હિન્દી સિનેમાના સન્માનીય અભિનેતા બલરાજ સાહનીના એટલા જ પ્રતિભાશાળી પુત્ર પરિક્ષિત સાહનીએ તેમના પિતા પર એક સંસ્મરણ લખ્યું છે; ધ નોન- કન્ફૉર્મિસ્ટ : મેમરીઝ ઓફ માય ફાધર બલરાજ સાહની (નોન- કન્ફૉર્મિસ્ટ એટલે રૂઢિ વિરોધી). તેમાં એક ફિલ્મના સેટ પર શુટિંગ પહેલાં બંને વચ્ચે થયેલો એક સંવાદ છે. એક રીતે એ સંવાદ એક્ટિંગના કોચિંગ ક્લાસ જેવો છે. પરિક્ષિતની ઉંમર ત્યારે 26 વર્ષની હતી. સામ્યવાદી પિતાના સંગમાં યુરોપિયન ફિલ્મોના રંગે રંગાયેલો પરિક્ષિત નાચવા-ગાવાવાળી હિન્દી ફિલ્મોને લઈને ગંભીર નહોતો, અથવા એવું કહો કે થોડીક નફરત પણ હતી. સેટ પર એક ગીતનું શુટિંગ ચાલતું હતું અને વચ્ચે બ્રેક પડ્યો, ત્યારે યુવાન પરિક્ષિત એક ડાન્સર સાથે ખૂણામાં ફલર્ટ કરતો હતો. ડિરેકટર અને પિતા બંનેએ એ જોયું. પિતા પરિક્ષિત પાસે ગયા અને પૂછ્યું કે શું ચાલે છે. સંવાદ આ રીતનો હતો :
“મારે કશું કામ નથી. સાંજે આ ફ્રેન્ડ સાથે બહાર જવાનું છે.”
“બેટા, સેટ ઉપર એક એક્ટર પાસે ‘કશું ન કરવાનું’ ન હોય. એવું જ હોત, તો તું આ દૃશ્યમાં જ નહોત. તને આ ગીતનું મહત્ત્વ સમજ પડે છે?”
“ના. બીજી હિન્દી ફિલ્મોની જેમ ખાલી નાચ-ગાન છે. નરી બેવકૂફી છે. યુરોપિન સિનેમામાં આવા નાચ-ગાન નથી હોતાં.”
“એ ખાલી નાચ-ગાન નથી. તું એક છોકરીના પ્રેમમાં છે અને આ ગીત બીજા છોકરા સાથે તેનાં લગ્નની ખુશીમાં છે. તારા માટે એ દુઃખની ક્ષણ છે. તારે એ રીતે વર્તવાનું ના હોય?”
“અરે, એમાં કશું સિરિયસ નથી, ડેડ. આ કોઈ ત્રૂફો કે ફેલિનિની ફિલ્મ નથી!”
“તું રશિયાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી આવું ભણીને આવ્યો છું?”
“ઓહ, કમ ઓન ડેડ! ખાલી ગીત જ છે!”
“તું કોણ છે? તું અહીં કેમ છે? તું અહીં ક્યારે આવ્યો? તું અહીં કેમ આવ્યો? તું ક્યાં છે?”
મને આ સવાલોથી વિસ્મય થયું.
“હું તમારો પુત્ર છું! ડિરેકટરે મને આ ફિલ્મ માટે લીધો છે એટલે હું અહીં છું. સવારના અગિયાર વાગ્યા છે અને હું તમારી સાથે કારમાં આવ્યો હતો. એટલે હું અહીં છું,” મેં શબ્દશ: જવાબ આપ્યો.
“ખોટું! અહીં તું મારો પુત્ર નથી. તું કેદાર નાથ છે. મેં તને ઘડિયાળી તરીકે નોકરીમાં રાખ્યો છે એટલે તું અહીં છે અને તું મારા ઘરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહું છું. અત્યારે સવારના અગિયાર નથી વાગ્યા. આ રાતનું દૃશ્ય છે. તું મારી સાથે કારમાં નથી આવ્યો. તું રેલવે સ્ટેશનેથી ચાલતો આવ્યો છું. તારા રોલની આ જરૂરિયાત છે.”
“ઓહ, તમે મારા પાત્રની વાત કરો છો .. આઈ સી, પણ તમે મને આ બધું કેમ કહો છો?”
“સાંભળ બેટા, આ ફિલ્મનો સેટ નથી. માર માટે આ પૂજાસ્થળ છે. હું ધાર્મિક નથી. હું નાસ્તિક છું. હું ઈશ્વરમાં માનતો નથી. હું મંદિર, ચર્ચ કે ગુરુદ્વારામાં જતો નથી. મારા માટે આ જ પૂજાસ્થળ છે. મારા માટે પરિશ્રમ એ જ પરમેશ્વર છે. એ હિન્દી ફિલ્મ હોય કે હોલીવૂડની ફિલ્મ, દૃશ્ય લાંબુ હોય કે ટૂંકું, હું જ્યારે પણ મેક-અપ કરીને સેટ પર આવું છું, દર વખતે મારું શ્રેષ્ઠ આપું છું.”
હું ચૂપચાપ તેમને તાકી રહ્યો. એ બોલતા રહ્યા, “શુટિંગ પછી જ્યાં જવું હોય ત્યાં જજે, જે કરવું હોય તે કરજે, દારૂ પીજે, વેશ્યા પાસે જજે, હું તને નહીં રોકું, તું મોટો થઇ ગયો છું, સારું શું-ખરાબ શું એ તને શીખવાડવાની ઉંમર નથી, પણ એક ફેવર કરજે. હું જ્યાં પૂજા કરું છું તે મંદિરને દૂષિત ના કરતો. મેં કહ્યું તેમ, આ ભૂમિ મારા માટે પવિત્ર છે. જીવનમાં આપણું કામ શ્રેષ્ઠતા માટે સંઘર્ષ કરવાનું છે. તું જે પણ કામ હાથમાં લે, તે તારી પૂરી ક્ષમતાથી કરશે, અથવા કરતો જ નહીં.”
તેમણે દૂર કેમેરા તરફ આંગળી કરી અને બોલ્યા, “આ લેન્સ એક અસલી રાક્ષસ છે. એ દરેકની પાર જોઈ લે છે. એ તમારા સૌથી અંદરના વિચારો અને મૂડ પકડી પાડે છે. તું જો ગંભીર નહીં હોઉં, તો કેમરા લેન્સ દરેક વિચારને પકડીને હજાર ગણો મોટો કરીને બતાવશે. એટલે મારી સલાહ છે કે કાં તો તું આ જ મિનિટે ફિલ્મ છોડી દે, અને જો કામ કરવું હોય, તો ગંભીરતાથી કર. મને ખબર નથી રશિયામાં એ લોકો શું કરે છે, પણ અહીં તું વાતાવણને ગંદુ ના કરીશ. સેટ પર રમત ના કરતો. અહીં આપણે કામ પર ધ્યાન આપવાનું છે.”
તે પાછા જવા લાગ્યા અને મારી તરફ પાછુ જોઇને દોહરાવ્યું, “યાદ રાખજે, મારા માટે આ પૂજાસ્થળ છે.”
એ ફિલ્મનું નામ હતું “પવિત્ર પાપી,” ફિલ્મના ડિરેકટર હતા રાજેન્દ્ર ભાટિયા અને ફિલ્મમાં બલરાજ સહાની, પરિક્ષિત સહાની અને તનુજા મુખ્ય ભૂમિકામાં હતાં. પરિક્ષિતની આ પહેલી હીટ હિન્દી ફિલ્મ હતી. તે પહેલાં તેણે દિલીપ કુમાર-નરગીસની “દીદાર”(1951)માં બાળ કલાકાર તરીકે અને 1968માં સંજીવ કુમારની “આખરી રાત”માં નાનકડી ભૂમિકા કરી હતી.
“પવિત્ર પાપી” ઘણા બધા કારણોસર પરિક્ષિતના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતી. એક તો, ઉપર જોયું તેમ, આ ફિલ્મના સેટ પર જ તેને જીવન અને કારકિર્દીને લઈને પિતા તરફથી અમૂલ્ય બોધપાઠ મળ્યો હતો. બીજું, આ ફિલ્મની પટકથા પરિક્ષિતે જ લખી હતી અને તેનું નિર્દેશન પણ કરવું હતું, પરંતુ ફિલ્મના નિર્માતા રાજેન્દ્ર ભાટિયાએ તેને અભિનય કરવા મનાવ્યો અને પોતે નિર્દેશન કર્યું. ત્રીજું, આગલી ફિલ્મ “આખરી રાત”માં સંજીવ કુમારે તેનું નામ અજય સાહની રાખ્યું હતું, જે પરિક્ષિતને પસંદ નહોતું અને “પવિત્ર પાપી”માં તેનું અસલી નામ સાથે પદાર્પણ થયું હતું, અને ચોથું પણ અતિ મહત્ત્વનું, પિતા બલરાજ સાહની ત્યારે હિન્દી સિનેમામાં સૌથી સફળ, સાર્થક અને સન્માનીય અભિનેતા હતા અને પરિક્ષિતને તેની પહેલી જ મોટી ફિલ્મમાં પિતા સાથે કામ કરવાની તક મળી હતી.
પંજાબી સાહિત્યના પ્રસિદ્ધ લેખક નાનક સિંહની એ જ નામની વાર્તા પરથી “પવિત્ર પાપી” બની હતી. વાર્તા બેહદ સુંદર અને સંવેદનશીલ હતી. કેદારનાથ (પરિક્ષિત) નામનો પ્રેમાળ યુવાન લાલા અત્તરચંદ(આઈ.એસ. જોહર)ને ત્યાં ઘડિયાળના કારીગર તરીકે નોકરીએ લાગે છે. તેને એ વાતનું દુઃખ છે કે તે જે કારીગર પન્નાલાલ(બલરાજ સાહની)ની જગ્યાએ આવ્યો છે, તેણે નોકરી જતી રહેવાથી આત્મહત્યા કરી છે. તેની વિધવા માયા (અચલા સચદેવ) એવું માને છે કે તેનો પતિ ગુમ થઇ ગયો છે અમને એક દિવસ પાછો આવશે. કેદાર તેના અનાથ પરિવારની સાર-સંભાળ લેવાનું શરૂ કરે છે, અને પન્નાલાલના નામે છોકરી વીણા(તનુજા)ને પરણાવવા માટે પૈસા મોકલતો રહે છે. એમાં તે તેને પ્રેમ પણ કરી બેસે છે. છેલ્લે પન્નાલાલ સાચે જ પાછો આવે છે અને સૌને કેદારની સેવાની ખબર પડે છે.
ફિલ્મમાં સાત ગીતો હતાં, પરંતુ કિશોર કુમારના કંઠે “તેરી દુનિયા સે, હો કે મજબૂર ચલા, મૈં બહોત દૂર” સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં આવે છે. 1987માં જ્યારે કિશોરનું અવસાન થયું, ત્યારે આ ગીત દેશભરમાં રેડીઓ-ટી.વી. પર ગૂંજ્યું હતું. મનોજ કુમારની દેશભક્તિનાં ગીતોથી પ્રખ્યાત થયેલા ગીતકાર પ્રેમ ધવને આ ગીતમાં એક બેબસ પણ સહનશીલ પ્રેમીની ભાવનાને સુંદર રીતે વ્યક્ત કરી હતી. એ લખે છે :
આંખ ભર આયી અગર, અશ્કો કો મૈં પી લૂંગા
આહ નિકલી જો કભી, હોંઠો કો સી લૂંગા
તુજ સે વાદા હૈ કિયા, ઇસ લિયે મૈં જી લૂંગા
બાય ધ વે, ફિલ્મમાં આપણા ઉપેન્દ્ર ત્રિવેદીનો પણ એક નાનકડો રોલ હતો.
પ્રગટ : ‘સુપરહીટ’ કોલમ, “સંદેશ”, 31 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર