“ન્યાયાધીશ મુજબ હું મુખ્ય સાક્ષી છું, કારણ કે મેં રિહર્સલ જોયું હતું. જેનાથી સાબિત થાય છે કે આ કાવતરું હતું. પ્રિ-પ્લાન હતું બધું. સામે એક મોટી ટેકરી હતી. ટેકરી ઉપર તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમની પાસે લોખંડના ગ્રિલ જેવું કોઈ સાધન હતું. જે ટેકરી પર ચારે બાજુ લગાવ્યું હતું. અને તેઓ તે ટેકરી પર ચઢવાનો પ્રયાસ કરતા હતા. ત્યાંથી મારી તસવીર દાખવવાનો મતલબ હતો કે કેવી રીતે તેમણે પકડ બનાવી છે. આ રીત જ તેમણે બાબરી મસ્જિદનો ગુંબજ તોડવામાં ઉપયોગમાં લીધી.” આ શબ્દો છે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એસોસિએટ એડિટર પ્રવીણ જૈનના. બાબરી મસ્જિદ તોડી પાડવાની તેમણે તસવીરો લીધી છે અને આગલા દિવસે પણ તેઓ અયોધ્યામાં હતા અને તેથી આ કેસમાં તેઓ મુખ્ય સાક્ષી રહ્યા છે.
5 ડિસેમ્બરના રોજ પ્રવીણ જૈને પોતાના કેમેરામાં બાબરી તોડી પાડવાની રિહર્સલ કેદ કરી હતી. ‘ક્વિંટ હિંદી’ ન્યૂઝ પોર્ટલને આપેલી મુલાકાતમાં 4 ડિસેમ્બરના રાતની વાત કરતાં પ્રવીણ કહે છે કે, “એક સાંસદ જે વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા હતા. તેમણે મને સંકેત આપ્યો કે 5 તારીખે તેઓ રિહર્સલ કરશે. મેં એમને પૂછ્યું કે, ‘રિહર્સલ હું શૂટ કરી શકું છું?’ એમણે ‘હા’ કહ્યું; સાથે એમ પણ કહ્યું કે તમારે વિશ્વ હિંદુ પરિષદના સભ્ય બનીને ત્યાં જવું પડશે. 5મીએ હું ભગવો દુપટ્ટો નાંખીને અને તેમણે આપેલું એક આઇ-કાર્ડ લઈને પહોંચ્યો. ત્યાં મેં જોયું કે મેદાનમાં રિહર્સલ ચાલતું હતું. અહીં મને રસપ્રદ વાત એ લાગી કે કોઈ પોતાનો ચહેરો છુપાવી રહ્યા નહોતા. પરંતુ એક વ્યક્તિએ પોતાનો ચહેરો કપડાંથી ઢાંક્યો હતો. તે પોતાની ઓળખ છુપાવી રાખવા માંગતો હતો. અને તે જ માસ્ટર માઇન્ડ હતો.” પછી પ્રવીણ 6 ડિસેમ્બરની વાત કરે છે, “અમે સવારે ત્યાં પહોંચી ગયા. અમને બિલ્લા વગેરે આપવામાં આવ્યા હતા. બે મંચ ત્યાં બન્યા હતા. એક મંચ વી.આઈ.પી. માટે હતો. અડવાણી, જોશી, ઉમા ભારતી, અને બીજા અન્ય વી.આઈ.પી. ત્યાં હતાં. એક બીજો મંચ હતો જ્યાંથી બાબરી મસ્જિદ દેખાતી હતી, ત્યાં અમે પ્રેસવાળા હતા. અચાનક અમે જોયું કે લોકોએ અમને મારવાનું શરૂ કરી દીધું. અને અમારા કેમેરાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો. તેઓ અમારું કામ નષ્ટ કરવા માંગતા હતા. અમે ત્યાંથી ભાગ્યા જ્યાં અડવાણી વગેરે નેતાઓ હતા. મેં અડવાણીને ખુદ કહ્યું કે લોકો મીડિયાવાળાઓને મારે છે, અમને બચાવો. પરંતુ કોઈને અમારી પડી નહોતી. બસ, ‘જયશ્રીરામ’ના નારા લાગી રહ્યા હતા. અને સામે ગુંબજ તૂટી રહ્યું હતું. તેઓને સુપ્રિમ કોર્ટના આદેશની પડી નહોતી.”
અયોધ્યામાં આખરે રામમંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે; અને 22 જાન્યુઆરીના રોજ મંદિર ધૂમધામથી ખુલ્લું મૂકવામાં આવશે. અયોધ્યાની બાબરી મસ્જિદ દોઢ સદી સુધી વિવાદનું કેન્દ્ર રહી અને હિંદુ-મુસ્લિમ પક્ષો પોતપોતાના આસ્થાના પ્રતિક તરીકે આ જગ્યાને પવિત્ર માનતા હતા. હિંદુ પક્ષ બાબરી મસ્જિદને રામજન્મભૂમિ તરીકે ઓળખવાતો. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી અને એ દિવસે ભારતનો રાજકીય ઇતિહાસ કાયમ માટે બદલાઈ ગયો. આ દિવસે અનેક પત્રકારો અને તસવીરકારો અયોધ્યામાં હતા. પ્રવીણ જૈનની જેમ અયોધ્યાથી પ્રકાશિત થતાં ‘જનમોરચા’ નામનું અખબાર વર્ષોથી આ વિવાદ કવર કરતું હતું. સુમન ગુપ્તા એ દિવસે ફૈદાબાદથી અયોધ્યા જતા હતા ત્યારે જોયું કે, “રસ્તામાં અનેક જગ્યાએ કેમ્પ લાગ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ચાલીને અયોધ્યા જઈ રહ્યા હતા. ગાડીઓને રોકીને લોકો તેમાં સવાર થઈને પણ જતા હતા. કારસેવકો લોકોને અટકાવીને સિંદૂર લગાવીને, લાડૂ ખવડાવીને જયશ્રીરામ બોલાવતા.”
એ દિવસે ‘રાષ્ટ્રિય સહારા’ માટે રિપોર્ટીંગ કરનારા રાજેન્દ્ર કુમાર એક મુલાકાતમાં જણાવે છે : “હું સવારે સાત વાગ્યે રામજન્મભૂમિ પરિસરમાં પહોંચ્યો. ત્યાં પરિસરમાં ‘આર.એસ.એસ.’ના લોકોએ પૂજા માટે બેરિકેડિંગ કરીને રાખી હતી. એક બાજુ મહિલાઓને બેસાડવાની હતી. પોલીસ કન્ટ્રોલ રૂમ ત્યાં બનાવવામાં આવ્યો હતો. કેમેરા પણ ત્યાં લાગ્યા હતા, જેના દ્વારા સ્થિતિનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું હતું. મેં ત્યારે ઉમા ભારતી, લાલકૃષ્ણ અડવાણી, કલરાજ મિશ્ર, મુરલી મનોહર જોશી, અશોક સિંઘલ, વિનય કટિયાર આ તમામની તસવીર લીધી. આ આગેવાનો પૂજા ક્યાં થવાની છે એ જોવા માટે પરિસરમાં આવ્યા હતાં. લલ્લૂ મહારાજ જે પછીથી સાંસદ બન્યા તે પણ માનસ ભવનમાં પત્રકારોને ચા પિવડાવી રહ્યા હતા. સવારે 9 વાગ્યાથી જ મિટિંગ શરૂ થઈ ગઈ. એક બાજુ ભાષણ ચાલી રહ્યા હતા અને બીજી તરફ મોટી સંખ્યામાં કારસેવકો આવી રહ્યા હતા. 11 વાગતા સુધીમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ.”
એ દિવસે ‘મરકજ’ અખબાર ચલાવતા પત્રકાર હિસામ સિદ્દીકી પણ અયોધ્યામાં હતા. તેમણે જોયું કે મસ્જિદના પાછળના મેદાનમાંથી કેટલાંક લોકો દોરડાંઓ અને પાવડા લઈને બેઠા હતા. હિસામ મુજબ : “તેઓ મરાઠી બોલી રહ્યા હતા. અમારી સાથે ‘સકાળ’ના પત્રકાર રાજીવ સાબલે હતા. તેમણે એ લોકોને પૂછ્યું કે ‘આ બધું શું છે?’ ત્યારે તે લોકોએ જવાબ આપ્યો કે, ‘તમને થોડી જ વારમાં ખબર પડી જશે!’ જો કે જ્યારે હું લખનઉમાં કારસેવકોને મળ્યો ત્યારે બધું જ સામાન્ય લાગતું હતું. મજાક ચાલી રહી હતી અને તેમણે કહ્યું હતું કે માત્ર સાંકેતિક પૂજા થવાની છે.”
એ દિવસોમાં ‘બી.બી.સી.’ વતી રામદત્ત ત્રિપાઠી નામના પત્રકાર અયોધ્યામાં હતા. તેઓ એક મુલાકાતમાં કહે છે : “30 નવેમ્બરથી માહોલ બગડવા લાગ્યો હતો. કારસેવકોએ ત્યાંની મઝારોને નુકસાન પહોંચાડ્યું હતું. હું અને ‘બી.બી.સી.’ના સાથી પત્રકાર માર્ક ટુલી જ્યારે 6 ડિસેમ્બરના રોજ કારસેવકપુરમ્ પહોંચ્યા ત્યારે વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક સિંઘલ સાથે કેટલાંક કારસેવકોએ દુર્વ્યવહાર કર્યો. તેમની સાથે ગાળાગાળી પણ કરી અને કારસેવકોએ કહ્યું કે તમે નેતાગીરી કરીને આ આંદોલનને રાજકીય રીતે ચલાવી રહ્યા છો. અમે તો મસ્જિદ તોડી પાડીશું.”
તે વખતે અયોધ્યાની સ્થિતિ જોતાં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ પોલીસ ફોર્સની 200 કંપનીઓ મોકલી હતી. પરંતુ તે કંપનીઓ અયોધ્યાની બહાર ફૈજાબાદમાં હતી. તે કંપનીઓ રાજ્ય સરકારના આદેશની રાહ જોતી રહી. ‘બી.બી.સી.’ના પત્રકાર રામદત્ત ત્રિપાઠી આ સ્થિતિ વિશેની નોંધ આ રીતે કરે છે : “સેન્ટ્રલ ફોર્સને જ્યારે વાયરલેસથી માહિતી મળી તો તેમણે મેજિસ્ટ્રેટથી કહ્યું કે તમે આદેશ આપો, કારણ કે ફોર્સ જાતે ન જઈ શકે. રાજ્ય સરકાર કે ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ તરફથી તેમને કોઈ આદેશ ન આપવામાં આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે લાકડી-ગોળીઓ નહીં ચાલે. કોઈ અન્ય રીતે તમે કારસેવકોને અટકાવી શકો તો અટકાવો. આ વાત ‘રેપિડ એક્શન ફોર્સ’ના કમાન્ડર બી.એમ. સારસ્વતે મને જણાવી હતી.”
રામદત્ત અયોધ્યાના એ દિવસની સ્થિતિ વિશે ‘બી.બી.સી.’ સાથેની એક મુલાકાતમાં કહ્યું છે કે, શાંતિ વ્યવસ્થાની જવાબદારી ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસની હોય છે. તેમણે કોઈને ય પૂછવાની જરૂર નહોતી. પરંતુ તેઓ વાટ જોઈને બેસી રહ્યા કે મુખ્ય મંત્રી શું કહે છે, બી.જે.પી.ના નેતા શું કહે છે. એ વાત સ્પષ્ટ દેખાતી હતી કે પ્રશાસન નિર્ણય લેવામાં સક્ષમ નહોતું અને તેમની અંદર ઇચ્છાશક્તિ નહોતી. જિલ્લા ન્યાયાધીશ પ્રેમ શંકર ડ્યૂટી પર હતા અને 6 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે તેમણે રિપોર્ટમાં સ્થિતિ સામાન્ય છે તેમ દાખવ્યું છે. કેન્દ્ર સરકારે મોકલેલી ટુકડીઓ ત્યાં પહોંચી જ ન શકી અને ચાર-પાંચ સુધી બાબરી મસ્જિદના ગુંબજને તોડી પાડવામાં આવ્યો. ઉમા ભારતીની એક તસવીર તે દિવસોમાં અખબારોમાં પ્રકાશિત થઈ હતી. તે ખુશીનો એકરાર કરતા મુરલી મનોહર જોશીના પીઠ પર ચઢી ગયાં હતાં. જો કે તે દિવસે અયોધ્યામાં રિપોર્ટીંગ કરનારા પત્રકારો એ નોંધે છે કે, જ્યારે ગુંબજ તોડી પડાયા ત્યારે સાંજ સુધી કોઈ પણ નેતાને તેની આસપાસ જોવામાં નહોતા આવ્યા.
અયોધ્યાના વિવાદ વિશેના અઢળક પુસ્તકો અને અખબારી અહેવાલો મોજૂદ છે. આ ઘટનાને ત્રીસ વર્ષ થઈ ચૂક્યા છે અને તે જગ્યાએ જ્યારે નવો અધ્યાય લખવા જઈ રહ્યો છે ત્યારે માત્ર એટલું જોવું રહ્યું કે તે દિવસે અયોધ્યામાં રહેનારા આગેવાનોનો રાજકીય ક્ષેત્રમાંથી અસ્ત થઈ ચૂક્યો છે; અને તેમનાં નામ વિના નવા મંદિરનો કાર્યક્રમ થાય તો નવાઈ નહીં.
e.mail : kirankapure@gmail.com