વાર્તાકાર : રામ મોરી; દિગ્દર્શન : વિજયગિરિ બાવા; અભિનય : નીલમ પંચાલ, રાણક કામદાર, નેત્રી ત્રિવેદી; સંગીત : મેહુલ સુરતી
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતી ફિલ્મોનું ધોરણ સુધરતું ગયું છે અને તેથી આપણી અપેક્ષા પણ વધતી જાય છે. જો મારે જૂના માપદંડ, એટલે કે દસ પંદર વર્ષ પહેલાંની ગુજરાતી ફિલ્મોની સાથે સરખામણી કરવાની હોય તો આ ફિલ્મ એવોર્ડને લાયક છે જ. નસીબજોગે છેલ્લાં કેટલાંક વર્ષોથી ધોરણ ઘણું ઊંચું આવ્યું છે અને ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે.
ગુજરાતી નવલકથા, ગુજરાતી નવલિકા, અને ગુજરાતી કવિતા દુનિયાની કોઈ ભાષાથી ક્યારે ય ઉતરતી ન હતી.
માત્ર ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે કલા, સૂક્ષ્મતા, અને કથાવસ્તુની રજૂઆત મારી દૃષ્ટિએ થોડી ઊણી ઉતરતી હતી એ વાત એક જુદો જ વિષય છે.
આજે એ વાતનો આનંદ છે કે છેલ્લા કેટલા ય સમયથી ગુજરાતી ફિલ્મોમાં સારું કામ થઇ રહ્યું છે.
આજે ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ ફિલ્મની વાત કરવાની છે.
૨૧મું ટિફિન – ફિલ્મનું નામ સાંભળ્યું કે સહજ રીતે હિંદી ફિલ્મ ‘લંચબોક્સ’ યાદ આવી ગયું. ટિફિન, લંચબોક્સ વગેરે આપણાં જીવનના અંતર્ગત ભાગ છે. ભોજન બે વ્યક્તિઓને જોડે છે. રસોઈ એક કલા છે. અન્ન બ્રહ્મ છે. અન્ન કોઈ પણ સંસ્કૃતિમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે.
આ ફિલ્મની કથાવસ્તુ એવી છે કે એક ગૃહિણી કે જે માત્ર ઘર સંભાળે છે અને રસોઈ કરે છે, પણ પતિ અને બાળકો તેની ગણના નથી કરતા; તેને તેની રસોઈકળાની કદર થાય તે કેટલું બધું ગમે છે!
જ્યારે તેની રસોઈકળાની આવડતની અને સ્વાદની કદર થાય છે ત્યારે તેને જીવન વધુ રસમય લાગે છે.
રામ મોરીની આ મૌલિક વાર્તા છે. આ વાર્તા માટે રામ મોરીને ખૂબ જ અભિનંદન. પરંતુ એક રિવ્યૂર તરીકે મારે આવી જ ફિલ્મ લંચ બોક્સનો ઉલ્લેખ તો કરવો જ રહ્યો, કારણ કે બંનેમાં સામ્ય છે જ.
ચાલો હવે ફિલ્મની વાતો કરીએ.
નીતલ તરીકે નેત્રી ત્રિવેદીનો અભિનય તેના પાત્રને પૂરેપૂરો અને સરસ ન્યાય આપે છે. નેત્રી ત્રિવેદી એક સક્ષમ કુશળ અભિનેત્રી લાગી. દીકરી તરીકે તેણે સરસ સહાયક રોલમાં સુંદર અભિનય આપ્યો.
નીલમ પંચાલ નીતુની મમ્મીના પાત્રમાં, આખી જ ફિલ્મના કેન્દ્રમાં હતાં અને ખૂબ જ સરસ કામ કર્યું.
આનંદી સમય અને તણાવ સાથેનો સમય, બંને સમયનો એકદમ ઉત્કૃષ્ટ અભિનય! આખી ફિલ્મને નીલમ પંચાલે સરસ રીતે નિભાવી એમ કહીએ તો એ અતિશયોક્તિ નથી. રોનક કામદારનું કામ તેમના રોલ પ્રમાણે સરસ રહ્યું! બીજા બધાનો અભિનય તેમના પાત્ર પ્રમાણે એકદમ સુસંગત અને ન્યાયપૂર્ણ રહ્યો.
નેપથ્યમાંથી જે પડઘામય અવાજસભર કોમેન્ટ્રી અને તેનો ટોન જાણે મહાભારતની સિરિયલ જેવો લાગ્યો. એ પડઘામય અવાજ આ ફિલ્મના વાતાવરણ અને વાર્તા સાથે તદ્દન અસંગત અને બિન જરૂરી લાગ્યો. કદાચ ‘રાહ જુએ શણગાર અધૂરો’ ગીતની પણ જરૂર જ ન હતી એમ લાગ્યું.
સંગીત માટે મેહુલ સુરતીએ રાગ દરબારીનો સાતત્યપૂર્વક ઉપયોગ કર્યો છે. સરસ સંગીત માટે મેહુલ સુરતીને અભિનંદન.
ગુજરાતી ફિલ્મોમાં હજી દિગ્દર્શકો ભાષા પર, ભાષાના લહેકા પર, અને ભાષાની એકસેન્ટ પર વધુ ઝીણવટથી એક્ટર્સ પાસે કામ લે તો વધુ સારું. મોટા ભાગના એક્ટર્સ નાટકીય ગુજરાતી ટોન, શ, ષ, અને સને વધુ કુદરતી અને સ્વાભાવિક રીતે બોલે તો વધુ અસરકારક લાગે. વધુ પડતો ભાર શ/ષ પર મૂકીને બોલતા એક્ટર્સ માત્ર ભદ્ર ગુજરાતી રજૂ કરે છે. મોટા ભાગના ગુજરાતીઓ શ/સ ભારથી નથી બોલતા. એકદમ શહેરી ભદ્ર ગુજરાતી ષ ક્યારેક કાનને ખૂંચે છે.
સુંદર અભિનય માટે બધા જ એક્ટર્સ ને ‘એ ગ્રેડ’. વિજયગિરિ બાવા અનેક સરસ ફિલ્મો આપે તેવી અપેક્ષા તેમને દિગ્દર્શન માટે ‘એ ગ્રેડ’.
એક સરસ ગુજરાતી ફિલ્મ જોયાનો રાજીપો.
(લોસ એન્જલ્સ)
e.mail : vijaybhatt01@gmail.com