એક ઠાંસુ ભાષાબાજ વાર્તાકાર એની કૉલમમાં કહે – ગઝલના શેઅર તો બકરીની ડબ ડબ પડતી લીંડીઓ છે. એ વાત મેં એક ઝિંદાદિલ નવોદિતને કરી. નવોદિત કહે – એ લીંડીઓ એના મૉંમાં ઓરવી જોઈએ. મેં નવોદિતને કહ્યું – તારી બ્લૅક હ્યુમરની સૅન્સ સારી કહેવાય, બાકી, આપણા હાથ ખરડાય …
ગઝલ હલકો કાવ્યપ્રકાર નથી. કોઇ પણ કાવ્યપ્રકાર હલકો કે નાનો નથી. સાહિત્યપ્રકારો વચ્ચે ઊંચનીચ જેવા ઘાતક ભેદ કદી નથી હોતા. એ તો નિર્માલ્ય સાહિત્યકારોએ ઊભા કર્યા હોય છે.
સાહિત્યપ્રકારો રસ નિષ્પન્ન કરવાની વિવિધ રીતિઓ છે જેમ કોઈપણ ગેમ જાતે આનન્દ મેળવવાની અને કેટલીક ગેમ્સ સામાને પણ આનન્દ આપવાની રીતો છે. બાલિશ લોકો જ ક્રિકેટને ગ્રેટ કહે ને કબડ્ડીને યુઝલેસ અથવા લંગડીને ગ્રેટ ને ટેબલટેનિસને યુઝલેસ …
કસોટી એ છે કે ગેમમાં રહીને સર્જનાત્મક પ્લે કરી બતાવો; તો ખરા ! યાદ કરો, ગઝલસમ્રાટોને – રુમિને – હાફિઝને – ગાલિબને – અમીર ખુશરોને – ફૈઝ અહમદ ફૈઝને. યાદ કરો, મરીઝ ઘાયલ શેખાદમ કે નાઝિરને, ગની અનિલ હબીબ કે ખલીલને, આદિલ ચિનુ મનહરને, કૈલાસને, શોભિતને, મનોજ ખંડેરિયાને, મિસ્કિનને, રાજેન્દ્ર શુક્લને કે હરીશ મીનાશ્રુને. તેઓ ગેમના નિયન્ત્રણમાં રહીને સર્જનાત્મક રમનારા પ્લેયર્સ છે.
ગાલિબ
Pic courtesy : SHAYARIWALA.COM
જરૂરી એ છે કે ગઝલમાં સદ્ય – તરત જ – ભાવાર્થ પ્રગટવો જોઈએ. ગઝલને અર્થવિલમ્બન ન પાલવે. જરૂરી એ છે કે ગઝલમાં ગઝલિયત પ્રગટવી જોઈએ. જરૂરી એ છે કે ગઝલમાં ગઝલકાર અને તેનો મિજાજ અનુભવાય એમ થવું જોઈએ, જેમ પર્સનલ ઍસેમાં પર્સન અને એની પર્સનાલિટીના વિશેષ અનુભવાવા જોઇએ.
ગઝલ પુષ્કળ લખાય છે કેમ કે સરળ મનાય છે, પણ હકીકત અવળી છે. પાંચ શેઅર લખી નાખવા અ-સરળ નથી, પણ રચનામાં કશો ઝોલ ન પડે એવા ચુસ્ત પાંચથી વધારે લખવા અઘરા છે. ગઝલશાસ્ત્રના ભાન વિના ય લખાય પણ એ તો અસર / માત્રા જાણ્યા વિના લઈ લીધેલો જુલાબ હશે, અતિસારનું કારણ બનશે.
એક ધ્યાનમાં લેવા જેવી વાત એ કે ગઝલકારોની વાહવાહી થાય તેથી બીજાઓએ બળવાની જરૂર નથી. બીજી ધ્યાન આપવાજોગ વાત ગઝલકાર માટે છે. એણે હમેશાં ચિન્તા રાખવી જોઈશે કે – કોરી વાહવાહી જતે દિવસે મને મારી તો નહીં નાખે ને. હમેશાં એણે ખાસ એ પણ વિચારવું જોઈશે કે સમજદારો ચૂપ કેમ છે.
ગઝલના સમીક્ષકો ક્યાં છે? સમીક્ષાની જરૂર નથી કહેનારાઓને ધ્યાનમાં ન લેવા, કેમ કે એ નાદાનિયત છે, ગુસ્તાખી છે. ગઝલમાં કાવ્યત્વ પ્રગટ્યું છે કે કેમ તેની સમીક્ષા જ લખનારાને સંયમી બનાવશે, ને તો જ ગઝલ લખનારાઓ ઘટશે, કહો કે, ટકી શકનારા ટકશે.
અને, પેલા લીંડીવાળાને ગમ પડશે કે બકવાસ કરવાથી દરેક વખતે વટ નથી પડતો.
આજકાલ, ગઝલ લખનારા પણ ‘ગજલ’ બોલે છે ! શું કરવાનું?
(Aug 30 ’22 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર