ભારતના સંસદીય લોકતંત્રના ઇતિહાસમાં આજે છે એવી બેશરમ સરકાર ક્યારે ય જોવા નથી મળી, જેમાં દેશના એટર્ની જનરલ કેન્દ્ર સરકાર વતી સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરે કે રાજકીય પક્ષોને નાણાં ક્યાંથી મળે છે અને કોણ આપે છે એ પ્રજાએ જાણીને શું કામ છે? આટલી નાગાઈ આજ સુધી કોઈએ નથી બતાવી. આ બતાવે છે કે પ્રામાણિકતા માટે, જાહેરજીવનમાં પારદર્શકતા માટે, સ્વચ્છતા માટે આજના શાસકોને કેટલી નિસ્બત છે.
આ પહેલાં રાફેલકૌભાંડના કેસમાં સર્વોચ્ચ અદાલતે જ્યારે બંધ પરબીડિયામાં ફ્રેંચ કંપની સાથે થયેલા સોદાની વિગતો માગી, ત્યારે સરકારે આટલી જ બેશરમી સાથે કહ્યું હતું કે સોદાની ચકાસણી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે કરી છે, જેનો અહેવાલ સંસદસભ્યોની જાહેર હિસાબ સમિતિ તપાસે છે અને હવે તે લોકો જોઈ શકે એ રીતે પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. સર્વોચ્ચ અદાલતે સરકારના દાવાને સ્વીકારી લીધો હતો. કોઈ સરકાર આવું હળહળતું જૂઠાણું કહે અને એ પણ સર્વોચ્ચ અદાલતને એવું થોડું બને! જજોને બિચારાઓને માણસની નીચે ઊતરવાની ક્ષમતા વિષે ખાતરી નહોતી. તેમને એમ થયું કે ચૂંટાયેલા શાસકો સર્વોચ્ચ અદાલત સાથે સુધ્ધાં છેતરપીંડી થોડા કરે! પાછળથી ખબર પડી કે સોદાની તપાસ સી.એજી.એ. કરી જ નથી એટલે જાહેર હિસાબ સમિતિને ચકાસણી કરવાનો તેમ જ પબ્લિક ડોમેનનો સવાલ જ નથી. જ્યારે આ વાત બહાર આવી, ત્યારે સરકારે અદાલતને વ્યાકરણ સુધારનારો પત્ર લખ્યો હતો અને ફલાણું વાક્ય ફલાણી રીતે વાંચવામાં આવે એવાં ગલ્લાતલ્લા કર્યાં હતાં.
‘ધ હિંદુ’ નામના અખબારે સોદામાં થયેલો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડ્યો, ત્યારે ફરી એક વાર સરકારે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ‘હિંદુ’નો અહેવાલ ચોરાયેલા દસ્તાવેજો પર આધારિત છે એટલે તેને ધ્યાનમાં લેવામાં ન આવે. પછી જ્યારે પ્રશ્ન થવા લાગ્યો કે ચોકીદાર દસ્તાવેજો નથી સંભાળી શકતો, એ દેશ કઈ રીતે સંભાળશે ત્યારે વળી પાછો ખૂલાસો કરવામાં આવ્યો કે નહીં એ તો ચોરે દસ્તાવેજોની ફોટોકોપી કાઢીને તેને હતા ત્યાં પાછા મૂકી દીધા હતા એટલે દસ્તાવેજો સલામત છે. બહુ ડાહ્યો બહુ ખરડાય એના જેવી આ વાત થઈ. ગુપ્ત અને સંવેદનશીલ દસ્તાવેજો ફોટોકોપી થઈને જતા રહ્યા એને જતા રહ્યા જ કહેવાય. મૂળ દસ્તાવેજો ચોર એની એ જગ્યાએ મૂકી ગયો એ ચોરની ભલમનસાઈ કહેવાય, ચોકીદારની આવડત ન કહેવાય. કિંમત દસ્તાવેજોની નથી, દસ્તાવેજોની અંદર રહેલી માહિતીની છે અને એ જતી રહી. હવે દસ્તાવેજો મૂળ જગ્યાએ સલામત છે એમાં હરખાવા જેવું શું છે?
ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે કહેવાતા ચોરાયેલા કે પછી ફોટોકોપી થયેલા દસ્તાવેજોના આધારે રાફેલસોદાની તપાસ થઈ શકે. જ્યારે સરકાર પોતે જ એક સમયે કહે છે કે દસ્તાવેજો ચોરાયેલા છે અને બીજા સમયે કહે છે કે ફોટોકોપી છે તો એનો અર્થ એ જ થયો કે દસ્તાવેજો અસલી છે અને તેમાંની માહિતી સાચી છે. મહત્ત્વ દસ્તાવેજોના સ્વરૂપ સાથે નથી, સરકારની કબૂલાત સાથે છે અને સરકારે દસ્તાવેજોની અધિકૃતતા સ્વીકારી લીધી છે. બીજું, જે અધિકૃત દસ્તાવેજોના આધારે ‘હિંદુ’એ જે તથ્યો રજૂ કર્યાં છે તે જોતાં પહેલી નજરે રાફેલનો સોદો તપાસ કરવાને લાયક છે.
અત્યારે કે.કે. વેણુગોપાલ કેન્દ્ર સરકારના એટર્ની જનરલ છે. તેમની પહેલાં મુકુલ રોહતગી એટર્ની જનરલ હતા. તેમને જ્યારે લાગ્યું કે આ સરકાર તેમને અદાલતમાં તેમનું છેલ્લું વસ્ત્ર પણ ઉતારવાનો આગ્રહ રાખે છે, ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું. વકીલો પૈસા માટે અસીલનાં હિતમાં મૂલ્યો સાથે સમાધાન કરતા હોય છે, પણ એમાં કેટલાક વકીલો છેલ્લું વસ્ત્ર ઉતારવા તૈયાર નથી હોતા. એ પછી કે.કે. વેણુગોપાલને એટર્ની જનરલ બનાવવામાં આવ્યા અને તેમની સાવ નિર્વસ્ત્ર થવાની તૈયારી આઘાતજનક છે. કે.કે. વેણુગોપાલ ચૂંટણીકીય સુધારાઓના મોટા પુરસ્કર્તા રહ્યા છે. તેઓ ચૂંટણીપંચ વતી સર્વોચ્ચ અદાલતમાં ઊભા રહ્યા છે. તેઓ ‘હિંદુ’માં અવારનવાર લખતા રહે છે અને એમાં તેઓ; ન્યાયતંત્રમાં કરવા જોઈતા સુધારા, ઝડપી ન્યાય, કેસોનો ભરાવો દૂર કરવો, ચૂંટણીકીય સુધારાઓ, પૈસા અને ગુંડાઓથી મુક્ત રાજકારણ જેવા વિષયો પર લખતા રહ્યા છે.
આવો માણસ સર્વોચ્ચ અદાલતમાં એમ કહે કે રાજકીય પક્ષોને નાણાં ક્યાંથી મળે છે અને કોણ આપે છે એ પ્રજાએ જાણીને શું કામ છે? આ પૈસાનું પરિણામ છે કે પછી બીજું કોઈ કારણ છે એ સમજવા જેવું છે. રાફેલના દસ્તાવેજો ‘હિંદુ’એ ચોરાવ્યા છે એવો ઈશારો જ્યારે કે.કે. વેણુગોપાલે કર્યો ત્યારે ‘હિંદુ’ના તંત્રી એન. રામે કહ્યું હતું કે જે વેણુગોપાલને હું ઓળખું છું, જે વેણુગોપાલ મારા મિત્ર છે અને જે વેણુગોપાલ મારા અખબારમાં કાયદાનું રાજ અને જાહેરજીવન વિષે ઊહાપોહ કરે છે એ જુદા છે અને અત્યારે સરકાર વતી દલીલ કરનારા વેણુગોપાલ જુદા છે. એટલે આગળ કહ્યું એમ આ પૈસાનું પરિણામ છે કે કોઈ બીજું કારણ છે એવો પ્રશ્ન થાય છે.
મૂળમાં ઈલેક્ટોરલ બોન્ડ પોતે જ એક કૌભાંડ છે. આ સ્કીમ વિષે બહુ ચર્ચા ન કરવી પડે, સુધારાઓ ન કરવા પડે, સ્કીમ પડતી ન મુકવી પડે અને જ્યાં શાસક પક્ષની બહુમતી નથી એ રાજ્યસભામાં જવું ન પડે એ માટે આ સ્કીમ ૨૦૧૭માં બજેટ પ્રપોઝલના ભાગરૂપે ઘુસાડવામાં આવી હતી. સ્કીમ એવી છે કે કોર્પોરેટ કંપનીઓ કે દેશનો કોઈ પણ નાગરિક રાજકીય પક્ષોને ફાળો આપવા માટે ગમે તેટલી રકમના બોન્ડ માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી ખરીદી શકે છે. એ બોન્ડ્સ કંપની કે વ્યક્તિ જ્યારે ઠીક લાગે ત્યારે જે કોઈ પક્ષને આપવા હોય એને આપી શકે છે અને બોન્ડ્સ પ્રાપ્ત કરનાર પક્ષ તેને વટાવી શકે છે. બોન્ડ ખરીદનારનું અને રાજકીય પક્ષોને આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. માત્ર બોન્ડ ઈશ્યુ કરનાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે તેની જાણકારી હશે અને તેણે તે જાણકારી ગુપ્ત રાખવાની રહેશે.
આનું પરિણામ શું આવ્યું છે એ જાણો છો? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ૧૪૦૭.૦૯ કરોડ રૂપિયાના બોન્ડ્સ વેચ્યા છે જેમાંથી ૯૯.૮ ટકા બોન્ડ્સ દસ લાખ અને એક કરોડ રૂપિયાની કિંમતના છે. બેંક હજાર, દસ હજાર, એક લાખ, દસ લાખ અને એક કરોડ એમ જુદી જુદી રકમના બોન્ડ્સ વેચે છે જેમાંથી માત્ર ૦.૨ ટકાની રકમના બોન્ડ્સ એક લાખ કે એની નીચેની રકમના ગયા છે અને ૯૮.૮ ટકા ખરીદનારાઓએ ઊંચી રકમના બોન્ડ્સ ખરીદ્યા છે.
જે ૧૪૦૭ કરોડના બોન્ડ્સ વેચાયા છે એમાંથી ૧૩૯૫.૮૯ કરોડના બોન્ડ્સ રાજકીય પક્ષોને દાન તરીકે અપાઈ ગયા છે. જે ૧૩૯૫.૮૯ કરોડ રૂપિયા બોન્ડ્સ વડે રાજકીય પક્ષોને આપવામાં આવ્યા છે એમાંથી ૯૦ ટકા રકમ બી.જે.પી.ને ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સરકારની માલિકીની છે એટલે કંપનીઓ જો કોઈ બીજા પક્ષને બોન્ડ્સ આપે તો સરકારને ખબર પડી જાય. મોટાં મંદિરોમાં પૂજારી ચડાવો લઈ લે અને તેનો એક અંશ ભક્તને પ્રસાદ તરીકે પાછો આપે એમ બી.જે.પી.ને ચડાવો ચડાવ્યા પછી તેનો એક અંશ ભલે અન્ય પક્ષોને આપવામાં આવે વાંધો નહીં.
આટલી ઉદારતા દાખવી એ માટે આભાર પણ એટર્ની જનરલ તો કહે છે કે રાજકીય પક્ષોને નાણાં ક્યાંથી મળે છે અને કોણ આપે છે એ પ્રજાએ જાણીને શું કામ છે? આ લોકો એવી રીતે વર્તે છે જાણે કે ક્યારે ય તેમના માઠા દિવસ આવવાના જ ન હોય. આવી બેશરમી તો આજ સુધી જોઈ નથી.
17 ઍપ્રિલ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 ઍપ્રિલ 2019