બી.બી. લાલ અને કે.કે. મોહમ્મદની ભૂમિકા અને મંતવ્ય
રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ના પૂર્વ ડિરેક્ટર જનરલ બ્રજબસી લાલને યાદ કરવા જોઈએ. બ્રજબસી લાલ ‘બી.બી. લાલ’થી ઓળખાતા હતા; અને તેમણે જ પહેલીવાર બાબરી મસ્જિદની સાઇટ પર ઉત્ખનન કર્યું હતું, જેમનું અવસાન ગત વર્ષે થયું હતું. યુનેસ્કોની વિવિધ સમિતિમાં સ્થાન પામનારા બી.બી. લાલનું આર્કિયોલોજિસ્ટ તરીકેની કારકિર્દી આરંભાઈ ત્યારે તેમનું લેખનમાં તટસ્થતા ઝળકતી હતી અને તેમણે ‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ મેગેઝિન ‘એન્સિઅન્ટ ઇન્ડિયા’માં લખેલાં લખાણો તેની સાબિતી છે. પરંતુ 1990 આવતાં સુધીમાં તેઓ ‘ભગવા પુરાતત્વવિદ્’ તરીકે ઓળખાવા લાગ્યા, જેનું એક કારણ અયોધ્યામાં તેમણે કરેલું ઉત્ખનન હતું. 1944ના અરસામાં યુવાન વયે લાલ સ્કૂલ ઑફ આર્કિયોલોજી ખાતે ટ્રેઇન થયા; ત્યારે આ વિભાગ સંભાળનારા ઇંગ્લેન્ડના જાણીતા પુરાતત્વવિદ્ મોર્ટીમર વ્હીલર હતા. મોર્ટીમર વ્હીલરની હાથ નીચે પંજાબ, તક્ષશીલા અને હડપ્પા સાઇટ પર તૈયાર થનારા અનેક વિદ્યાર્થીઓ તે પછી ‘આર્કિયોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’માં ઉચ્ચ પદે બિરાજ્યા, તેમાંના એક બી.બી. લાલ પણ હતા.
બી.બી. લાલે 1990માં ભા.જ.પ. સાથે સંકળાયેલા ‘મંથન’ નામના મેગેઝિનમાં ‘ઓરિજનલ લાઇ’ એટલે ‘અસલ જુઠ્ઠાણું’ એ નામે એક લેખ લખ્યો હતો અને તે લેખથી ખાસ્સો વિવાદ જન્મ્યો હતો. ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પરના આ સંબંધિત લેખમાં હુમરા લઇક લખે છે કે, ‘1977 દરમિયાન બાબરી મસ્જિદમાં કરેલા ઉત્ખનનમાં બી.બી. લાલને કોઈ મંદિરના પુરાવા નહોતા મળ્યા, પરંતુ તે પછીના દસ વર્ષ પછી તેઓ તે સ્થળે મંદિરના પિલ્લર હોવાની વાત લઈ આવે છે. ઘણાંનું કહેવું છે કે બી.બી. લાલને 1977 દરમિયાન ‘એ.એસ.આઈ.’ના રિપોર્ટમાં અયોધ્યામાં ઉત્ખનન રસ વિનાનું લાગતું હતું. પરંતુ 1989માં તેમને આ જ સાઇટ પર પિલ્લર દેખાયા અને એક વર્ષમાં જ તેમણે મંદિરના પાયા હોવાનું નિવેદન આપ્યું. અને 2008માં તો તેમણે મંદિરના બાર પિલ્લરની અને સાથે સાથે હિંદુ દેવતાની મૂર્તિની વાત પણ કહી. બી.બી. લાલનું આ કાર્ય કોઈ પણ એકેડેમિક જર્નલે પ્રકાશિત કર્યું નથી. સામાન્ય રીતે આ પ્રકારના જર્નલમાં પુરાવા સાથે વાત રજૂ થાય છે.
બી.બી. લાલની અંતર્ગત કે.કે. મોહમ્મદ આર્કિયોજિસ્ટ તરીકેની ટ્રેનિંગ મેળવી અને તે પછી કે.કે. મોહમ્મદ અયોધ્યામાં ઉત્ખનન કરવા માટેના મહત્ત્વના પદાધિકારી બન્યા. કે.કે. મોહમ્મદનું નામ આજે ભારતીય પુરાતત્વવિદમાં જાણીતું છે અને તેઓ પણ અયોધ્યા સંદર્ભે અનેકવાર ખુલીને બોલ્યા છે. હાલમાં તેમણે ‘લલ્લનટોપ’ ન્યૂઝ પોર્ટલને આપેલી મુલાકાત અયોધ્યા વિશે કહ્યું હતું કે, “અમે 1976-77માં જ્યારે અયોધ્યામાં ઉત્ખનન માટે ગયા ત્યારે અમે ઉત્ખનન કરવા અગાઉ આસપાસ બધું જ તપાસી લઈએ છીએ. અમે પહેલાં આસપાસ જોઈને એવું નક્કી કરીએ છીએ કે આની નીચે કશુંક હોઈ શકે કે નહીં? એ સમયે ટેકનોલોજી વિકસિત નહોતી. અમે એ વખતે મસ્જિદ ગયા તો તે વખતે મસ્જિદ પર તાળું હતું. એક પોલીસ જવાન ત્યાં હતો. ત્યારે આ વિવાદ મોટો નહોતો. અમે સુરક્ષા કરનારા પોલીસને કહ્યું કે અમે વિદ્યાર્થીઓ સંશોધન કરવા આવ્યા છે, તો તેમણે કહ્યું કે તમે અંદર જઈ શકો છો. અમે અંદર જઈને જોયું તો મસ્જિદ પિલ્લર્સ છે, તે જ મંદિરના હતા. તો કોઈને પ્રશ્ન થશે કે આ કેવી રીતે કહી શકો છો કે આ મંદિરના પિલ્લર્સ છે. અમે એના માટે જ ટ્રેઇન થયેલા છીએ. અમે આ પ્રકારના કિસ્સામાં કોઈ વૈજ્ઞાનિક તપાસ વિના બતાવી શકીએ કે સ્થાપત્ય બારમી સદીનું છે કે પંદરમી સદીનું છે, તે અકબર કાળનું છે કે જહાંગીર કાળનું. નિર્માણની શૈલી, ડિઝાઈન અને મટિરિયલના આધારે અમે તે દર્શાવી શકીએ છીએ. અંદર જઈને અમે જોયું તો મંદિરના જે પિલ્લર હતા તેને જ મસ્જિદમાં ફરી ઉપયોગમાં લેવાયા છે.”
કે.કે. મોહમ્મદ આગળ કુતુબમિનાર અને તેની પાસે આવેલી કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદનો ઉલ્લેખ કરીને ત્યાંના લખાણની વાત કરતાં કહે છે કે, “અગિયારમી સદીમાં અહીં 27 મંદિરોને તોડી પાડીને આ મસ્જિદ નિર્માણ કરવામાં આવી હતી. અને તે દરમિયાન દેવતાઓની મૂર્તિ પણ તોડી પાડવામાં આવી હતી. તેમાં આજે પણ ગણેશ અને શિવની મૂર્તિ જોઈ શકાય છે. ઇતિહાસમાં એક વાત આપણે સમજવી જોઈએ કે કેટલીક ભૂલો થઈ ચૂકી છે. મુસ્લિમોએ આ ભૂલને સ્વીકારવી જોઈએ. જો કે હું એમ પણ કહીશ કે વર્તમાન સમયના મુસ્લિમો આ ભૂલ માટે જવાબદાર નથી. પરંતુ આ બાબતને તેઓ યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરે છે ત્યારે હું તેમને જવાબદાર ગણીશ. તેઓ બે રીતે આ વાતને યોગ્ય ઠેરવે છે કે, તે વખતના બધા જ હિંદુ મુસ્લિમ થઈ ગયા તો તેમણે પોતાનું જ મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી દીધી. આ પ્રથમ તર્ક છે. અને કોમ્યુનિસ્ટ પક્ષકારો બીજો તર્ક એ રીતે મૂકે છે કે, સોના અને ચાંદીનો ભંડાર મંદિરના નીચે હતા અને એટલે જ મંદિરને ટારગેટ બનાવવામાં આવ્યા.”
બી.બી. લાલના આગેવાનીમાં ઉત્ખનન કરનારા કે.કે. મોહમ્મદ આ વાત ખોંખારીને કહે છે અને તેમણે તે સંબંધિત પુસ્તક પણ લખ્યું છે. પરંતુ ‘ધ વાયર’ ન્યૂઝ પોર્ટલ પર બી.બી. લાલની કામગીરી પર અનેક પ્રશ્નાર્થ ખડા કરે છે. 1950-52માં તેમણે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો તેનું નામ હતું ‘આર્કિયોલોજી ઓફ ધ મહાભારત સાઇટ્સ’. આ પ્રોજેક્ટમાં તેમણે બનાવા, પાણીપત, કુરુક્ષેત્ર અને મથુરાના કેટલાંક સ્થળોને મહાભારતના કાળ સાથે જોડી. અને બુદ્ધ પહેલાના સમયના માટીકામ જે મહાભારત સાથે જોડી દીધું હતું. જો કે આ બધું જ લખાણ જ્યારે બી.બી. લાલે કર્યું ત્યારે તેમાં ઠોસ પુરાવાની કમી હતી. એ પ્રમાણે જ તેમણે શિમલા સ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓ એડવાન્સ સ્ટડીઝ’ અને ‘એ.એસ.આઈ.’ સાથે મળીને આર્કિયોલોજીકલ ઓફ ધ રામાયણ સાઇટ્સનું સંશોધન શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત કામ પણ શરૂ થયું, જો કે તે વિશેનો અહેવાલ ક્યારે ય પ્રકાશિત ન થયો.
બી.બી. લાલનું જે મહત્ત્વનું કાર્ય છે તેમાં ચોથી સદીના જૈન સ્થાપત્યો છે અને પહેલી-બીજી સદીના રોમન ઘરેણા છે. તેમના આ કાર્યોમાં અયોધ્યાનો ઉલ્લેખ વેપારી માર્ગ તરીકે થયો છે અને તદ્ઉપરાંત બહુસાંસ્કૃતિક સ્થળ તરીકે. તેમાં ક્યાં ય હિંદુ મંદિરનો ઉલ્લેખ નથી. આ રીતે તેમણે પછી પણ આર્કિયોલોજિલ ક્ષેત્રમાં ભેળસેળ કરી છે અને અંગ્રેજી અખબારોમાં તેમના આ પ્રકારના કાર્ય વિશે ખૂલીને લખાયું પણ છે. તેના બધા જ ઉદાહરણ અહીંયા ટાંકવા સંભવ નથી, પણ બી.બી. લાલે જે કાર્ય કર્યાં છે તેના પર પ્રશ્નો ખડા થયા છે.
બી.બી. લાલના અયોધ્યા સંબંધિત કામ અંગે કે.કે. મોહમ્મદ જણાવે છે કે “1990ના અરસામાં જ્યારે અયોધ્યાનો મુદ્દો વિવાદિત બન્યો ત્યારે તે વખતના સામ્યવાદી વિચારધારા ધરાવનારા ઇરફાન હબીબ સહિતના ઇતિહાસના પ્રોફેસરોએ એ વાત મૂકી કે બી.બી. લાલ અને તેમની ટીમને બાબરી મસ્જિદથી કોઈ પણ મંદિરના પુરાવા મળ્યા નથી. તે વખતે લાલસાહેબને પોતાને ડિફેન્ડ કરવા પડ્યા. અમે ત્યાં ઉત્ખનન કર્યું છે અને ત્યાં મંદિર સંબંધિત ઘણી ચીજવસ્તુઓ મળી છે. અને અમને મંદિરના પિલ્લર્સ પણ મળ્યા છે. તેમનો સપોર્ટ કરનારા કોઈ નહોતા. તે વખતે હું મદ્રાસમાં કામ કરતો હતો. હું એ.એસ.આઈ.માં ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ હતો અને ત્યારે મેં એક નિવેદન આપ્યું હતું, જે તે વખતે નહોતું આપવું જોઈએ – બી.બી. લાલને મંદિરના અવશેષ ત્યાં મળ્યા છે. અને તે પૂરા ઉત્ખનનમાં હું માત્ર એક મુસ્લિમ હતો. આ સ્થળ જેમ મુસ્લિમો માટે મક્કા-મદિના છે તેમ હિંદુ માટે છે. તેથી મુસ્લિમોએ આ સ્થળ હિંદુઓને આપી દેવું જોઈએ.
‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ જેવાં વિભાગોએ ખરેખર તો આવા વિવાદીત મુદ્દામાં લોકોની સમજ સ્પષ્ટ થાય તે રીતે કાર્ય કરવું જોઈએ, પણ અયોધ્યાના કિસ્સામાં તેમ થયું હોય તેવું દેખાતું નથી.
e.mail : kirankapure@gmail.com