1971માં ઇંદિરાજીએ ‘નઈ રોશની’ અને ‘ગરીબી હટાવો’ના નારા સાથે લોકસભાની મધ્યસત્ર ચૂંટણીનો પાસો ફેંકી ફતેહ હાંસલ કરી હતી

પ્રકાશ ન. શાહ
1937માં નેહરુ ત્રીજી વાર કૉંગ્રેસ પ્રમુખ ચૂંટાયા, ત્યારે રામાનંદ ચેટર્જીના ‘મૉડર્ન રિવ્યૂ’માં ‘ચાણક્ય’ ઉપનામથી એક લેખ છપાયો હતો કે પરિસ્થિતિમાં જરી વળાંક આવ્યો કે નેહરુ એમની લોકપ્રિયતા, પ્રભાવ, જનવિરાટ સાથેનું તાદાત્મ્ય જોતાં સરમુખત્યાર બની પણ શકે. પછીથી ખબર પડી કે આ બેબાક પ્રસ્તુતિ લોકશાહીને વરેલા નેહરુની ખુદની મૂલ્યસભાનતામાંથી આવેલી હતી.
લોકસભાની ચૂંટણીના માહોલમાં આ લખી રહ્યો છું, ત્યારે જોઉં છું કે અક્ષરશ: એક અસમાન સ્પર્ધાનો દોર છે. રાજીવ ગાંધીએ 1984માં એક પ્રતિમાન સર્જ્યું હતું એનેય લાંઘી જઈ શકાય એવો મિજાજ મોદી-અમિતનો વરતાય છે. પણ રાજીવ ગાંધીની ફતેહ અને મોદીની આગામી ફતેહ વચ્ચે એક પાયાનો ફેર છે.
રાજીવ ગાંધીને ઇંદિરાજીની નિર્ઘૃણ હત્યાને પગલે ગજબનાક સહાનુભૂતિ મત મળ્યો હતો. બાકી, હત્યાના થોડા વખત પહેલાં, ધીરેન અવાસિયાને યાદ હશે, ઈ.એમ.આર.સી.માં અમે કુલદીપ નાયર સાથે વાત કરતા બેઠા હતા અને કુલદીપે રાજ્યવાર બેઠકો ગણાવી ઇંદિરાજી બસોનો આંકડો નહીં લાંઘી શકે એવું પાકે પાયે કહ્યું હતું. પણ હાથી મરેલો સવા લાખનો એ કહેવત જે રીતે સદ્દગત ઇંદિરા ગાંધી રાજીવને અને કાઁગ્રેસને ફળ્યાં તે પછી સમજાવવાની રહેતી નથી.
સ્વરાજ લડતની વડી પાર્ટી તરીકે ઉત્તરોત્તર વિકસતી કાઁગ્રેસની ભૂમિકા યશસ્વી રહી છે અને પ્રજાએ પણ સ્વરાજના પહેલા દોઢ દાયકા એને ખાસી વધાવી છે. નેહરુ-શાસ્ત્રી કાળ પછી ઇંદિરા ગાંધીની શરૂઆત જેને હાંફતી કહી શકાય એ રીતની હતી. 1967ની ચૂંટણીએ તો બિનકાઁગ્રેસવાદનો એક નાનો શો દોર પણ જોયો. પણ 1971માં ઇંદિરાજીએ ‘નઈ રોશની’ અને ‘ગરીબી હટાવો’ના નારા સાથે લોકસભાની મધ્યસત્ર ચૂંટણીનો પાસો ફેંકી અચ્છી ફતેહ હાંસલ કરી અને બાંગ્લાદેશના સર્જન સાથે એમના શાસકીય નેતૃત્વ ફરતે અજબનું આભામંડળ પણ રચાઈ ગયું હતું.
જો કે, તે પછી તરતનાં વરસોમાં લોકો સામે એક વિલક્ષણ વિરોધાભાસ પણ આવ્યો : ઇંદિરાજીની વધતી કીર્તિ અને કાઁગ્રેસની પૂર્વવત્ વિસ્તરતી સત્તાની જોડાજોડ મૂલ્યધોવાણ પણ વધતું જતું હતું. આખરે તો, રાજાના કુંવરની શું કે ઉકરડાની શું, નિયતિ દિવસે નહીં એટલી રાતે ને રાતે નહીં એટલી દિવસે વધતા રહેવાની જ હોય છે ને. બીજું, નેહરુની લોકપ્રિયતા અને સત્તાવ્યાપ તેમ જ ઇંદિરાજીની લોકપ્રિયતા અને સત્તાવ્યાપ વચ્ચે એક મૂલ્યાત્મક ફરક હતો. ઇંદિરાજી મહદઅંશે રાજકારણી હતાં અને નેહરુ મહદઅંશે એક સ્વરાજકારણી હતા.
ઇંદિરાજીના ઉદયકાળે ઉમાશંકર જોશીએ શિવકુમાર જોશી સાથે વાત વાતમાં કહેલું કે આપણે ઝાંસીની રાણી તો ક્યાં જોઈ’તી, પણ … આગળ ચાલતાં ઉમાશંકરે એમની રીતે નેહરુ ને ઈંદિરાજી વચ્ચે વિવેક કર્યો કે પંડિતજીની આંતરડી ગરીબો ને ગરીબી માટે કકળતી. (મતલબ, ઇંદિરાઈ રાજકારણમાં ગરીબો ક્રયવસ્તુ હતા.) નવનિર્માણ આંદોલનના અરસામાં ઉમાશંકરે ઇંદિરા કાઁગ્રેસના સૌને અંગે મડાં, મીંડા ને મેઢાં એ યાદગાર પ્રયોગ કર્યો હતો.
લોકપ્રિયતાના શિખરે પણ નેહરુ સત્તાના કેન્દ્રીકરણ પરત્વે સભાન હતા. છેક 1937માં, નેહરુ જ્યારે કાઁગ્રેસના પ્રમુખ પદે ત્રીજી વાર ચૂંટાયા ત્યારે ‘મોડર્ન રિવ્યૂ’માં રામાનંદ ચેટર્જીએ પક્ષમાં ને રાષ્ટ્રીય રાજકારણમાં એમની વધતી વગ ને વર્ચસ્વ વિશે ટીકા અને શંકાની ભાષામાં વાત કરી હતી. એક રીતે એને અનુમોદન આપતો એવો લેખ ‘મોડર્ન રિવ્યૂ’માં જ ત્યારે ‘ચાણક્ય’ની કલમે પ્રગટ થયો હતો: પરિસ્થિતિમાં જરી જુદો વળાંક આવ્યો ન આવ્યો અને નેહરુ એમની લોકપ્રિયતા, પ્રભાવ, વિરાટ જનસમૂહ સાથેની તદાકારતાને જોરે સરમુખત્યાર થઈ શકે છે. એમનો ભાવનાત્મક ઉછેર જોતાં એ ફાસીવાદ ભણી જરૂર નહીં વળે પણ સરમુખત્યાર તો બની શકે. પછીથી ખબર પડી કે નેહરુનું આવું બેબાક વિશ્લેષણ કરનાર ચાણક્ય બીજું કોઈ નહીં પણ પંડિતજી પોતે હતા.
વાત ખાસી લંબાઈ ગઈ, પણ અત્યારે 2024ના ચૂંટણી મહિનાઓમાં આ બધું સાભિપ્રાય સંભાર્યું છે. ઇંદિરાજી સામે અખિલ હિંદ પડકારની સચોટ શરૂઆત ગુજરાતમાં નવનિર્માણ આંદોલનથી થઈ. માર્ચ 1974માં વિધાનસભાના વિસર્જન પછી એંશી દિવસનું આ આંદોલન દેખીતું શમી ગયું. પણ તે દરમ્યાન પરિવર્તનની રાજનીતિને બિહારની પ્રયોગશાળા અને જયપ્રકાશ સરખી વિરલ શખ્સિયત મળી ચૂકી હતી.
અમદાવાદમાં મનીષી જાની, ઉમાકાન્ત માંકડ, મુકેશ પટેલ, રાજકુમાર ગુપ્તા, સોનલ દેસાઈ આદિ ફરતે નવનિર્માણનો તખ્તો ચાલ્યો ત્યારે એની સાથે પણ અંતરિયાળ અમદાવાદમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં એક છાત્રયુવા જમાવડો સક્રિય હતો. જ્યારે જયપ્રકાશ નવનિર્માણના છાત્રોને મળવા આવ્યા એ જ દિવસોમાં ગુજરાતના સર્વોદય સાથીઓ સાથે મળીને શાંતિ પ્રતિષ્ઠાને લોકસ્વરાજ સંમેલનનું આયોજન કર્યું હતું.
બિહાર આંદોલન સાથે સીધા સંપર્કમાં રહી લોકસ્વરાજ આંદોલને ગુજરાતમાં કામ જારી રાખ્યું એમાં જેપી આંદોલનની અખિલ હિંદ આબોહવામાં બીજાં પણ બળો જોડાતાં ચાલ્યાં જેણે આગળ ચાલતાં જનતા મોરચાનું રૂપ પકડ્યું. માર્ચ 1974 પછી દેખીતો ઠરી ગયેલો નવનિર્માણ તિખારો માર્ચ 1975માં જેપી રાહે લોકસંઘર્ષ સમિતિના નવરૂપે પ્રગટ્યો : એની બધી મર્યાદાઓ સાથે સંઘર્ષ સમિતિ ને જનતા મોરચો સ્વરાજની કાઁગ્રેસનો સ્વાતંત્ર્યોત્તર ઉન્મેષ હતો. માર્ચ 1977માં કટોકટીરાજ સામે જનતા રાજ્યારોહણ નવસંવતની શરૂઆત શું હતું.
આ બધું સંભારીએ કે તરત બ્રહ્માસ્ત્ર પેઠે એક ટીકાવચન ઝિંકાય છે કે જેપીના આંદોલને જનસંઘને સ્વીકૃતિ અપાવી અને ભા.જ.પ. રૂપે આજે એ સત્તારૂઢ છે, ભલા ભાઈ, કાઁગ્રેસે અસલનેરનું નૂર ગુમાવ્યું અને ઇંદિરાજીના એકાધિકાર સામે પ્રતિકારનો અવાજ ઉઠાવ્યો નહીં. એથી લોકઆંદોલન અને નવી દિલ્હી વચ્ચે સાર્થક સંવાદને બદલે સંઘર્ષ અનિવાર્ય બન્યો અને જે સંઘર્ષની સાથે રહ્યા તે તરી ગયા.
આજે નાગરિકની નિયતિ એવી વસમી ને કપરી છે કે ગલત રસ્તેથી પાછા ફરવામાં કાઁગ્રેસે ખાસો વિલંબ કર્યો છે અને મોડે મોડે રાહુલ ગાંધી કંઈક નવજીવન પ્રેરવા મથી રહ્યા છે, તો ભા.જ.પ.ને જનસંઘ રૂપે જનતા અવતારમાં જે નવદીક્ષા મળવી જોઈતી હતી તે મળી ન મળી અને એણે ભળતો રસ્તો પકડ્યો છે. એ 1975, 1977નો લાભાર્થી હશે, ઉત્તરાધિકારી નથી.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 માર્ચ 2024