“હું ચાહે એક હિંદુ હોઉં, એક મોમેડીયન હોઉં, એક પારસી હોઉં, એક ક્રિશ્ચિયન હોઉં કે પછી બીજા કોઈપણ પંથનો હોઉં, હું એ બધાથી ઉપર એક ભારતીય છું. આપણું રાષ્ટ્ર ભારત છે, અને આપણી રાષ્ટ્રીયતા ભારતીય છે.”
૧૮૯૩માં કાઁગ્રેસની સભામાં દાદાભાઈ નવરોજીના આ શબ્દો હતા. આધુનિક ભારતના એક મહત્ત્વના સ્થપતિની, અને ખાસ કરીને તેમના રાષ્ટ્રવાદની સ્મૃતિ નામશેષ ના થઇ જાય, તે માટે એક પારસી લેખક દિન્યાર પટેલે (આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇતિહાસ, યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિના) લખેલા દાદાભાઈના જીવનચરિત્ર્ય, ‘નવરોજી : પાયોનિયર ઓફ ઇન્ડિયન નેશનાલિઝમ’ને કમલાદેવી ચટ્ટોપાધ્યાય પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે.
બીજા સમાચાર એ છે કે લંડનમાં તેઓ જ્યાં રહેતા હતા તે નિવાસસ્થાનને “બ્લુ પ્લાક” લગાવવાનો બ્રિટિશ સરકારે નિર્ણય કર્યો છે. લંડનમાં રહીને નોંધપાત્ર કામ કરનારી હસ્તીઓનાં સન્માનમાં તેમના ઘર બહાર બ્રિટિશ હેરિટેજની ભૂરા રંગની તકતી મારવાની પરંપરા છે. દાદાભાઈ બ્રિટિશ સંસદમાં ચૂંટાનારા પહેલા એશિયન સાંસદ હતા. અગાઉ આવું સન્માન રાજા રામ મોહન રોય, મહાત્મા ગાંધી, શ્રી અરવિંદ, જવાહરલાલ નહેરુ અને ડો. આંબેડકરનાં નિવાસસ્થાનોને પણ આપવામાં આવ્યું છે.
આજે કોઈને એ કલ્પના પણ ના આવે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલથી પહેલાં એક ભારતીયએ રાષ્ટ્રીય છેક લંડનમાં એકતાનો પાયો નાખ્યો હતો. આજે રાજકીય અસ્મિતાની હરીફાઈમાં દરેક પક્ષ અનુકૂળ આવે તે રીતે રાષ્ટ્રપુરુષને મંચ પર ચઢાવવાની હોડ કરે છે, પણ દાદાભાઈ એમાં ક્યાં ય ક્ષિતિજ પર પણ દેખાતા નથી. એનું કારણ એ પારસી હતા, એટલે?
આજે આપણે ભલે મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ કહેતા હોઈએ, પણ ગાંધીજીએ દાદાભાઈને ‘રાષ્ટ્રપિતા’ કહ્યા હતા. લંડનથી ડર્બન પાછા જતી વખતે, દસ દિવસમાં, જહાજયાત્રા દરમિયાન ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું હતું, તેમાં તે લખે છે, “હિન્દના આ દાદાએ જમીન તૈયાર ના કરી હોત, તો આપણા નૌજવાનોએ સ્વ-રાજની માંગણી ના કરી હોત.” ૧૮૯૪માં મહાત્મા ગાંધીનું દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોના હાથે અપમાન થયું, ત્યારે તેમનાથી ૪૪ વર્ષ મોટા દાદાભાઈને તેમણે લખ્યું હતું, “મને આપ દીકરા જેવો ગણીને સલાહ આપશો તો આભારી થઈશ.”
દાદાભાઈ નવરોજી દક્ષિણ ગુજરાતમાં નવસારીના સમૃદ્ધ જરથોસ્તી પરિવારના વંશજ હતા. દિન્યાર પટેલના કહેવા પ્રમાણે દાદાભાઈ નવસારીમાં નહીં, પણ મુંબઈમાં ખડક શેરી(પાયધુની)માં જન્મ્યા હતા. દાદાભાઈના પૂર્વજોમાં બે મોબાદ (પારસી પાદરી) રહી ચુક્યા હતા. તેઓ અન્ય વેપારીઓની આગેવાની કરીને ૧૬૧૮માં મોઘલ બાદશાહ જહાંગીરને મળ્યા હતા અને દક્ષિણ ગુજરાતમાં વેપાર-ધંધો કરવાની પરવાનગી માગી હતી.
દાદાભાઈના દાદાના સમય સુધીમાં નવરોજી પરિવાર ગરીબ થઇ ગયો હતો અને તેમના દાદા અને પિતા નવરોજી પાલનજી દોરદી ધરમપુરનાં ખેતરોમાં મજદૂરી કરતા હતા. ૧૮૨૦ની આસપાસ નવરોજી પાલનજી અને તેમની પત્ની માણેકબાઈએ રોટલો કમાવા મુંબઈની વાટ પકડી હતી. ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ના રોજ દાદાભાઈનો જન્મ મુંબઈના સૌથી ગરીબ ગણાતા ખડક વિસ્તારમાં થયો હતો. દાદાભાઈ એકનું એક સંતાન હતા.
દાદાભાઈ ચાર વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થઇ ગયું. નાની ઉંમરે આવેલી અનાથાવસ્થા અને રોજી-રોટીની મોહતાજી દાદાભાઈના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવવાની હતી. માણેકબાઈએ દાદાભાઈને સાર્વજનિક સ્કૂલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમણે એક ઉદાહરણરૂપ વિધાર્થી તરીકે નામના કાઢી હતી. દિન્યાર પટેલ લખે છે કે ’છપ્પન ભાષાઓ, અઢાર જ્ઞાતિઓ અને અનેક પાઘડીઓ’વાળા મહાનગર મુંબઈનું જીવન નવસારી કે ધરમપુર કરતાં અલગ હતું.
દાદાભાઈએ જો કે નવસારીમાં રહેતા અન્ય પરિવારજનો સાથે મજબૂત સંબંધ રાખ્યો હતો અને તે નિયમિત ત્યાં જઈને સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓમાં રસ લેતા હતા. એટલા માટે એવી પર્ચાલિત માન્યતા છે કે દાદાભાઈ નવસારીના જમ્યા હતા. જો કે દાદાભાઈએ ખુદ અનેક વખત એવી સ્પષ્ટતા કરી હતી કે તે મુંબઈના પાયધુની વિસ્તારમાં ખડકમાં જન્મ્યા હતા. ખડકમાં તેમના ઘરનું અસ્તિત્વ રહ્યું નથી અને નવસારીમાં જે ઘર છે તે તેમના પૂર્વજોનું છે.
મુંબઈમાં રહેવાનો ફાયદો એ થયો કે અન્ય પારસી સાથીદારોની જેમ દાદાભાઈ પણ દેશ-દુનિયાથી પરિચિત થયા. જેમ એક ગુજરાતી બીજા ગુજરાતીની દેખા-દેખી પરદેશ જાય છે, તેમ દાદાભાઈ પણ અન્ય પારસીઓની જેમ ૧૮૫૫માં ઇંગ્લેન્ડ ભણવા ગયા અને ત્યાં લંડનની હવામાં તે ખીલી ઉઠ્યા. પાંચ દાયકા સુધી તે લંડન રહ્યા અને પાછા આવ્યા ત્યારે દેશ અને સમાજ કેવો હોવો જોઈએ, શહેરની રચના કેવી હોવી જોઈએ, ગરીબી અને અસમાનતા કોને કહેવાય, શિક્ષણનું શું મહત્ત્વ છે અને ગુલામી કોને કહેવાય, તેની સ્પષ્ટ સમજ વિકસી ચૂકી હતી.
૧૮૯૨માં ઈંગ્લેંડની સંસદમાં તેઓ ચૂંટાયા તો દાદાભાઈએ ખુદને ભારતીયોના પ્રતિનિધિ તરીકે ઘોષિત કરેલા. સાથી સંસદ સભ્યો તેમના પર હસતા કે એક પારસી કેવી રીતે ભારતીય હિંદુ બહુમતી અને મુસ્લિમોનો પ્રતિનિધિ હોય! ૧૮૯૩માં તે લાહોર કાઁગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ તરીકે ભાગ લેવા ભારત આવ્યા ત્યારે તેમને વધાવવા માટે ૫,૦૦,૦૦૦ મુંબઈવાસીઓ, જેમાં હિંદુ સાધુઓ અને મુસ્લિમ કાજીઓ હતા, ભેગા થયા હતા. તે સ્ટેશને-સ્ટેશને રોકાતી ટ્રેનમાં મુંબઈથી લાહોર ગયા હતા. પાછળથી ગાંધીજી પણ આવી જ રીતે ભારત ભ્રમણ કરવાના હતા.
લાહોરમાં દાદાભાઈ મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓની મુલાકતે ગયા હતા. કાઁગ્રેસ અધિવેશનના અધ્યક્ષ અને સભ્યોને વધવવા મુસ્લિમ શાયરોએ ઉર્દૂ કવિતાઓ અને હિંદુ મહિલાઓએ ભજન ગાયાં હતાં. દિન્યાર પટેલ લખે છે કે અહીં આં લાહોર અધિવેશનમાં દાદાભાઈએ કાઁગ્રેસ સભ્યોને કહ્યું હતું કે તે ગમે તે જ્ઞાતિના હોય, તેઓ સૌથી પહેલા ભારતીય છે. એક બંગાળી સમાચારપત્રમાં ત્યારે લખાયું હતું, “આ વખતે હિંદુ, મુસ્લિમ, શીખ, બંગાળી, હિન્દુસ્તાની, મરાઠી, પારસી, પંજાબી અને મદ્રાસી એક અવાજમાં બોલ્યા છે.”
દાદાભાઈ નવરોજીના રાષ્ટ્રવાદની તે શરૂઆત હતી.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 સપ્ટેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર