ટૂંકમાં (૧) : અછાન્દસ કાવ્ય :
“ટૂંકમાં” શીર્ષક હેઠળ કંઈ ને કંઈ કહેતો રહીશ.
અછાન્દસ કાવ્ય લાંબા લાંબા કાવ્યનામી નિબન્ધો લખવા માટે નથી.
અછાન્દસ કાવ્ય ત્યારે જ કરાય જ્યારે કાવ્યનું બીજરૂપ સંવેદન સંકુલ અને છટકણું હોય.
અછાન્દસ કાવ્યને દરેકને એનો પોતાનો લય હોય, અને તે પંક્તિઓના સયુક્તિક વિભાજનથી પકડાતો હોય.
અછાન્દસમાં પ્રાસ ક્વચિત્ હોઈ શકે, પણ હમેશાં નહીં.
અનિવાર્ય નથી કે કાવ્યબીજનો સમ્બન્ધ આધુનિક સંવેદનશીલતા સાથે હોય.
અનિવાર્ય નથી કે અછાન્દસ કાવ્યનો કવિ છન્દમાં કાવ્યો કરી ચૂક્યો હોય.
અનિવાર્ય નથી કે એમાં ચીલાચાલુ અલંકારો ન હોય.
આવશ્યક છે કે અછાન્દસનો કવિ એવું સામર્થ્ય ધરાવતો હોય કે રસપ્રદ કલ્પનો અને પ્રતીકો વડે કાવ્યાર્થ સાધી શકતો હોય.
જરૂરી છે કે એ પુરોગામી તેમ જ સમકાલીન અછાન્દસકારોથી જુદો પડે …
(Aug 23, ’22 : USA)
••
ટૂંકમાં (૨) : અછાન્દસ કાવ્યનો લય :
આજનો આ “ટૂંકમાં” લેખ અછાન્દસ કાવ્યના લય વિશે Jigu Bavaravaએ પૂછેલા પ્રશ્નના ઉત્તર રૂપે લખ્યો છે. એમનો આભારી છું.
દરેક ભાષાનો આગવો લય હોય છે. ગુજરાતી મરાઠી બંગાળી કે અંગ્રેજીના બોલની કલ્પના કરવાથી સમજાઈ જશે.
ભાષામાં રચાતાં વાક્યો સામાન્યપણે એ લયમાં હોય છે. એ વાક્યો નિયત પદક્રમનું પરિણામ હોય છે. ગુજરાતીમાં, કર્તા કર્મ ક્રિયાપદ એમ નિયત પદક્રમ છે. દાખલા તરીકે, – રમેશ નિશાળે જાય છે. એવાં વાક્યોના નાના કે મોટા સમુચ્ચયને ગદ્ય કહીએ છીએ. એટલે, નમ્બર ૧-ના સ્થાને છે, ભાષાનો કે ગદ્યનો લય.
નમ્બર ૨-ના સ્થાને છે, પદક્રમમાં શક્ય ક્રમથી બદલ થવાથી બનેલી પંક્તિઓનો લય, જેને આપણે પદ્ય કહીએ છીએ. ગુજરાતીમાં, ઉપર્યુક્ત દાખલામાં, આટલા બદલ શક્ય છે : રમેશ જાય છે નિશાળે : નિશાળે જાય છે રમેશ : જાય છે રમેશ નિશાળે : જાય છે નિશાળે રમેશ.
પદ્યરચનાઓ બે પ્રકારે થતી હોય છે : ૧ : વાક્યોને છન્દના બીબામાં ઢાળી લેવાથી : ૨ : વાક્યોને કશા પણ બીબામાં નહીં ઢાળીને. તો શેમાં? એનો ઉત્તર છે, અછાન્દસમાં. અછાન્દસનો લય ૩ – નમ્બરના સ્થાને છે.
અને, સ્પષ્ટતા કરવી જોઈશે કે દરેક અછાન્દસ કાવ્યનો લય જુદો હોય છે. અને, વધારે સ્પષ્ટતા કરવી જોઈશે કે એમાં પદક્રમ સચવાય પણ ખરો, ન પણ સચવાય; તાત્પર્ય, એ નથી હોતો એકલા ગદ્યનો લય કે નથી હોતો એકલા પદ્યનો.
સવાલ એ છે કે એ લય શી રીતે જન્મે છે. ઉત્તર છે, પંક્તિઓના સયુક્તિક વિભાજનથી.
હું ભાવાર્થાનુસારી વિભાજનને સયુક્તિક કહું છું.
ઉદાહરણ :
ન ઘરમાં
ન બ્હાર
બોર બોર જેવડાં આંસુની માળા પ્હૅરી
ઊભી’તી એ ઉમ્બરે
એનું લ્હૅરિયું લ્હૅરાય
મેઘશ્યામ અકાશ ગોરમ્ભાયેલું હતું
વારે વારે વીજ ચમક ચમકે
ઉરધડક
શમી ન્હૉતી હજી
કોઇ બોર બબડતું’તું
ઝીણું ઝીણું
વરસાદ વરસ્યો.
આ ઉદાહરણમાં, નાની કે મોટી દરેક પંક્તિ અને તેમાં રહેલો ભાવાર્થ, માગે એટલો સમય આપવો રહે, પછી આપોઆપ અટકાશે, અટકવું, ને પછીની પંક્તિઓ માટે પણ એમ જ કરવું. એવા પાઠથી લય પ્રગટશે. એવા પાઠ પણ સયુક્તિક ઠરશે. એવા પાઠની ફરજ પડે એ રીતે પંક્તિઓને વિભાજિત કરવી એ અછાન્દસકારનો પાયાનો ધર્મ છે.
નીવડેલાં અછાન્દસ કાવ્યોના આ રીતે પાઠ કરવાથી અછાન્દસના લય વિશેની સમજનો વિકાસ થશે.
(Aug 24, ’22 : USA)
•••
ટૂંકમાં (૩) : પારિતોષિકો :
ભારતીય પ્રાદેશિક ભાષાઓના સાહિત્યોમાં ઇનામ-ઍવૉર્ડ સામાન્યપણે, સામાન્યપણે, ઉચ્ચોચ્ચ ધ્યેય મનાય છે. સામાન્યપણે, મોટા ભાગના સાહિત્યકારોની નજર એ પર મંડાયેલી હોય છે. એટલે જો દિલ્હી સાહિત્ય અકાદમીના ઍવૉર્ડ લગી પ્હૉંચાય તો એને ભયો ભયો થઈ જાય છે. અને, કે.કે. બિરલા કે જ્ઞાનપીઠ મળે તો એનું જીવન ધન્ય થઈ જાય છે.
આજે આ પારિતોષિકો પ્રાદેશિક સાહિત્યોનાં અપરોક્ષ નિયામકો બની ગયાં છે એમ કહીએ તો હકીકત કહીએ છીએ.
કે. શિવરામ કારન્થ (1902-1997)
હવે, વાત એમ છે કે પારિતોષિક આપનારી સંસ્થાની પોતાની નીતિરીતિ હોય છે. તદનુસારનું લેખન જ પારિતોષિકપાત્ર બને છે. એક વાર પૂણેમાં ‘ધરતી ખૉળે પાછો વળે’ નવલકથાના કન્નડ લેખક જ્ઞાનપીઠ વિજેતા (1977) કે. શિવરામ કારન્થ (1902-1997) સાથે મિલનમુલાકાતનો કાર્યક્રમ હતો. અમે ટ્હૅલતા’તા, રાજેન્દ્ર શાહ અને ગુલાબદાસ બ્રોકર આગળ આગળ ચાલતા’તા, હું અને કારન્થ સાથે સાથે થઈ ગયેલા. મેં પૂછ્યું એમને તે ગુજરાતીમાં મૂકું : તમને નથી લાગતું કે જ્ઞાનપીઠ કે એવાં બીજાં મોટાં પારિતોષિકો એ જ કૃતિઓને અપાય છે જેમાં ભારતીય સંસ્કૃતિ અને પારમ્પરિક જીવનમૂલ્યોની હિફાજત થઈ હોય, આઇ મીન, ધ રીફ્લૅક્શન ઑફ ઇન્ડિયન ઇથોસ? : એમણે લંબાણથી ચર્ચા કરેલી પણ છેલ્લે કહ્યું તે આ : યસ્સ મિસ્ટર શાહ, મૉર ઑર લેસ, ઇટિસ સો …
વાતનો ટૂંકસાર એ છે કે સંસ્થાઓ સાહિત્યને ઉત્તમ ગણે છે બલકે ઘડે છે અને કરુણતા એ છે કે એ વસ્તુ ચર્ચામુક્ત આદર્શ મનાય છે. સમીક્ષકો પણ પારિતોષિક પામનારના તમામ સાહિત્યને ઉત્તમ ગણીને ચાલે છે. પામનારો પણ પછી કશું નવું નથી કરી શકતો. અપવાદો મળી આવે છે. હા, આધુનિકમાંથી એ અનુઆધુનિક થઈ જાય ખરો, સર્રીયલ અને ઍબ્સર્ડ ભૂલીને રીયલ ને મીનિન્ગફુલ લખતો થઈ જાય ખરો.
પ્રજાના જીવનકલ્યાણને લક્ષ્ય ગણીને ચાલનારી રાજ્ય કે કોઇપણ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવાની એની વૃત્તિ મૃત:પ્રાય થઈ જાય છે. કરે ત્યારે મોટે ભાગે એ સ્થિતસ્ય સમર્થનમ્ કરતો હોય છે. જીવન અને સંસ્કૃતિની સર્જનાત્મક સમીક્ષા – ઍસ્થેટિક ક્રિટિક – કરી આપનારો એનો ‘ના’-વાચી સાહિત્યકલાધર્મ, એનું બેઝિક નૉન-કન્મફર્મિસ્ટ ઍટિટ્યુડ, મન્દપ્રાણ થઈ જાય છે.
આ સ્થિતિ-પરિસ્થતિ ચિન્ત્ય નથી શું?
(Aug 28, ’22 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર