ભારતમાં ગાંધીજીની હત્યાના પ્રત્યેક પ્રયાસમાં મહારાષ્ટ્રના અને એ પણ પુણેના બ્રાહ્મણોનો હાથ હતો એની પાછળ કેટલાંક કારણ હતાં. એ કારણ આ રહ્યાં …
૧. ૧૮૧૮માં અંગ્રેજોએ પેશવાઓના રાજને ખતમ કર્યું એ સાથે બ્રાહ્મણોની બ્રાહ્મણશાહીનો અંત આવ્યો હતો. પુણેના સનાતની માનસિકતા ધરાવનારા ચિત્પાવન બ્રાહ્મણો પોતાને સ્વાભાવિક શાસક સમજતા હતા. એની જગ્યાએ તેમના શાસનનો અંત આવ્યો અને તેઓ રૈયત બની ગયા એનું તેમને પેટમાં દુખતું હતું. બીજી બાજુ અંગ્રેજોએ લશ્કરમાં દલિતોની અને અન્ય સરકારી સેવાઓમાં બહુજન સમાજની ભરતી કરવા માંડી હતી. આને કારણે બહુજન સમાજનો ઉદય થવા લાગ્યો હતો. તેમની અસૂયાની શરૂઆત અહીંથી થઈ હતી.
૨. ૧૮૩૩માં રાજા રામમોહન રૉયનું અવસાન થયું એના છ વરસ પહેલાં મહારાષ્ટ્રમાં મહાત્મા જ્યોતિબા ફુલેનો જન્મ થઈ ચૂક્યો હતો. માનવતા, ન્યાય અને સમાનતા આધારિત સમાજરચનાનું જે ચિંતન રાજા રામમોહન રૉયે કર્યું હતું એને જ્યોતિબા ફુલેએ વધારે સ્ફુટ કર્યું હતું અને એને આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું. માનવીય ગૌરવ અને સામાજિક સમાનતા એ માત્ર મૂલ્ય નથી, અધિકાર છે એ ફુલેએ શીખવાડ્યું. જ્યોતિબા ફુલેએ બ્રાહ્મણ અને બ્રાહ્મણશાહી સામે બરાબર ૧૮૦ ડિગ્રીનો ધ્રુવ વિકસાવ્યો હતો. એટલે તો જ્યોતિબા ફુલેને મહાત્મા તરીકે ઓળખાવવામાં આવે છે જેની સામે મહારાષ્ટ્રના બ્રાહ્મણોને વાંધો હતો અને છે. આમ જ્યોતિબા ફુલેએ બ્રાહ્મણોની અસૂયામાં વધારો કર્યો હતો.
૩. ૧૮૯૦માં જ્યોતિબા ફુલેનું અવસાન થયું ત્યાં સુધીમાં મહારાષ્ટ્રમાં બહુજન સમાજમાં જાગૃતિ આવી ગઈ હતી અને એ પછીના દાયકા-બે દાયકામાં બહુજન સમાજની ઉચ્ચ શિક્ષિત પેઢી અસ્તિત્વમાં આવી ગઈ હતી. તેમણે બ્રાહ્મણેતર (નૉન બ્રાહ્મિન) આંદોલન શરૂ કર્યું હતું. હિન્દુ સમાજ અન્યાય અને અસમાનતાના પાયા પર ઊભો છે એનું કારણ બ્રાહ્મણ અને બ્રાહ્મણશાહી છે એટલે બ્રાહ્મણોની સામે બહુજન સમાજે એક થવું જોઈએ. એ સમયે દેશના સર્વોચ્ચ નેતા ગણાતા લોકમાન્ય ટિળક સામે મહારાષ્ટ્રના બહુજન સમાજે મોરચો ખોલ્યો હતો અને તેમનું આંદોલન એટલું શક્તિશાળી હતું કે મહારાષ્ટ્રમાં લોકઆંદોલન છેડવામાં તેમણે ટિળકને વારંવાર નિષ્ફળતા અપાવી હતી. પહેલાં સામાજિક સમાનતા વિશે ભૂમિકા સ્પષ્ટ કરો પછી બીજી વાત. લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય નેતા હોવા છતાં મહારાષ્ટ્રમાં ટિળક સ્વયં અને બ્રાહ્મણો વધારે ઘેરાયા હતા.
૪. ૧૯૧૫માં ગાંધીજી ભારતમાં આવ્યા ત્યાં સુધી રાષ્ટ્રીય રાજકારણનું નેતૃત્વ મહારાષ્ટ્ર પાસે હતું અને એ પણ પુણેના ચિત્પાવન બ્રાહ્મણો પાસે હતું. પછી તેઓ જહાલ હોય કે મવાળ. ૧૯૧૫માં ગોપાલ કૃષ્ણ ગોખલેનું અવસાન થયું અને ટિળકની હયાતીમાં જ ગાંધીજી કૉન્ગ્રેસના સર્વોચ્ચ નેતા તરીકે સ્થાપિત થઈ ગયા. લોકમાન્ય ટિળકને આની સામે જરાય વાંધો નહોતો, ઊલટું પોતાની વય અને શારીરિક અવસ્થા જોતાં તેમણે પોતાના અનુયાયીઓને ગાંધીજીને અનુસરવા કહ્યું હતું, પરંતુ સનાતની હિન્દુ બ્રાહ્મણોને ગાંધીજી સ્વીકાર્ય નહોતા બન્યા. એક ગુજરાતી વૈશ્ય મહારાષ્ટ્રના ચિત્પાવન બ્રાહ્મણોનું વર્ચસ્વ છીનવી લે એ તેમનાથી સહન નહોતું થતું. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્ર પુણેની જગ્યાએ અમદાવાદ થઈ ગયું હતું. મહારાષ્ટ્રના બ્રાહ્મણોની અસૂયાને પ્રગટ કરતું પુષ્કળ સાહિત્ય ઉપલબ્ધ છે. ઓછામાં ઓછા દસ લેખોની શ્રેણી થઈ શકે એટલી બ્રાહ્મણોએ કરેલી ગાંધીનિંદા ઉપલબ્ધ છે. જો એક સ્થળે આ બધું સાહિત્ય પ્રમાણો સાથે જોવું હોય તો સદાનંદ મોરેનું મરાઠી પુસ્તક ‘લોકમાન્ય તે મહાત્મા’ વાંચવાની હું ભલામણ કરું છું. બે ખંડમાં લગભગ હજાર (યસ હજાર પાનાંમાં) પાનાંમાં તેમણે મહારાષ્ટ્રના બ્રાહ્મણોની ગાંધીજી સામેની અસૂયાની વિગતો આપી છે.
૫. ભારતમાં ગાંધીજી આવ્યા અને ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ સવર્ણે બહુજન સમાજ, દલિતો અને સ્ત્રીઓ સાથે સમાનતા અને રાષ્ટ્રીય ભાગીદારીનો સેતુ બાંધ્યો. જી હા, આવું ભારતના ઇતિહાસમાં પહેલી વાર બન્યું હતું. એ સેતુ અધિકાર આધારિત સેતુ હતો, કોઈ દયા નહોતી. બહુજન સમાજના, દલિતોના અને સ્ત્રીઓના માનવીય અધિકારને બાઇજ્જત માન્ય રાખવામાં આવ્યો હતો. મહિલાઓ સાથે સેતુ બાંધવામાં ગાંધીજીને સો ટકા સફળતા મળી હતી, બહુજન સમાજ સાથે સેતુ રચવામાં ૮૦ ટકા સફળતા મળી હતી અને દલિતો સાથે સેતુ બાંધવામાં ૫૦ ટકા સફળતા મળી હતી એમ હું માનું છું. ૧૯૩૨માં ગાંધીજીએ ડૉ. આંબેડકર સાથે પુણેમાં કરાર કર્યો અને દલિતોને ૧૪૮ અનામત બેઠકો આપી એ જોઈને બ્રાહ્મણોના પેટમાં તેલ રેડાયું હતું. હવે પછી દલિતો સત્તામાં ભાગીદાર બનવાના હતા. આર્યાવર્ત માટે આનાથી વધારે ખરાબ દિવસો બીજા શું હોય શકે? એક વૈશ્યે બ્રાહ્મણદ્રોહનો ગુનો કર્યો હતો જે બ્રાહ્મણહત્યા કરતાં જરા ય ઓછો ગંભીર નહોતો. ૧૯૩૪માં ગાંધીજી પર પુણેમાં હુમલો કરવામાં આવ્યો એનું કારણ પુણે-કરાર અને દલિતોને ન્યાય આપવાની ગાંધીજીની ઝુંબેશ હતાં એમ મહારાષ્ટ્રના પરમ આદરણીય વિદ્વાન આચાર્ય જાવડેકર કહી ગયા છે. બીજા પણ અનેક લોકો છે જેમણે આવી મીમાંસા કરી છે.
૬. વિનાયક દામોદર સાવરકર છેક બાળપણથી ભારતના અપૂર્વ નેતા બનવાનાં અરમાનો ધરાવતાં હતાં. તેમની આત્મકથા વાંચો તો તેમના સ્વપ્નભંગનો ખ્યાલ આવે. તેઓ ભારતના મેઝિની (ઇટાલિયન ક્રાન્તિકારી) બનવા માગતા હતા. સશસ્ત્ર ક્રાન્તિના અધ્વયુર્ બનવા માગતા હતા. તેઓ બહુમતી રાષ્ટ્રવાદ(મૅજોરિટેરિયન નૅશનલિઝમ)માં માનતા હતા જે આગળ જતાં હિન્દુ રાષ્ટ્રમાં પરિણમ્યો હતો. તેમનાં અરમાનો પર ગાંધીજીએ પાણી ફેરવી દીધું હતું. સાવરકરનો પરાજય ગાંધીજીની અહિંસા સામે નહોતો, ગાંધીજીની વિરાટ પ્રતિભા સામે હતો. આ બાજુ તેમનાં નસીબ પણ ખરાબ (કે પછી સારાં. સારાં એ અર્થમાં કે ગાંધીજી સાથે સીધી અથડામણ થઈ નહીં અને બંધ મુઠ્ઠી ખૂલી નહીં.) કે અંગ્રેજોએ તેમને સજા કરી અને એ પછી નજરબંધી કરીને ૨૫ વરસ રાષ્ટ્રીય રાજકારણમાંથી બહાર ધકેલી દીધા. ગાંધીજીને કારણે અને નસીબને કારણે જે સ્વપ્નભંગ થયો હતો એનો ચચરાટ સાવરકરે આખી જિંદગી અનુભવ્યો હતો. ગાંધીજીના હત્યારાઓ, ખાસ કરીને નથુરામ ગોડસે સાવરકરનો ખાસ ચેલો હતો.
૭. સદીઓથી સામાજિક ભેદમાં માનનારા, કોમી વિભાજનનો ઇતિહાસ ધરાવનારા, પરંપરાગત માનસ ધરાવનારા, સેંકડો રિયાસતોમાં વહેંચાયેલા અને અખંડ ભારતનો કોઈ ઇતિહાસ કે અનુભવ નહીં ધરાવનારા આ દેશને ગાંધીજીએ તેમના સર્વસમાવેશક અભિગમ દ્વારા એક બનાવ્યો હતો. પરંપરાગ્રસ્ત દેશ સર્વસમાવેશક આધુનિક લોકતાંત્રિક બની શક્યો તો એનું પૂરું શ્રેય ગાંધીજીને જાય છે. સાવરકરવાદીઓને સમજાઈ ગયું હતું કે જ્યાં સુધી ગાંધી છે, ગાંધીની તપસ્વિતાની સુગંધ છે, ગાંધી પરની લોકોની શ્રદ્ધા છે ત્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર સાકાર થવાનું નથી. હત્યાના વારંવારના પ્રયાસો અને બદનક્ષી આ માટે કરવામાં આવતાં હતાં.
૮. અને છેલ્લે પાકિસ્તાન. પાકિસ્તાનની માગણીને કારણે હિન્દુ અને મુસલમાન વચ્ચે અંતર વધવા લાગ્યું હતું અને એમાં હિન્દુત્વવાદીઓને તક નજરે પડવા લાગી હતી. તેમને એમ લાગવા માંડ્યું હતું કે હવે ગાંધીનો બાપ આવે તો પણ બે કોમ વચ્ચેની ખાઈ પુરાઈ શકે એમ નથી. તેમણે કોમી હુલ્લડો સળગાવીને ખાઈમાં વધારો કરવાનું શરૂ કર્યું, મુસલમાનો વિરુદ્ધ અફવા ફેલાવવાનું શરૂ કર્યું અને ગાંધીજી કેવા મુસ્લિમતરફી છે એનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. અહીં પણ તેમનું નસીબ એક ડગલું આગળ હતું. ગાંધીજી જ્યાં જાય ત્યાં હિંસા શાંત થઈ જાય. લૉર્ડ માઉન્ટબેટને ગાંધીજીને એક વ્યક્તિના સૈન્ય તરીકે ઓળખાવ્યા હતા. જે લશ્કરી કુમક ન કરી શકે એ ગાંધીજી કરી શકે.
૧૯૪૫થી ૧૯૪૮નાં વર્ષોમાં મોટી તક મળવા છતાં કોમી ખાઈ વિસ્તારવામાં પણ તેમને સફળતા ન મળી. કારણ હતા ગાંધીજી. ગાંધીજીને મુસ્લિમતરફી ઠરાવીને હિન્દુની નજરમાંથી નીચા પાડવામાં પણ સફળતા ન મળી. કારણ હતું ગાંધીજીની વિરાટતા. ઓછામાં પૂરું અનિિતતા અને અરાજકતાની વચ્ચે બંધારણસભા મળવા લાગી અને ગાંધીજીની કલ્પનાના ભારતને મૂર્ત સ્વરૂપ આપવા લાગી. આમ ભારતના વિરાટ નેતા બનવાના અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના એમ સાવરકરનાં બન્ને સપનાં બુરી રીતે તૂટી ગયાં. એક વાક્યમાં કહેવું હોય તો ગાંધીજીની હત્યા એ ગાંધીજીની વિરાટતા અને વિચાર સામેના પરાજયનું પરિણામ છે.
તમને ખબર છે? ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીની સાંજે ગાંધીજીને ત્રણ ગોળી મારવામાં આવી એ પછી ભારત અને પાકિસ્તાનમાં હિંસાની એક પણ (જી હા, એક પણ) ઘટના નહોતી બની. બન્ને દેશની પ્રજાએ શરમ અને પશ્ચાત્તાપનો અનુભવ કર્યો હતો અને એ ભાવ પ્રજામાનસમાં એકંદરે દોઢ-બે દાયકા સુધી ટક્યો હતો. એ માણસ મરીને પણ હરાવતો ગયો. હરાવતો ગયો એટલે ત્યાં સુધી કે એકલા હાથે દિલ્હી પહોંચતા સાત દાયકા લાગ્યા.
હવે કહો હિન્દુત્વવાદીઓને ગાંધી પરવડે? પણ અંદરની અસૂયા ખુલ્લી પડી ન જાય એટલા માટે પંચાવન કરોડ. સાવ મામૂલી મુદો હતો જેની વાત આવતી કાલે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 ફેબ્રુઆરી 2018