે અમેરિકામાં વસતા હરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. બહુ જ ઓછા સમયમાં ગુજરાતી શીખો પુસ્તકની સાતથી આઠ આવૃત્તિ પ્રગટ થઈ.
*
૨૦૨૧ના જાન્યુઆરી મહિનામાં આ ભાષાપ્રેમી કોરોનાનો શિકાર બનતા, કાયમ માટે આપણી વચ્ચેથી સદા માટે વિદાય લીઘી ….
e.mail : preetam.lakhlani@gmail.com