વિશ્વની મનોરંજન-રાજધાની હોલીવુડની નજીક લોસ એન્જલસમાં દાયકાઓ સુધી રહ્યાનો એક મોટો ફાયદો એ કે વૈવિધ્યપૂર્ણ નાટકો, સંગીત-નાટકો (મ્યૂઝિકલ્સ), અને હોલીવુડની ફિલ્મ પ્રોડકશનની પ્રવૃત્તિઓ એક રસિક અને ભાવક તરીકે વારંવાર માણી શકાય.
અહીં એકદમ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ અને ભવ્ય ડિઝની કોન્સર્ટ હોલ, મ્યુઝિક સેંટર, ડોરોથી ચૅડલર પેવેલિયન, અને એહેમેન્સન થિયેટર જેવાં અત્યંત આધુનિક નાટ્યગૃહો છે. એકદમ સાંપ્રત, લોકપ્રિય, વિખ્યાત, અને બ્રોડવેના જાણીતાં નાટકો અને સંગીત-નાટકો અહીં સતત ધૂમ મચાવે છે. અમેરિકાના સાંસ્કૃતિક અને કલા-ચાહકો નિયમિત આવાં નાટકો માણે છે. લોસ એન્જલસની મધ્યમાં જ વિશ્વવિખ્યાત સ્થાપત્યકાર ફ્રેક ગેહરીનું સર્જેલું ડિઝની કોન્સર્ટ હોલ એક જોવા જેવું અદ્દભુત સ્થાપત્ય છે.
અમેરિકાના બધાં શહેરોમાં આધુનિક નાટ્યગૃહો હોય છે જ. આ નાટ્યગૃહોમાં સામાન્ય રીતે પરંપરાગત, પ્રચલિત, નવાં અને જૂનાં ક્લાસિકસ, અને વિખ્યાત નાટકો વેપારી ધોરણે નિયમિત રજૂ થતાં હોય છે.
લોસ એન્જલસ ઉપરાંત બોસ્ટન, સિઆટલ, પોર્ટલેન્ડ, ફિલાડેલ્ફિયા, અને સાન ફ્રાન્સિસકો જેવાં બધાં જ મોટાં શહેરોમાં આવાં અદ્યતન મોટાં નાટ્યગૃહો છે. પણ નાટ્ય-પ્રવૃત્તિમાં સૌથી વધુ ધમધમતું શહેર એટલે ન્યૂયોર્ક. ત્યાં છે બ્રોડવે, નાટકોની અને થિયેટરની પ્રવૃત્તિની રાજધાની!
પણ આવા મોટા નાટ્યગૃહનું ભાડું અને પ્રેક્ષકો માટેની ટિકિટ પણ મોંઘી હોય છે.
પ્રયોગશીલ નાટકોને આવાં મોટા નાટ્યગૃહોમાં રજૂઆત કરવી ન પોષાય. તેમની આવક પણ સાવ ઓછી. પ્રયોગશીલ નાટકોને ભજવવાની જગ્યા પણ પ્રયોગશીલ હોય છે!
પ્રયોગશીલ નાટક મંડળીઓનો ઉદ્દેશ કમાણીને બદલે, ચીલાચાલુથી તદ્દન કંઈક જુદું જ કરવું, એવો હોય છે. તેમને બીજે ક્યારે ય ન થઇ હોય તેવી અનોખી રજૂઆત કરવામાં રસ હોય છે. તેમનો મુખ્ય આશય હોય છે, નાટકોમાં ચાલી આવતી સ્થાપિત સામાજિક હિતો, સ્થાપિત રાજકીય હિતો-તરફી ચીલાચાલુ રજૂઆતોની સામે બળવો કરવો. તેમણે કંઈક નવી વાત, નવી દૃષ્ટિ, નવીન રીતે પ્રેક્ષકો સમક્ષ મૂકવી હોય છે જે મૌલિક અને અસરકારક હોય!
લોસ એન્જલસના બૃહત્ વિસ્તારમાં સોથી વધુ નાનાં નાટ્યગૃહો છે, જ્યાં નાની નાની નાટકમંડળીઓ ઓછા ભંડોળથી પ્રયોગશીલ નાટકો કરે છે. આ નાનાં થિયેટર્સ કોઈક નાના કાફેમાં, કોઈ પરા વિસ્તારના જાહેર ગ્રંથાલયના પટાંગણમાં, કોઈ મોટા બસ સ્ટેન્ડના વેઇટિંગના પટાંગણમાં, કોઈ ચાર રસ્તાની એક બાજુની મોટી ખુલ્લી જગ્યામાં, અથવા શાળા-કોલેજના નાના ઓરડા કે હૉલ જેવી વિવિધ તદ્દન સામાન્ય જગ્યાઓએ ચાલતાં હોય છે.
લોસ એન્જલસની એક પ્રયોગશીલ નાટ્યસંસ્થા, “ન્યૂ વેવે”, કોવિડ પછી, એક કારખાનાની ખુલ્લી જગ્યામાં પ્રોપ્સ વગર સ્ટેજ અને ‘કાલ્પનિક’ ઓરડાઓ બનાવ્યા – જમીન પર ચોકથી દોરીને! નાટક દરમ્યાન પ્રેક્ષકોએ એક ઓરડામાંથી બીજા ઓરડામાં ફરવાનું. દરેક ઓરડે અભિનેતાઓ પોતાના ભાગે આવેલો અભિનય કરતા હોય. જેમ નાટક આગળ વધે તેમ પ્રેક્ષકો ફરે. અભિનેતા તેમના જ સ્થળે રહે. વળી અભિનેતાઓ અને પ્રેક્ષકો વચ્ચે પણ સંવાદ ચાલે અને નાટક આગળ વધે. રેલવે સ્ટેશન દર્શાવવા માટે જમીન પર પાટા દોર્યા હોય. સૂર્ય દર્શાવવા એક લાઈટ બલ્બ અને એક સફેદ વર્તુળાકાર સફેદ કાગળ એટલે ચંદ્ર! આમ તદ્દન જ નવીન રંગમંચ-સજાવટ. છતાં પ્રેક્ષકોને બધાં જ પ્રતીકોની અને અભિવ્યક્તિની સહજ રીતે સમજ પડી જાય તેવી બુદ્ધિપૂર્વકની ગોઠવણી! કોઈ જાતનો ચોક્કસ સજ્જ સેટ નહિ, કે પ્રોપ્સ નહિ. ઘણું બધું માત્ર પ્રતીકાત્મક (સિમ્બોલિક) રીતે મૂકેલું હોય. તદ્દન નવોદિતો અને વિશ્વવિખ્યાત નાટ્યકારો પણ પોતાનાં પ્રયોગશીલ નાટકો અહીં રજૂ કરે છે. લોકો તેમને બિરદાવીને પ્રોત્સાહિત કરે છે.
“બ્લેક બોક્સ” થિયેટર પણ પ્રયોગશીલ નાટકના ભાગ રૂપે પ્રચલિત છે. નામ પ્રમાણે, તદ્દન સાદા કાળા પડદાઓવાળું કોઈ જ પ્રોપ્સ વગરનું કાળું સ્ટેજ. કાળા રંગને લીધે પ્રેક્ષકોનું ધ્યાન પણ માત્ર અભિનેતાઓ પર અને શું બોલે છે તે પર જ રહે. આ સ્ટેજ ઊભું કરવું પણ એકદમ સસ્તું અને સરળ. તેથી પ્રયોગશીલ નાટકો માટે “બ્લેક બોક્સ” થિયેટર ખૂબ અગત્યનું છે.
અમેરિકાના અનેક શહેરોની મ્યુનિસિપાલિટી નાની પ્રયોગશીલ કલાપ્રવૃત્તિઓ માટે ખાસ ભંડોળ (એન્ડોવમેન્ટ) રાખે છે. સાવ નાની નાટકમંડળી પણ ગ્રાન્ટ મેળવી શકે. અહીં પ્રયોગશીલ નાટકો, બહુ નાના પાયા પર રહીને પણ, ધંધાધારી નાટકોની સમાંતર ચાલે છે. બધી જ શાળાઓ, કોલેજો, અને યુનિવર્સિટીઓમાં થિયેટર અને પરફોર્મિંગ આર્ટ ડિપાર્ટમેન્ટ હોય જ, જેથી પ્રયોગશીલ કલાને પ્રોત્સાહન મળે.
અમેરિકાનાં પ્રયોગશીલ નાટકો અને રંગભૂમિનાં મૂળ છે, ઓગણીસમી સદીના યુરોપની પ્રયોગશીલ, કલા, નાટકો અને રંગભૂમિની ચળવળ – આવાં-ગાર્ડ(avnat-garde)માં. આવાં-ગાર્ડ એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ થાય જુદું, આગળ પડતું; પ્રગતિશીલ, પ્રયોગશીલ, નવીન કલા. જેમ લશ્કરમાં અગ્ર હરોળમાં રહીને રક્ષણ થાય તેમ કલા અને સંસ્કૃતિમાં પણ નવીન અને પ્રયોગશીલ અગ્રતા. તદ્દન નવાં જ અને બિનપરંપરાગત સાધનો, પ્રતીકો, દૃશ્ય અને શ્રાવ્યનો, સ્ટેજનો, કલામાં ઉપયોગ કરીને એવી રજૂઆત કરવી કે જે ચીલાચાલુ અને પરંપરાગત રીતે રજૂ થતી ન હોય.
આવાં-ગાર્ડનો ઉદ્ભવ, યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી, ત્યાંની તે સમયની, સામાજિક જીવનપદ્ધતિ, સાંસ્કૃતિક મુખ્ય પ્રવાહ, અને રાજકીય કટોકટી સામેના એક બળવા રૂપે થયો હતો.
પ્રયોગશીલ નાટકોનો વિકાસ અમેરિકામાં બહુ ધીમેથી થયો કારણ કે બ્રોડવે જેવા વેપારી ઉદ્દેશથી તૈયાર થતાં નાટકોની સામે, શરૂઆતમાં, આવાં પ્રયોગશીલ નાટકોને આવકાર નહતો મળ્યો. આ નાટકોનો ઉદ્દેશ મનોરંજનનો ન હતો. કંઈક જુદું જ કરવું, કંઈક નવીન કરવું, જે ક્યારે ય ન કર્યું હોય, માત્ર એવા જ આશયથી પ્રયોગશીલ નાટકો થતાં અને થાય છે.
ઘણા અમેરિકન નાટ્ય-વિદ્વાનો પ્રયોગશીલ નાટકોને, બીજાં નાટકોની સરખામણીમાં, એક વૈકલ્પિક નાટ્યપ્રકાર કહેવા તૈયાર નથી. જો વૈકલ્પિક હોય તો એ ‘શેનો વિકલ્પ?’ વિકલ્પ સમાન વસ્તુઓમાં જ હોય! અજોડ અને અપૂર્વને જો વિકલ્પ તરીકે સ્વીકારો તો એ અજોડ કેવી રીતે કહેવાય? અમેરિકન નાટ્ય-વિદ્વાનો આવાં-ગાર્ડ અને પ્રયોગશીલ નાટકને ચીલાચાલુ નાટકનો વિકલ્પ નથી માનતા. તેઓ માને છે કે એ બંનેના સ્થાન જુદાં અને સ્વતંત્ર છે.
પરંપરાગત રીતે નાટક લખાય પછી દિગ્દર્શક તેનું અર્થઘટન કરીને મંચ અને અભિનેતા પાસે કામ કરાવે. દિગ્દર્શકની કલા – વિભાવના અને સત્તા પ્રમાણે જ બધાંએ કામ કરવું પડે. પ્રયોગશીલ નાટકોમાં અભિનેતાને સર્જનાત્મક રીતે અને મૌલિક રીતે તેમાં થોડાક ફેરફાર (improvisation) કરવાની છૂટ અને અવકાશ રહે છે.
જાણીતા પ્રયોગશીલ નાટ્યકાર પીટર બ્રૂક્સ કહે છે કે અભિનેતા અને પ્રેક્ષકો વચ્ચે બહુ થોડો ભેદ છે. પ્રયોગશીલ નાટકોમાં પ્રેક્ષકો નિષ્ક્રિય ન હોય અને રંગમંચ હંમેશાં જુદું ન હોય. બંને એકમેક સાથે મળીને જ એક સંકલિત રંગમંચ બનાવે છે. અમેરિકાના ઘણાં પ્રયોગશીલ નાટકોમાં પ્રેક્ષકો સક્રિય ભાગ લેતા હોય છે. આ કારણે જો અસફળતા મળે તો પણ આવી પ્રયોગશીલતાનું મહત્ત્વ સફળતા કરતાં વધુ હોય છે.
વિદ્વાનોનું માનવું છે કે અમેરિકાની પ્રયોગશીલતામાં છેલ્લાં સો વર્ષમાં બહુ બદલાવ આવ્યો નથી. ખરેખર તો પરંપરાના નાટકોની સામે પ્રતિકાર રૂપે કહેવાતાં પ્રયોગશીલ નાટકો જેમ કે ફિલિપ ગ્લાસનું ૨૦૧૦ નું નાટક, સત્યાગ્રહ, પણ સાચું પ્રયોગશીલ નથી ગણાતું.
૧૯૫૦ પછી અમેરિકામાં એક જુદી જ સાહસિક પ્રયોગશીલતા ધંધાદારી નાટકોની સામે શરૂ થઈ. તેમાં પરંપરા અને ચીલાચાલુની સામે ખુલ્લો બળવો શરૂ થયો. રેનેસાંસ પછી સૌ પ્રથમ વાર જ અમેરિકામાં ચાલતી જૂની નાટ્યપદ્ધતિની વિરુદ્ધ આ ચળવળ શરૂ થઈ.
વિવેચકો ઘણીવાર અમેરિકન પ્રયોગશીલ નાટકોને શંકાની નજરે જોઈને ખોટા અર્થઘટનથી ‘મોડર્ન આર્ટ’ તરીકે ખપાવે છે. પ્રયોગશીલતામાં બધી જ જાતની પરંપરા સામે આંચકો અને પડકાર આપવાનો પ્રયાસ હોય છે તે કારણે તેમાં લાગણીવેડા-સભર ભાવનાત્મક અતિશયોક્તિ (મેલોડ્રામા) નથી હોતી. તેથી ઘણાને તે શુષ્ક, નીરસ અને અરુચિકર લાગે છે. ભભકાદાર પ્રકાશમય સ્ટેજ સજાવટ, વેશભૂષા, અને સંગીતથી ભરપૂર ચીલાચાલુ નાટકોની સરખામણીમાં પ્રયોગશીલ નાટકો સામાન્ય ભાવકોને ઓછાં રસપ્રદ લાગે.
પ્રયોગશીલતા એ પ્રેક્ષકોની સૌંદર્યલક્ષી માન્યતા અને અપેક્ષાઓને ધરમૂળથી ખંખેરી નાખી છે. લાગણીવેડાને બદલે, બૌદ્ધિકતાસભર નાટકો બન્યાં છે. સામાન્ય નાટકો વાંચી શકાય અને સમજી શકાય તેવાં આ પ્રયોગશીલ નાટકો નથી હોતાં. આ નાટકોમાં પ્રતીકો, રૂપકો, અને કલ્પનોનો મહદંશે બૌદ્ધિક રીતે જ ઉપયોગ થયો હોય છે.
આજકાલ અમેરિકામાં પ્રયોગશીલ નાટકોની પ્રવૃત્તિના કેટલાક સરસ દાખલાઓમાં :
“મન્ડે નાઇટ રીડિંગ”(સોમવારની રાત્રે નાટક પઠન)માં નવોદિત નાટ્યકારોનાં નાટકો પીઢ અભિનેતાઓ પ્રેક્ષકોની સામે વાંચે, પ્રેક્ષકો અને અભિનેતાઓ બંને પ્રતિભાવ આપે. રસિક પ્રેક્ષકોને પણ નવું સાંભળવા મળે અને ખાસ કરીને નવોદિતોને અને નવી નાટ્યસંસ્થાઓને પ્રોત્સાહન મળે. પ્રેક્ષકોને પણ મોંઘી ટિકિટો ખર્ચવી ના પડે. આવા વાચનનું આયોજન નિ:સામાન્ય પરા વિસ્તારોમાં પણ થાય છે જેથી પ્રયોગનો સંદેશ સામાન્ય જનતા સુધી પહોંચે છે.
આજકાલ માનસિક સ્વાસ્થ્ય એક મોટી ચિન્તાનો વિષય છે. અમેરિકામાં તો ખાસ.
કોરોના-કાળમાં માનસિક રોગ પણ ફેલાયો હતો. ઘણાં પ્રયોગશીલ નાટકો આ વિષય પર હતાં. એ નાટકો સમજ, જાગૃતિ, અને મનોરંજન પૂરું પાડતાં હતાં.
“ક્રીપ્ટોક્રોમ” નામની એક પ્રયોગશીલ નાટકમંડળી, મેડિટેશન અને સંગીતમય પ્રયોગ દ્વારા, પ્રેક્ષકોને નવીન રીતે પ્રાણીજગતની સફર કરાવે છે. ક્રીપ્ટોક્રોમ નામનું એક પ્રોટીન છે. જેના કારણે પ્રાણીઓ અને પક્ષીઓ કુદરતી રીતે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની મદદથી પૃથ્વીના એક ખૂણેથી બીજે ચોક્કસ રીતે સ્થળાન્તર કરે છે. લેધરબેક સી ટર્ટલ (કાચબો) હજારો માઈલ દરિયાની સફર કરે છે અને પાછો પોતે જ્યાં જન્મ્યો હતો ત્યાં જ આવી જાય છે. તેની પાસે કોઈ ગુગલ મેપ નથી! ક્રીપ્ટોક્રોમ આ વૈજ્ઞાનિક વાત, વિજ્ઞાન અને કલાને ભેગાં કરીને, પ્રયોગશીલ નાટક દ્વારા રજૂ કરે છે.
“લા- મા-મા” નાટકમંડળી ૧૯૬૧માં જાણીતા અમેરિકન નાટ્યકાર એલન સ્ટેવર્ટે ન્યુયોર્કમાં સ્થાપી હતી. “લા-મા-મા”- એ અત્યાર સુધીમાં ૫,૦૦૦થી વધુ પ્રગતિશીલ નાટકો કર્યાં છે, જેમાં ૧,૫૦,૦૦૦ કલાકારોએ ભાગ લીધો છે અને તે ૭૦ દેશોમાં રજૂ થયાં છે. ૨૦૧૮માં તેને “પ્રાદેશિક ટોની એવોર્ડ” મળ્યો હતો. એમાંથી બ્લુ મેન ગ્રુપ, પિંગ ચોન્ગ, તીસા ચાંગ, આન્દ્રે ડી શેએલ્ડ, ટેલર મેક, ડેવિડ સેંદ્રીસ, અને એમી સેંડાઇસ જેવા કલાકારો પ્રશસ્તિ પામ્યાં છે.
આજકાલ “લા મા-મા”ના ‘અનર્થ ધ સ્કિન’, ‘ધ વીક એન્ડ ધ સ્ટ્રોંગ’, ‘નોઉગુઓ’, ‘ધ ફેમિલી શો’, અને, ‘ક્રેમોવ લેબ’, વગેરે નાટકો ભજવાય છે.
આપણને ભારતીયોને વધુ રસ વધુ પડે એવી એક વાત :
વીસમી સદીની શરૂઆતમાં એડવર્ડ ગોર્ડન ક્રેગ નામનો જાણીતો ઇંગ્લિશ પ્રયોગશીલ અને આધુનિક નાટ્યકાર થઈ ગયો. તેણે ભારતીય કથકલ્લીનો અભ્યાસ કર્યો. તેમાં વપરાતાં મોટાં મોહરાં, બુકાનીઓ, અને મોટી કઠપૂતળી જેવી વેશભૂષામાં, તેમ જ એને ભારતીય નાટ્યશાસ્ત્રમાં ખૂબ જ રસ પડ્યો. એમ કહેવાય છે કે તેનો જ આધાર લઈ ને તેણે પશ્ચિમમાં “ઉબર-મારિઓનેટ્ટ” એટલે કે ‘મહા-કઠપૂતળી'(સુપર પપેટ)ની એક નવી વિભાવના મૂકી. આમ પશ્ચિમના પ્રયોગશીલ નાટકોમાં ઉબર – મારિઓનેટ્ટ ( સુપર પપેટ), એ ભારતીય નાટ્યકલા પ્રકાર – કથકલ્લીમાંથી આવી એમ મનાય છે.
ક્રેગના અભ્યાસનું એક તારણ એવું પણ છે કે અભિનેતા અને પાત્ર એકબીજામાં ભેગાં ન થઈ જવાં જોઈએ. ઉબર-મારિઓનેટ્ટ – એટલે કે મોહરું પહેરીને નટ કે કઠપૂતળી અભિનય કરે તે હંમેશાં તેના પાત્રને જ પ્રગટ કરે છે, ક્યારે ય અભિનેતાને નહીં! જેથી તેના અભિનયનું સાતત્ય હંમેશાં જળવાઈ રહે છે. કદાચ એટલે જ ડિઝનીના મીકીમાઉસ અને બીજાં પાત્રો આટલાં લોકપ્રિય થયાં છે. જો કે આ એક આખો જુદો જ સંશોધન અને પ્રયોગનો વિષય છે.
ડિસેમ્બર ૧૬, ૨૦૨૨
e.mail : vijaybhatt01@gmail.com
(એકત્ર ફાઉન્ડેશનના સાહિત્યિક સંરસન(Literary Consortium)ના અંક ૧, ફેબ્રુઆરી ૨૦૨૩માંથી સાભાર; 103-106)