‘વિઝિટિંગ કાર્ડ’, લેખક : દલપત ચૌહાણ, પ્રકાશક : ગૂર્જર, પાનાં 160, રૂ. 250
કથાસાહિત્યના વરિષ્ટ અગ્રણી સર્જક દલપત ચૌહાણની સત્તર વાર્તાઓના સંચયમાં ‘વિઝિટિંગ કાર્ડ’, ‘મંદિરપ્રવેશ’, ‘ખાસડાં’ અને ‘ઓળખ’ જેવી કૃતિઓ દલિત સંવેદનને માર્મિક રીતે ઝીલે છે.
‘તાળું-ચાવી’ અને ‘ભેદરેખા’ હિંદુ-મુસ્લિમો વચ્ચે પડી ગયેલી તિરાડને લગતી છે.‘જીવીમાની બકરી’ એક મજબૂત સ્ત્રી પાત્ર ઊભું કરે છે. રાવણહથ્થો વગાડનાર રમજુની પ્રેમકથા કહેતી ‘ટીંબો’ આ સંગ્રહની સહુથી ઊર્મિપ્રધાન વાર્તા છે.
‘ખુલ્લી બારી’ અને ‘ચાની લારીએ’ વાર્તાઓ કથાતત્ત્વની સરખામણીએ અનુક્રમે મનોભાવોના નિરુપણ અને સંવાદોને પ્રાધાન્ય આપે છે.
દલપતભાઈનાં મોટાં ભાગનાં પુસ્તકોની જેમ અહીં પણ ઘણી વાર્તાઓ ઉત્તર ગુજરાતના તળપદનાં જીવન, પાત્રો, ભાષા અને પરિવેશ ધરાવે છે.
‘વિઝિટિંગ કાર્ડ’ વાર્તા લેખકની અગિયાર વાર્તાઓના હેમાંગ અશ્વિનકુમારે કરેલા અંગ્રેજી અનુવાદ સંચય ‘ફીઅર એંડ અધર સ્ટોરીઝ’માં સ્થાન પામી છે. આ જ અનુવાદક ‘ગીધ’ નવલકથાને પણ અંગ્રેજીમાં લઈ ગયા છે.
* * * * *
‘ઝાકળમાં સૂરજ ઊગે’, લેખક : મોહનલાલ પટેલ, પ્રકાશક : આદર્શ, પાનાં 209, રૂ. 250
ગુજરાતી સાહિત્યમાં હમણાંથી નોંધપાત્ર પ્રમાણમાં ખેડાઈ રહેલાં લઘુકથા સ્વરૂપમાં પોણાસો વર્ષ પહેલાંના આરંભકાળથી માતબર પ્રદાન કરનાર મોહનલાલ પટેલના આ લઘુકથા સંગ્રહમાં નેવ્યાંશી કૃતિઓ છે.
પુસ્તકને અંતે, આ સાહિત્યસ્વરૂપની સિદ્ધાંત ચર્ચાના લેખકે અત્યાર સુધી લખેલા પાંચ લેખોના સારરૂપ લેખ મૂકવામાં આવ્યો છે. તેમાં પ્રસ્તુત સંગ્રહની કેટલીક વાર્તાઓ ઉદાહરણો તરીકે ટાંકી છે.
રોજ બ રોજના જીવનની ઘટમાળમાં આપણા ચિત્તને ઝંકૃત કરી જનાર અનુભૂતિઓ પર આધારિત વાર્તાઓ તરીકે લેખક ‘ઉંહકારો’, ‘બાળમજૂર’, ’ઠેસ’, ‘ત્યારે’, ‘વળામણાં અને ‘હળોતરા’ જેવી વાર્તાઓને મૂકે છે.
સાવ મામૂલી લાગતી ઘટના ઉદ્દીપક તરીકે કામ કરી જાય તેવું ‘ગતિભંગ’ અને ‘નિગ્રહ’ જેવી વાર્તાઓમાં બને છે. વિશિષ્ટ રચનારીતિ દ્વારા લાઘવ સિદ્ધ થયું હોય તેના દાખલા ‘મૌન’ અને ‘જાકારો’ છે, જ્યારે ‘રખડુ’ સંકેતો તેમ જ વ્યંજના દ્વારા લાઘવ સાધે છે. ‘ધૃતરાષ્ટ્ર’ પુરાકલ્પનનો નજીવો આધાર લઈને રચાયેલી કૃતિ છે. લઘુકથાનાં બીજાં લક્ષણોનો ખ્યાલ પણ લેખક આ રીતે આપે છે.
* * * * *
‘દુનિયા દોરંગી’, લેખક : તુલસીભાઈ પટેલ, દર્શિતા પ્રકાશન, મહેસાણા, પાનાં 136, રૂ. 230 સંપર્ક 9427681791
તુલસીભાઈ પટેલે બાળઉછેર, શિક્ષણ, સંસ્કાર, કબીર, વિવેચન, ચિંતન, પ્રવાસ, હિન્દી સાહિત્ય જેવા અનેક વિષયો પર ગંભીર લેખનનાં ત્રીસેક પુસ્તકો લખ્યાં છે.
ઉપરાંત હાસ્યરંગના તેમના આ ત્રીજા પુસ્તકમાં 45 લેખો છે,જેની મુખ્ય પ્રયુક્તિ વ્યંજના છે.અનેક વખત સ્ત્રી કે પત્ની હાસ્યનું લક્ષ્ય હોય છે.અહીં પત્નીએ પતિની વાક્યે વાક્યે ટીખળ કરતાં સળંગ ચાર લેખો છે.તે જ રીતે નાપસંદ લગ્નમાંથી છૂટા થઈને પોતાના મનના મણિગરને જીવનસાથી બનાવતા ઉપલક હળવાશથી લખાયેલા લેખો છે.
અનેક જગ્યાએ લેખકે ઘરમાં અને પરીક્ષાઓમાં સ્ત્રીઓને શક્તિશાળી બતાવી છે. તેમણે કુરિવાજો, રાજકારણ, કોમવાદ, ચૂંટણી, દેશના અનેક પ્રશ્નો જેવા વિષયો પર હાસ્ય, કટાક્ષ, પૅરડી અને ગાંભીર્યની જુદી જુદી કે મિશ્ર માત્રામાં એકંદરે પ્રગતિવાદી ભૂમિકાથી લખ્યું છે.
* * * * *
‘ડૉક્ટરનું સમાજ દર્શન’, લેખક : સુધીર મોદી, પ્રકાશક : નયના મોદી, પાનાં : 175 કિંમત : જણાવી નથી, સંપર્ક 9898612682
અરધી સદીથી વધુ સમય પ્રૅક્સ્ટિસ કરતા તબીબ લેખકના આ પુસ્તકમાં વિવિધ પ્રકારનાં લેખોનો સમાવેશ થાય છે. તેમાં નાના-મોટા વ્યાવસાયિક અનુભવો, સંવેદનકથાઓ, ઉછેર અને ઘડતરનાં સંભારણાં, રમૂજી પ્રસંગો, હાસ્યનાટિકા,ચિંતન જેવાં લખાણોનો સમાવેશ થાય છે.
દરદીઓ અને કેટલાંક વ્યક્તિઓનાં સંવેદનપૂર્વક આલેખવામાં આવેલાં શબ્દચિત્રો પુસ્તકનું ઉજળું પાસું છે.
* * * * *
‘નવયાત્રા’, લેખક : મુનિકુમાર પંડ્યા ,પ્રકાશક : રંગદ્વાર, પાનાં 120, રૂ.140, સંપર્ક 9429898999
સત્તર યાત્રાધામોનાં, શ્રદ્ધાળુઓ માટે વાચનીય પ્રવાસનિબંધોના આ સંચયમાં શીર્ડી, પૉન્ડિચેરી, તિરુવન્નામલાઈ અને બેરુર મઠ અને માતરના અરવિંદ આશ્રમ સિવાયના બધાં સ્થળો સૌરાષ્ટ્રનાં છે.
લેખક નોંધે છે : ‘નવયાત્રા એટલે આપાણાં પરંપરાગત યાત્રાધામોથી અલગ તરી આવતાં ધામોની યાત્રા. આવાં યાત્રાધામોની યાત્રાથી કંઈક નવું પ્રાપ્ત થયું છે એની વાત આ નવયાત્રા જીવનના વ્યવહારને સમજવાની એક સાચી સમજણ આપે છે.’
31 માર્ચ 2024
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 માર્ચ 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર