અમારા ઘરના દિવાનખંડના સોફા ઉપર હું બાજુના ટેકાને અઢેલીને બેઠો છું; અને સોફાની પાછળ આવેલી બારીમાંથી બહારની દુનિયાનું અવલોકન કરું છું. બારીને અડીને એક નાનો છોડ છે. પાંચ છ ફૂટ દૂર એક ઠીક ઠીક મોટો છોડ છે. પછી રસ્તો છે અને રસ્તાની સામેની બાજુએ મકાનો છે. સામેના બે મકાનોની વચ્ચે એક મોટું વૃક્ષ છે. આ ત્રણેનાં પાન અને ડાળીઓ સતત હાલી રહ્યાં છે. રસ્તા ઉપર કો’ક રડ્યું ખડ્યું સૂકું સટ પાંદડું આમતેમ ભટકી રહ્યું છે.
આ બધી સતત ચાલતી રહેલી ગતિ, પવનની હયાતિની સાક્ષી પૂરે છે. આ સઘળાં ન હોત તો? મનને એમ જ થાત કે હવા પડેલી છે. પવન છે જ નહીં. બધું સ્થિર હોવાને કારણે હવાની જીવંતતા અનુભવાત નહીં.
સામેનાં બધાં ઘરોની બધી બારીઓ બંધ છે. માત્ર જડ મકાનો જ દેખાય છે. કોઈ ગતિ, કોઈ ધબકતું જીવન હું જોઈ શકતો નથી. પણ મકાનની અંદર? કેટકેટલાં જીવન ધબકતાં હશે?
અરે! આ સ્થિર હવા જ જુઓને? એ પોતે જ દેખાતી નથી તો તેમાં તરતાં, ઊડતાં બેક્ટેરિયા કે વાઈરસ તો ક્યાંથી જ દેખાય? પણ ક્યાંથી ઘડીના છઠ્ઠા ભાગમાં શરદી આપણા નાકમાં પેંસી જાય છે?
આપણે કોઈ વસ્તુને જોઈએ, સાંભળીએ, સ્પર્શીએ, ચાખીએ, ત્યારે એના હોવાપણાની આપણને અનુભૂતિ થતી હોય છે. પણ, કોક ચીજની કશી ય અનુભૂતિ ન થતી હોય, તેથી એમ થોડું જ કહેવાય કે, તેનુ હોવાપણું છે જ નહીં?
એવા કયા કાલ્પનિક અસ્તિત્વના હોવાપણા વિશે આમ વિચારતાં થઈ ગયાં ખરું ને ? !
અને આમ જ બીજા એક દિવસે …..
સવારનો પહોર છે. બારીમાંથી સ્કૂલ બસ આવવાની રાહ હું જોઈ રહ્યો છું. દીકરીના દીકરાને ચઢાવવાનો છે. થોડીક વારમાં બસ આવી જશે; અને હું મારા કામે લાગીશ. આ નવરાશની પળે આદતવશ અવલોકન શરૂ થયું છે.
સામે એ જ બંધ મકાનો, એ જ ટપાલપેટીઓ, એ જ નિર્ધૂમ ચિમનીઓ છે. એમાં રહેનારાં એનાં એ જ માણસો છે. એ જ વૃક્ષો, એ જ ઘાસ, એ જ નિર્જન રસ્તો છે. કદીક રડી ખડી કો’ક કાર કે વાન આવીને જતી રહે છે. પણ એ ય રોજની જેમ જ. પવનમાં આમતેમ અફળાતાં પાંદડાં છે. કાલે પણ એમ જ થતું હતું. કશું જ બદલાયું નથી. બધું જેમનું તેમ છે. કે ખરેખર એમ છે?
મકાનો એક દિવસ જૂનાં થયાં છે. એમ જ એમાં રહેનાર પણ. ક્યાંક મને ખબર ન હોય છતાં કોઈક નવજાત બાળક મીઠી નિંદર માણી રહ્યું છે – જે થોડાક દિવસ પહેલાં, એની માના પેટમાં ઊંધા મસ્તકે અવતરવા માટે તૈયાર લટકી રહેલું હતું. મકાનોની ઉપર એક નજીવું, ન દેખાય તેવું આવરણ ઉમેરાયું છે; જે દસ પંદર વર્ષે મકાનો દસ વર્ષ જૂનાં થયાંની ચાડી પોકારવાનું છે.
એનાં એ જ લાગતાં ઝાડ પર અનેક નવાં પાંદડાં ઉમેરાયાં છે; કોઈક સૂકાયેલી ડાળી જમીન દોસ્ત થઈ નીચે પડી ગઈ છે. ઘાસનો વિસ્તાર અને ઊંચાઈ ચપટીક વધ્યાં છે. રસ્તો કાલ કરતાં સહેજ વધુ ઘસાઈને લીસ્સો થયો છે; અથવા સૂર્યના તાપે, એક ન દેખાય તેવી તરડ કોરાઈને થોડીક વધારે ઊંડી બની છે.
પસાર થઈ ગયેલી કાર કાલવાળી કાર ન હતી. બીજા કો’કની હતી! કાલે અફળાતાં હતાં, તે પાંદડાં અલબત્ત કચરાપેટીમાં કે દૂરની ઝાડીઓમાં ક્યાંના ક્યાં ય ફેંકાઈ ગયાં છે. આજે દેખાય છે; તે ગઈકાલે વૃક્ષો પર વિલસતાં હતાં.
અરે! આ અવલોકનકાર પણ ક્યાં એનો એ છે? એના શરીરના અનેક કોષો મરણ પામ્યાં છે, અને નવાં જન્મી ચૂક્યાં છે. એના વિચાર, અભિગમ, મિજાજ કાલનાં જેવાં નથી.
એણે અવલોકન, અનાવલોકન, હાલોકન, પ્રતિભાવ, અપ્રતિભાવના ભાવો વચ્ચે કેટકેટલાં ઝોલાં ખાધાં છે ; અને હજુ ન જાણે કેટલાં ખાશે?
પરિવર્તન … પરિવર્તન … પરિવર્તન … ન દેખાય તેવું પણ અચૂક પરિવર્તન … હર ઘડી, હર સ્થળ.
e.mail : surpad2017@gmail.com