આરોહી આજે ખૂબ જ ઉત્સાહમાં હતી. હવેથી તેને હંમેશની જેમ દાદીમાને લઈને ડાયાલેસિસ માટે હોસ્પિટલમાં નહીં આવવું પડે. કીડની મેળવવા માટે ચાર વર્ષ રાહ જોયાં પછી આજે એની દાદીનો નંબર લાગ્યો હતો. આરોહી કીડની ટ્રાન્સફર વિશે દાદીને સમજાવતી હતી. દાદી પણ કૌતુકતાથી પૌત્રીની વાત સાંભળતાં હતાં. કયારેક હળવેથી આરોહીનો હાથ પકડીને ચૂમી લેતાં ને કહેતાં, ‘ઓ દીકરી, તું મને બહુ વહાલી છો!’
આરોહી મધુર સ્મિત કરીને કહેતી, ‘બા, મને ખબર છે, મને એ પણ ખબર છે, કે તમે મારાથી થોડા નારાજ છો, હું પર્વતારોહણ માટે જઉં છું, તે તમને ઓછું ગમે છે, તમને એમ છે કે આવાં જોખમી સાહસ કરીને હું ક્યાંક હાથ – પગ ભાંગી બેસીશ. પણ બા, તમારે ચિંતા નહીં કરવાની. ઉપર ચડવાની મજા જ કાંઈ ઓર છે !!!’
દાદીમાં ફીકકું હસ્યાં ને આરોહીનો હાથ જોશથી પકડી રાખ્યો. આરોહીએ પૂછ્યું, ‘બા, તમને બીક લાગે છે?’ બા જવાબ આપે તે પહેલાં કીડનીના વિશેષજ્ઞ અને સાથે બે ચાર ડોક્ટરોનું ટોળું એમની પ્રાઈવેટ રૂમમાં જાણે ધસી આવ્યું! ક્ષણેક તો દાદીમાં ગભરાઈ ગયાં.
પણ જ્યારે ડોક્ટરે એમની ખબર – અંતર પૂછી ને વિનંતીના સૂરમાં કહ્યું, “માજી, અમને ખબર છે કે, તમે ઘણાં સમયથી રાહ જુઓ છો. પણ એક વીસ વર્ષની પેશન્ટ ઈમરજન્સીમાં આવી છે, અને તમને આપવાના હતા તે કીડની એને પણ મૅચ થાય છે. જો તમે હા પાડો તો એ કીડની એમને આપીએ તો એને નવું જીવન આપી શકાય ને બીજી કીડની મળતાં જ ……”
ડોક્ટર કશું કહે તે પહેલાં જ દાદી બોલ્યાં, “અરે, એમાં વિનંતી શું કરવાની? કીડની એમને આપી દો !” આરોહી દાદીને અટકાવતાં બોલી , “દાદી……… તમે કેમ હા પાડો છો?”
દાદીએ પ્રેમથી આરોહીને કહ્યું , ‘દીકરી, એ પણ કોઈની આરોહી હશે ને? અને તને સમજાય છે, આ તો મારું આરોહણ છે! તું કહે છે તેમ ઉપર ચઢવાની મજા જ કાંઇ ઓર છે.’ ને દાદીએ આંખો મીંચી! એમના ચહેરા પર મૌન ભરી પ્રસન્નતા ફરી વળી ! આરોહી મનોમન બોલી ઊઠી, “બા, તમારી વાત સાવ સાચી. આ જ તમારું આરોહણ !’ ને તે દાદીમાને એકીટશે બસ, જોતી જ રહી !!!
બોસ્ટન, અમેરિકા
e.mail : mdinamdar@Hotmail.com.