ગુજરાતમાં ‘વિકાસપુરુષ’ની છાપના આધાર પર વડાપ્રધાનપદે પહોંચેલા મોદી પાસેથી દેશે બહુ મોટી અપેક્ષા રાખી હતી અને મોદીએ પણ મોટાં મોટાં વચનો આપીને એ અપેક્ષાઓને આધાર પૂરો પાડ્યો હતો. આમ આદમીની વાત જવા દઈએ, બજારવાદી અર્થશાસ્ત્રીઓ અને દેશના ઉદ્યોગપતિઓ પણ મોદી પાસેથી મોટી અપેક્ષાઓ રાખતા હતા. ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મોદીએ જે રીતે રીઝવ્યા હતા, ખાસ કરીને તાતાની નેનો કારના પ્રોજેક્ટ માટે; એમણે જે લાભો આપ્યા અને ત્વરા દાખવી તેનાથી દેશના ઉદ્યોગજગતને મોદી પાસેથી બહુ મોટી અપેક્ષા હતી. વધારામાં યુ.પી.એ. શાસન અંગે તથાકથિત ‘પૉલિસી પેરેલિસિસ’ની છાપ ઉદ્યોગજગતમાં ઊભી થઈ હતી. વળી, યુ.પી.એ. શાસનનાં છેલ્લાં વર્ષોમાં ભાવો ૯-૧૦ ટકાના દરે વધ્યા હતા અને (જી.ડી.પી.નો) વૃદ્ધિદર ઘટીને પ-૬ ટકા થઈ ગયો હતો. મોદી આર્થિક સુધારા કરીને વૃદ્ધિદરને આઠથી દસ ટકા પર લઈ જશે અને ઉદ્યોગોના વિકાસને વેગીલો બનાવશે એવી લોકો અને ઉદ્યોગજગત આશા રાખતાં હતાં. ભા.જ.પે. એક પક્ષ તરીકે બહુમતી મેળવી હોવાથી મોદીશાસનને આર્થિક સુધારા કરવાની પૂરતી મોકળાશ પણ હતી.
બે મોટા સુધારાની અપેક્ષા બજારવાદી અર્થશાસ્ત્રીઓ રાખતા હતા : મજૂરકાયદામાં સુધારા, ખાસ કરીને કામદારોને રોકવાની અને છૂટા કરવાની સંચાલકોને અબાધિત સત્તા આપતો સુધારો અને ખાસ કરીને ખોટ કરતાં જાહેર સાહસોનું ખાનગીકરણ. પણ મોદીશાસને મજૂર કાયદાઓને સુધારીને કામદારોનો વિરોધ વહોરવાની રાજકીય હિંમત દાખવવાના વિકલ્પે રાજ્યોને મજૂરકાયદા સુધારવાની મોકળાશ કરી આપવાની રાજકીય કુનેહ વાપરી. એ જ રીતે ખોટ કરતાં જાહેર સાહસોનું ખાનગીકરણ કરવાનું પણ ટાળ્યું. એર ઇન્ડિયાને એવી શરતોએ વેચવા કાઢ્યું જેથી કોઈ લેનાર મળ્યું નહીં. આમાં ખોટ કરતાં જાહેર સાહસોના કામદારોનો વિરોધ વહોરવાનો પ્રશ્ન તો છે જ. વધારામાં જાહેર સાહસના વેચાણમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી મુક્ત રહીને વેચાણ કરવાના પડકારનો સામનો કરવાનો પણ પ્રશ્ન હતોે. આ પડકાર ઝિલવાની રાજકીય ઇચ્છાશક્તિ પણ મોદીશાસને દાખવી નહીં. આ બે સુધારા નહીં કરવાની બાબતમાં મોદીશાસન યુ.પી.એ. એટલે કૉંગ્રેસની સાથે જ રહ્યું.
અલબત્ત, મોદીશાસનમાં ત્રણ નોંધપાત્ર આર્થિક પગલાં ભરવામાં આવ્યાં છે : (૧) નોટબંધી, (ર) જી.એસ.ટી. અને (૩) નાદારી અંગેનો કાયદો. આ પગલાંની ટૂંકમાં ચર્ચા કરીએ.
નોટબંધી બધી રીતે નિષ્ફળ નીવડેલું પગલું પુરવાર થયું છે. હવે એ જાહેર થયું છે કે એના અપેક્ષિત ઉદ્દેશો પાર નહીં પડે એવી સ્પષ્ટતા રિઝર્વ બેંકના હોદ્દેદારોએ કરી હોવા છતાં મોદીએ નોટબંધી ફરમાવી. અપ્રિય થઈ પડે એવા આર્થિક સુધારાઓના વિકલ્પે મોદીએ નોટબંધીનું રાજકીય પગલું ભર્યું હતું. લોકોમાં કાળાંનાણાં વિશે જે ગેરસમજ પ્રવર્તતી હતી અને કરચોરો – કાળાબજારિયા માટે જે નફરત પ્રવર્તે છે તેનો રાજકીય લાભ લેવા માટે આ વીરતાભર્યું લાગે એવું લોકરંજક (પોપ્યુલિસ્ટ) પગલું ભરવામાં આવ્યું. એની આકરી કિંમત ખેડૂતોએ અને અસંગઠિત ક્ષેત્રના ઉત્પાદકો અને કામદારોએ ચુકવી છે.
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) મોદીશાસનમાં કરવામાં આવેલો એક મોટો કરવેરા અંગેનો બંધારણીય સુધારો છે. પણ કરવેરાનો આ સુધારો ૧પમી ઑગસ્ટ ૧૯૪૭એ દેશને આઝાદી મળી એવો શકવર્તી હોય તેમ એને અંગેનો કાયદો પસાર કરવા માટે પાર્લમેન્ટની બેઠક મધરાતે રાખવામાં આવી. જી.એસ.ટી. દ્વારા કરવેરાની પ્રથામાં કરવામાં આવેલા સુધારાની ઇચ્છનીયતા વિશે જેમ કોઈ વિવાદ નથી તેમ કરવામાં આવેલા કાયદાની અણઘડતા અંગે પણ કોઈ મતભેદ નથી. કાયદામાં અગણિત સુધારા કરવા પડ્યા છે તે દર્શાવે છે કે પૂરતો અભ્યાસ અને વિચારણા કર્યા વિના અત્યંત ઉતાવળથી આ કાયદો તૈયાર કરીને અમલમાં મુકાયો. દેશના અસંગઠિત ક્ષેત્રની કરના આ સુધારાએ કમર તોડી નાખી છે. દેશમાં જે બેકારી વધી છે તેમાં જી.એસ.ટી.નો ફાળો મોટો હોવાની સંભાવના ઘણી મોટી છે. મોટું અસંગઠિત ક્ષેત્ર ધરાવતા ભારત જેવા દેશમાં, આ અનુભવના આધાર પર જી.એસ.ટી. કેટલો વ્યવહારુ અને ઇચ્છનીય છે તે વિચારવા જેવું છે.
નાદારી અંગેનો કાયદો એક સાચી દિશાનું પગલું છે. આ પગલાથી લોન અને તેના પરનું વ્યાજ ન ચુકવનારા પૂર્વે તેમના ધંધા પરનો માલિકી હક્ક ચાલુ રાખી શકતા હતા તે હવે ચાલુ રાખી શકશે નહીં. તેથી લોન ચુકવવાની શક્તિ હોવા છતાં લોન ન ચુકવનારાઓની સંખ્યા ઘટશે. અલબત્ત, ધિરેલાં નાણાં કેટલાં પાછાં ફરશે અને કેટલાં માંડી વાળવાં પડશે એ પ્રશ્ન તો રહેશે. એક હેવાલ પ્રમાણે અત્યાર સુધીની કાર્યવાહીમાં રૂ. ૮૪,૦૦૦ કરોડ માંડી વાળવામાં આવ્યા છે.
મોદીશાસનમાં મોટો પ્રશ્ન ખેતીના ક્ષેત્રે ઊભો થયો છે. યુ.પી.એ.નાં છેલ્લાં ચાર વર્ષોમાં (ર૦૧૦-૧૪) ખેતીના ક્ષેત્રે જી.ડી.પી.માં પ.ર ટકાના દરે વધારો થયો હતો. મોદીના શાસનનાં પહેલાં ચાર વર્ષોમાં એ વૃદ્ધિદર ર.૯ ટકા રહ્યો. સરકાર દ્વારા પ્રગટ થતા ઇકોનોમિક સર્વે : ર૦૧૭-૧૮માં આના સંદર્ભમાં નોંધવામાં આવ્યું છે કે ‘‘છેલ્લાં ચાર વર્ષોમાં ખેતીની વાસ્તવિક આવક સ્થગિત રહી છે.’’ આનો અર્થ એવો થાય કે મોદીશાસનનાં પ્રથમ ચાર વર્ષ દરમિયાન જી.ડી.પી.માં ૭.૪ ટકાના દરે વધારો થયો હોવાનો જે દાવો કરવામાં આવે છે તેનો કોઈ લાભ ખેતીના ક્ષેત્રે નભતા દેશના ૪૮ ટકા જેટલા લોકોને મળ્યો નથી. હકીકતમાં ખેતીના ક્ષેત્રે મંદી જેવી સ્થિતિ પ્રવર્તે છે. ઉત્પાદનખર્ચના સાપેક્ષમાં ખેતપેદાશોના નીચા ભાવોને કારણે ખેતીનો ધંધો ખોટનો થઈ ગયો છે. નાબાર્ડના સર્વેમાંથી બહાર આવેલી વિગત પ્રમાણે ખેડૂત કુટુંબ દીઠ સરેરાશ દેવું રૂપિયા એક લાખ જેટલું છે. ખેતી ક્ષેત્રની આજની સમસ્યાના સંદર્ભમાં ભૂતકાળની નોખા સ્વરૂપની કટોકટીનું સ્મરણ કરવા જેવું છે.
દેશમાં ૧૯૬પ અને ૧૯૬૬ના કારમા દુકાળો પછી હરિયાળી ક્રાંતિના સંદર્ભે ખેતીના ક્ષેત્રે નીતિઓનું જે પેકેજ અપનાવવામાં આવ્યું હતું તે મહદંશે ચાલુ જ રહ્યું છે. જો કે કૃષિક્ષેત્રની પાયાની સમસ્યા બદલાઈ ગઈ છે. ગઈ સદીમાં અનાજની કારમી તંગીનો પ્રશ્ન હતો. દેશ અનાજની આયાતો પર નભતો હતો. તેથી અનાજનું ઉત્પાદન વધારવું તે બને તેટલી વહેલી ઉકેલવાની સમસ્યા હતી. એ માટે સંકર બીજનો ઉપયોગ થઈ શકે તેવા સિંચાઈની સગવડ ધરાવતા વિસ્તારો પસંદ કરવામાં આવ્યા; મોસમના આરંભે તળિયાના-ટેકાના ભાવો જાહેર કરીને ખેડૂતોને ભાવો અંગે સધિયારો આપવામાં આવ્યો; ઉત્પાદન ખર્ચની ગણતરી કરીને ખેડૂતોને વળતરદાયક ભાવો સૂચવવા માટે કમિશનની રચના કરવામાં આવી; જાહેર કરેલા તળિયાના ભાવે ખેડૂતો પાસેથી અનાજ ખરીદવા અન્નનિગમની રચના કરવામાં આવી; ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવા પ્રેરાય તે માટે સબસિડી આપવાની પ્રથા શરૂ કરવામાં આવી. આમ દેશની અન્નસમસ્યા ઉકેલવા માટે એક સુસંગત નીતિવિષયક માળખું રચવામાં આવ્યું હતું, જે પ્રશ્નનું સ્વરૂપ બદલાયા પછીયે ચાલુ રહ્યું છે. યુ.પી.એ.ના શાસનની જેમ મોદીશાસનમાં પણ ચાલુ રહ્યું છે.
હવે પ્રશ્ન ખેતપેદાશોની તંગીનો નથી પણ તેમની વિપુલતાનો છે જે વિવિધ ખેતપેદાશોના નીચા, ન પરવડે એવા ભાવો દ્વારા વ્યક્ત થાય છે. બીજો પ્રશ્ન વધારે ગંભીર છે. ૧૯૯૧માં બજાર અને ખાનગી સાહસને કેન્દ્રમાં મૂકતી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિને અપેક્ષિત સફળતા સાંપડી નથી. હા, એનાથી જી.ડી.પી.નો વૃદ્ધિદર મોટા પ્રમાણમાં વધ્યો છે, પણ એ નીતિથી ચીન આદિ પૂર્વ એશિયાના દેશોમાં ઉદ્યોગોનો વિકાસ જેટલા મોટા પ્રમાણમાં થયો તેટલો ભારતમાં થયો નથી. તેથી ખેતીની બહાર રોજગારીની મોટા પાયા પર જે તકો સર્જાવી જોઈતી હતી તે સર્જાઈ નથી. એના પરિણામે ખેતી પરના શ્રમિકોના ભારણમાં ઝાઝો ઘટાડો થઈ શક્યો નથી. તેથી આજે બે હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોનું પ્રમાણ ૮પ ટકા જેટલું મોટું છે. આ કદાચ ભારતનો આગવો પ્રશ્ન છે. આ અતિ મોટી સંખ્યામાં રહેલા નાના ખેડૂતોની ઉત્પાદકતા વધારીને તેમની આવક વધારવા માટે ખેતીમાં વૈવિધ્યીકરણ કરવાનું છે. તે માટે ખેડૂતો ઉપજાઉ પાકો તરફ વળે એવા સંજોગો સર્જવાના છે. એ માટે હરિયાળી ક્રાંતિની સફળતા માટે જેવું સુસંગત નીતિવિષયક માળખું રચવામાં આવ્યું હતું તેવું માળખું રચવું પડે અને સરકારે ખેતીક્ષેત્રે મોટાં રોકાણો કરવાં પડે. પણ મોદીશાસનમાં ખેતીક્ષેત્રે પ્રવર્તતી મંદી જેવી સ્થિતિને ગંભીરતાથી લેવામાં જ આવી નથી. તેથી જ નાના ખેડૂતોને રૂ. ૬૦૦૦ની ખેરાત કરીને પ્રશ્નને ઉકેલી નાખ્યાનો સંતોષ મોદીશાસને અનુભવ્યો. પરિણામે બીજાં પાંચ વર્ષ ખેતીના ક્ષેત્રે નીતિવિષયક પરિવર્તનો વગરનાં ગયાં.
બીજો વિકટ પ્રશ્ન બેકારીનો ઊભો થયો છે. અલબત્ત, એ આગળથી ચાલ્યો આવતો પ્રશ્ન છે, પણ વર્ષે બે કરોડ રોજગારી સર્જવાનું વચન આપીને સત્તા પર આવેલા મોદીના શાસનમાં એ પ્રશ્ન વધારે વકર્યો છે. મોદી સરકારે દબાવી રાખેલા એન.એસ.એસ.ના ‘લેબર ફોર્સ’ અંગેના હેવાલમાં રોજગારી ક્ષેત્રે પ્રવર્તતી ચિંતાજનક સ્થિતિની વિગતો બહાર આવી ગઈ છે. સર્વેના વર્ષ ર૦૧૭-૧૮માં દેશમાં એકંદરે ૬.૧ ટકાની બેકારી માલૂમ પડી હતી, જે ૪પ વર્ષમાં બેકારીનો સહુથી ઊંચો દર છે. આની સરખામણીમાં ર૦૧૧-૧રમાં દેશમાં બેકારીનું પ્રમાણ ર.ર ટકા હતું. એન.એસ.એસ.ના અંદાજને એક ખાનગી પ્રતિષ્ઠિત સંસ્થા(CMIE)નો અંદાજ સમર્થન પૂરું પાડે છે. એ અંદાજ પ્રમાણે ર૦૧૮માં દેશમાં એક કરોડથી અધિક લોકોએ તેમની રોજગારી ગુમાવી હતી. આર્થિક વૃદ્ધિથી વધુ રોજગારી સર્જવાની ક્ષમતા સર્જવાની દિશામાં કોઈ પ્રયાસો ગત પાંચ વર્ષમાં થયા નહિ. ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ની વાત ભુલાઈ ગઈ.
બેકારીના પ્રશ્નનું બીજું પાસું શિક્ષિતોની બેકારીનું છે. એના સ્વરૂપને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. દેશમાં ૬ર,૯૦૭ મદદનીશો-ખલાસીઓની ભરતી કરવાની કામગીરી ચાલી રહી છે. આ જગા માટેના અરજદારોમાં ચાર લાખથી અધિક બી.ટેક. અને ચાલીસ હજારથી અધિક એંજિનિયરીંગની માસ્ટર ડિગ્રી ધરાવનારા છે. સ્વનિર્ભર કૉલેજો મોટી સંખ્યામાં સ્થપાઈ હોવાથી ઇજનેરી આદિ વ્યાવસાયિક શિક્ષણ મેળવવાનું સરળ થઈ ગયું છે. અલબત્ત, એના માટે ઊંચી ફી ચુકવવી પડે છે. પણ વાલીઓ એમનાં સંતાનોની સારી કારકિર્દીની આશાથી નાણાં ખર્ચવા તૈયાર થાય છે. આમાં ખેતકુટુંબોનો પણ સમાવેશ થાય છે. પણ આ મોંઘું વ્યાવસાયિક શિક્ષણ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓની જે દશા થાય છે તે ઉપરના દાખલામાં જોઈ શકાય છે. એની સામે એવી દલીલ કરવામાં આવે છે કે આ બધી વ્યાવસાયિક શિક્ષણની કૉલેજોમાંથી બહાર પડતા સ્નાતકોના ૮૦ ટકા રોજગારી માટેની પાત્રતા જ ધરાવતા હોતા નથી. અહીં પ્રશ્ન થાય કે આવી ધોરણો વગરની કૉલેજોને શા માટે મંજૂરી મળે છે અને એને નિભાવી લેવામાં કેમ આવે છે? વિદ્યાર્થીઓ સાથેની આ છેતરપીંડી નથી? યુ.પી.એ. શાસનમાં તો એ ચાલ્યું પણ મોદીશાસનમાં પણ એ ચાલુ જ રહ્યું. મોદીશાસન પોતાની કોઈ શિક્ષણનીતિ પણ આપી શક્યું નહિ.
એકંદરે આર્થિક વિકાસની દૃષ્ટિએ, એટલે કે જી.ડી.પી.ની વૃદ્ધિની બાબતમાં મોદીશાસનનો કાર્યકાળ, એની આગળના યુ.પી.એ.ના એક દસકાના શાસનકાળની તુલનામાં કેવો રહ્યો તેવો પ્રશ્ન ઊભો થાય તે સહજ છે. આ તુલનામાં એક શાસ્ત્રીય પ્રશ્ન ઊભો થયો. યુ.પી.એ.નો વૃદ્ધિદર ર૦૦૪-૦પને આધાર વર્ષ તરીકે લઈને ગણવામાં આવ્યો હતો. પણ મોદીશાસનમાં આધાર વર્ષ બદલીને ર૦૧૧-૧રનું કરવામાં આવ્યું. તેથી ૨૦૧૧-૧૨ પૂર્વેમાં વર્ષોથી જી.ડી.પી. અને તેના વૃદ્ધિદરને પછીનાં વર્ષો સાથે તુલનાત્મક બનાવવા માટે તેનું ૨૦૧૧-૧૨ના ભાવોએ નવેસરથી આગણન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. એ કામગીરી માટે કમિશને એક સમિતિ નીમી. તેણે જે અંદાજો રજૂ કર્યા તે સરકારને માફક ન આવ્યા. સમિતિએ આપેલા તુલનાત્મક અંદાજો આ પ્રમાણે હતા :
યુ.પી.એ.-૧ (૨૦૦૪-૨૦૦૫થી ૨૦૦૮-૦૯) જી.ડી.પી.નો વૃદ્ધિદર : ૮.૮૭ ટકા,
યુ.પી.એ.-૨ (૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪) ૭.૩૯ ટકા.
મોદી સરકાર (૨૦૧૪-૧૫થી ૨૦૧૭-૧૮) ૭.૩૫ ટકા.
યુ.પી.એ. શાસનનો જી.ડી.પી.નો વૃદ્ધિદર પોતાના શાસનની તુલનામાં વધારે હોય એ મોદી સરકારને માન્ય ન હોય તે સમજી શકાય તેવું છે. તેથી તેણે નીતિઆયોગને કામે લગાડ્યું. તેણે અપેક્ષા પ્રમાણે મોદી સરકારને ઊજળી દેખાડતા અંદાજો આપ્યા. ૨૦૦૫-૦૬થી ૨૦૧૩-૧૪ : જી.ડી.પી.નો વૃદ્ધિદર ઘટીને ૬.૭ ટકા થઈ ગયો અને મોદીસરકારનાં શાસનનાં પ્રથમ ચાર વર્ષનો વૃદ્ધિદર સહેજ વધીને ૭.૪ ટકા થયો. આ દર હજીયે વધશે; કેમ કે વચગાળાનું અંદાજપત્ર રજૂ કરી તત્કાલીન નાણાપ્રધાને નોટબંધીના વર્ષે ૨૦૧૬-૧૭ની જી.ડી.પી.નો વૃદ્ધિદર ૭.૧ ટકાથી વધારીને ૮.૧ ટકા કર્યો છે.
પણ આ વૃદ્ધિદરની ખરાઈ બાબતે એક પ્રશ્ન ઊભો થાય છે. નોટબંધી અને જી.એસ.ટી.ના અમલથી અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી ઘટી છે; સમગ્ર અર્થતંત્રમાં રોજગારી ઘટી હોવાની માહિતી બે સ્ત્રોતોમાંથી સાંપડી છે, યુ.પી.એ.નાં વર્ષોમાં મૂડીરોકાણનું પ્રમાણ ૩રથી ૩૪ ટકા મોટા ભાગનાં વર્ષોમાં રહ્યું હતું, એની તુલનામાં મોદીશાસનમાં મૂડીરોકાણો ઘટીને ર૮-ર૯ ટકા રહ્યાં છે અને ત્રીજું યુ.પી.એ. શાસનમાં દેશની નિકાસોનો વૃદ્ધિદર દ્વિઅંકી રહ્યો હતો અને દેશની નિકાસો ર૦૧૩-૧૪માં ૩૧૪ અબજ ડૉલરની સપાટી પર પહોંચી હતી. મોદીશાસનનાં આરંભનાં વર્ષોમાં દેશની નિકાસો ઘટી જવા પામી, એ પછી તેમાં બહુ નીચા દરે જ વધારો થયો છે. આ ત્રણે પરિબળોના આધારે વિચારીએ તો મોદીશાસનનાં વર્ષોમાં વૃદ્ધિદર યુ.પી.એ. શાસનનાં વર્ષોના વૃદ્ધિદર કરતાં વધારે ન હોઈ શકે. પણ હશે, ચમત્કારો આજે .ય બને છે!
પણ હવે દેશના અર્થતંત્રમાં ‘સ્લો ડાઉન’ની ચર્ચા થવા માંડી છે. જાન્યુઆરી, ’૧૯માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧.૭ ટકાનો જ વધારો થયો, જે ડિસેમ્બર, ’૧૮માં ર.૬ ટકા હતો. દેશની જીડી.પી.નો વૃદ્ધિદર મહદંશે લોકોના વપરાશના ખર્ચ પર અવલંબિત છે. તેમાં ચાલુ વર્ષે ૮.૪ ટકાનો વધારો થયો છે, જે આગલા વર્ષે લગભગ દસ ટકા થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ઘટીને ૬.૬ થવાનો અંદાજ છે. તેથી ર૦૧૮-૧૯ના વર્ષમાં વૃદ્ધિદર સાત ટકાથી ઓછો (એક અંદાજ પ્રમાણે ૬.૮ ટકા) રહેશે એમ માનવામાં આવે છે. આમ છતાં, ભારતનું અર્થતંત્ર દુનિયાનાં મોટાં અર્થતંત્રોમાં સહુથી ઊંચા દરે વૃદ્ધિ પામતું અર્થતંત્ર તો રહે જ છે. દુનિયાની જી.ડી.પી. ત્રણ ટકાના દરે વધશે એવો અંદાજ છે. ત્યાં સ્લો ડાઉનની ચર્ચા થાય તે સમજી શકાય. પણ સાત ટકાના નજીકના દરે વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્રમાં સ્લો ડાઉન અને ‘રિવાઈવલ’ની ચર્ચા થાય તે એક સમજવી પડે તેવી વાત છે.
વાત એમ છે કે દેશના અર્થતંત્રમાં ખેતીના ક્ષેત્રે મંદી જેવી સ્થિતિ પ્રવર્તે છે; ઉદ્યોગોના ક્ષેત્રે કોર્પોરેટ સેકટરનાં મૂડીરોકાણો સાત વર્ષથી ઘટી રહ્યાં છે. એના પરિણામે જેને ઉદ્યોગોનું ‘કૉર સેકટર’ કહેવામાં આવે છે તે આઠ ઉદ્યોગોનો ઉત્પાદનવૃદ્ધિનો દર ઘટતો જાય છે. જાન્યુઆરી ’૧૯માં તે ર.૪ ટકા થયો હતો. સમગ્ર રીતે જોઈએ તો ર૦૦૪-૦પથી ર૦૧૧-૧રનાં વર્ષોમાં ઔદ્યોગિક ઉત્પાદન લગભગ દસ ટકાના દરે વધ્યું હતું. એ પછીનાં વર્ષોમાં એ દર જળવાઈ રહ્યો નથી. મોદીએ શાસનનાં સૂત્રો સંભાળ્યાં પછી ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’, ‘મુદ્રા’ જેવા કાર્યક્રમોની ઘોષણા કરી પણ તેનો કોઈ ઉત્સાહપ્રેરક પ્રતિભાવ ઉદ્યોગજગતે આપ્યો નથી. અલબત્ત, ‘મુદ્રા’ નીચે ચાર કરોડ લોકોને લોનો આપવામાં આવી છે એવો દાવો કરવામાં આવ્યો છે, પણ એનો કોઈ ‘ફોલો અપ’ સર્વે થયો છે કે કેમ તે એક પ્રશ્ન છે. જે વિદેશી મૂડીરોકાણો (FDI) દેશમાં આવ્યાં છે તે મોટેભાગે સેવાનાં ક્ષેત્રોમાં થયાં છે. આમ દેશના ઉદ્યોગો(મેન્યુફેકચરિંગ)ના વિભાગને ‘રિવાઇવ’ કરવાનો છે. રોજગારીના સર્જન માટે ઉદ્યોગો વાઇબ્રન્ટ થાય તે અત્યંત જરૂરી છે. મોદીશાસન એ કરી શક્યું નથી.
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 10, 11 તેમ જ 09