આજના સમયમાં જે કેટલુંક વિચિત્ર ચાલી રહ્યું છે એ ચિંતા ઉપજાવનારું છે. ચિંતા એ વાતે પણ થાય છે કે કોઈને કશું ખોટું થઈ રહ્યું છે એવું તો લાગતું જ નથી ને કરુણતા એ છે કે ખોટું એટલું ચાલે છે કે સાચું પણ ખોટું લાગવા માંડે. જે પ્રકારનું છીછરાપણું તમામ ક્ષેત્રોમાં આજકાલ દેખાય છે તે પરથી તો એવું લાગે છે કે અસત્ય જ સત્ય છે, અપ્રમાણિકતા જ પ્રમાણિકતા છે, અનીતિ જ નીતિ છે. રાજકારણથી માંડીને સમાજકારણ સુધીના તમામ સ્તરે એટલી હદની ભ્રષ્ટતા ફેલાઈ છે કે ક્યાં ય થોડી પણ સચ્ચાઈ કે અચ્છાઈ નજરે પડે છે તો આનંદ થાય છે. આખી દુનિયા ખોટા ભપકા ને દેખાડામાં એવી ગળાડૂબ છે કે દરેક સંબંધ ગ્રાહક-વેપારીનો સંબંધ થઈને જ રહી ગયો હોય એવો વહેમ પડે છે. ઇરાદો લૂંટવાનો હોય, પણ દેખાવ એવો હોય કે બધાં જ આપણું હિત ઈચ્છે છે. આપણામાં સારા-ખરાબની પરખ જ રહી ન હોય તેમ બધાં જ આપણને સલાહ આપે છે કે અમુક જ કરો કે તમુક તો ન જ કરો. સાબુ કયો વાપરવો તે કંપનીઓ નક્કી કરે છે, ફેરનેસ ક્રીમ કયું સારું તેની કોઈ ખાતરી કર્યાં વગર દેખાદેખી જ આપણે એ ખપમાં લેતાં રહીએ છીએ. કઈ સીઝનમાં શું પહેરવું, કયું બોડી લોશન કઇ સીઝનમાં વાપરવું જેવી એટલી સલાહો જાહેરાતોમાં અપાય છે કે વાત ન પૂછો. શરીર દેખાવમાં કઇ કઇ રીતે સારું લાગે તેને માટે એટલી જાહેરાતો આંખ સામે ખડકાતી રહે છે કે જોનારને લઘુતાનો જ અનુભવ થાય. એમ લાગે છે કે જાણે આપણામાં કૈં નથી ને જે છે તે જાહેરાતોમાં જ છે. એમાં તનની જેટલી વાતો છે, એની જેટલી કાળજી લેવાય છે એટલી મનની લેવાતી નથી. જગતમાં સારું બધું જાહેરાતોમાં જ બચ્યું હોય તેમ બધું સુંદર તો એમાં જ દેખાય છે ને વાસ્તવિકતા એટલી વરવી છે કે ઘણીવાર તો પીડાવાનું જ સામે આવે છે. જાહેરખબરનું આટલું જોર આપણી બેવકૂફીને આભારી છે એવું નથી લાગતું? નબળી વસ્તુ ખપે છે એમાં આપણો ફાળો ઓછો નથી. વસ્તુનો ઉપાડ ધારવા જેટલો ન થાય તો જાહેરાત થાય જેથી વધુ ઉપડે કે બહુ ઉપડે તો વધુ ખપાવવા પણ જાહેરાત થાય. આમ તો જાહેરાત આપણા ખર્ચે ને જોખમે જ થતી હોય છે. આપણે એટલા અંધ છીએ કે જાહેરાતને સાચી માનીને ખરીદતાં રહીએ છીએ ને પરિણામ મોટે ભાગે છેતરાવામાં જ આવતું હોય છે.
આમ તો જેણે જેની જાહેરાત કરવી હોય તે કરી જ શકે છે ને જેણે જે વસ્તુ જાહેરાત જોઈને કે જોયા વગર ખરીદવી હોય તે ખરીદી જ શકે છે, પણ જ્યાં લોકોને છેતરવાનો ને લોકોને નુકસાન થાય એ રીતે પરાણે ખેંચવાનો પ્રયત્ન થાય છે ત્યાં લાલબત્તી ધરાવી જોઈએ એટલું જ કહેવાનું છે. મોટે ભાગના લોકો અક્કલ બાજુ પર મૂકીને આંધળું અનુકરણ કરતાં હોય ત્યારે તેની દયા જ ખાવાની રહે. એક દાખલાથી આ વાત જોઈએ. કોઈ પૂછે કે તમે કપડાં કોની પાસે સિવડાવો છો? તો તમે કહેશો ટેલર પાસે. તમે કપડું આપો ને દરજી માપ લે ને તે પ્રમાણે કપડાં સીવે એમ બને, પણ કોઈ કપડાં લઈ જાય ને દરજીને કહે કે આ માપનું શરીર સીવી આપો તો દરજી એની વાત માનશે? નહીં માને, પણ આવું નથી જ થતું એવું નથી. થાય છે, થવા લાગ્યું છે. સાધારણ રીતે આજકાલ ટાઈટ જિન્સ પહેરવાની ફેશન છે. પેન્ટ એટલું ફિટ હોય કે પગ નીકળી આવે, પણ પેન્ટ ન નીકળે, તો સવાલ થાય કે આટલું ફિટ પહેરવાની જરૂર ખરી? આવું પહેરવાથી આનંદ આવતો હશે કે કેમ તે તો પહેરનાર જાણે, આવું ગમે છે એટલે પહેરાય છે, એવું પણ ઓછું જ છે. મોટે ભાગે તો આ બધું બીજાને દેખાડવા થાય છે. ખાસ કરીને આપણે શરીર ઢાંકવા કપડાં પહેરતાં હોઈએ છીએ, પણ હવે એવું લાગે છે કે શરીર ઉપસે એ રીતે કપડાં પહેરવાનો ટ્રેન્ડ ચાલે છે. આ ક્રેઝ કદાચ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. લાગે છે તો એવું કે તે શરીર દેખાડવા કપડાં પહેરે છે. કપડાં એવી રીતે પહેરવાની ફેશન છે કે શરીરનો આકાર તંતોતંત ઉપસે. પ્રગટે. એ પણ માની લઇએ. કોઈને શરીર પ્રગટ કરવાની ઈચ્છા હોય ને તે તેવું પહેરે તો ભલે, તેમ ! પણ ફિટ કપડાંમાં શરીર પૂર્યું ન પુરાય ને બહાર દેખાવા તસતસી ઊઠે તો સ્વસ્થ રહેવાં કપડાં થોડાં ઢીલાં કરાય ને ! તેને બદલે કપડાંમાં શરીર ખોસવા, તેને કપડાંનાં માપનું કરાય એમાં અક્કલ વપરાતી હોય એવું લાગે છે? શરીરની સર્જરી કરીને તેને કપડાંનાં માપનું કરાય ત્યારે એવું કરનારા પર હસવું કે રડવું તે સમજાતું નથી.
કેટલીક સ્ત્રીઓ સરસ ફિગર ધરાવતી હોય છે, છતાં તે ટાઈટ કપડાં પહેરવામાં સંકોચ અનુભવે છે. તેનું કારણ એ છે કે એમ કરવા જતાં કપડાં પર અંગોના આકાર ઉપસી આવે છે ને એને કારણે તે સંકોચ અનુભવે છે. આ સંકોચ નિવારવા તે શું કરે છે? કપડાં ઢીલાં નથી કરતી, પણ જે ભાગ ઉપસી આવે છે તેની સર્જરી કરાવે છે. કેટલીક યુવતીઓ તો અંગોના આકાર ઉપસે એટલે જ ટાઈટ કપડાં પહેરતી હોય છે ને કમાલ એ છે કે આકાર ઉપસે છે તો સંકોચ અનુભવે છે ! એમાં હદ તો ત્યારે થાય છે કે એ આકાર ન ઉપસે એટલે એ કોસ્મેટિક સર્જરી કરાવે છે. ડોકટરો એવી સર્જરી કરે પણ છે. એ ડોકટરો સ્ત્રીઓને સમજાવી શકે કે સર્જરી કરવા કરતાં થોડાં ઢીલાં કપડાં પહેરવામાં કોઈ નુકસાન નથી. આમ પણ બહુ ટાઈટ કપડાં શરીરને માટે લાભદાયી નથી, પણ એવી સલાહ આપવાને બદલે ડોકટરો સર્જરી કરતાં હોય છે. એ ખરું કે જિમનાં કપડાં, સ્વિમિંગ કોસ્ચ્યુમ્સ વગેરે … ટાઈટ હોય છે ને યુવતીઓ વધુ હેલ્થ કોન્શિયસ થઈ હોય તો પણ, કપડાંનાં માપનું શરીર કરવાનું તો ભેજામાં ઉતરતું નથી. કપડાંનો ટ્રેન્ડ બદલાય એટલે શરીરને કાપીકૂપીને સરખું કરવાની વાત તો ક્રૂર માનસિકતાનો જ પડઘો પાડે છે. શરીરની કોઈ તકલીફ હોય અને કપડાં માટે નહીં, પણ શરીર માટે સર્જરી કરવી પડે તેનો તો શો વાંધો હોય, પણ શરીરનો ઉભાર ટાઈટ કપડાંને લીધે દેખાતો હોય તો કપડાં બદલવાં એ વધારે બુદ્ધિગમ્ય છે, નહીં કે તેને માટે શરીર બદલવું કે સર્જરી કરાવીને શરીરનો કુદરતી આકાર બગાડવો.
તબીબી કારણોસર સર્જરી કરવી જ પડે તેનો તો કોઈને જ વાંધો ન હોય, પણ કપડાં બદલવાથી જ ચાલી જતું હોય ત્યાં પેશન્ટ્સને સર્જરી માટે પ્રેરવામાં માનવીય અભિગમ જણાતો નથી. તેને ‘સેલ્ફ એનહાન્સમેન્ટ’ કે ‘સેલ્ફ એસ્ટીમ’ને નામે કોઈ ઘેલછાને તો પ્રોત્સાહન નથી અપાતું ને તે પ્રમાણિકતાપૂર્વક જોવાનું રહે. વધારે સાચું તો એ છે કે આ બધું ફેશન દાખલ, હાઇફાઈ કલ્ચરના દેખાડવા થતું હોય છે ને એમાં ઘણું એવું છે જે જરા ય અનિવાર્ય નથી. જ્યાં કશુંક અનિવાર્ય જ હોય ત્યાં કશું કહેવાનું નથી. શરીરને સપ્રમાણ રાખવા જે કરવું પડે તે તો ઠીક છે, પણ કપડાંનાં માપનું શરીર કરવાનું, ફેશન દાખલ સર્જરી કરાવવાનું ભૂત ઉતરવું જોઈએ. સ્ત્રીઓ ગામડાંમાં પણ રહે જ છે ને ટાઈટ કપડાં વગર કે તેને અંગેની સર્જરી કરાવ્યા વગર પણ તે સહજ અને સહજીવન જીવે જ છે. આવી ફેશન વગર તે કૈં કાચું ખાતી નથી. એ જો શક્ય હોય તો શહેરની, ખાસ તો મેટ્રો સિટિઝની સ્ત્રીઓ આધુનિક દેખાવા આમ ઘેલી થાય તે ખરેખર પુનર્વિચારને પાત્ર છે. કમ સે કમ એને તબીબોએ અનિવાર્ય નહીં એવાં કારણોસર પ્રોત્સાહિત ન જ કરવી જોઈએ. આ સર્જરી જોખમી નથી, તેની ખાસ આડઅસર નથી, છતાં તબીબો તેને પ્રોત્સાહિત ન કરે એટલી અપેક્ષા સહેજે રહે. જ્યાં જરૂરી છે ત્યાં આવી સર્જરી ભલે થાય, પણ કપડાંનાં માપનું શરીર કરવાની વાત ફેશન પૂરતું જ મહત્ત્વ ધરાવતી હોય ત્યાં ડૉક્ટર તરફથી કોઈ પણ પ્રકારનું ઉત્તેજન પેશન્ટને ન અપાય એટલું જોવાવું જોઈએ. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 25 સપ્ટેમ્બર 2022