બ્રિટિશ સાહિત્યકાર જી.કે. ચેસ્ટરટને શ્યામજી કૃષ્ણવર્માના સામયિક ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’માં ભારતની આઝાદી અને સ્વતંત્ર ભારતનાં સ્વરૂપ વિશેની જે ચર્ચા ચાલતી હતી એ જોઇને નુક્તેચીની કરી હતી કે આમાં નથી ખાસ ભારતીત કે નથી ખાસ રાષ્ટ્રીય. તેમને તો તેમને પરાજીત કરનારાઓ અર્થાત્ વિજેતાઓએ રાષ્ટ્રનું જે સ્વરૂપ વિકસાવ્યું છે એ સ્વરૂપ પૂરેપૂરું સ્વીકાર્ય છે. જરા પણ ફરક વિના. બીજા શબ્દોમાં કહીએ તો વિજેતાઓએ બનાવેલી આખેઆખી બસ કબૂલ છે, માત્ર ડ્રાઈવર તેમને તેમનો પોતાનો જોઈએ છે.
જી.કે. ચેસ્ટરટનની વાત સો ટકા સાચી હતી. ભારતમાં લગભગ કોઈને પશ્ચિમે વિકસાવેલા રાષ્ટ્રના સ્વરૂપ સામે વાંધો હોય એવું જોવા મળ્યું નથી. પ્રાચીન ભારતનાં ગુણગાન ગાનારાઓને અને જગતની બધી જ વિદ્યાઓ ભારતમાં વિકસી હતી અને મ્લેછો એ ચોરી ગયા હતા, એવું કહેનારાઓને પણ તેમને પરાજીત કરનારા વિજેતા યુરોપિયનોએ વિકસાવેલા રાષ્ટ્રના સ્વરૂપ સામે વાંધો નહોતો.
આશ્ચર્ય એ વાતનું છે કે આ વાત અંગ્રેજોની નજરમાં આવી ગઈ હતી, પણ એવો કોઈ ભારતીય મારા જોવામાં આવ્યો નથી, જેમણે ૧૯મી સદીમાં કહ્યું હોય કે આપણે આપણી પોતાની બસ શા માટે ન વિકસાવીએ! આપણે આપણી જાતને શ્રેષ્ઠ માનીએ છીએ તો બસનું એન્જીન તેમ જ બોડીની રચના આપણાં પોતાનાં કેમ ન હોય! આશ્ચર્ય છે કે કોઈને આવો વિચાર પણ નહોતો આવ્યો. અંગ્રેજો પામી ગયા હતા કે આ લોકોને બસ જોઈએ છે અને ડ્રાઈવરની સીટ પર બેસીને બસ ચલાવવી છે. માટે તેઓ કહેતા હતા કે આ બસ ચલાવવી હોય તો પહેલાં લાયક બનો. પહેલાં ડ્રાઈવિંગ શીખો અને પછી અમે તમને બસ ચલાવવા દઈશું.
ગાંધીજીનો ઉદય થયો એ પહેલાં હોડ લાયક બનવાની હતી. ઉદારમતવાદી અર્થાત્ વિનીતો તો લાયક બનવાની કસોટીની હોડમાં અગ્રેસર હતા. જેમને આપણે જહાલ કે ક્રાંતિકારીઓ તરીકે ઓળખાવીએ છીએ તેઓ એમ માનતા હતા કે અંગ્રેજો આપણે લાયક બનશું તો પણ આપણી લાયકાતને સ્વીકારશે નહીં અને હજુ પૂરા લાયક તમે થયા નથી એમ કહી કહીને વાયદા ઠેલવતા રહેશે. બીજું, લાયકાત કેળવવાની હોડમાં નુકસાન થવાનો ડર છે. ડર બે વાતનો હતો. પહેલો ડર એ વાતનો કે અંગ્રેજ જેવા બનવા જઈશું અને રખે ભારતની ભોળી પરંપરાપૂજક પ્રજા આપણાથી નારાજ થઈ જશે તો? લોકમાન્ય તિલક આવો ડર અનુભવતા હતા. બીજો ડર એ વાતનો કે લાયકાત બનવાની હોડમાં આપણે આપણું પોતાપણું ગુમાવી દઈશું તો? વળી કેટલાક હિંદુઓને લાગતું હતું કે મુસલમાનો તો લાયકાત બનવાની હોડમાં ખાસ પડતા જ નથી એટલે મુસલમાન તો તેનું મુસલમાનપણું જાળવી રાખશે, પણ આપણે હિંદુઓ હિંદુપણું ગુમાવતા જશું તો? આર્યસમાજીઓને આનો ડર હતો.
પણ બસ તો પાછી એ જ જોઈતી હતી જે યુરોપિયનોએ વિકસાવી હતી. લોકમાન્ય તિલકને પણ એ બસ સામે વાંધો નહોતો અને આર્યસમાજીઓને પણ એ બસ સામે વાંધો નહોતો. ઊલટું તેઓ તો બને એટલી ઝડપથી બસ ઉપર કબજો મેળવવા ઉત્સુક હતા અને જોઈએ તો શઠં પ્રતિ શાઠ્યંના ન્યાયે વાંકી આંગળીએ ઘી કાઢવા માગતા હતા. વિચાર કરો, મ્લેછોએ વિકસાવેલી બસનો બને એટલી ઝડપથી કબજો લેવા હિંદુધર્માભિમાનીઓ અને ક્રાંતિકારીઓ વિનીતોની તુલનામાં ઘણા વધારે ઉત્સુક અને અધીરા હતા.
બીજી બાજુ મુસલમાનો અને બહુજન સમાજની ભૂમિકા બીજા છેડાની હતી. અમારે બસ તો બદલવી નથી, પણ ડ્રાઈવર પણ બદલવો નથી. મુસલમાનોને એમ લાગતું હતું કે હિંદુઓ બહુમતીમાં છે એટલે નવા હિંદુ ડ્રાઈવરો આપણને બસમાં બેસવા નહીં દે અને બહુજન સમાજને એમ લાગતું હતું કે નવા હિંદુ સવર્ણ ડ્રાઈવરો આપણને બસમાં બેસવા નહીં દે. માટે આપણે બસ તો બદલવી જ નથી, પણ ડ્રાઈવર પણ બદલવો નથી.
એ સમયે ભારતીય નવોત્થાનની તેમ જ ભારતીય રાષ્ટ્રવાદની આવી બધી ચર્ચા ભારતમાં તેમ જ વિદેશમાં વસતા ભારતીયોની અંદર ચાલતી હતી. એમાં એક તારતમ્ય સરખું હતું કે કોઈને ય પશ્ચિમે વિકસાવેલી બસ સામે, તેના એન્જીન તેમ જ બોડી સહિત કોઈ વાંધો નહોતો. એમાં વળી ૨૦મી સદીના પહેલા દાયકા સુધીમાં અંગ્રેજી ભણેલા કેટલાક ભારતીયો ભારતનો આઝાદીનો દાવો કેટલો વ્યાજબી છે એનો પ્રચાર કરવા વિદેશ ગયા હતા. શ્યામજી કૃષ્ણવર્મા, મેડમ કામા, વિનાયક દામોદર સાવરકર વગેરેનો એમાં સમાવેશ થતો હતો. આ ઉપરાંત વિલાયતમાં ભણતા વિદ્યાર્થીઓ પણ તેમના સંપર્કમાં રહેતા હતા. તેમની વચ્ચે જે ચર્ચા થતી હતી, તેઓ જે પત્રકો અને પુસ્તિકાઓ બહાર પાડતા હતા, તેઓ ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’ જેવાં સામયિકો બહાર પાડતા હતા એના તરફ અંગ્રેજ સરકાર તો ખરી જ, પણ જી.કે. ચેસ્ટરટન જેવાઓ કુતૂહલપૂર્વક નજર રાખતા હતા.
એમાં એક દિવસ જી.કે. ચેસ્ટરટને આપણે જેની ચર્ચા કરી એ લેખ લખ્યો હતો અને યોગાનુયોગે એ સમયે ગાંધીજી લંડનમાં હતા. આ ઉપરાંત મદનલાલ ઢીંગરા નામના ભારતીય યુવકે કર્ઝન વાઈલીનું ખૂન કર્યું હતું તેને કારણે પણ ભારતની આઝાદીની એષણા, ભારતીય રાષ્ટ્રવાદ અને હિંસાના માર્ગની ચર્ચા પૂરજોશમાં ચાલતી હતી. ભારતીય રાષ્ટ્રવાદીઓએ, ખાસ કરીને વિનાયક દામોદર સાવરકરે તેને ઉશ્કેર્યો હતો એવી અંગ્રેજોને શંકા હતી અને એ પણ ચર્ચાનો વિષય હતો. ચેસ્ટરટન જેવાઓ સવાલ કરતા હતા કે જો પશ્ચિમે વિકસાવેલી રાષ્ટ્રની સંકલ્પના તમને પૂરેપૂરી મંજૂર હોય તો તેને મુક્ત મને અપનાવી લો, એમાં ભારતીય રાષ્ટ્રવાદને વચ્ચે લાવવાની ક્યાં વાત આવી! ભારતીય રાષ્ટ્રવાદ ત્યારે જ ભારતીય ગણાય જે સો ટકા ભારતીય હોય અને સો ટકા રાષ્ટ્રીય હોય. અહીં તો આ બેમાંથી કાંઈ જ નથી. બધું જ ઉધાર છે.
વાત તો વિચારવા જેવી હતી. ભારતીય રાષ્ટ્રવાદની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એમાં ભારતીય તત્ત્વ તો હોવું જ જોઈએ. સ્વાભાવિકપણે ગાંધીજીના લંડનમાંના રોકાણ દરમ્યાન ભારતીય રાષ્ટ્રવાદ અને ભારતની આઝાદીની વકીલાત કરનારાઓ સાથે દીર્ઘ ચર્ચા થવી સ્વાભાવિક હતી. આ ઉપરાંત વાતાવરણમાં ઉત્તેજના હતી અને તેની વચ્ચે જી.કે. ચેસ્ટરટન જેવાઓ ચીમટા ખણતા હતા. અમારું તમને જોઈતું હોય તો મુક્ત મને સ્વીકારો અને માગો અને કાં તમારું શું છે એ કહો. બસનું બોર્ડ બદલી નાખવાથી બસ બદલાવાની નથી.
૧૯૦૯માં લંડનમાંની અને ખાસ કરીને ઇન્ડિયા હાઉસમાંની ભારતીય યુવકો સાથેની ચર્ચામાં ગાંધીજીએ મૂળભૂત પ્રશ્ન ઉપસ્થિતિ કર્યા હતા. પશ્ચિમે વિકસાવેલી રાષ્ટ્રની સંકલ્પના નિર્દોષ છે? એમાં ભારતનું હિત છે? ભારતની વાત છોડો, એ પશ્ચિમ માટે પણ શ્રેયસ્કર છે? પશ્ચિમની વાત પણ છોડો, એમાં માનવસભ્યતાનું હિત છે? રાષ્ટ્રની પશ્ચિમની અવધારણામાં એવું શું છે જેનું આપણને આકર્ષણ છે? આપણે ગર્વભેર ભારતીય સંસ્કૃતિની, તેની પ્રાચીનતાની, તેની મહાનતાની વાત કરીએ છીએ અને તેની પરંપરામાં ભારતીય રાષ્ટ્રવાદની વાત પણ કરીએ છીએ; પરંતુ આપણે આપણી પોતીકી રાષ્ટ્રની સંકલ્પના વિકસાવી શક્યા નથી. એવો પ્રયાસ પણ કર્યો નથી અને તેની જરૂર પણ વરતાણી નથી.
આ સ્થિતિમાં આપણે રાષ્ટ્રવાદ વિશે સાંગોપાંગ ચર્ચા કરવી પડશે. મોહનદાસ ગાંધી પહેલો ભારતીય હતો જેણે આ ચર્ચા ઉઠાવી હતી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 ઑક્ટોબર 2020