શોષિતો – આશ્રિતોની મુક્તિ માટેના એમના પ્રયાસોને આવતીકાલે સુરતમાં હ્યુમન રાઇટ્સ અવૉર્ડથી સન્માનાશે
આવતી કાલે [18-02-2017] સુરતમાં ધારાશાસ્ત્રી ડૉ. મુકુલ સિંહા(1951-2014)ને ભગીરથ હ્યૂમન રાઇટ્સ અવૉર્ડ આપવામાં આવશે.
તે સુરતની સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ સંસ્થા દ્વારા ભગીરથ મેમોરિયલ ફન્ડ કમિટીના ઉપક્રમે આપવામાં આવી રહ્યો છે. આ સન્માન મુકુલભાઈનાં પત્ની અને ‘જન સંઘર્ષ મંચ’નાં મોવડી નિર્ઝરી સિંહા વિખ્યાત વકીલ પ્રશાન્ત ભૂષણને હસ્તે સ્વીકારશે.
સમિતિનું સન્માન પત્ર નોંધે છે કે ડૉ. મુકુલ સિંહાને આ અવૉર્ડ ‘માનવ અધિકાર માટેની તેમની તેમની જુસ્સાભરી લડત માટે’ આપવામાં આવી રહ્યું છે. તેમણે આ લડત અનેક મુકદ્દમા થકી ચલાવી હતી. તેના ભાગ રૂપે તેમણે સમાજના હાંસિયા પરના અને નબળા વર્ગોને મુક્તિ માટેના પ્રયત્નોમાં ટેકો આપ્યો અને સંગઠિત કર્યા એમ પણ સન્માનપત્રમાં જણાવવામાં આવ્યું છે. તેમાં મુકુલભાઈના જીવનકાર્ય વિશે મુખ્ય માહિતી આપવામાં આવી છે. મુકુલભાઈએ કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજિમાંથી ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર્સની અને અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરિ(પી.આર.એલ.)માંથી પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. પી.આર.એલ.માં સંશોધક તરીકેની કારકિર્દી તેમણે – જેમની સાથે સંસ્થા ખરાબ અને અન્યાયપૂર્ણ વ્યવહાર કરતી હતી એવા – ચોકીદારો ખાતર જતી કરી. તેમાં વિજ્ઞાનને ખોટ ગઈ પણ કાયદાશાખાને અને સમાજને ફાયદો થયો. ડૉ. સિંહા કામદારો માટેના અગ્રણી વકીલ બન્યા. વળી તેમણે પી.આર.એલ., ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, અમદાવાદ બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ અને બીજી સંસ્થાઓના કર્મચારીઓનાં સંગઠનો પણ બનાવ્યાં. માનવ અધિકાર માટે સ્થાપેલાં જન સંઘર્ષ મંચ થકી તેઓ શ્રમજીવીઓ માટેના ઘણા કેસો લડ્યા. પૂજારીઓથી લઈને પોલીસ તેમ જ સનદી અધિકારીઓ સુધી અનેક પ્રકારના લોકો તેમના અસીલો હતા. તેમનું ઘર અને તેમની ઑફિસ હંમેશાં બધા માટે ખુલ્લાં રહેતાં. અન્યાય પીડિતોને તે હૂંફ અને ટેકા સાથે આવકારતા.
ભગીરથ અવૉર્ડનું સન્માન પત્ર ગુજરાતમાં 2002માં થયેલાં કોમી રમખાણો અને તેના પછીના તબક્કામાં મુકુલ સિંહાએ કરેલી કામગીરીની પણ નોંધ લે છે. તેમાં માનવ અધિકાર માટેની તેમની સક્રિય નિસબત, વિજ્ઞાનનો કાયદામાં કુશળ વિનિયોગ, સામાજિક-કાનૂની સમસ્યાઓનું ચોકસાઈભર્યું વિશ્લેષણ અને તેમની તીક્ષ્ણ બુદ્ધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત અને મણિપુરનાં બનાવટી એન્કાઉન્ટર્સનો તેમણે પર્દાફાશ કર્યો હતો. રમખાણો પાછળની હકીકતો બહાર લાવવામાં નાણાવટી કમિશન સામે તેમણે બહુ જ અસરકારક કામગીરી કરી હતી. આ બંને બાબતોથી રાજ્ય સરકાર હચમચી ઊઠી હતી. ડૉ. સિંહા બાહોશ અને બહાદુર હોવાની સાથે, બીજાની પીડાને પોતાની ગણવાનું સંવેદન પણ ધરાવતા હતા. સન્માન પત્ર નોંધે છે કે તેમના અકાળ અવસાનથી ગુજરાતે અને દેશે માનવ અધિકાર માટેનો એક પ્રતિબદ્ધ, ધૈર્યવાન અને તેજસ્વી લડવૈયો એવા સમયે ગુમાવ્યો કે જ્યારે એની ખૂબ જરૂર હોય.
મુકુલ સિંહાના પહેલા સ્મૃિત દિને ‘પૅશન ફૉર જસ્ટિસ : મુકુલ સિંહાઝ પાયોનિયરિંગ વર્ક’ (પ્રકાશક: ‘ફ્રેન્ડસ ઑફ મુકુલ સિન્હા’) નામનું સવાસો પાનાંનું મહત્વનું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમાં તેર કર્મશીલો/બૌદ્ધિકોએ મુકુલભાઈની ન્યાય માટેની લડતોનો આલેખ આપ્યો છે. તેમાંથી તેમની ઓછી જાણીતી જે સિદ્ધિઓ અંગે માહિતી મળે છે તેમાં પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ અૅક્ટ -‘પોટા’ના ઉપયોગ સામેની તેમની લડતનો સમાવેશ થાય છે. તે કહેતા કે ઑક્ટોબર 2002 સુધીમાં ગુજરાતમાં આતંકવાદીઓ ન હતા એટલે આતંકવાદ સામે યુદ્ધ જાહેર કરવું મુખ્ય મંત્રી મોદીની સરકાર માટે અશક્ય હતું. પણ 2004ના ત્રીજા અઠવાડિયા સુધીમાં 180 ખૂંખાર આતંકવાદીઓ રાજ્યની જેલોમાં હતા, મતલબ દર મહિને સરેરાશ બાર આતંકવાદીઓ ગુજરાતે પેદા કર્યા. તેમના મતે ‘પોટા’ એટલે ‘પ્રોડક્શન ઑફ ટેરરિસ્ટ અૅક્ટ’. એ કહેતા : ‘ગુજરાત ‘પોટા’નો દુરુપયોગ નથી કરતું, પણ આતંકવાદીઓ પેદા કરવા માટે તેનો ઉપયોગ કરે છે.’ મુકુલભાઈએ વડા પ્રધાન મનમોહન સિંહ સુધી અનેક સ્તરે ‘પોટા’ વિરુદ્ધ રજૂઆતો કરી. અનેક કિસ્સામાં આરોપીઓને ‘પોટા’માંથી મુક્ત કરાવ્યા. ‘પોટા’ રદ કરવા માટેની સફળ ચળવળમાં મુકુલભાઈનો ફાળો ખૂબ મોટો છે.
મુકુલ સિંહાનું બીજું ઓછું જાણીતું કામ તે મણિપુરના બનાવટી એન્કાઉન્ટર્સને ખુલ્લાં પાડવાનું. ત્યાંની છ હત્યાઓની તપાસ માટે સર્વોચ્ચ અદાલતે પૂર્વ ન્યાયમૂર્તિ સંતોષ હેગડેના વડપણ હેઠળ પંચ નીમ્યું. મુકુલભાઈ મૃતકોની પત્નીઓ વતી લડતા હતા. તેમાં મુકુલભાઈ સુરક્ષા અધિકારીઓની એવી કડક ઊલટ તપાસ કરતા કે દરેક સવાલ વખતે ઑફિસર મૂંઝાઈને થોથવાવા લાગતા. સરંક્ષણ ખાતાના વકીલ કૂદીકૂદીને સવાલો સામે વાંધા ઊઠાવતા હતા જે નામંજૂર થતા હતા.
દેશવિદેશના કરોડપતિઓ જેમાં જોડાયેલા હોય તેવી અમદાવાદની એક પેઢીએ તેના દેવસ્થાનોનાં પૂજારીઓને વર્ષોથી સાવ નજીવા પગાર સાથે સલામતી વિનાની નોકરીમાં રાખ્યા હતા. આ શોષણમાંથી રસ્તો કાઢી આપવા આ પૂજારીઓના પ્રતિનિધિએ મુકુલભાઈની મદદ માગી. નાસ્તિક મુકુલભાઈએ શ્રદ્ધાળુ પૂજારીઓનું સંગઠન બનાવી તેમને હડતાળ પર ઊતાર્યા કે દેવસ્થાનોમાં ભગવાનનાં સ્નાન,પૂજા, આરતી બધું અટકી ગયું. હડતાળ જડબેસલાક ચાલી. મુકુલભાઈને કોરા ચેકની લાલચ પણ આપવામાં આવી. અંતે માલિકોને એવું નમતું જોખવું પડ્યું કે પૂજારીઓને છઠ્ઠા પગારપંચ જેટલો પગાર મળતો થયો ! આ લડતની વાત પુસ્તકમાં વાંચવા મળે છે.
તદુપરાંત તેમાં સેક્યુલરિઝમ, વૈશ્વિકરણ, કોમવાદ જીવવાનો અધિકાર અને વિજ્ઞાનશિક્ષણ વિશે મુકુલ સિંહાએ પોતે લખેલા લેખો તેમ જ તેમની સાથેની એક લાંબી મુલાકાત પણ છે. ‘સેક્યુલારિઝમ અૅન ઇલ્યુઝન’ મથાળા હેઠળ શાહિદ આઝમી સ્મૃિત વ્યાખ્યાન વાંચવા મળે છે. તેમાં વક્તા આઝાદ ભારતમાં કોમવાદી હિંસા, તેની સામે ચાલેલા મુકદમા અને ન્યાયતંત્રના વિવાદસ્પદ દૃષ્ટિબિંદુનો આલેખ આપે છે. પછી તે આ તારણ પર આવે છે : ‘એટલા માટે સેક્યુલારિઝમ એક સંદિગ્ધ શબ્દ છે. ભારતમાં કટોકટીના અંધકારમય કાળમાં 1976માં તે બંધારણના અમુખમાં બેતાળીસમા સુધારા તરીકે દાખલ કરવામાં આવ્યો છે. આપણા દેશમાં એ શબ્દ ચૂંટણી દરમિયાન લઘુમતીઓની તરફેણમાં અને વિરુદ્ધમાં વાપરવા માટેનું સૂત્ર, સ્લોગન બન્યો છે.’
પુસ્તકમાં મુકુલભાઈની એક લાંબી મુલાકાત છે. તેમાં તે કહે છે કે 2002ના રમખાણો બાબતે જન સંઘર્ષ મંચે એની ભૂમિકા હિંસાપીડિતોને સરકાર પાસે આર્થિક વળતર મળે એટલા પૂરતી મર્યાદિત રાખી ન હતી. મંચે રમખાણોમાં સરકારની ભૂમિકા અને જવાબદારી વિશે સવાલ ઊઠાવ્યો હતો. તે જ રીતે એનકાઉન્ટર્સમાં સરકારની ખુદની સંડોવણી બાબતે પણ ઠીક કામ થયું હતું. કોમી હિંસા અને ચાર બનાવટી એન્કાઉન્ટર્સના કેસોમાં મુકુલ સિંહાની શક્તિને કારણે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને અત્યારના ભા.જ.પ.ના પ્રમુખ અમિત શાહ, આઇ.પી.એસ. ઑફિસરો ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડિયન, દિનેશ કુમાર અને બીજા ચાળીસેક ઑફિસરોને કાચા કામના કેદી તરીકે જેલમાં જવું પડ્યું છે અથવા આરોપીના પાંજરામાં ઊભા રહેવું પડ્યું. આજે એ બધા ક્યાં છે અને કેમ છે એ સવાલ ડૉ. મુકુલ સિંહાને મળી રહેલાં મરણોત્તર સન્માન પ્રસંગે અસ્વસ્થ કરતો રહે છે.
16 ફેબ્રુઆરી 2017
++++++
સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 17 ફેબ્રુઆરી 2017