ગુજરાતભરમાં ‘ભગતસાહેબ’ તરીકે જ ઓળખાતા. આ સાહેબ શબ્દમાં જે આદર છે, એના એ અધિકારી હતા. એક હતા જયંતિ દલાલ, અમદાવાદની ઓળખ એમના શબ્દમાં વ્યક્ત થઈ. જયંતિ દલાલને પણ ભગતસાહેબ બરોબર ઓળખતા. નગરજીવનની બોલચાલની ભાષા જયંતિ દલાલના પુસ્તક ‘શહેરની શેરી’માં આપણે જોઈએ છીએ અને ભગતસાહેબે એની બરાબર કદર કરી હતી.
એ જ રીતે ગુજરાતી કવિતાને બોલચાલની ભાષાનો રણકો નિરંજન ભગતની કવિતામાં પ્રાપ્ત થયો. જેવું તે અમદાવાદને ચાહતા એવું જ તે મુંબઈને ચાહતા. ‘ચલ મન મુંબઈ નગરી, જોવા પૂચ્છ વિનાની મગરી .. જેવું ગીત રચીને એમણે નગરજીવનના સંદર્ભે આધુનિક સંવેદના વ્યક્ત કરી હતી. સિમેન્ટ-કોંક્રિટ, સ્ક્રુ-ખીલા જેવા શબ્દો પહેલીવાર ગુજરાતી ગીતમાં આવ્યા. એમણે અનુષ્ટુપ છંદને પણ બરાબર ખેડ્યો અને એમાં નગરની વાસ્તવિક અને અતિવાસ્તવિક સ્થિતિને વ્યક્ત કરી. એમની જાણીતી પંકિતઓ છે:
કાફેમાં સામસામા બે અરીસા નિજને લહે
શૂન્યત્વ એકબીજાનું અનંતે વિસ્તરી રહે
હું અને ભોળાભાઈ પટેલ મુંબઈમાં આવેલા આ કાફેને ભગતસાહેબ સાથે જોવા ગયેલા. ભગતસાહેબ સાથે પ્રવાસ કરવો એ પણ એક લહાવો હતો. એમને કવિતા વિશે સાંભળવા એ પણ એક લહાવો હતો. અને એમનો વિરોધ કરીને એમની દલીલો, એમનાં દૃષ્ટાંતો, એમની ઇતિહાસદૃષ્ટિ, સ્વતંત્રતા માટેના એમના ખ્યાલો આપણે જાણતા હોઈએ તો પણ એમના અવાજમાં એ સાંભળીને ધન્યતા અનુભવતા. છેલ્લા ત્રણેક દાયકામાં એમણે રવીન્દ્રનાથને ગુજરાતી ભાવકો સમક્ષ સતત રજૂ કર્યા.
શૈલેષભાઈ જેવા તેમના મિત્રોએ પણ બંગાળી પર અધિકાર મેળવ્યો અને રવીન્દ્રનાથ વિશે કામ કર્યું. આ શૈલેષભાઈએ ભગતસાહેબનાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કર્યો છે, જેનું સાહિત્ય પરિષદે પ્રકાશન કરેલું છે. ભગતસાહેબ અને લાભશંકર ઠાકરે ગુજરાતી કવિતાના આસ્વાદનું પ્રભાવક કાર્ય કરેલું. એમાં નરસિંહથી માંડીને દયારામ સુધીની કવિતાનો એ પાઠ કરતા. પાઠ પોતે જ આસ્વાદક હોય. આમ તેઓ મૂર્તિપૂજા વગેરેમાં માનતા ન હતા, પણ દયારામની કવિતા માણતા હોય તો એના પ્રવાહમાં ગીત પણ રચે ‘હરિવર મુજને હરી ગયો, મેં તો વહાલ કીધું નહોતું, ને તો ય મુજને વરી ગયો …’
આ ગીત અતુલ દેસાઈએ ગાયેલું અને કુમુદિની લાખિયાએ એના પર નૃત્ય કરેલું, એ જોઈને સમીક્ષક નામવરસિંહ પ્રસન્ન થયેલા. એ પછીના વર્ષમાં જ કદાચ નામવરસિંહના સૂચનથી દિલ્હી સાહિત્ય અકાદમીએ સંવંત્સર વ્યાખ્યાન માટે ભગતસાહેબને આમંત્રણ આપેલું. એમાં તેઓ રવીન્દ્રનાથની કૃતિ ‘ચિત્રાંગદા’ વિશે બોલેલા. મોરારિબાપુની નિશ્રામાં ચાલતા અસ્મિતા પર્વમાં બે વખત આવ્યા પછી ભગતસાહેબે ના પાડી તો મેં તેમને કહ્યું કે તમે એમને ‘ચિત્રાંગદા’ વિશે બોલવા કહો તો એ ના નહીં પાડી શકે. અને એ મહુવા આવેલા, બે કલાક બોલેલા.
એ પૂર્વે મીરાંબાઈ વિશે પણ બે કલાક બોલેલા. ત્યાં વ્યાખ્યાન 50 મિનિટનું હોય છે, પરંતુ ભગતસાહેબ માટે બે કલાક પણ ઓછા પડે. આવા તો અનેક પ્રસંગો છે કે અંગ્રેજી સાહિત્ય વિશેના એસ.આર. ભટ્ટના અને નિરંજન ભગતના બબ્બે કલાકના પ્રવચનો અમારી પેઢીએ સાંભળેલા હોય. મેં ‘દિવ્ય ભાસ્કર’માં એમની આજની કવિતા વિશે લેખ લખેલો. ત્રણ ચાર દાયકાના વિરામ પછી એમણે કવિતા લખવાની શરૂ કરી. તેમાં તદ્દન બોલચાલની ભાષામાં સહેજે ય રંગદર્શિતા વિના એમણે પ્રેમની કવિતા લખી છે. ગીત પણ વનવેલી છંદમાં વાંચી શકાય એવી કેટલીક રચનાઓ છે. અમે થોડાક મિત્રો (હું, રમેશ ર. દવે અને કિરીટ દૂધાત) ભગતસાહેબ વિશે અધ્યયન ગ્રંથ તૈયાર કરી રહ્યા છીએ. એમાં એમના વિશે પ્રગટ થયેલા લેખો અને નવા લેખો પણ હશે.
રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત મળીને ગુજરાતી કવિતાને એક નવો યુગ આપે છે. રાજેન્દ્રભાઈમાં અદ્વૈત દર્શન વ્યક્ત થાય છે તો નિરંજન ભગતની કવિતામાં સામાજિક સંદર્ભ સાથેની વ્યાપક યુગચેતના વ્યક્ત થાય છે. આ દૃષ્ટિએ એમના પ્રદાનનું રાષ્ટ્રીય મહત્ત્વ છે. ફ્રેન્ચ ભાષા તેઓ જાણતા હતા અને ત્યાંના પ્રવાસોની ડાયરી પણ પ્રગટ કરવા જેવી છે. એમને વિવેચન માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળેલો. ગુજરાતના જે તે સમયના તમામ સન્માન એમને પ્રાપ્ત થયેલાં.
એ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ સ્વીકારે એ માટે અમે કેટલાક મિત્રો તેમને ત્યાં ગયેલા અને વચન લઈને જ ઊભા થયેલા. એ જ રીતે તેમણે ટ્રસ્ટી પદ પણ સ્વીકાર્યું હતું. એમના સૂચનથી એમના બે શિષ્યો – પાવનભાઈ અને રૂપલબહેન પણ ટ્રસ્ટી તરીકે પરિષદને સેવા આપે છે. અમારી પેઢીના ગુરુ નિરંજન ભગત આગામી અનેક પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.
સૌજન્ય : ‘સાહિત્ય વિશેષ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2018