BNP એ એક આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને તેની સંલગ્ન સેવાઓ પૂરી પાડતી પેઢી તરીકે ઓળખાતું નામ છે. તેના એનાલિસ્ટ દ્વારા BNPની ન્યુયોર્કની હેડ ઓફિસ પાસે ભારતના નીચે બતાવેલ નકશા રજૂ કરવામાં આવેલ, જેથી એ કંપનીના હોદ્દેદારોને ભારત જેવા વિશાળ અને ક્લિષ્ટ દેશને સંભાળવો કેટલો કઠિન છે તેનો ખ્યાલ આવે. મુખ્યત્વે યુરોપના દેશોની વસતી ભારતના જુદા જુદા રાજ્યોની વસતીની સાથે સરખાવી શકાય તેમ છે તે સ્પષ્ટ કરવાનો તેમનો ઉદ્દેશ હતો. ભારતમાં દુનિયાના કેટલા બધા દેશોની વસતીનો સમાવેશ થાય છે તેનો અંદાજે ખ્યાલ આવી શકે. નકશામાં બતાવેલ તમામ દેશોના સંગઠનવાળો એક મોટો દેશ બનેલ હોય તેને વહીવટ પૂરો પાડવવો અને તેમાં સમાવિષ્ટ દરેક નાગરિકનો એક સરખો વિકાસ કરવો એ કેવું ભગીરથ કામ છે એ હકીકત અહીં સ્પષ્ટ થાય છે.
આ વેળા મારી ભારત યાત્રા દરમ્યાન મને ગુજરાતની ધારાસભાની ચૂંટણી સમયે હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું (!!!) એક પક્ષ દેશને ધર્મને આધારે વિભાજીત કરી મત મેળવવા મથતો હતો તો બીજો પક્ષ જ્ઞાતિ પ્રથાને જોરે મત મેળવી સિંહાસને બેસવાની ઘડભાંજમાં બરબાદ થતો જોયો. આથી મનોમન આઝાદી સમયના ભારત અને આજના ભારત વિષે સરખામણી કરવા પ્રેરાઈ. ઉપર બતાવેલા બંને નકશાઓ જોતાં જરૂર ખ્યાલ આવે કે આટલી મોટી જનસંખ્યા અને સાથે સાથે ધર્મ, પંથ, ભાષા, ખોરાક, રીત-રિવાજો, પહેવેશ, તહેવારો અને જીવન શૈલીઓનું વૈવિધ્ય ધરાવતા દેશનું સંચાલન કરવું એ એક શક્તિશાળી વહીવટી તંત્ર માગી લે છે. આવા એક ભૌગોલિક વિશાળતા અને અકલ્પનીય વૈવિધ્ય ધરાવતા દેશને એકસૂત્રે બાંધવાનું કાર્ય કયા સિદ્ધાંતોને આધારે થઈ શકે એ વિષે વિચાર મંથન ચાલ્યું. એ માટે સાત દાયકાઓ પહેલાં આપણી પાસે શું હતું, તેમાં શું ઉમેર્યું અને શું ગુમાવ્યું તેનાં લેખાં-જોખાં કરવાં મુશ્કેલ છે, છતાં થોડા મુદ્દાઓની છણાવટ કરવા પ્રયાસ કર્યો છે. આ લેખમાં આપાયેલા આંકડાઓ અલગ અલગ સ્રોતમાંથી મેળવવામાં આવ્યા છે અને તેથી જ તેની ખરાઈ વિષે હું કોઈ દાવો ન કરી શકું. મારો હેતુ માત્ર જે તે પરિસ્થિતિને સમજવા માટે તે અંકોને એક સાધન ગણવાનો છે જેની વાચકો નોંધ લે તેવી વિનંતી.
કોઈ પણ દેશની પ્રગતિનો આધાર તેની જનસંખ્યા, ભાષા અને સંસ્કૃિતનું વૈવિધ્ય, પ્રજાની વ્યક્તિગત અને સરકારોની આર્થિક ક્ષમતા, રાજ્યો અને કેન્દ્રના વહીવટી માળખાની સધ્ધરતા, દેશની આંતરિક એકતા અને સરહદી સુરક્ષા વગેરે જેવા પરિબળોથી માપવામાં આવે છે.
ઇતિહાસને પાને નોંધાયું છે કે 1947માં ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન પાસે ભારતીય ઉપખંડના વિભાજન કરવા માટેના નકશા એક પરબીડિયાંમાં હતા. ઈ.સ. 1599માં બ્રિટનનાં રાણી ઇલિઝાબેથ પ્રથમે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપેલ શાહી રુકકાથી જે સામ્રાજ્યની શરૂઆત થઈ હતી તેનો આ દસ્તાવેજથી અંત આવતો હતો. આ પરબીડિયામાંના કાગળોની અસરથી જે કરુણતા ઊભી થવાની હતી તેનો ઇતિહાસમાં ક્યાં ય જોટો જડે તેમ ન હતો. તો તેવે ટાણે ભારતને શું શું વારસામાં મળેલું અને એ તમામ વારસાની હાલત કેવી હતી એ જાણવાથી અત્યારની ભારતની સિદ્ધિઓ અને તેમાં આવતી અડચણોનું મૂલ્યાંકન થઈ શકે.
આઝાદી સમયે અખંડ ભારતની વસતી 39 કરોડ હતી, જે વિભાજન થવાથી ભારતની વસતી 33 કરોડ હોવાના આંકડા નોંધાયા છે. આજે માત્ર ભારતની વસતી 132 કરોડની છે અને હજુ વધતી રહે છે. હવે જે દેશની વસતી આટલા મોટા પ્રમાણમાં વધતી રહી હોય તેની પ્રગતિ માટેના સંસાધનો કઈ રીતે પૂરા પડી શકે?
1947માં સ્વિટ્ઝર્લેન્ડની કુલ વસતી જેટલા રક્તપીત્તથી પીડાતા લોકોનો ભારતમાં સમાવેશ થતો હતો. તો આજે પણ આ બાબતમાં ભારતની સ્થિતિ ક્યાં સુધરી ગણાય? WHO દુનિયાને રક્તપીત્તથી મુક્ત થયેલી જાહેર કરે છે ત્યારે ખરું જોતા દુનિયામાં ¼ મિલિયન લોકો આ રોગથી પીડાય છે જેમાંથી 60% દર્દીઓ ભારતમાં વસે છે. ભારતમાં એકથી દોઢ લાખ નવા કેઈસીસ દર વર્ષે નોંધાય છે. સવાલ જરૂર થાય કે આમ શા માટે?
કોઈ પણ કુટુંબ, સમાજ કે દેશની સમૃદ્ધિનો આધાર તેના યુવાધનની કમાણી કરી અર્થતંત્રમાં ફાળો આપવાની શક્તિ પર છે. સ્વતંત્રતા મળી ત્યારે બેલ્જિયમમાં વસતા બેલ્જિયનો જેટલા તો ભારતમાં પંડા અને ધર્મગુરુઓ હતા. સમગ્ર હોલેન્ડની આબાદી જેટલા ભિખારીઓની વસતી ભારતમાં સમાયેલી હતી. 1 કરોડ 10 લાખ જેટલા પવિત્ર ગણાતા લોકો હતા. હજુ આજે પણ દરેક રાજ્યમાં વધતે ઓછે અંશે બહુ મોટી સંખ્યામાં ભિક્ષુકો હોવાની ધારણા છે. એનો અર્થ એ કે આવડી મોટી સંખ્યાના સમૂહ બેરોજગાર રહીને સમાજને ભાર રૂપ થતા હોય ત્યાં વિકાસની ચૂંદડીમાં કાળું ધાબું દેખાય તેમાં શી નવાઈ?
70 વર્ષ પહેલાં લગભગ 2 કરોડ જંગલવાસી દેહાતીઓ હતા, જેમાંના કેટલાક તો નાગાલેન્ડના ‘નાગ’ પ્રજાજનોની માફક માનવ-માથાઓનો શિકાર કરનારા હતા. જંગલ સમૃદ્ધિ ધરાવતા પ્રથમ દસ દેશોમાંનો એક ભારત છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે 104 મિલિયન એટલે કે ભારતની કુલ વસતીના 8.6% આદિવાસી પ્રજા છે. આઝાદી સમયે આશરે 1 કરોડ હિન્દવાસીઓ તો ‘ભટકતી પ્રજાઓ’ હતા જેમાં સપેરાઓ, મદારીઓ, ભાવિ કહેનારાઓ, જીપ્સીઓ, હાથચાલાકી કરનારા, પાણી પવિત્ર કરીને છાંટનારા, ભુવા, જતિ, જાદુગરો, ઝંબુરિયાઓ, જડીબુટ્ટી વેચનારા વગેરે અનેક વિચરતા ધંધાદારીઓનો સમાવેશ થતો હતો. ગામે ગામ આ લોકો ફરતા જ રહેતા. હજુ આજે પણ અંદાજે 1 બિલિયન લોકો (કુલ વસતીના 1.2%) ભટકતી જાતિનું જીવન જીવે છે. આ હાંસિયામાં જીવતી પ્રજાના મૂળભૂત અધિકારોની સુરક્ષા જળવાય છે ખરી?
વિદેશી ધૂંસરીમાંથી ભારત મુક્ત થયું તે વખતે દરરોજ 38,000 બાળકોનો જન્મ થતો તેવો અંદાજ છે, જેમાંના ¼ ભાગનાં બાળકો પાંચ વર્ષની ઉંમર પહેલાં ગુજરી જતાં. તો એકવીસમી સદીમાં આશરે રોજના 57,685 બાળકો જન્મે છે. 2016માં 5.6 મિલિયન, એટલે કે રોજના 15,000 પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો પ્રભુને પ્યારા થઇ ગયાં! દુનિયામાં કુલ બાળ મરણના 20% ભારતમાં નોંધાય છે; એટલે કે આફ્રિકા બાદ આપણો દેશ એ બાબતમાં બીજે નંબરે આવે છે. દર વર્ષે હિન્દવાસીઓના મોત પોષણના અભાવથી, ભૂખથી અને બળિયા જેવા, વિશ્વના કેટલા ય ભાગોમાંથી નાબૂદ કરાયેલા દર્દોથી થતા એ પરિસ્થિતિ આઝાદી સમયે હતી જેને માટે વિદેશી શાસન અને આર્થિક પાયમાલીને જવબદાર ગણાવીએ. પરંતુ સાત દાયકાના સ્વશાસન અને આર્થિક વિકાસના અંતે ઉપર કહ્યા તે આંકડાઓ કેમેય સ્વીકાર્ય નથી બનતા.
બ્રિટિશ સલ્તનતનો તાજ ગણાતો ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે દુનિયાના બીજા દેશોની આંખ તેના પર મંડાયેલી અને ભારતની આમ પ્રજાને પણ ભાન થયું કે તે સમયે વિશ્વમાંના કેટલાક અતિ ધનાઢ્ય લોકોમાં ભારતના ધનિકોનો સમાવેશ થતો હતો. સામે છેડે એ જ દેશમાં પૃથ્વી પરની ખૂબ જ ફળદ્રુપ ધરતી પર રહેવા છતાં કારમી ગરીબીમાં સબડતા લાખો ખેડૂતો અને ખેતમજૂરો અસ્તિત્વના સીમાડે માંડ જીવતા હતા. ત્યાર બાદ તો ભૂદાન-ગ્રામદાન જેવી ચળવળો થઈ અને હરિયાળી ક્રાંતિ થઈ તેથી જમીનદારી પ્રથા હંમેશને માટે વિદાય લઈ ગઈ, ખેતીને લાયક જમીનની ન્યાયી વહેંચણી થઈ અને રીબીની રેખા નીચે જીવતા ખેત મજૂરોની યાતનાઓનો અંત આવ્યો તેમ લોકોએ માનેલું. કાશ એમ બન્યું હોત! 2011ની વસતી ગણતરી પ્રમાણે 76 મિલિયન ખેત મજૂરોની સંખ્યા વધીને 263 મિલિયન સુધી પહોંચી એટલે કે કુલ વસતીના 8%થી વધીને 22% સુધી પહોંચી. તો શું જમીનદારી અને સામંતશાહી પાછલે બારણે ફરી ઘર કરી ગઈ? છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોમાં વધતા આત્મહત્યાના બનાવો ખેત ઉદ્યોગમાં પ્રવેશેલા સડા સામે આંગળી ચીંધે છે.
સર્વ દુઃખોનું મૂળ અજ્ઞાનતામાં છે તેમ આપણે સદીઓથી માનતા આવ્યા છીએ. આઝાદી સમયે હિંદની લગભગ 83% વસતી અભણ હતી. આથી પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણના પ્રસાર પર ખૂબ ધ્યાન અપાયું અને તેના ફળ સ્વરૂપ સાક્ષરતાનું પ્રમાણ 1991માં 48% હતું, જે 2006માં 63% પર પહોંચ્યું. આમ છતાં હજુ એ દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે. યુનેસ્કોની ગણતરી મુજબ આજે ભારતમાં લગભગ 287 મિલિયન લોકો વાંચી લખી નથી શકતા (કે જે દુનિયા આખીના નિરક્ષર લોકોમાં 37% જેટલા થવા જાય છે). 12 લાખ જેટલાં બાળકો કદી શાળાએ નથી ગયાં. સંરક્ષણ અને મોટા ઉદ્યોગોને બદલે શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત માટે વધુ ભંડોળ ફાળવીને સરકારે પોતે માતૃભાષાના માધ્યમથી ઉત્તમ શિક્ષણ આપવાની ફરજ બજાવી હોત તો સંભવ છે આજે તેનાથી અનેકગણો ફાયદો થયો હોત.
શિક્ષિત હો કે અશિક્ષિત, દરેક પુખ્તવયની વ્યક્તિ આજીવિકા રળે તેની સાથે દેશના અર્થતંત્રમાં ફાળો આપે. વિદેશી શાસન દરમ્યાન નાના મોટા રોજગાર આપતા વ્યવસાયો પડી ભાંગ્યા અને એક સમયે દુનિયામાં સમૃદ્ધિની ટોચ પર બેઠેલો દેશ સાવ દેવાળિયો થઇ ગયો. આથી જ તો આઝાદી ટાણે દેશની માથાદીઠ આવક સરેરાશ રોજના પાંચ સેન્ટ જેટલી જ હતી. હિંદનાં બે સહુથી મોટા શહેરોમાં ચોથા ભાગની વસ્તી તો ખુલ્લી શેરીઓમાં જ ખાતી, સૂતી, શૌચાદિ ક્રિયાઓ કરતી, જન્મતી, ઉછરતી અને મરતી. બિરલા, તાતા અને દાલમિયા જેવા વિશ્વના ત્રણ મોટા ઔદ્યોગિક કુટુંબો ધરાવતા હિંદની અર્થવ્યવસ્થા તો સામંતશાહી જેવી જ હતી જેમાં થોડાક જમીનદારો અને મૂડીપતિઓને લાભ મળે. આજે હવે ભારત દુનિયાના સાતમા ધનાઢ્ય દેશ હોવાનું ગૌરવ લઈ શકે તેમ છે. જનસંખ્યામાં બીજે નંબરે આવતો ભારત ખરીદ શક્તિમાં ત્રીજે નંબરે આવે છે. Forbes દ્વારા પ્રકાશિત આંકડાઓ પ્રમાણે 2017માં વિશ્વમાં કુલ 2043 અબજોપતિ નોંધાયા છે જેમાંના 101 અબજોપતિ ભારતમાં છે. આમ જુઓ તો સામાન્ય જનની સ્થિતિમાં પણ ફર્ક પડ્યો છે. 15 ઓગસ્ટ 1947, દિલ્લીમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ નિમિત્તે મનાતો જલસો જોવા છત્તરપૂરનો એક બ્રાહ્મણ ખેડૂત રણજિતલાલ ચાર આનામાં પોતાના ગામથી દિલ્હી ટાંગામાં આવ્યો હતો પણ હવે એ જ ટાંગાવાળો ઘેર લઈ જવા માટે બે રૂપિયા માગતો હતો ત્યારે ‘આઝાદી માટે કઇં આટલી મોટી રકમ અપાય નહીં.’ એમ કહીને રણજિત લાલ અને તેમનું કુટુંબ, વીસ માઇલ દૂર આવેલા પોતાના ગામ તરફ ચાલવા માંડ્યું હતું. એ જ ભારતમાં આજે બે પૈડાં અને ચાર પૈડાંના વાહનોની સંખ્યા વધતી જાય છે અને આંખ મિચકારશો ત્યાં તો બુલેટ ટ્રૈન આવશે. પરંતુ હજુ લાખો ‘રણજિતલાલ’ના કુટુંબોને પ્રાથમિક જરૂરિયાતો નસીબમાં નથી એ હકીકત છુપાવી શકાય તેમ નથી.
અત્યાર સુધી આપણે ભારતની ભૌગોલિક વિશાળતા, તેમાં વસતી પ્રજાની સંખ્યાથી માંડીને અગણિત ક્ષેત્રોની વિવિધતાની વાતો કરી. કોઈ પણ દેશના વિકાસમાં ઉપર છણાવટ કર્યાં તે તમામ પાસાંઓનો સમાવેશ થાય છે તેમ જ દેશનો વહીવટ પણ એક અત્યન્ત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દુનિયાની સહુથી મોટી જનસંખ્યા ધરાવનાર લકોશાહી ગણતંત્ર હોવાનું અને તેને સાત સાત દાયકાઓ સુધી હેમખેમ ટકાવી રાખવાનું ગૌરવ દરેક ભારતવાસીને અને વિદેશ વસતા ભારતીયોને હોય તે બિલકુલ વ્યાજબી છે. છતાં સામાન્ય જનથી માંડીને સર્વોચ્ચ સ્થાને બેઠેલા લોકોમાં ન્યાય અને નીતિમત્તાના ધોવાણને કારણે પ્રસરેલી રુશ્વતખોરી અને સંકુચિતતા અસહ્ય થઇ પડી છે, એ કટુ સત્ય પણ સ્વીકારવું રહ્યું. આઝાદી મળી તે વેળા ગાંધીજીના આશીર્વાદ લેવા આવેલા રાજકારણીઓને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું, “સત્તાથી ચેતજો. સત્તા માણસને ભ્રષ્ટ કરનારી ચીજ છે. સત્તાના ઠાઠ અને દમામમાં ફસાઈ ન જશો. યાદ રાખજો કે તમે સત્તા પર આવ્યા છો તેમાં તમારે ભારતનાં ગામડાંઓના દરિદ્રોની સેવા કરવાની છે.” આપણા રાજકારણીઓએ ગાંધીજીની આ ચેતવણીને સાવ અવગણી અને તેનાથી તદ્દન અવળે માર્ગે પ્રયાણ કર્યું. લગભગ પોણોસો સદીનું સરવૈયું કાઢવા જતાં પ્રશ્ન થાય, આપણા ગ્રામ પંચાયતના સરપંચથી માંડીને વડાપ્રધાન સુધીના હોદ્દેદારોએ સેવા કોની કરી, પોતાની કે લોકની? દેશના કેટલાક રાજ્યો કે પ્રાંતોને જરૂરી સંસાધનો પૂરા પાડવાની ઉદાસી વિષે એવો બચાવ કરાય છે કે “દેશ બહુ મોટો છે, ધીરે ધીરે બધાને લાભ મળે” આ હકીકત તો સ્વતંત્રતા મળી ત્યારે જ્ઞાત હતી જ, તો પ્રગતિની કૂચમાં બધાને શામેલ કરવાની ક્ષમતા કેમ ન કેળવાઈ?
સરકારી વહીવટ જેટલી જ અથવા તેનાથી ય વધુ મહત્ત્વ ધરાવનારી બાબત છે દેશની આંતરિક વ્યવસ્થા, શાંતિ અને કોમી એખલાસ. જરા યાદ કરીએ, 17મી ઓગસ્ટ 1947ને દિવસે કલકત્તામાં ફાટી નીકળેલી ભયાનક હિંસાના પૂરને ખાળવા માઉન્ટબેટને ગાંધીને ત્યાં જવાનો લગભગ આદેશ કરેલો તેમ કહી શકાય. હિંસાના ઘોડાપૂરને ખાળવા ગાંધી સફળ થયા. ‘દુનિયાના સૌથી દુષ્ટ શહેરમાં એક હથિયાર વિહોણો અહિંસક માણસ જે સિદ્ધ કરી શક્યો હતો તે પંજાબમાં હથિયારબંધ વ્યવસાયી સૈનિકો કરી શક્યા ન હતા. પંજાબમાં 55,000નું લશ્કર છતાં મોટા પાયા પર રમખાણો ચાલી રહ્યાં છે. બંગાળમાં અમારા સૈન્યમાં એક જ સિપાહી છે અને છતાં ક્યાં ય હુલ્લડબાજી નથી થઈ. મારા આ એકાકી સૈનિકથી બનેલા સરહદી દળને બિરદાવવાની હું રજા માંગુ છું.” આ હતા માઉન્ટબેટનના શબ્દો. શસ્ત્રોની નિરર્થકતા અને અહિંસાની અસરકારકતા માટે આનાથી વધુ યોગ્ય ઉદાહરણ ક્યાંથી શોધવું?
કબૂલ કરીએ કે ભારતને વિદેશી સલ્તનતમાંથી મુક્તિની હારોહાર કાશ્મીરના કબજાનો પ્રશ્ન આણામાં મળેલો. એ પણ સ્વીકારીએ કે બળતું ઘર કૃષ્ણાર્પણ કર્યા બાદ બ્રિટન કે યુ.એન. તરફથી એ વિવાદને હલ કરવા માટે જોઈએ તેવા અસરકારક ઉપાયો નહોતા કરાયા. જેની સાથે મતભેદ કે સંઘર્ષ છે એ પક્ષ જિદ્દી હોય, દમનકારી હોય અને કોઈ પણ વાટાઘાટોથી પરિસ્થિતિનો ઉકેલ લાવવા સહમત ન થતો હોય ત્યારે જ એક નહીં તો બીજી રીત અપનાવીને એવી સમસ્યાનો ઉકેલ કરવો જ રહ્યો એવું શું આપણે સ્વતંત્રતાની લડાઈ ઉપરથી નથી શીખ્યા? પાકિસ્તાન અને ચીન સાથે કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતના સીમાડાઓ અંગે સતત છમકલાંઓ થતા રહે અને 70 વર્ષને અંતે અનેકાનેક ભારતીય સૈનિકો દેશની રક્ષા કાજે જાન ગુમાવે છે તો એ માટે કોણ કોણ જવાબદાર? જ્યારે જ્યારે શોષિત અને દમિત માનવસમૂહોએ ‘હવે બસ’ એમ કહીને પોતાના અધિકારો માટે પાંચ આંગળીઓ ભેગી કરી, એકમેક સાથે સાંકળ બાંધીને વાટાઘાટો અને શાંતિમય ઉપાયો યોજ્યા છે ત્યારે ત્યારે ગુલામી પ્રથા અને રંગભેદી શાસન વ્યવસ્થા નાબૂદ થઈ, અસ્પૃશ્યતા દૂર થઈ અને દુનિયા પર પોતાની તાકાતથી એકચક્રી શાસન કરનાર બ્રિટિશ સરકારને પણ તડીપાર કરી એ શું આપણે નથી જાણતા? લાગે છે કે ભારતીય સીમારક્ષણ પ્રશ્ને ત્રણેય દેશોના વહીવટી હોદ્દેદારોની નેમ જોઈએ તેવી મજબૂત નથી, નહીં તો તેનો ઉકેલ લાવી જ શકાય. તો શું હવે પ્રજાએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો સમય પાકી ગયો છે?
આજે ભારતની સરહદો સાત સાત દાયકાના વહાણાં વાયાં છતાં સલામત નથી તેનાં ઘણાં કારણોમાંનું એક કારણ છે અખંડ ભારતનું ધર્મને આધારે થયેલ વિભાજન. તત્કાલીન રાજકીય અને સામાજિક આગેવાનોમાંથી કેટલાકે ભારતે વિદેશી શાસનમાંથી મુક્તિ મેળવવી, પરંતુ દેશના કોમ અને ધર્મને મુદ્દે ભાગલા ન કરવા પ્રજાને સમજાવવા બહુ કોશિશ કરેલી. જો સ્વતંત્ર થયા બાદ આટલા વિશાળ દેશનો વહીવટ મુશ્કેલ લાગે કે તમામ કોમ, જાતિ અને પંથના લોકોનું હિત સાચવવાનું કામ કપરું લાગે તો પરસ્પરની સમજણ અને સહમતીથી થોડા ગણરાજ્યો રચીને તેનું એક સુગઠિત રાષ્ટ્ર બનાવવું તેવો કેટલાકનો મત હતો, જે સ્વીકારાયો નહીં. વિભાજન સમયના રમખાણોના સાક્ષી બન્યા પછી નહેરુ કકળી ઊઠ્યા અને કહેલું, “આ ભાગલાથી કેવું દોજખ સર્જાયું છે! આપણે ભાગલા માટે સંમત થયા ત્યારે આવી કોઈ કલ્પના ન હતી. આપણે ભાઈઓ છીએ, આવું બની જ કેમ શકે?” આ વિધાનથી નહેરુ અને અન્ય નેતાઓની તત્કાલીન પરિસ્થતિને અગાઉથી પારખી ન શકવાની નબળાઈ અને ગાંધીજીની દૂરંદેશીનો પુરાવો મળે છે. આ હકીકત ઉપરથી ત્યાર બાદના સત્તાધારીઓ શું શીખ્યા? હવે ભાંગેલી શેરડીનો આખો સાંઠો ન બનાવી શકાય, પણ એક સાંઠાના બે કટકા સમાન ભાત-પાકિસ્તાનને અડખે પડખે સુખેથી રહેવાના માર્ગ જરૂર નીકળે.
આઝાદીનો ઉત્સવ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો હતો. તે વખતે ભારતમાં વધતી જતી રુશ્વતખોરી અને નિર્વાસિતો જ્યારે ભૂખે મારતા હતા ત્યારે પ્રધાનો જે મિજબાનીઓ આપતા હતા તેના દાખલા આપીને નહેરુ અને પટેલને ગાંધી ખખડાવતા. વૈજ્ઞાનિક પ્રગતિ અને પશ્ચિમના અર્થતંત્રના ચમકારાથી સંમોહિત થઈ ગયા હોવાનો આરોપ તેમના પર જોખતા. એટલું જ નહીં, નહેરુના કલ્યાણરાજ્યને તેઓ વખોડતા કારણ કે તેમાં સત્તાનું કેન્દ્રીકરણ ગર્ભિત હતું. તેઓ કહેતા કે આવા રાજ્યથી ‘લોકો ઘેટાં જેવાં બની જશે અને હરહંમેશ ઘાસચારાની જગ્યાએ લઈ જવા માટે ભરવાડો પર નિર્ભર રહેશે, ભરવાડની લાકડી થોડા સમયમાં બાણમાં ફેરવાશે અને ઘેટાંઓ વરુઓ બની જશે.” ગાંધીજીની આર્ષદ્રષ્ટિનો આ એક વધુ એક પુરાવો. આજે આપણે અનુભવી રહ્યા છીએ કે રાજ્ય અને કેન્દ્રીય સરકારોમાં સત્તાનું કેન્દ્રીયકરણ ઉત્તરોત્તર વધતું ગયું છે, પ્રજા પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા ગુમાવતી ગઈ, લોકશાહીને બદલે ગાડરશાહી અસ્તિત્વમાં આવી અને શાસક પક્ષ અને સરકારી તંત્ર જ બધું કરી આપે એમ માની હાથ નીચે માથું ટેકવી સુઈ ગયા. હવે એવી નિર્માલ્ય પ્રજામાંથી નેતાઓ કેવા નીપજે? વરુ જેવા જ ને?
ગાંધીજીના દેહાવસાનને 70 વર્ષ થયાં. ખેર, ભારતની પ્રજાએ તેમના ચિંધેલ માર્ગે જીવવાનું મુનાસીબ ન માન્યું. દેશના વિભાજન સમયે ગાંધીજીને કઠોર વાસ્તવિકતાની પ્રતીતિ થઈ અને વેદનાથી બોલી ઊઠ્યા, “જો ભારતને અહિંસાનો ખપ ન હોય તો મારો તો શું ખપ હોય? એક દિવસ હિંદના નેતાઓ આવીને કહે કે આ બુઢ્ઢાનું બહુ સાંભળ્યું. શા માટે હવે અમારી છાલ છોડતો નથી? તો મને નવાઈ લાગવાની નથી.” અને ભારતના નેતાઓએ ખરે જ એ બુઢઢાનું ન સાંભળ્યું જેને પરિણામે ઘણી વિટંબણાઓ સહેવી પડે છે. કોમી એખલાસ અત્યારે જોખમમાં છે તેવી કદી નહોતી. જાણે પોતે આપેલ વચન મુજબ ગાંધીજી કબરમાંથી પણ બોલતા સંભળાય છે, “ભારત કેવળ હિન્દુઓનું છે અને પાકિસ્તાન કેવળ મુસ્લિમોનું છે તેવું માનવું તેના જેવી મૂર્ખતા કોઈ નથી.” આજે આપણે એ જ કરી રહ્યા છીએ જે ન કરવું જોઈએ.
વિવિધ જીવન પદ્ધતિ અને સાંસ્કૃિતક ભિન્નતાઓ વારસામાં મળી હોય તેવો દેશ ધર્મ કે જ્ઞાતિના વાડાને મધ્ય નજર રાખીને નહીં તો બચાવી શકાય કે ન તો વિકસાવી શકાય જે બાબતની રાજકારણીઓને જાણ નથી તે સ્પષ્ટ થતું જાય છે અને એટલે જ તો હવે આમ જનતાએ આ હકીકત સમજીને ભારતને મળેલ અદ્દભુત એવા તમામ પ્રકારના વૈવિધ્યને પોષે તેવી અર્થ, સમાજ, ન્યાય અને વહીવટી વ્યવસ્થા ઊભી કરવા શક્તિમાન બનું જોઈશે. અને તે પણ 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં.
e.mail : 71abuch@gmail.com