હાલની કિંમત ગણીએ તો 800 કરોડની કિંમતના બે ટાવર ઉત્તર પ્રદેશના નોઈડામાં તૂટયા ને ભ્રષ્ટાચાર ધ્વસ્ત થયો હોય તેમ આખો દેશ રાજી રાજી થઈ ઊઠ્યો. ક્યાંક તો તાળીઓ પણ પડી. આમ પણ આપણને તાળીઓ પાડવાનો કે થાળીઓ વગાડવાનો કે દીવાઓ પ્રગટાવવાનો કંટાળો આવતો નથી, એટલે ટાવર તૂટે કે પાવર, આપણને તાબોટા ફોડવાનો વાંધો નથી આવતો. આપણને સરકાર ભ્રષ્ટાચાર મુક્ત જોઈએ છે, પણ ભ્રષ્ટાચાર આપણાં લોહીમાં ઊતરી ગયો છે તેનો વાંધો નથી. આપણી બિલ્ડર લોબી ને સરકારી તંત્રોની મિલી ભગતથી ગેરકાયદે મકાનોનાં અનેક વરદાનો આપણને મળેલાં છે. ખરેખર જો કોઈ તટસ્થ તપાસ કરે તો ગેરકાયદે બિલ્ડિંગો એટલી ધ્વસ્ત કરવી પડે કે જમીન ઉઘાડી થવામાં ભાગ્યે જ કૈં બાકી રહે. સાચું તો એ છે કે કોઈ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત આવી નથી ને કોઈ બિલ્ડર એવો પાક્યો નથી કે કાયદેસર બાંધકામનો પ્રજા મુક્ત આનંદ લઈ શકે.
નોઈડાના 93 એ સેક્ટરમાં 32/29 માળના સુપરટેક ટ્વિન ટાવર, 3,700 કિલો વિસ્ફોટકો, દરેક માળ પર લગાવીને તોડી પાડવામાં આવ્યા. આ ટાવર બાંધતાં 13 વર્ષ લાગ્યાં ને તેને તોડતાં કેવળ 12 સેકન્ડ જ થઈ. ‘વોટર ફોલ ઇમ્પલ્ઝન’ ટેકનિકથી દેશમાં પહેલીવાર કુતુબમિનાર કરતાં પણ ઊંચા, 100 મીટરી ટાવર ધ્વસ્ત થયા એ સાથે જ 3 કિલોમીટરની ત્રિજ્યામાં ધૂળનું સામ્રાજ્ય ફેલાયું. ટાવરો તોડતાં પહેલાં સુરક્ષાની દૃષ્ટિએ એમરાલ્ડ કોર્ટ અને આસપાસના ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા. પોલીસની મંજૂરી બાદ અઢી વાગે ટ્રીગર દબાવવામાં આવ્યું ને ધરતી ધ્રૂજી ઊઠી. ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારના સમયમાં આ ટાવરો ઊભા કરવામાં ભ્રષ્ટાચાર થયાની વાત છે. સુપ્રીમ કોર્ટે ગયે વર્ષે આ ટાવરો ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો એ વાતે ઉત્તર પ્રદેશની યોગી સરકારને સમાજવાદી પાર્ટી તરફ ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’ મળી ગયું હોય તો નવાઈ નહીં. ટાવરો તૂટતાં 80 હજાર ટન કાટમાળ વેરાયો ને તેમાંથી 50 હજાર ટન કાટમાળ તો ત્યાં જ સમાવી લેવાશે અને 30 હજાર ટન કાટમાળ રિ-સાઈકલ થશે. એ સાથે જ એ વિસ્તારમાં ધૂળને કારણે જેમને શ્વાસની ને અન્ય તકલીફો થશે તે નફામાં. આ વેપલામાં ઇમારત બનાવનાર કંપની સુપરટેક લિમિટેડના ચેરમેને 500 કરોડની ખોટ ગઈ હોવાનું જણાવ્યું. વારુ, એ ટાવરો તોડવામાં તંત્રોને જે ખર્ચ થયો તે તો ખાતર પર દિવેલ જ ને ! ખોટું કરવામાં તો ખર્ચ થાય જ છે ને ખોટાનું ખરું કરાવવાનું પણ મફત નથી થતું. આ કાટમાળ ખસેડવામાં ત્રણેક મહિનાનો સમય લાગે એમ બને.
આમ તો સુપ્રીમ કોર્ટના આદેશથી ભ્રષ્ટાચારને નાથવાનો આ ઉપક્રમ પ્રશંસાને પાત્ર છે. બિલ્ડર લોબીને સાધારણ રીતે એવો વહેમ હોય છે કે તંત્રોને ફોડીને, વગથી કે અન્ય રીતથી અનેક ખોટાં કામ પૈસા વેરીને કરાવી શકાય છે. તેવાઓને આ ટાવર તોડ કામગીરી સણસણતો તમાચો છે, પણ સવાલ એ છે કે જે ખરેખર જવાબદાર છે ત્યાં સુધી કાયદાના હાથ પહોંચ્યા છે ખરા? ટાવરો તૂટયા, પણ તેને બાંધનારા અકબંધ છે. સુપરટેક્ની સામે ટ્વિન ટાવરના રહેવાસીઓ બાખડ્યા તો વાત આટલે સુધી પહોંચી, પણ જે જવાબદારો છે તેનું કાયદો શું બગાડી શકે એમ છે તે જોવાનું રહે. નોઇડાના સત્તાધીશો અને સુપરટેક વચ્ચેની સાંઠગાંઠ બતાવી સુપ્રીમે એ મેસેજ પણ આપ્યો છે કે ઘર લેનારને કૈં પણ પધરાવો તો તે લઈ લેશે એવા ભ્રમમાં રહેવા જેવું નથી. સુપ્રીમે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ફ્લેટની સંખ્યા વધારીને કોમન એરિયામાં ઘટાડો કરતી વખતે ફલેટના માલિકોની મંજૂરી મેળવવી જરૂરી હતી. સત્તાવાળાઓને લાંચ આપીને અને કાયદાની ઐસીતૈસી કરીને વર્તનારને પાઠ ભણાવવો જ પડે ને એનાં પરિણામ સ્વરૂપ ટ્વિન ટાવરો તોડી પાડવામાં આવ્યા. જેમણે ફ્લેટનું બુકિંગ કરાવ્યું છે તેમને તો પૂરી રકમ કંપની ચૂકવશે. પણ, આ ઘટનાથી સુપ્રીમ કોર્ટે એ વાત પર મત્તું માર્યું છે કે સત્તાધીશો લાંચ લે છે ને બિલ્ડરો કાયદા જોડે ઈચ્છા મુજબ છેડછાડ કરે જ છે. જો સુપ્રીમ આ વાત પ્રમાણિત કરતી હોય તો સરકારો ક્યાં સુધી ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કર્યા કરશે? સરકારી તંત્રો સામે લાલ આંખ કરતાં સરકારો એટલે ડરે છે, કારણ તેની જ મથરાવટી મેલી છે? એટલું સ્પષ્ટ છે કે સુપરટેક કંપનીએ તંત્રોને ખટાવીને કામ કઢાવી લીધું છે. જો નામ ફોડીને કંપનીનું નામ જણાવાયું હોય તો તેણે કોને કોને રાજી કરીને કામ કઢાવ્યું તે અધિકારીઓના નામ કેમ જાહેર થતાં નથી? એમને કેમ છાવરવામાં આવ્યા છે? એમની સામે સરકારે ખાતાકીય અને કાનૂની પગલાં બિલકુલ નિર્મમ રીતે લેવાં જોઈએ. કયા અધિકારીઓએ ટાવર બાંધવાની મંજૂરી આપી ને એના બદલામાં એમણે શું મેળવ્યું? એવાઓને પાઠ ભણાવાયો નથી તે હકીકત છે ને એ દિશામાં કોણે પ્રવૃત્ત થવાનું છે તે કહેવાની જરૂર છે? જે હરામની કમાણીમાંથી સત્તાધીશોએ પોતાનાં મકાનો બાંધ્યાં છે તે કાયદેસર છે? એ એટલે કાયદેસર હોઈ શકે કે તેને મંજૂર કરનાર પણ એ જ સાહેબો હોય ! એ જો કાયદેસર છે તો ટ્વિન ટાવર કાયદેસર કેમ નથી? બંને ગેરકાયદે હોય ને તેમાંથી જો ટ્વિન ટાવરનો ભૂકો કરી નખાતો હોય તો સત્તાધીશને સળિયા પાછળ કેમ ધકેલાતો નથી? એમાં થયું છે એવું કે એસ.આઈ.ટી.એ કોર્ટના કહેવાથી 26 અધિકારીઓને દોષી ઠેરવ્યા છે, પણ તેમાંથી 20 નિવૃત્ત છે ને બેનાં મૃત્યુ થયા છે, તો ચાર સસ્પેન્ડ છે. એ જે હોય તે, પણ જે પણ હયાત છે તેમની સામે કડક રીતે કાનૂની કાર્યવાહીનો પ્રારંભ થવો જ જોઈએ.
વાત ટ્વિન ટાવરની જ નથી. તેને તો ગેરકાયદે હોવાથી જમીનદોસ્ત કરવા પડ્યા, પણ કેટલાં ય એવાં બિલ્ડિંગો દરેક શહેરમાં ઊભાં થાય છે જેને આંગળી અડાડો તો ખરવાં માંડે. વળી એ ગેરકાયદે પણ નથી, પણ જેમ તેમ જીવ બચાવતાં ઊભાં છે. સુરતની જ વાત કરીએ તો અઠવા લાઇન્સનું સરગમ શોપિંગ સેન્ટર ત્રીસેક વર્ષનું પણ નહીં થયું હોય ને તેને ઉતારી લેવાની નોબત આવી. એવી તો નવયુગ કોલેજની સામેની બિલ્ડિંગો કે અન્ય વિસ્તારની ઇમારતો જોતાં ખ્યાલ આવશે કે તે ના છૂટકે ઊભી છે. સાધારણ માણસ પોતાનાં ઘરનું સપનું જોતો હોય છે ને તેને પૂરું કરવા ચાલુ નોકરીએ રાતદિવસ એક કરતો હોય છે. તેની પાસે પૈસા ન હોય તો વ્યાજે લોન લેતો હોય છે. કોઈ હાઉસિંગ સોસાયટીમાં જોડાતો હોય છે ને ફ્લેટ બુક કરાવતો હોય છે. તેને સહજ ઈચ્છા એવી હોય છે કે એ ફ્લેટમાં એના પછી પણ, તેનો પરિવાર આરામથી રહી શકે, ત્યાં ખબર પડે કે તેની ઇમારત કાચી છે ને થોડાં વર્ષમાં જ ઉતારી લેવી પડે એમ છે તો પેલો સાધારણ માણસ તો કમોતે જ મરવા પડે કે બીજું કૈં? સાધારણ માણસ કૈં વર્ષે વર્ષે ઘર બંધાવતો નથી. તેની તેવી ઈચ્છા હોય તો પણ તે બંધાવી શકે એમ જ નથી, કારણ તેની આર્થિક સ્થિતિ જ અનેક પ્રકારની નાની મોટી લોન પર નિર્ભર હોય ત્યાં તેને બીજું મકાન કરવાનું પરવડે જ કેવી રીતે? આવી સ્થિતિમાં નબળો ફ્લેટ કે નબળી દુકાન તેને કરમે ચોંટે તો તેને જીવતે જીવ જ મરવાનો વારો આવે છે. લોન ચાલુ હોય ને ઘર બદલવાની ફરજ પડે તો તેની હાલત અત્યંત દયનીય થઈ જાય છે.
આવું બને છે બિલ્ડરોની નાલાયકીથી. અધિકારીઓને ખટાવીને, નબળું મટિરિયલ વાપરીને તે તાબૂત તો ઊભું કરી દે છે, પણ તેમાં રહેવા આવનારની ગરદન મરાય છે. તે રહેવાસીને જ્યારે થોડાં વર્ષે ખબર પડે કે તે જે ફ્લેટમાં રહે છે તે ગમે ત્યારે દગો દે એમ છે, તો તેના જીવવા-મરવામાં પછી બહુ ફરક રહેતો નથી. કેમ થાય છે આવું? એનો એક જ જવાબ છે – ગમે તેને છેતરીને બિલ્ડરો પોતાની જ હોજરી ઠાંસતા હોય છે. એવું નથી કે ટકાઉ બાંધકામની એમને ખબર નથી, પણ ફ્લેટ લીધા વગર જ સામેવાળો તેની પૂરી કિંમત ચૂકવી દે તો સારું એવી દાનતથી, નાછૂટકાનું બાંધકામ કરીને બિલ્ડર ફ્લેટ વેચતો હોય છે. કેટલા ય મહેલો, કેટલા ય કિલ્લાઓ, કેટલી ય ઇમારતો સદીઓથી આ શહેરમાં, રાજ્યમાં, દેશમાં હજી પણ અડીખમ છે. તાજમહલ, દેલવાડાંના દહેરાં, અજંતા–ઈલોરાની ગુફાઓ, મીનાક્ષી મંદિર ને એવી તો કૈં કેટલી ય ઇમારતો મસ્તીથી ઊભી છે. એ બધું એન્જિનિયર કે આજના કોન્ટ્રાકટરો વગર થયું છે, આજના જેટલાં કાગળિયાં, ડોક્યુમેન્ટ્સ, આધારકાર્ડ, પાન કાર્ડની ઝંઝટ વગર થયું છે. આ બધું આમ તો સલામતી માટે થાય છે ને કમાલ એ છે કે જેમ જેમ ડોક્યુમેન્ટ્સ વધે છે તેમ તેમ અસલામતી પણ વધતી આવે છે. એ વિચારતાં તમ્મર આવી જાય છે કે કેવી રીતે આબુ પર્વત પર, હાથીઓ મંદિર માટેનો આરસ લઈને ચડ્યાં હશે ! દેલવાડાંનાં માખણ જેવાં કોમળ મંદિરો હજી પણ ટાઢ, તડકો ને વરસાદમાં આરતીની જેમ ઝગઝગે છે.
આ બધું આજે પણ શક્ય છે, પણ ખૂટે છે તે કેવળ પ્રમાણિકતા !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 સપ્ટેમ્બર 2022