
રાજ ગોસ્વામી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ડંકો વગાડી રહી છે. જર્મની પછી હવે અમેરિકાએ તેમની ધરપકડ પર ટિપ્પણી કરી છે. એક વાર નહીં, બે વાર. ભારતે બંને દેશોના રાજદ્વારીઓને બોલાવીને તેમની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડને તેની આંતરિક બાબત છે. અમેરિકાએ તેના રાજદ્વારીને ભારતે સમન્સ કર્યા તેની પર પણ પ્રતિક્રિયા આપીને કહ્યું છે કે અમેરિકા ન્યાયી, પારદર્શક અને સમયસરની કાનૂની પ્રક્રિયાઓનું સમર્થન કરે છે અને એમાં “કોઈએ વાંધો ઉઠાવવો ન જોઈએ.”
જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “એક લોકતાંત્રિક દેશ તરીકે અમે આશા રાખીએ છીએ કે અરવિંદ કેજરીવાલ સામે ન્યાયી અને નિષ્પક્ષ ખટલો ચલાવામાં આવે.” ગયા સપ્તાહે શુક્રવારે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે તેઓ ચૂંટણી પહેલાં ભારતના વિપક્ષના એક મોટા નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને કેવી રીતે જુએ છે.
પ્રવક્તાએ કહ્યું હતું, “અમે આ મુદ્દાથી વાકેફ છીએ. ભારત એક લોકશાહી દેશ છે. અમારું માનવું છે અને અપેક્ષા છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો સાથે સંકળાયેલા ધોરણો આ કેસમાં પણ લાગુ કરવામાં આવશે.”
ભારતે આ ટિપ્પણીનો વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે એક બયાન જારી કરીને કહ્યું હતું કે, “અમે આવી ટિપ્પણીઓને અમારી ન્યાયિક પ્રક્રિયા અને ન્યાયપાલિકાની સ્વતંત્રતાને કમજોર કરવાના રૂપમાં જોઈએ છીએ.”
એ પછી ગયા મંગળવારે, અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું, “અમે કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યા છીએ. અમે ત્યાંની સરકારને નિષ્પક્ષ, સમયબદ્ધ અને પારદર્શક કાનૂની પ્રક્રિયા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.”
ભારતે આ ટિપ્પણીનો પણ વાંધો ઉઠાવ્યો હતો અને વિદેશ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરવા માટે બુધવારે યુ.એસ. મિશનના કાર્યકારી નાયબ વડા ગ્લોરિયા બર્બેનાને સમન્સ પાઠવ્યું હતું. આ બેઠક લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી.
તેના બીજા જ દિવસે અમેરિકાએ આ કાર્યવાહી પર પણ ટિપ્પણી કટી હતી. યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે “હું ખાનગી રાજદ્વારી વાતચીત વિશે કશું નહીં કહું, પણ અમે જાહેરમાં કહ્યું છે કે અમે ન્યાયી, પારદર્શક, સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરીએ છીએ. અમને નથી લાગતું કે કોઈને પણ તેના પર કોઈ વાંધો હોવો જોઈએ. અમે આ વાત ખાનગીમાં પણ સ્પષ્ટ કરીશું.”
અરવિંદ કેજરીવાલ સામેના કેસનાં બે પાસાં છે; કાનૂની અને રાજકીય. આ માત્ર સીધો સાદો કાનૂની મામલો હોત તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવાઈ ન હોત, પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ઈ.ડી.)એ કરેલી કારવાઈને શંકાની નજરે પણ જોવાઈ રહી છે. ઈ.ડી. સામે છેલ્લા ઘણા સમયથી વિપક્ષનો આરોપ છે કે તે સરકારના ઈશારે વિરોધ પક્ષના નેતાઓ વિરુદ્ધ કારવાઈ કરે છે.
કેજરીવાલના કિસ્સામાં હૈદરાબાદના ઉદ્યોગપતિ પી. શરથચંદ્ર રેડ્ડીનું નામ સતત ચર્ચામાં છે. દિલ્હી સરકારના કથિત શરાબ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) દ્વારા 10 નવેમ્બર, 2022ના રોજ રેડ્ડીની ધરપકડ કરવામાં આવી હતી.
ઈ.ડી.ના જણાવ્યા અનુસાર, રેડ્ડી કૌભાંડના ‘દક્ષિણ જૂથ’નો હિસ્સો હતા, જેમણે કથિત રીતે આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા હતા, જેનો ઉપયોગ પાર્ટીએ ગોવા ચૂંટણીમાં કર્યો હતો. લગભગ છ મહિના પછી, દિલ્હી હાઈકોર્ટે 9 મે, 2023ના રોજ તબીબી આધાર પર રેડ્ડીને જામીન આપ્યા હતા.
ઇ.ડી.એ તેમની આ જામીન અરજીનો વિરોધ કર્યો નહોતો. જામીન આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે બીમાર વ્યક્તિઓને પર્યાપ્ત અને અસરકારક સારવારનો અધિકાર છે. થોડા દિવસો પછી, 1 જૂન, 2023ના રોજ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રેડ્ડીને સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી અને રેડ્ડીને માફી આપી હતી.
જ્યારે રેડ્ડીની ઇ.ડી. દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓ ઓરોબિંદો ફાર્મા લિમિટેડના ડિરેક્ટર હતા. ઓરોબિંદો ફાર્માનું મુખ્ય મથક હૈદરાબાદ, તેલંગાણામાં છે. અરવિંદ ફાર્માએ 3 એપ્રિલ 2021થી 8 નવેમ્બર 2023ની વચ્ચે 55 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, “દિલ્હીમાં નવી આબકારી નીતિ હેઠળ, અરવિંદો ફાર્માના માલિક શરથ ચંદ્ર રેડ્ડીને દારૂ વેચવા માટે કેટલાક ઝોન મળ્યા હતા. 9 નવેમ્બરે રેડ્ડીએ કહ્યું હતું કે તેમણે અરવિંદ કેજરીવાલ, વિજય નાયર કે આમ આદમી પાર્ટીના અન્ય કોઈ નેતાને પૈસા આપ્યા નથી. બીજા દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. થોડા મહિનાઓ પછી, રેડ્ડીનું નિવેદન કેજરીવાલની વિરુદ્ધ થઈ ગયું અને થોડા મહિનાઓમાં જ તેમને જેલમાંથી જામીન મળી ગયા.”
ચૂંટણી બોન્ડમાં પારદર્શિતા માટે કામ કરતી અંજલિ ભારદ્વાજ નામની એક સામાજિક કાર્યકર્તાએ કહ્યું છે કે દિલ્હીની શરાબ નીતિના કિસ્સામાં, બે સરકારી સાક્ષીઓ છે જેમના પર ઇ.ડી. આધાર રાખે છે; તેમાંથી એક કંપની શાસક પક્ષને ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપી રહી છે.
તેમણે કહ્યું, “આ ઘણા પ્રશ્નો ઊભા કરે છે. આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિની કંપની દાન કેમ આપે? પછી તે વ્યક્તિને જામીન મળે છે, તે સરકારી સાક્ષી બને છે, તેને માફી આપવામાં આવે છે અને પછી તેની કંપની શા માટે શાસક પક્ષને વધુ પૈસા દાન કરે છે? આ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.”
28મી તારીખે, જયારે ઈ.ડી.માં તેમના રિમાન્ડ પૂરા થયા ત્યારે, દિલ્હીમાં રાઉજ એવન્યુ કોર્ટમાં પેશ થયેલા કેજરીવાલે તેમની ધરપકડ અંગે કહ્યું હતું કે “આ એક રાજકીય ષડ્યંત્ર છે અને જનતા તેનો જવાબ આપશે.”
ભા.જ.પે. કહ્યું કે, ઈ.ડી.એ કાર્યવાહી કર્યા બાદ કેજરીવાલને નૈતિક આધાર પર રાજીનામું આપવું જોઈએ.
ભા.જ.પ.ના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, ‘તમે બાવળ વાવ્યા હોય તો કેરી કેવી રીતે ખાશો? એવી કઈ એજન્સી છે જેણે આની તપાસ કરી ન હોય? અને દિલ્હીમાં કોણ આ કેસની હકીકતોથી અજાણ છે?”
કેજરીવાલે કોર્ટમાં કહ્યું હતું, “શરથ રેડ્ડીએ ભા.જ.પ.ને 55 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મારી પાસે પુરાવા છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. મની ટ્રેલ સ્થાપિત થયેલી છે. ધરપકડ બાદ તેમણે ભા.જ.પ.ને 50 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તેની પણ તપાસ થવી જોઈએ. ઇ.ડી.ના બે ઉદ્દેશો હતા – આપ પાર્ટીને ખતમ કરવી અને સ્મોકસ્ક્રીન ઊભો કરવો. શરાબ કૌભાંડના પૈસા ક્યાં છે?… 100 કરોડ ચૂકવ્યાનો આરોપ છે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાનો એક આદેશ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ શંકાસ્પદ છે.”
એવા સંકેત છે કે કેજરીવાલના કેસનો જલદી ફેંસલો આવવાનો નથી. ભા.જ.પ. માટે તે ‘આશીર્વાદ’ છે. તે ઈચ્છે છે કે લોકસભાની ચૂંટણી સુધી સમાચારોમાં લોકોનું ધ્યાન ભ્રષ્ટાચાર પર રહે. બે દિવસ પહેલાં, વડા પ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગર મતવિસ્તારના ભા.જ.પ.ના ઉમેદવાર રાજમાતા અમૃતા રોય સાથે વાત કરી હતી તે સૂચક છે.
આ ટેલિફોનિક વાતચીત સોશિયલ મીડિયા પર જારી કરવામાં આવી છે. તેમાં મોદી રાજમાતાને એવી સલાહ આપી રહ્યા છે કે, “તમે જનતા વચ્ચે જઈને કહેજો કે મારી મોદી સાથે વાત થઇ છે અને તેઓ ઈ.ડી.એ ભ્રષ્ટ લોકોના કબ્જામાંથી જપ્ત કરેલા ગરીબોના પૈસાને પાછા ગરીબોને આપવા માટે કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે.”
ભા.જ.પ. કેજરીવાલની ધરપકડને બે રીતે જોઈ રહી છે. એક તો, પાર્ટીના વફાદાર મતદારોમાં એવો સંદેશો જાય છે કે સરકાર ભ્રષ્ટ નેતાઓ સામે સખ્ત કાર્યવાહી કરતાં ખચકાતી નથી. આ ધરપકડ સાચી છે કે ખોટી તેની આ મતદારોને ચિંતા નથી. તેમને એ પણ ચિંતા નથી કે, વિપક્ષો કહે છે તેમ, લોકશાહીનું વસ્ત્રહરણ થઇ રહ્યું છે. તેમને તો એટલું જ આશ્વાસન ઘણું છે કે સરકાર 56ની છાતીવાળી છે અને કામ કરી રહી છે.
બીજું, કેજરીવાલ લાંબો સમય સુધી તેમની કાનૂની લડાઈમાં ગૂંચવાયેલા રહે તેટલી આપ પાર્ટી નબળી પડશે કારણ કે પાર્ટીના ટોચના ત્રણ બોલકા નેતા, સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેલમાં છે. એમાં ચોથા કેજરીવાલનો ઉમેરો થયો છે.
આમાં ટૂંકાગાળાનો ફાયદો એ છે કે લોકસભાની ચૂંટણીમાં આપનો કોઈ સ્ટાર પ્રચારક જનતા વચ્ચે નહીં હોય. લાંબા ગાળાનો ફાયદો એ છે કે આપ પાર્ટી વિખરાઈ જશે. મહારાષ્ટ્રમાં બાળાસાહેબની શિવસેના અને શરદ પાવરની રાષ્ટ્રવાદી કાઁગ્રેસને આ રીતે જ તો તોડી પાડવામાં આવી હતી.
કેજરીવાલને આ અંદેશો છે. તેમની સામે હવે મુખ્ય પ્રધાન પદ પર ચાલુ રહેવાની કાનૂની ચેલેન્જ આવશે અથવા દિલ્હીમાં રાષ્ટ્રપતિનું શાસન લાદવાની કારવાઈ થશે. એટલે જ કેજરીવાલનાં પત્ની સુનિતા છેલ્લા બે દિવસથી જાહેરમાં આવ્યાં છે. એવું લાગે છે કમ સે કમ લોકસભાની ચૂંટણીમાં લોકોની સહાનુભૂતિ મેળવવા માટે સુનિતા તેમના પતિનો કેસ જનતાના દરબારમાં લઈને જાય. કાનૂનના દરબારમાં તો કેસ લાંબો ચાલે એવું લાગે છે.
લાસ્ટ લાઈન :
“માત્ર મૂરખ વ્યક્તિ ખુદની ભૂલમાંથી શીખે છે; ડાહ્યો માણસ બીજાની ભૂલમાંથી શીખે છે.”
– બિસ્માર્ક
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ,”ગુજરાતી મિડ-ડે”; 31 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર