આ ધનિકો દાન આપીને ટેક્સમાંથી છટકી શકે છે. પણ જે રાષ્ટ્રીય દેવું માથે છે તે ઘટાડવામાં હવે આ ધનિકોના ટેક્સના પૈસા કામ નહીં લાગે
છેલ્લા કેટલાક દિવસોમાં મૅકકેન્ઝી સ્કોટનું નામ વિશ્વનાં ટોચના દાનવીરોની યાદીમાં ચર્ચાતું રહ્યું છે. એમેઝોનવાળા જેફ બેઝોસની પૂર્વ પત્ની મિસ સ્કોટે આ એક જ વર્ષમાં ૬ બિલિયન ડૉલર્સનું દાન કર્યું છે. આમાંથી ચાર બિલિયન ડૉલર્સ તો છેલ્લા ચાર મહિનામાં જ દાન કર્યા છે. દાનેશ્વરી કર્ણને પાછળ પાડી દેવાની હોડમાં હોય એ રીતે મેકકેન્ઝી સ્કોટે પોતાની મિલકતની વહેંચણી અંગે કહ્યું કે આ રોગચાળાએ સંઘર્ષમય અમેરિકાની કમર તોડી નાખી, આર્થિક અને સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો આકરા બન્યા અને આ મહિલાઓ માટે, જુદાં વર્ણનાં લોકો માટે અને ગરીબાઇમાં જીવનારા માટે બહુ કપરો સમય રહ્યો છે, એવા અર્થની પોસ્ટ પોતાના બ્લોગમાં લખનાર મૅકકેન્ઝીએ એમ પણ ટાંક્યું છે કે અબજોપતિઓના ધનમાં તો વધારો જ થયો છે. મૅકકેન્ઝી સ્કોટના દાનથી લાભ મેળવનારાઓની યાદી બહુ લાંબી છે, ૩૮૪ જૂથની પસંદગી આ દાન મેળવવા માટે થઇ હતી. આ યાદીમાં ફૂડ બૅંક્સથી માંડીને, એલ.જી.બી.ટી. કોમ્યુનિટી માટે કામ કરતી સંસ્થાઓ, મહિલાઓ માટે કામ કરતી સંસ્થાઓ વગેરેને સમાવેશ થાય છે. મૅકકેન્ઝી સ્કોટનું નામ વિશ્વના ધનિકોમાં ૧૮માં સ્થાને છે અને તે બને એટલી ઝડપથી પોતાનું ધન દાન કરવા માગે છે. ૫૦ વર્ષની મૅકકેન્ઝી સ્કોટે ૨૦૧૯માં ગિવીંગ પ્લેજ પર હસ્તાક્ષર કર્યા હતાં અને તે અંતર્ગત તેણ વચન આપ્યું કે પોતાની મોટા ભાગની મિલકત દાનમાં આપી દેશે.
દાન કરવું અથવા તો જેને માટે અંગ્રેજીમાં ફિલાન્થ્રોપી શબ્દ છે, દાનવીર અને ફિલાનથ્રોપિસ્ટ – જ્યારે બિલ અને મેલિંડા ગેટ્સે વેક્સિનનાં સંશોધન માટે બિલિયન્સનું દાન કરવાની જાહેરાત કરી, ત્યારે તે ફિલાન્થ્રોપી કહેવાય. આપણા દેશના અંબાણી, અઝીમ પ્રેમજી અને તાતા જેવા ઉદ્યોગકારો સહિત અનેક ફિલ્મી સિતારાઓએ ડોનેશન કર્યાની વાતો ૨૦૨૦ના રોગચાળામાં સતત કાને પડી.
જે ‘ગિવીંગ પ્લેજ’ની સતત ચર્ચા છે તે અંગે નેશનલ કમિટી ઑફ રિસ્પોન્સિવ ફિલાન્થ્રોપીના એરોન ડોર્ફમેનનું કહેવું છે કે આ ‘ગિવીંગ પ્લેજ’ એટલે કે દાનની પ્રતિજ્ઞા જે બિલ ગેટ્સ અને વોરન બફેટે શરૂ કરી છે, અને તેની સતત હિમાયત થઇ રહી છે. આ પ્રતિજ્ઞા અનુસાર અબજોપતિઓને પોતાની અડધાથી વધુ સંપત્તિ દાન કરવી અને આ આખા ય આઇડિયાની મોટી ચિંતા છે કે શેના માટે આ સંપત્તિ આપવી એની કોઇ સ્પષ્ટતા આ ‘ગિવીંગ પ્લેજ’માં થઇ નથી. ડોર્ફમેનના મતે, “આ ધનાઢ્ય મહાનુભાવો એવું જ આપે છે જેનાથી તેમને ફાયદો થાય અને તેમનું સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય. તેઓ કોઇ અંતરિયાળ સંસ્થાઓ કે જમીન સાથે જોડાઇને કામ કરનારાઓને ટેકો નથી આપતા, તેમનો પોતાનો જ સ્ટાફ એટલો નાનો હોય છે કે નાના લોકોને પહોંચવા કરતાં તેઓ જે હાથવગું અને આસાન હોય તેને જ બધું આપે છે.”
‘ધી ગાર્ડિયન’માં આવેલા એક અહેવાલમાં તો સ્પષ્ટ એમ જ કહ્યું છે કે આ દાનવીરોની જે રકમ આપણને અધધધ લાગે છે, તે તેમને માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી રકમ હોય છે. જેફ બેઝોસે જે ૧૦૦ મિલિયનનું દાન કર્યુ તે તેની અગિયાર દિવસની આવક છે. જે જૈફ બેઝોસને દાનવીરોની યાદીમાં આગળ કરાયા તે હજી પણ એમેઝોનના કર્મચારીઓને સિક લીવ નથી આપતા, તેમને કોવિડ-૧૯ પૉઝિટીવ હોય તો જ રજા મળે છે. દાનવીરોના ઘણા કિસ્સામાં હાથીના દાંત જેવી સ્થિતિ હોય છે, દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. એમેઝોનના વેરહાઉસિઝના કર્મચારીઓની સલામતીની પૂરતી તકેદારી નથી રખાતી. વોલમાર્ટની વાત કરીએ તો સેલ્સ વધવાને કારણે ૧ લાખ જેટલા કર્મચારીઓને નોકરીએ રખાયા પણ તેમના સોશ્યલ ડિસ્ટન્સિંગને મામલે સરખું અમીકરણ ન થયું અને ઘણાંએ વાઇરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો.
વળી જે તે રાષ્ટ્રની સરકારોએ પોતાની રીતે રોગચાળા સામે લડવા તગડો ખર્ચો કર્યો છે. આ ધનિકો દાન આપીને ટેક્સમાંથી છટકી શકે છે. પણ જે રાષ્ટ્રીય દેવું માથે છે તે ઘટાડવામાં હવે આ ધનિકોના ટેક્સના પૈસા કામ નહીં લાગે કારણ કે તેમણે તગડું દાન કર્યું છે. આ ધનિકોનું દાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ અસર કરનારું સાબિત થાય છે.
ફિલાન્થ્રોફીથી દાનવીરોને જે ફાયદા થાય છે તેની પર નજર કરવી પણ જરૂરી છે. સૌથી પહેલાં તો તેનાથી બ્રાન્ડ અને રિલેશનશીપ બિલ્ડીંગ પર તેનો ઊંડો પ્રભાવ પડે છે. કોઇ પણ ક્રિએટીવ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન કરતાં વધુ અસર કોઇ પણ કોર્પોરેટની ફિલાન્થ્રોપિક એક્ટિવિટીથી પડતી હોય છે. લોકો તરત ‘દાનવીર’ ગણાતી કંપનીઝ સાથે કનેક્ટ થવા લાગે છે. ઉપભોક્તવાદ પર પણ આ બ્રાન્ડિંગની અસર થાય છે.
ગેટ્સ ફાઉન્ડેશનની કામગીરી પર એકથી વધુ વખત સવાલ ઊઠ્યા છે. જે પ્રમાણે મોટી રકમ દાનમાં અપાતી હોય છે તે જોતાં તેમાં બધું જ પારદર્શક હોય છે તેમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ. ફિલાન્થ્રોપી પાછળ ઇમેજ બિલ્ડિંગનો ઇરાદો બહુ મોટું કામ કરે છે અને એક સમયે કઠોર અને ગુસ્સાવાળા ગણાતા બિલ ગેટ્સનું રિબ્રાન્ડિંગ એક ભલા અને માયાળુ માણસ તરીકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સફળતાપૂર્વક થઇ ચૂક્યું છે. વિવિધ રાષ્ટ્રોની હેલ્થ કૅર સિસ્ટમને ધારે તો રાતોરાત બહેતર બનાવી શકે, એટલું ધન હોવા છતાં ય દાનને નામે આ રોકડા કલદારના સાગરમાંથી અમી છાંટણાં જ થતાં હોય છે. કમનસીબે ગરીબોનું સ્વાસ્થ્ય ગણતરીના ધનિકોના હાથમાં છે. લેખક ઓસ્કાર વાઇલ્ડે વિક્ટોરિયન યુગના ફિલાન્થ્રોપિસ્ટ માટે જે લખ્યું હતું તે આજે પણ એટલું જ સાચું છે કે, ‘આ ધનિકો ખરેખર એમ માને છે કે તેઓ ગરીબોની બૂરી હાલતનો ઉકેલ શોધી આપશે પણ તેમની પાસે જ પણ ઉકેલ છે તે તો બસ એ બિમારીને જરા લંબાવે છે, તે કશું ય કાયમ માટે સાજું નથી કરી આપતા.’ સાચો માર્ગ એ છે કે સમાજને સમાનતાના એક એવા સ્તરે લાવવાનો પ્રયાસ કરવો કે ગરીબી, વંચિતતા, સ્વાસ્થ્યના પ્રશ્નો વગેરે હોય જ નહીં.
બાય ધી વેઃ
વૈશ્વિક સ્તરે કાળા ભોરિંગ નાગની જેમ ભરડો લઇને બેઠેલા સ્વાસ્થ્યના પ્રશ્નોનો ઉકેલ ધનિકોના કરોડો, અબજો અને ખરબોના દાનમાં નથી. દુનિયાને એવા તંત્રની જરૂર છે જે આટલા બધા બિલ્યોનર્સ ન ખડા કરે, જેમાં સંપત્તિ ગણતરીના લોકોના હાથમાં જ હોય એવું ન બને, ફિલાન્થ્રોપી કોઇને ગેરમાર્ગે દોરનારી, બીજે ધ્યાન દોરનારી કે નુકસાનકારક ન હોય પણ સમાજ ઘડનારી, ઉકેલ આપનારી અને રાજકીય અર્થતંત્રમાં હકારાત્મક બદલાવ લાવનારી હોય.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ડિસેમ્બર 2020