‘હિંદ સ્વરાજ’ વાંચ્યા પછી તોલ્સતોયે ગાંધીને લખ્યું કે આમ તો તમે આફ્રિકાના અંધારખૂણે પડ્યા છો, પણ ત્યાંની તમારી પ્રવૃત્તિ એ પંથકને કેમ જાણે નવી દુનિયાના કેન્દ્રમાં મૂકી આપે છે

પ્રકાશ ન. શાહ
આજથી બરાબર 114 વરસ પાછળ જાઉં છું તો જહાજ ‘કિલ્ડોનન કેસલ’માં ચાળીસ વરસના બેરિસ્ટર મોહનદાસ ગાંધીને ‘હિંદ સ્વરાજ’ની ગુજરાતી હસ્તપ્રતનું છેલ્લું પાનું લખી સહેજસાજ શ્વાસ લેતાં જોઉં છું. ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા પરત થઈ રહ્યા છે અને સ્ટીમરમાં 13મી નવેમ્બરથી (કેમ કે રહી શકાયું નથી) લખવાનું શરૂ કર્યું છે. જમણો હાથ થાક્યો તો ડાબો ખપમાં લીધો છે, પણ લખતાં અટકી શક્યા નથી.
22મી નવેમ્બરે એમનું હાથલખાણ પૂરું થયું. દક્ષિણ આફ્રિકામાં ઉપાડેલી લડતના અનુભવો અને બ્રિટિશ રાજથી માંડી નાનાવિધ વિશ્વપ્રવાહો સાથેનો મુકાબલો, એ બધું મળીને વાચક અને અધિપતિ (તંત્રી) વચ્ચે સંવાદ રૂપે આ કિતાબ વણથંભી ઊતરી આવી છે.
કોની સાથે હશે આ સંવાદ? વાત તો વાચક અને તંત્રી વચ્ચેની છે. તો, આ વાચક કોણ છે વારુ? 1909માં દક્ષિણ આફ્રિકાના પ્રશ્નોની રજૂઆત વાસ્તે ખાસા મહિના લંડનમાં સળંગ રોકાવાનું થયું છે. તે દરમ્યાન, ઘણાં લોકો સાથે ઘણો વખત ચર્ચાના પ્રસંગો આવ્યા છે. એક પા બંધારણીય ઉકેલની કોશિશ જારી છે તો બીજી પા 1906થી સત્યાગ્રહનો અભિનવ અભિગમ ચિત્તને લાંઘી જઈ ચિત્રમાં આવી ચૂક્યો છે. પણ જુલાઈમાં ગાંધી લંડન પહોંચ્યા ત્યારે માહોલ ઉશ્કેરાટનો છે, કેમ કે મદનલાલ ઢીંગરાએ સાવરકરની પ્રેરણાથી કર્ઝન વાયલીની હત્યા કરી છે.
1905માં ઇન્ડિયા હાઉસ અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી જ્યારે પણ લંડન જવાનું થયું, ત્યાં કાર્યરત શ્યામજી કૃષ્ણ વર્માથી સાવરકર આદિ સાથે ગાંધીને કંઈક ને કંઈક પ્રસંગ જરૂર પડ્યો હશે. 1909ના નવેમ્બરમાં એ દક્ષિણ આફ્રિકા પરત થઈ રહ્યા હતા તે પૂર્વે 24મી ઓક્ટોબરે સાવરકર અને સાથીઓએ યોજેલ વિજયાદશમી ઉત્સવની ગાંધી અધ્યક્ષતા પણ કરી ચૂક્યા છે.
બે જુદા અભિગમો સામસામે ચિત્રમાં ઊપસી રહ્યા છે. એક હિંસાનો, બીજો અહિંસાનો. અને આ ચર્ચા કંઈ લંડનના ઇન્ડિયા હાઉસ પૂરતી સીમિત તો નહોતી. અમેરિકાબેઠા ક્રાંતિકારી તારકનાથ દાસે પોતાના પત્ર ‘ફ્રી હિંદુસ્તાન’ માટે રૂસના તોલ્સ્તોય સાથે પત્રવહેવાર કર્યો છે. જો કે, તોલ્સ્તોયે એમનો આપેલો ઉત્તર કે પ્રતિકારનો પંથ પ્રેમનો જ હોઈ તારકનાથ દાસ અને સાથીઓને સ્વાભાવિક જ ગમ્યો નથી. આ પત્ર ફરતો ફરતો ગાંધીના હાથમાં, સંભવત: પ્રાણજીવનદાસ મહેતા મારફતે આવ્યો છે. એમને એ ગમ્યો છે.

લિયો તોલસ્તોય
પોતે 1893-94માં તોલ્સ્તોયનું ‘ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ વિધિન યૂ’ વાંચી પ્રેમધર્મને (સત્યાગ્રહી પ્રતિકારને) વરતા થયા છે અને 1906નું વરસ એમાં સીમાવર્ષ છે. (ગાંધીજીએ આત્મકથામાં તોલ્સતોયના શીર્ષકને ઠેઠ ગુજરાતીમાં આબાદ ઉતાર્યું છે કે ‘વૈકુંઠ તારા હૃદયમાં છે.’ આ તળ ગુજરાતી મથાળાએ દાયકાઓ સુધી એવું ગોથું ખવડાવ્યું છે કે આપણે માનતા રહ્યા કે ગુજરાતીમાં સુલભ છે. વસ્તુત: એ હજુ હમણેનાં વરસોમાં જ ચિત્તરંજન વોરાના અવિશ્રાન્ત ઉદ્યમ પછી નવજીવન થકી ગુજરાતવગું થયું છે.) તોલ્સતોયનો પેલો પત્ર, ‘અ લેટર ટૂ અ હિંદુ’ ગુજરાતીમાં ઉતારવા સારુ ગાંધીએ રજા માંગી તે તોલ્સતોયે આપી છે. આગળ ચાલતાં ‘હિંદ સ્વરાજ’ વાંચવાનું બન્યું ને તોલ્સતોયે એ મતલબનું લખ્યું કે આમ તો તમે (ગાંધી) આફ્રિકાના અંધારખંડમાં ખૂણે પડ્યા છો પણ તમારી પ્રવૃત્તિએ કરીને તે ………………. કેમ જાણે નવી દુનિયાના કેન્દ્રમાં મુકાઈ ગયો છે.
‘ઇન્ડિયા હાઉસ’ના મિત્રો સાથે ચર્ચા ચોક્કસ જ થઈ છે. પણ વાચક તે સાવરકર અને અધિપતિ તે ગાંધી, એ ઉત્તર ઉતાવળો લેખાશે. આપણી કને ગાંધીની ખુદની સાહેદી છે કે મિત્ર પ્રાણજીવનદાસ મહેતા સાથે રાતભર થયેલી લાંબી ચર્ચા આ પુસ્તક માટેનો પ્રધાન ધક્કો છે. આજે ગૂજરાત વિદ્યાપીઠમાં છાત્રાલયના નામ સાથે કે કદાચ આશ્રમ પરિસરના લાલ બંગલા સાથે સંકળાઈને એમનું નામ યાદ રહી ગયું તો ભલે; પણ ગાંધીજીવનમાં એમનું સ્થાન સવિશેષ છે તે તો મેહરોત્રાએ લખેલી એમની જીવનીથી સમજાય છે.

પ્રાણજીવનદાસ મહેતા
પોતે જેને ઇંગ્લેન્ડના પ્રથમ દિવસે બ્રિટિશ એટિકેટના પહેલા પાઠ ભણાવ્યા હતા એ મોહનદાસ ઉત્તરોત્તર કેવા વિકસતા ગયા અને એમની નિત્ય વિકસનશીલતાથી પોતે કેવા પ્રભાવિત થતા ગયા એનું શરદ ઋતુના નિરભ્ર આકાશ જેવું સરસ બયાન પ્રાણજીવનદાસે એક તટસ્થ આકલન રૂપે આપેલું છે. 1911-12માં હજુ ગાંધીની વતનવાપસીયે થઈ નથી એટલા વહેલાં આ આકલન, એક પત્રમાં – અને તે પણ ગોપાલકૃષ્ણ ગોખલે, રિપિટ, ગોખલે પરના પત્રમાં! એમણે ગોખલેને લખ્યું છે કે આ તો ‘મહાત્મા’ છે અને એકાદ સૈકા પર થયા હોત તો હિંદની આજની તાસીર કંઈક જુદી જ હોત.
ગાંધીજીને પહેલાં મહાત્મા કોણે કહ્યા તે ગુજરાતમાં એક રસિક ખોજમુદ્દો છે. (જો કે ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં ગાંધીજીએ ભરીબંદૂક કહ્યું છે કે ‘મહાત્મા’નાં દુ:ખો તો મારા જેવો ‘મહાત્મા’ જ જાણે.) ગોંડલના રાજવૈદ્ય, ભુવનેશ્વરી પીઠ ખ્યાત ચરણતીર્થ મહારાજે એમના સ્વાગતમાં એક સંસ્કૃત શ્લોકમાં પહેલ પ્રથમ એ પ્રયોગ કર્યાનો દાવો છે. બીજા પણ હશે. પણ આ પ્રયોગ વિશ્વખ્યાત બની એનો સિક્કો પડી ગયો તે તો રવીન્દ્રનાથના ‘મહાત્મા’ એ પ્રગટ સંબોધનથી. આ મહાત્મા પુરાણ અલબત્ત પ્રાણજીવનદાસની સમજ સબબ.
‘હિંદ સ્વરાજ’ વિશે લખવા સારુ કંઈ નહીં તો પણ સુવાંગ એક કોલમ જોઈએ જ જોઈએ. સાતસો શબ્દની તંગ દોર પરની નટચાલમાં આ તબક્કે ઉતાવળે પણ કહેવાનું એટલું જ કે તે વખતની યુરોપીય પરંપરાની હિંદુસ્તાની નકલ જેવી જે સાવરકર સ્કૂલનો ઇન્ડિયા હાઉસમાં કંઈક વક્કર હશે એને બદલે વિશ્વમાનવતાને અવિરોધી ધોરણે વૈકલ્પિક યુરોપીય પરંપરાને આત્મસાત્ કરતી ભારત છેડેથી ‘હિંદ સ્વરાજ’ રૂપે નવયુગી કંઈક બની આવ્યું હતું. લામા રિમ્પોંછે (તિબેટની સ્વતંત્ર સરકારના પૂર્વ પ્રધાન મંત્રી) આ ગાંધીગીતાને તથાગતના ત્રિપિટક પછીની સર્વાધિક મોટી વિશ્વઘટના લેખે વર્ણવે છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 નવેમ્બર 2023